ઉત્તરવાહિની નર્મદા પરિક્રમા

ઉત્તરવાહિની નર્મદા પરિક્રમાગુજરાત રાજ્યના રાજપીપળા નજીક નર્મદા નદીના કાંઠા પર કરવામાં આવતી પરિક્રમા છે. આ પરિક્રમા ચૈત્ર સુદ એકમથી ચૈત્ર વદ અમાસ સુધીના સમયગાળામાં પગે ચાલીને કરવાનું વિશેષ મહત્વ હોય છે. આ એક મહિના દરમ્યાન મોટી સંખ્યામાં ભક્તો પદયાત્રા કરી ધન્યતા અનુભવે છે.[]

નકશો
તિલકવાડા, જ્યાં પરિક્રમા પૂર્ણ થાય છે.

હિંદુ ધર્મના શાસ્ત્રો પ્રમાણે જ્યારે પણ નદીનો પ્રવાહ ઉત્તર દિશા તરફ વહે છે, ત્યારે એ પ્રવાહ ઉત્તરવાહિની તરીકે ઓળખાય છે તથા એ વિસ્તારમાંથી વહેતી નદીનું ધાર્મિક મહત્વ વધી જાય છે. નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના રામપુરા ગામથી તિલકવાડા ગામ સુધી નર્મદા નદીનો પ્રવાહ ઉત્તર દિશામાં વહે છે. આથી અહીં નર્મદા નદીને ઉત્તરવાહિની કહેવામાં આવે છે.

આદ્ય શંકરાચાર્યજી રચિત નર્મદાષ્ટકમાં નર્મદા નદી માટે કહ્યું છે કે, અલક્ષલક્ષલક્ષપાપ લક્ષ સાર સાયુધં તતસ્તુજીવજન્તુતન્તુ ભુક્તિ મુક્તિ દાયકંમ્ અર્થાત પવિત્ર નર્મદા નદીના દર્શનમાત્રથી ભક્તોના પાપોનો નાશ થાય છે. આવું ધાર્મિક મહત્વ ધરાવતી પૂણ્ય સલિલા નર્મદા નદીની સંપૂર્ણ પરિક્રમા પૂર્ણ કરવા આશરે ત્રણથી સાડાત્રણ હજાર કિલોમીટર જેટલું અંતર કાપવું પડે છે, જે દરેક ભક્તો માટે શક્ય ન હોવાને કારણે શ્રદ્ધાળુઓ ઉત્તરવાહિની નર્મદા પરિક્રમા કરતા હોય છે. પશ્ચિમ તટે રામપુરા ગામથી તિલકવાડા સુધી તેમ જ પૂર્વી તટે તિલકવાડાથી રામપુરા ગામ સુધી જતી નર્મદા પરિક્રમા આશરે ૨૨ કિલોમીટર જેટલા અંતરની થાય છે, જેમાં બે વખત હોડીમાં બેસી નર્મદા નદીને પસાર કરવી પડે છે. આ ઉત્તરવાહિની નર્મદા પરિક્રમા કરવાથી સંપૂર્ણ નર્મદા પરિક્રમાનું પુણ્યફળ પ્રાપ્ત થાય છે એવી શ્રધ્ધાળુઓની માન્યતા છે.

સંદર્ભો

ફેરફાર કરો
  1. "ઉત્તરવાહિની નર્મદા પરિક્રમાં માટે હજારો ભાવિક ભક્તો ઊમટી પડયા". ધર્મલોક પૂર્તિ, ગુજરાત સમાચાર. ૧૬ એપ્રિલ ૨૦૨૨. મૂળ સંગ્રહિત માંથી ૧૬ એપ્રિલ ૨૦૨૨ પર સંગ્રહિત. મેળવેલ ૧૬ એપ્રિલ ૨૦૨૨.