કુન્દનિકા કાપડિયા

ગુજરાતી લેખિકા

કુન્દનિકા કાપડિયા (૧૧ જાન્યુઆરી ૧૯૨૭ – ૩૦ એપ્રિલ ૨૦૨૦) એ ગુજરાતી ભાષાના અગ્રગણ્ય વાર્તાકાર, નવલકથાકાર અને નિબંધકાર હતા.

કુન્દનિકા કાપડિયા
કુન્દનિકા કાપડિયા
કુન્દનિકા કાપડિયા
જન્મ (1927-01-11) 11 January 1927 (ઉંમર 97)
લીંબડી, ગુજરાત, ભારત
મૃત્યુ૩૦ એપ્રિલ ૨૦૨૦[]
નંદીગ્રામ, વાંકલ (તા.વલસાડ) વલસાડ
વ્યવસાયનવલકથાકાર, વાર્તા લેખક, નિબંધકાર
ભાષાગુજરાતી
રાષ્ટ્રીયતાભારતીય
નોંધપાત્ર પુરસ્કારોસાહિત્ય અકાદમી પુરસ્કાર (૧૯૮૫)
જીવનસાથી

તેમનો જન્મ જાન્યુઆરી ૧૧, ૧૯૨૭ના રોજ સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી ગામે નરોત્તમદાસ કાપડિયાને ત્યાં થયો હતો.

તેમણે પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ ગુજરાતના ગોધરા ખાતે તેમણે લીધું હતુ. ત્યારબાદ કોલેજ શિક્ષણ તેમણે ભાવનગર (શામળદાસ કોલેજ)માં પુર્ણ કર્યુ હતુ. ત્યાં તેમણે ૧૯૪૮માં રાજકારણ અને ઇતિહાસ સાથે બી. એ. (બેચલર ઓફ આર્ટસ)ની પદવી મેળવી હતી. ત્યારબાદ તેમણે મુંબઈ સ્કૂલ ઓફ ઇકોનોમિક્સમાંથી 'એન્ટાયર પોલીટીક્સ' સાથે એમ. એ. (માસ્ટર ઓફ આર્ટસ)ની પદવી મેળવી હતી.

તેમણે તેમના પતિ મકરંદ દવે સાથે વલસાડ પાસે આવેલા વાંકલ ગામે નંદીગ્રામ નામનો આશ્રમ સ્થાપ્યો હતો.[] તેઓ ૧૯૫૫ થી ૧૯૫૭ સુધી યાત્રિક અને ૧૯૬૨ થી ૧૯૮૦ સુધી નવનીતના સંપાદક પણ રહી ચુક્યા છે.[]

૩૦ એપ્રિલ ૨૦૨૦ના રોજ નંદીગ્રામ ખાતે તેમનું અવસાન થયું હતું.[][]

  • પ્રેમનાં આંસુ
  • વધુ ને વધુ સુંદર
  • જવા દઇશું તમને
  • કાગળની હોડી
  • મનુષ્ય થવું
  • દ્વાર અને દીવાલ
  • ચંદ્ર તારા વૃક્ષ વાદળ

પ્રાર્થના

ફેરફાર કરો
  • પરમ સમીપે
  • પુરુષાર્થને પગલે
  • કિશોર ડિટેક્ટીવ
  • વસંત આવશે
  • પૂર્ણ કુંભ
  • જીવન એક ખેલ
  • હિમાલયના સિદ્ધયોગી

સાત પગલાં આકાશમાં અને પરમ સમીપે તેમના બહુ જ વખણાયેલાં અને વંચાયેલાં સર્જનો છે.

પ્રેરણા

ફેરફાર કરો

તેમને મુખ્યત્વે ભારતના ધૂમકેતુ, શરદબાબુ, ટાગોર અને બહારના દેશોના શેક્સપિયર અને ઈબ્સનમાંથી પોતાને સર્જનકાર્યની પ્રેરણા મળી હોવાનું તેઓ જણાવે છે. આ લેખકોના વાંચનથી એમની સાહિત્ય દ્વારા કશુંક યોગદાન આપવાની ભાવના ઘડાઈ. ‘સ્નેહધન’ તેમનું તખલ્લુસ હતું.

શૈલી, વિવેચન અને કૃતિઓ

ફેરફાર કરો

એમની પ્રથમ રચના ‘પ્રેમનાં આંસુ’ વાર્તા છે. જન્મભૂમિ પત્રએ યોજેલી આંતરરાષ્ટ્રીય વાર્તા સ્પર્ધામાં આ વાર્તા પુરસ્કૃત થયેલી. એમના વાર્તાસંગ્રહોમાં પ્રેમનાં આંસુ (૧૯૫૪) તથા વધુ ને વધુ સુંદર (૧૯૬૮), કાગળની હોડી (૧૯૭૮) અને જવા દઈશું તમને (૧૯૮૩) મુખ્ય છે. ફિલસૂફી, સંગીત ને પ્રકૃતિ જેવા વિષયોને વિશેષ રીતે પ્રયોજતી એમની વાર્તાઓમાં રહસ્યમયતા કોઈ ને કોઈ રીતે આલેખાયેલી હોય છે.

