કાર્તિકેય

શિવ-પાર્વતીના પુત્ર, યુદ્ધ અને વિજયના દેવતા

કાર્તિકેય હિંદુ ધર્મના આદિદેવ શિવ તેમજ માતા પાર્વતીનું પ્રથમ સંતાન છે. તેમનાં બીજા પણ અનેક નામ છે જેમકે, સ્કંદ, મુરુગન, સુબ્રમણિયમ, સન્મુખ વિગેરે. ભગવાન કાર્તિકેયની પૂજા વિશેષ કરીને દક્ષિણ ભારતમાં અને તેમાં પણ તમિલ નાડુ રાજ્યમાં વધુ થાય છે. ભારત ઉપરાંત હિંદુ સંસ્કૃતિને અનુસરતા કેટલાક દેશ જેવાકે સિંગાપુર, મલેશિયા, શ્રીલંકા વગેરેમાં પણ તેમની પૂજા અર્ચના થાય છે. ભાલાને શસ્ત્રરુપે ધારણ કરનાર ભગવાન કાર્તિકેયનું વાહન મોર છે. હિંદુ માન્યતા મુજબ ભગવાન કાર્તિકેય દેવસેનાના સેનાપતિ છે તેથી તેઓ યુધ્ધના દેવતા તરીકે પણ જાણીતા છે.

ધર્મકૌમારમ Edit this on Wikidata
શસ્ત્રબ્રહ્માસ્ત્ર, ગદા, Vel Edit this on Wikidata
વ્યક્તિગત માહિતી
જીવનસાથીDevasena, Valli Edit this on Wikidata
માતા-પિતા
સહોદરગણેશ Edit this on Wikidata

ભગવાન કાર્તિકેયના જન્મ વિશે ઘણી લોકવાયકાઓ પ્રચલિત છે. પરંતુ, શિવપુરાણ અનુસાર તારકાસુર રાક્ષસે ભગવાન પાસેથી વરદાન પામી ત્રણે લોકમાં પોતાનું શાસન સ્થાપવા હેતુ, આસુરી પ્રવૃત્તિથી યુદ્ધ કરીને ત્રણે લોક જીતી લીધા. ત્યાર બાદ તેણે ઇન્દ્રાસન પામવા માટે દેવો પર આક્રમણ કર્યું. દેવસેના અસુરસેના સામે હારવા લાગી તેથી દેવરાજ ઇન્દ્ર હારને જીતમાં પલટાવવાનો ઉપાય શોધવા લાગ્યા. તારકાસુરને મળેલા વરદાન મુજબ તેનો વધ ભગવાન શિવ અને દેવી પાર્વતીના દ્વિતીય સંતાનના હાથે જ લખાયેલો હતો. પરંતુ શિવજીતો તપમાં લીન હતા, તેથી દેવરાજ ઇન્દ્રે કામદેવ અને રતિની મદદથી ભગવાનની તપ આરાધના ભંગ કરાવી જેના પરિણામે શિવજીએ ત્રીજું નેત્ર ખોલી કામદેવને ભસ્મ કરી દીધા. કામદેવના ભસ્મ થયા બાદ હકિકતની જાણ થતાં ભગવાને તેને પુનઃ સજીવન કરી આપ્યા. કામબાણની અસરને કારણે ભગવાન શિવ અને દેવી પાર્વતી મૂળ વાત ભુલીને પ્રેમ અવસ્થામાં વિહાર કરવા લાગ્યા તેથી ચિંતિત દેવરાજ ઇન્દ્ર વિષ્ણુ ભગવાનનાં શરણે ગયા. વિષ્ણુની આગેવાની હેઠળ તમામ દેવી દેવતા ભગવાન શિવ અને દેવી પાર્વતીને પોતાની વ્યથા વ્યક્ત કરવા કૈલાશ પર્વત પર ગયા જ્યાં રતિક્રિયા મગ્ન ભગવાન શિવનાં અતિ તેજોમય વીર્યનું એક ટીપું ટપક્યુ. અચાનક આવેલા દેવતાઓએ આ ઘટના જોઇ અને અગ્નિદેવે પક્ષી સ્વરુપ ધારણ કરી તેને પોતાની ચાંચમાં ઝીલી લીધું. પરંતુ તેનું તેજ સહન ન થતાં ભગવાનની આજ્ઞાથી છ તેજસ્વી દેવીઓને તે વહેચી દીધું. તે છ કુમારિકા દેવીઓથી પણ તેજ સહન ન થતાં તેમણે હિમાલયમાં જઈ ગંગા નદીમાં બીજ વહાવી દીધું જે વહેણ સાથે વહીને વનની ઝાડીઓ વચ્ચે રક્ષિત રહ્યું અને તેમાંથી એક છ મુખવાળા વિવિધ આયુધ સહિતનાં બાળક કુમાર કાર્તિકેયનો જન્મ થયો. દેવો આ ધટનાથી અતિ પ્રસન્ન થયા અને કુમાર કાર્તિકેયને વિવિધ યુધ્ધ કૌશલ્યથી સિધ્ધ કરી માત્ર છ જ દિવસની ઉંમરમાં દેવ સેનાના સેનાપતિ તરીકે નિયુક્ત કર્યા. છ જ દિવસની કુમળી વયમાં કુમાર કાર્તિકેયે તારકાસુર જેવા ભયંકર રાક્ષસ સાથે યુધ્ધ કરી તેનો સંહાર કર્યો.