કુમારપાળ દેસાઈ ‍(જન્મ: ૩૦ ઓગસ્ટ ૧૯૪૨) ગુજરાતી લેખક, વિવેચક, કટારલેખક અને અનુવાદક છે.[][]

કુમારપાળ દેસાઈ
કુમારપાળ દેસાઈ ગુજરાતી સાહિત્ય પરિષદમાં, ૨૦૧૪
કુમારપાળ દેસાઈ ગુજરાતી સાહિત્ય પરિષદમાં, ૨૦૧૪
જન્મનું નામ
કુમારપાળ બાલાભાઈ દેસાઈ
જન્મકુમારપાળ બાલાભાઈ દેસાઈ
૩૦ ઓગસ્ટ ૧૯૪૨[]
રાણપુર, બોટાદ જિલ્લો, ગુજરાત[]
વ્યવસાયલેખક, વિવેચક, કટારલેખક, અનુવાદક
ભાષાગુજરાતી
રાષ્ટ્રીયતાભારતીય
શિક્ષણ
  • એમ.એ.
  • પીએચ.ડી.
માતૃ શિક્ષણ સંસ્થાગુજરાત યુનિવર્સિટી
નોંધપાત્ર પુરસ્કારો
  • ધનજી કાનજી ગાંધી સુવર્ણ ચંદ્રક (૨૦૦૧)
  • પદ્મશ્રી (૨૦૦૪)
  • સાહિત્ય ગૌરવ પુરસ્કાર (૨૦૦૯)
  • રણજિતરામ સુવર્ણચંદ્રક (૨૦૧૫)

કુમારપાળ દેસાઈનો જન્મ ગુજરાતના બોટાદ જિલ્લામાં આવેલા રાણપુરમાં થયો હતો, જ્યારે તેમનું વતન સાયલા છે. તેમના માતાનું નામ જયાબહેન અને પિતાનું નામ બાલાભાઈ દેસાઈ છે. તેમના પિતા જયભિખ્ખુ તરીકે જાણીતા ગુજરાતી સાહિત્યના ખ્યાતનામ લેખક હતા.

કુમારપાળે મુખ્ય વિષય તરીકે ગુજરાતી લઈ અમદાવાદથી ૧૯૬૩માં બી.એ. અને ૧૯૬૫માં એમ.એ. થઈ નવગુજરાત કૉલેજ, અમદાવાદમાં ગુજરાતીના અધ્યાપક તરીકે કારકિર્દીની શરૂઆત કરી. ૧૯૮૦માં ડૉ. ધીરુભાઈ ઠાકરના માર્ગદર્શન નીચે 'આનંદઘન : એક અઘ્યયન' વિશે શોધપ્રબંધ લખી એમણે ગુજરાત યુનિવર્સિટીમાંથી પીએચ.ડી.ની પદવી પણ પ્રાપ્ત કરી. ૧૯૮૩માં તેઓ ગુજરાત યુનિવર્સિટીના ભાષાસાહિત્યભવનમાં જોડાયા. એ પછી ભાષાસાહિત્યભવનમાં ગુજરાતી વિભાગના અધ્યક્ષ, ભાષાસાહિત્યભવનના નિયામક અને ગુજરાત યુનિવર્સિટીના વિનયન વિદ્યાશાખાના ડીન તરીકે સેવાઓ આપીને નિવૃત્ત થયા છે.

ગુજરાત સરકાર દ્વારા સ્થપાનાર અહિંસા યુનિવર્સિટીની ઍક્ટ અને પ્રૉજેક્ટ સમિતિના ચેરમેન તરીકે એમણે કાર્ય કર્યું છે. અત્યારે યુનિવર્સિટીનો દરજ્જો ધરાવતી જૈન વિશ્વભારતી ઇન્સ્ટિટ્યૂટના પ્રૉફેસર એમરિટ્સ અને ગૂજરાત વિદ્યાપીઠના એડજન્ક્ટ પ્રૉફેસર તરીકે તેઓ જોડાયેલા છે