એમણે લખેલી ત્રણ નવલકથાઓ પૈકી પહેલી પરોઢ થતાં પહેલાં (૧૯૬૮)' જીવનમાં પડેલા દુઃખના તત્ત્વને અતિક્રમીને મનુષ્ય પોતાના આનંદરુપ સાથે શી રીતે અનુસંધિત થઈ શકે એ મૂળભૂત પ્રશ્ન છેડીને કલાત્મક ધ્વનિમયતાથી પરોઢનાં આશાકિરણની ઝાંખી કરાવતી કથા છે. અગનપિપાસા (૧૯૭૨) બુદ્ધિ કરતાં હૃદય પરની આસ્થા પ્રગટ કરીને નવો દ્રષ્ટિકોણ પ્રગટ કરતી કથા છે. સાત પગલાં આકાશમાં (૧૯૮૪)' નામની એમની બહુચર્ચિત દીર્ઘનવલ આધુનિક નારીના વિદ્રોહની કંઈક અંશે દસ્તાવેજી કથા છે.

એમણે છ જેટલા અનુવાદ આપ્યા છે: લોરા ઈંગ્લસ વાઈલ્ડર નામની લેખિકાની નવલકથાનો અનુવાદ વસંત આવશે (૧૯૬૨) મેરી એલન ચેઝના જીવનના-ખાસ કરી બાળપણના અનુભવોનો સાહિત્યિક સુષમાવાળો અનુવાદ દિલભર મૈત્રી (૧૯૬૩) અને બંગાળી લેખિકા રાણી ચંદના- પ્રવાસવર્ણનનો અનુવાદ પૂર્ણકુંભ (૧૯૭૭), ઉપરાંત એમના પ્રકીર્ણ લેખોનો સંગ્રહ દ્વાર અને દીવાલ (૧૯૫૫), પ્રાર્થનાસંકલન પરમસમીપે (૧૯૮૨) પણ નોંધપાત્ર છે.

સાત પગલાં આકાશમાં (૧૯૮૪) : સ્ત્રી અને પુરુષો વચ્ચેના સંબંધોની સંકુલ અને નાજુક સમસ્યાઓના સંદર્ભે નારીજીવનની વ્યથાને નિરુપતી, કુંદનિકા કાપડિયાની નવલકથા, કેટલીક સત્ય ઘટનાઓ અને મુખ્યત્વે વસુધાના પાત્ર દ્વારા સ્ત્રીનું અસ્તિત્વ અને તેની અસ્મિતા વચ્ચેના સંઘર્ષની કથા અહીં આલેખાયેલી છે. અહીં પ્રયોજાયેલું શીર્ષક લાક્ષણિક છે. સાત પગલાં દ્વારા સપ્તપદી-લગ્નજીવનનું વ્યવધાન સુચવાય છે, તો ‘આકાશ’ દ્વારા એ વ્યવધાનમાંથી મળતી મુક્તિ સુચવાય છે. પરંતુ આ વાત ઉપસાવવા જતાં નાયિકા વસુધાની પડછે વ્યોમેશના પાત્રને સભાનપણે એક પક્ષી, કુંઠિત અને સ્ત્રીઓને અન્યાય કરનારા પુરુષોના પ્રતિંનિધિ જેવું ચીતર્યું છે તેમાં અસંતુલિત આલેખન કળાઈ જાય છે. વળી, ઘણા બધાં પાત્રો અને સમસ્યાઓનું એકસાથે નિરુપણ કરવા જતાં નવલકથાના આકારની સુરેખતા પણ સઘાયેલી નથી અને તેથી આનંદગ્રામની યોજનાની વાસ્તવિકતા સંશય પ્રેરે તેવી છે. આમ છતાં પાત્રોનાં મનોવિશ્લેષણો અને મનોમંથનો કથાને રસપ્રદ બનાવે છે.

પુરસ્કાર

ફેરફાર કરો

તેમને ગુજરાતી સાહિત્ય પરિષદ અને ગુજરાત સાહિત્ય અકાદમી તરફથી સંખ્યાબંધ પુરસ્કારો પ્રાપ્ત થયા હતા. ૧૯૮૫માં સાહિત્ય અકાદમી, દિલ્હીનો પુરસ્કાર તેમને તેમની નવલકથા સાત પગલાં આકાશમાં માટે મળ્યો.[] ૧૯૮૪માં તેમને ધનજી કાનજી ગાંધી સુવર્ણ ચંદ્રક મળ્યો હતો.[]

  1. ૧.૦ ૧.૧ Shukla, RakeshKumar (2020-04-30). "'સાત પગલાં આકાશમાં' નામની પ્રસિદ્ધ ગુજરાતી કૃતિનાં લેખિકા કુંદનિકા કાપડિયાનું નંદીગ્રામ ખાતે નિધન". divyabhaskar. મેળવેલ 2020-04-30.
  2. ૨.૦ ૨.૧ "Nandigram : A center for Service and Sadhana". Nandigram. મૂળ માંથી 2018-09-24 પર સંગ્રહિત. મેળવેલ 2016-12-28.
  3. "કુન્દનિકા કાપડિયા (Kundanika Kapadia)". ગુજરાતી સાહિત્ય પરિષદ. મેળવેલ 28 December 2016.
  4. "Gujarati author Kundanika Kapadia dies at 93". The Indian Express (અંગ્રેજીમાં). 2020-04-30. મેળવેલ 2020-04-30.
  5. "Sahitya Akademi Awards". Sahitya Akademi (અંગ્રેજીમાં). મૂળ માંથી 4 March 2016 પર સંગ્રહિત. મેળવેલ 28 December 2016.

બાહ્ય કડીઓ

ફેરફાર કરો