કુમારપાળે અગિયાર વર્ષની વયે 'ઝગમગ' નામના બાલસાપ્તાહિકમાં દેશ માટે જીવનનું બલિદાન આપનાર એક ક્રાંતિવીરની કાલ્પનિક કથાથી લેખનના શ્રીગણેશ કરેલા. બાળપણથી જ તેમને ત્યાગ-શૌર્યની વાતોનું આકર્ષણ હતું; કેમ કે – વીરોની ભૂમિ સૌરાષ્ટ્ર એમનું જન્મસ્થાન-વતન છે. વળી 'કુરબાનીની કથા'ના રચયિતા ઝવેરચંદ મેઘાણી, સાગરકથાઓના સર્જક ગુણવંતરાય આચાર્ય, વિખ્યાત નવલિકાકાર ધૂમકેતુ, કવિ દુલા કાગ જેવા સમર્થ સાહિત્યસ્વામીઓનું સાન્નિધ્ય તેમને શૈશવથી જ સાંપડ્યું હતું. પોતાનું લખાણ પિતાના કારણે ન છપાય એ માટે જ તેમણે પોતાનું પ્રથમ લખાણ 'કુ. બા. દેસાઈ' એવા નામથી મોકલ્યું હતું. એમનું પ્રથમ પુસ્તક 'વતન, તારાં રતન' કૉલેજના અભ્યાસકાળ દરમિયાન પ્રગટ થયું. અખબારોમાં લખવાની શરૂઆત તેમણે પ્રથમ વર્ષ બી.એ.માં ભણતા હતા ત્યારથી કરી દીધેલી.

તેમણે ૧૯૬૨માં 'ગુજરાત સમાચાર'માં કૉલમલેખનનો અને ૧૯૬૫માં ગ્રંથલેખનનો પ્રારંભ કરેલો. ૧૯૬૫માં લાલબહાદુર શાસ્ત્રીનું જીવનચરિત્ર 'લાલ ગુલાબ' નામે લખીને બાલસાહિત્યક્ષેત્રે પદાર્પણ કર્યું. એ પુસ્તકની ૬૦ હજાર નકલો વેચાઈ. ગુજરાત સરકારની ઉચ્ચ ગુણવત્તાવાળા બાલસાહિત્યની સ્પર્ધામાં એ પુસ્તકને પ્રથમ પુરસ્કાર પ્રાપ્ત થયેલો. ૧૯૬૬ની ૧૧મી જાન્યુઆરીએ વડાપ્રધાન લાલબહાદુર શાસ્ત્રીનું અણધાર્યું અવસાન થતાં કુમારપાળે એમના જીવનની વિશેષ વિગતો પ્રાપ્ત કરી લગભગ ત્રણસો પૃષ્ઠનું 'મહામાનવ શાસ્ત્રી' નામક વિસ્તૃત ચરિત્ર તૈયાર કર્યું, જેનો પ્રકાશન-સમારોહ 'ધૂમકેતુ' કૃત 'ધ્રુવદેવી' નવલકથાના પ્રકાશન સાથે સંલગ્ન હતો.

'લાલ ગુલાબ'ની સફળતા પછી કુમારપાળે બાલસાહિત્યસર્જનમાં સક્રિયતા દાખવી. પોતાનાં પુસ્તકોની સંખ્યામાં સતત વૃદ્ધિ કરવી એટલું જ એમનું લક્ષ્ય ન હતું; પ્રત્યેક પુસ્તકના લેખન પાછળ એક આગવી દ્રષ્ટિ રાખીને તેઓ લખતા. બાદશાહ (અકબર) અને બીરબલની ચાતુરીની વાતો સાંભળનારા ગુજરાતને ચતુર તથા વિચક્ષણ ગુજરાતીની ઓળખ કરાવવી જોઈએ એ દ્રષ્ટિએ 'ડાહ્યો ડમરો' જેવી કહેવતની પાછળ રહેલા દામોદર મહેતાની કથા તથા ચાતુરીની વાત આપી. આ રીતે કચ્છની વીરતા દર્શાવતું 'કેડે કટારી ખભે ઢાલ', કોમી એખલાસના વિષય પર 'બિરાદરી', નાની વ્યક્તિનાં સાહસો દર્શાવતાં 'હૈયું નાનું, હિંમત મોટી', 'નાની ઉંમર, મોટું કામ', 'ઝબક દીવડી', 'મોતને હાથતાળી' જેવાં અનેક પુસ્તકો લખ્યાં. જીવનચરિત્રક્ષેત્રે કુમારપાળે 'વીર રામમૂર્તિ', 'સી. કે. નાયડુ', 'બાળકોના બુદ્ધિસાગરસૂરિજી', 'ભગવાન ઋષભદેવ', 'ફિરાક ગોરખપુરી', 'ભગવાન મલ્લિનાથ', 'આતમજ્ઞાની શ્રમણ કહાવે', 'ભગવાન મહાવીર', 'અંગૂઠે અમૃત વસે', 'શ્રી મહાવીર જીવનદર્શન', 'માનવતાની મહેક' (પ્રેમચંદ વ્રજપાળ શાહનું જીવનચરિત્ર), 'આફતોની આંધી વચ્ચે સમૃદ્ધિનું શિખર' (યુ.એન. મહેતાનું ચરિત્ર) તથા 'મૂળમાર્ગનું અમૃત અને અધ્યાત્મનું શિખર' (શ્રીમદ્ રાજચંદ્રનું જીવનચરિત્ર) જેવાં અનેક ચરિત્રો આપ્યાં છે. એ ચરિત્રોમાં તેમણે મુખ્યત્વે જે તે ચરિત્રનાયકના જીવનના મહત્ત્વના પ્રસંગોને રસપ્રદ રીતે ગૂંથી તેમની વાસ્તવિક જીવનછબિ પ્રસ્તુત કરવાનો પ્રયાસ કર્યો છે. તેથી તે ચરિત્રો રસાવહ અને સુવાચ્ય બન્યાં છે.

ચરિત્રસાહિત્યમાં મૂકી શકાય એવું એક પ્રેરક પુસ્તક 'અપંગનાં ઓજસ' એમણે લખ્યું છે. આ પુસ્તક બ્રેઇલ લિપિમાં અને 'अपाहिज तन, अडिग मन'ને નામે હિંદીમાં અનૂદિત થયું છે જેની તૃતીય આવૃત્તિ તાજેતરમાં પ્રગટ થઈ આ પુસ્તક અંગ્રેજીમાં 'The Brave Heart'ના નામે પ્રગટ થયું છે. આ પુસ્તકની પ્રસ્તાવના ગુજરાતના સમર્થ સંત પૂ. મોટાએ તથા પ્રસિદ્ધ ક્રિકેટર વિજય મર્ચન્ટે લખી છે.

બાલસાહિત્યક્ષેત્રે મબલક અને સત્ત્વશીલ અર્પણ કર્યા પછી એમણે પ્રૌઢસાહિત્યક્ષેત્રે પણ કલમ ચલાવી. વાસ્તવમાં બાલસાહિત્યની સાથે સાથે તેમનું પ્રૌઢસાહિત્યનું સર્જન, વિવેચન-સંશોધન પણ ચાલતું રહ્યું છે.

બાલકથાઓ ઉપરાંત કુમારપાળે લખેલો નવલિકાસંગ્રહ 'એકાંતે કોલાહલ' લોકપ્રિય થયો છે. 'જયભિખ્ખુ' અને 'ધૂમકેતુ' જેવા સમર્થ વાર્તાકારોનો પ્રભાવ તેમની વાર્તાઓ ઉપર પડેલો.

કુમારપાળ ભારતીય સંસ્કૃતિ, જૈનદર્શન અને જૈનસાહિત્યના અભ્યાસી છે. તેમણે ચિંતનલેખોના અનેક સંગ્રહો આપ્યા છે. 'ઝાકળભીનાં મોતી'ના ત્રણ ભાગ, 'મોતીની ખેતી', 'માનવતાની મહેક', 'તૃષા અને તૃપ્તિ', 'ક્ષમાપના', 'શ્રદ્ધાંજલિ', 'જીવનનું અમૃત', 'દુઃખની પાનખરમાં આનંદનો એક ટહુકો', 'ઝાકળ બન્યું મોતી' વગેરે સંગ્રહોમાંના લેખો કુમારપાળના નિબંધકાર તરીકેના પાસાને સુપેરે પ્રગટ કરે છે. આ સંગ્રહોના કેટલાક લેખો વ્યાખ્યાન નિમિત્તે લખાયા હતા.

કુમારપાળ પ્રભાવશાળી વક્તા છે. ગુજરાત અને ભારતમાં ઠેર ઠેર વ્યાખ્યાનો આપવાની સાથે તેમણે ઇંગ્લૅન્ડ, અમેરિકા, પૂર્વ આફ્રિકા, કૅનેડા, સિંગાપોર, બેલ્જિયમ, હૉંગકૉંગ, મલેશિયા, ઇન્ડોનેશિયા વગેરે દેશોમાં પર્યુષણ નિમિત્તે તેમજ પરિસંવાદ આદિ નિમિત્તોએ આપેલાં વ્યાખ્યાનો ખૂબ પ્રશંસા પામ્યાં છે. ઈ.સ. 1990માં બકિંગહામ પૅલેસમાં ડ્યૂક ઑવ એડિનબરો પ્રિન્સ ફિલિપને 'જૈન સ્ટેટમેન્ટ ઑન નેચર' અર્પણ કરવા ગયેલા પાંચ ખંડના જૈન પ્રતિનિધિમંડળમાં તેઓ હતા. વળી, 1993માં શિકાગોમાં અને 1999માં દક્ષિણ આફ્રિકાના કૅપટાઉન શહેરમાં યોજાયેલી 'વર્લ્ડ પાર્લમેન્ટ ઑફ રિલિજિયન્સ'માં તથા 1994માં વૅટિકનમાં પોપ જૉન પૉલ (દ્વિતીય)ની મુલાકાત લેનાર પ્રતિનિધિમંડળમાં ધર્મદર્શન વિશે તેમણે સાર્થક ચર્ચા કરી હતી. 'ઇન્સ્ટિટ્યૂટ ઑફ જૈનૉલોજી' નામની વિશ્વવ્યાપી સંસ્થાના તેઓ ભારત ખાતેના ટ્રસ્ટી અને કો-ઑર્ડિનેટર છે. આ સંસ્થા દ્વારા બ્રિટિશ લાઇબ્રેરીમાં રહેલી જૈન હસ્તપ્રતોના કૅટલૉગનું કામ ચાલી રહ્યું છે જેના પ્રથમ ત્રણ ભાગનો વિમોચનવિધિ 25મી મે 2006ના રોજ નવી દિલ્હીમાં વિજ્ઞાન ભવન ખાતે ડૉ. મનમોહનસિંઘના હસ્તે કરવામાં આવ્યો.

કુમારપાળ દેસાઈએ પીએચ.ડી.ના સંશોધન નિમિત્તે મધ્યકાળના મરમી સંતકવિ આનંદઘનના જીવન અને કવન વિશે ઊંડાણથી અભ્યાસ કરી, તેમનાં પદો અને સ્તવનોની હસ્તપ્રતોનું સંશોધન કરી તેમના કવિત્વને પ્રકાશમાં આણ્યું છે. તેમણે ગુજરાતના જુદા જુદા હસ્તપ્રતભંડારોમાંથી 300 જેટલી હસ્તપ્રતોનો અભ્યાસ કરી તેના આધારે શાસ્ત્રીય સંપાદન કર્યું છે. પં. બેચરદાસ દોશી, ડૉ. ભોગીલાલ સાંડેસરા અને પં. દલસુખભાઈ માલવણિયા જેવા વિદ્વાનોએ એમના સંશોધનકાર્યની પ્રશંસા કરી છે. મધ્યકાલીન સાહિત્યના સંશોધનક્ષેત્રે ડૉ. કુમારપાળ દેસાઈએ નોંધપાત્ર પ્રદાન કર્યું છે. તેમણે સંશોધન કરી 'અપ્રગટ મધ્યકાલીન કૃતિઓ', 'જ્ઞાનવિમલસૂરિકૃત સ્તબક' અને 'મેરુસુંદર ઉપાધ્યાયરચિત અજિતશાંતિસ્તવનનો બાલાવબોધ' જેવાં પુસ્તકો પ્રગટ કર્યાં છે. 'ગત સૈકાની જૈન ધર્મની પ્રવૃત્તિઓ' અને 'અબ હમ અમર ભયે' તેમનાં સંશોધનમૂલક પુસ્તકો છે. રાજસ્થાનના લોકસંસ્કૃતિ શોધ સંસ્થાન તરફથી આનંદઘન વિશેના ઉત્કૃષ્ટ સંશોધન માટે તેમને 'હનુમાનપ્રસાદ પોદ્દાર' પારિતોષિક મળ્યું હતું. ગુજરાત યુનિવર્સિટીની વિનયન વિદ્યાશાખામાં 1975 અને 1980માં સંશોધન અંગેનું ઉત્કૃષ્ટ કાર્ય કરવા માટે તેમને ડૉ. કે. જી. નાયક ચંદ્રક એનાયત થયો હતો. 1985માં સંશોધન અંગેના ઉત્કૃષ્ટ કાર્ય માટે તેમને આ ચંદ્રક પુનઃ પ્રાપ્ત થયેલો.

કુમારપાળ સર્જક હોવાની સાથે વિવેચક પણ છે. 'હેમચંદ્રાચાર્યની સાહિત્યસાધના', 'શબ્દસંનિધિ', 'ભાવન-વિભાવન', 'આનંદઘન : જીવન અને કવન', 'શબ્દસમીપ' વગેરે તેમનાં વિવેચનનાં પુસ્તકો છે. મુખ્યત્વે મધ્યકાલીન સાહિત્યના અભ્યાસી કુમારપાળ અર્વાચીન સાહિત્યના પણ મર્મજ્ઞ છે એની પ્રતીતિ આર્વાચીન કૃતિઓ વિશેના એમના વિવેચનલેખો કરાવે છે. મધ્યકાળના ગણ્યાગાંઠ્યા અભ્યાસીઓમાં તેમની ગણના કરવી પડે.

કુમારપાળ સૂઝવાળા સંપાદક પણ છે. તેમણે સંખ્યાબંધ સંપાદનો કર્યાં છે, જેમાં મહત્ત્વનાં છે : 'જયભિખ્ખુ સ્મૃતિગ્રંથ', 'શબ્દશ્રી', 'કવિ દુલા કાગ સ્મતિગ્રંથ', 'હૈમસ્મૃતિ', 'જયભિખ્ખુની જૈન ધર્મકથાઓ' ભાગ 1-2 'નર્મદ, : આજના સંદર્ભમાં', 'નવલિકા અંક' ('ગુજરાત ટાઇમ્સ'), 'ઓજસ દીઠાં, આત્મબળનાં', 'રત્નત્રયીનાં અજવાળાં', 'સામાયિક સૂત્ર' (અર્થ સાથે), 'શંખેશ્વર મહાતીર્થ', 'યશોભારતી', 'ધન્ય છે ધર્મ તને' (આચાર્ય વિજયવલ્લભસૂરિનાં પ્રવચનોનું સંપાદન), 'આત્મવલ્લભ સ્મરણિકા' (ગુજરાતી વિભાગનું સંપાદન), 'બાળસાહિત્ય સંગોષ્ઠિ,' 'પરિવર્તનનું પ્રભાત' ('ગુજરાત ટાઇમ્સ'), 'એકવીસમી સદીનું વિશ્વ' ('ગુજરાત ટાઇમ્સ'), 'એકવીસમી સદીનું બાળસાહિત્ય', 'અદાવત વિનાની અદાલત' (ચં. ચી. મહેતાનાં રેડિયો-રૂપકોનું સંપાદન), 'એક દિવસની મહારાણી' (ડેમોન રનિયનની વાર્તાઓનો ચં.ચી. મહેતાએ કરેલો અનુવાદ). તેમના દ્વારા સંપાદિત પુસ્તકોનો વ્યાપ જોતાં તેમનું રસક્ષેત્ર કેટલું વિશાળ છે એનો અંદાજ આવે છે. પ્રત્યેક સંપાદનમાં તેમની સૂઝ, સમજ અને ચીવટ જોવા મળે છે.

ગુજરાતીના સમર્થ લેખક કુમારપાળે હિન્દી તથા અંગ્રેજી ભાષાઓમાં પણ લેખન કર્યું છે. હિંદીમાં તેમણે 'जिनशासन की कीर्तिगाथा' નામક પુસ્તક આપ્યું છે. અંગ્રેજીમાં પણ તેમના અનેક પુસ્તક પ્રસિદ્ધ થયા છે. હિન્દી-અંગ્રેજીમાં તેમનાં પુસ્તકો મુખ્યત્વે જૈન ધર્મ અને તેની સાથે સંકળાયેલ વિષયો પૂરતાં મર્યાદિત છે. આ પુસ્તકોમાં તેમણે જૈન ધર્મના સિદ્ધાંતો તથા જૈનધર્મનાં વિભિન્ન પાસાં પર પ્રકાશ પાડ્યો છે.

કુમારપાળે આફ્રિકન લેખક ઑસ્ટિન બુકેન્યાની પ્રમાણમાં ઓછી જાણીતી પણ સાહિત્યિક દ્રષ્ટિએ સંતર્પક નાટ્યકૃતિનો ગુજરાતી અનુવાદ 'નવવધૂ'નામથી કર્યો છે. આરંભે મૂકેલા અભ્યાસલેખમાં તેમણે આ લેખકનો અને તેમની કૃતિનો સાહિત્યિક પરિચય કરાવી તેનો આસ્વાદ કરાવ્યો છે. મૂળ સર્જકની મુલાકાત લઈને તેમણે સાંપ્રત આફ્રિકન નાટકની પશ્ચાદ્ ભૂ પણ પ્રગટ કરી છે.

ઈ. ૧૯૬૯માં 'જયભિખ્ખુ'નું અવસાન થયું ત્યારે કુમારપાળ ૨૭ વર્ષના હતા. મસ્ત, સ્વતંત્ર મિજાજ અને સ્વમાન ધરાવતા સર્જક 'જયભિખ્ખુ'એ જીવનમાં નિર્ણય કર્યો હતો કે પૈતૃક સંપત્તિ લેવી નહીં અને પુત્રને સંપત્તિ આપવી નહીં. બધાએ આપબળે તૈયાર થવું. 'જયભિખ્ખુ'ના અવસાન વખતે એમનાં પુસ્તકોમાંથી રૂ. ૩૫૦ મળ્યા. એ વખતે 'જયભિખ્ખુ' 'ગુજરાત સમાચાર'માં 'ઈંટ અને ઇમારત' કૉલમ લખતા. તેમણે ૧૯૫૨થી આ કૉલમ લખવી શરૂ કરેલી અને ખૂબ લોકપ્રિય હતી. અખબારના તંત્રીએ કુમારપાળને બોલાવી એમના પિતાની આ કૉલમ ચાલુ રાખવા સૂચવ્યું. પહેલાં તો કુમારપાળ ખચકાયા, પણ તંત્રીએ બહુ આગ્રહ કરતાં તેઓ સંકોચ સાથે તૈયાર થયા. શરૂઆતના ચારપાંચ હપ્તા નામ વગર આપ્યા. એને આવકાર મળ્યો. પછી જ તેમણે પોતાનું નામ પ્રસિદ્ધ કર્યું. ત્યારથી આજ સુધી તેઓ નિયમિત એ કૉલમ લખતા રહ્યા છે. પિતા-પુત્ર દ્વારા અડધી સદીથી પણ વધુ સમય નિયમિત રીતે એક કૉલમ લખાઈ હોય એવો ગુજરાતી પત્રકારત્વક્ષેત્રમાં બીજો કોઈ દાખલો જોવા નહીં મળે. 'ગુજરાત સમાચાર'માં તેઓ ઉપર્યુક્ત કૉલમ ઉપરાંત 'આકાશની ઓળખ', 'ઝાકળ બન્યું મોતી', 'પારિજાતનો પરિસંવાદ' જેવી અનેક કૉલમો નિયમિત લખે છે. અત્યારે 'ગુજરાત સમાચાર'માં સૌથી વધુ વૈવિધ્યપૂર્ણ કૉલમો લખનાર તેઓ એકમાત્ર પત્રકાર છે. 'ગુજરાત ટાઇમ્સ'માં પણ તેઓ 'પાંદડું અને પિરામિડ' નામક કૉલમ નિયમિત લખે છે. ગુજરાત યુનિવર્સિટીના પત્રકારત્વ વિભાગમાં તેઓ વર્ષોથી અધ્યાપક તરીકે સેવા આપે છે. આ ઉપરાંત ગુજરાતની અન્ય યુનિવર્સિટીઓમાં પણ તેઓ પત્રકારત્વના અભ્યાસક્રમ સાથે સંકળાયેલા છે. 'અખબારી લેખન' વિશે તેમણે એક પુસ્તક લખ્યું છે તથા 'સાહિત્ય અને પત્રકારત્વ' નામક ગ્રંથનું સંપાદન કર્યું છે. પત્રકારત્વક્ષેત્રે બહુવિધિ કામગીરી બજાવવા માટે તેમને 'નવચેતન' માસિક દ્વારા નવચેતન રૌપ્યચંદ્રક, પત્રકારત્વમાં વિશિષ્ટ પ્રદાન માટે યજ્ઞેશ હ. શુક્લ પારિતોષિક, સ્પૉર્ટ્ સ વિશે પત્રકારત્વમાં મહત્ત્વનું પ્રદાન કરવા માટે નાનુભાઈ સુરતી ફાઉન્ડેશન દ્વારા સંસ્કૃતિ ગૌરવ પુરસ્કાર તથા મિલેનિયમ એવૉર્ડ તેમજ સુરત શહેર પત્રકાર નિધિ દ્વારા પૂર્વ ટેસ્ટ ક્રિકેટર અને સિલેક્ટર શ્રી અંશુમાન ગાયકવાડના હસ્તે 'બેસ્ટ સ્પૉર્ટ્ સ જર્નાલિસ્ટ એવૉર્ડ', ગુજરાત દૈનિક અખબાર સંઘ દ્વારા પત્રકારત્વમાં સત્ત્વશીલ લેખન માટે હરિૐ આશ્રમ એવૉર્ડ તેમજ શિષ્ટ, સાત્ત્વિક અને મૂલ્યલક્ષી લેખન માટે શ્રીમદ્ રાજચંદ્ર આધ્યાત્મિક સાધના કેન્દ્ર તરફથી સંસ્કૃતિ સંવર્ધન એવૉર્ડ એનાયત થયાં છે. નડિયાદની હ્યુમન સોસાયટી ઑફ ઇન્ડિયાએ 'લાઇફ ટાઇમ એચીવમેન્ટ એવૉર્ડ' એમને એનાયત કર્યો છે.

ઈ. સ. ૧૯૮૪થી પ્રતિવર્ષ પરદેશમાં કુમારપાળનાં વ્યાખ્યાનો યોજાય છે. આ ક્ષેત્રની તેમની પ્રવૃત્તિના અભિવાદન રૂપે ઇંગ્લૅન્ડમાં ૧૭ ભારતીય સંસ્થાઓએ મળીને તેમને 'શ્રી હેમચંદ્રાચાર્ય એવૉર્ડ' આપેલો. આ ઉપરાંત તેમને ઉત્તર કૅલિફૉર્નિયાના જૈન કેન્દ્ર દ્વારા 'ગૌરવ પુરસ્કાર', 'જૈન જ્યોતિર્ધર એવૉર્ડ', 'ગુજરાત રત્ન એવૉર્ડ', તથા ૧૯૮૦માં જુનિયર ચૅમ્બર્સ તરફથી 'ટેન આઉટસ્ટૅન્ડિંગ યંગ પર્સનાલિટી ઑફ ઇન્ડિયા' એવૉર્ડ પણ એનાયત થયેલ. અમેરિકા અને કૅનેડાનાં તમામ કેન્દ્રોને આવરી લેતા 'ફેડરેશન ઑફ જૈન ઍસોસિયેશન ઑફ નૉર્થ અમેરિકા' (જૈના) દ્વારા અમેરિકા સિવાયના અન્ય દેશોમાં જૈન સાહિત્યનાં સંશોધન અને દર્શન અંગે અગત્યની કામગીરી કરનારને અપાતો પ્રેસિડેન્ટ સ્પેશ્યલ એવૉર્ડ કૅનેડાના ટોરન્ટોમાં ૧૯૯૭ના જુલાઈમાં યોજાયેલા દ્વિવાર્ષિક અધિવેશનમાં કુમારપાળને એનાયત થયો હતો. મૂલ્યનિષ્ઠ સાહિત્યસર્જન માટે દિલ્હીની અહિંસા ઇન્ટરનૅશનલ સંસ્થાએ 'દીપ્તિમલ આદીશ્વરલાલ લિટરરી એવૉર્ડ' તથા શ્રી દિવાળીબહેન મોહનલાલ મહેતા ચેરિટેબલ ટ્રસ્ટે 'હ્યુમન વૅલ્યૂઝ ઍન્ડ કલ્ચરલ હેરિટેજ' અંગેના કાર્ય માટે 'શ્રી દિવાળીબહેન મોહનલાલ મહેતા એવૉર્ડ' એનાયત કર્યા છે. ઈ.સ. ૨૦૦૧માં ભગવાન મહાવીર જન્મકલ્યાણક સમિતિ તરફથી જૈનદર્શન અને જૈન ભાવનાઓના પ્રસાર માટે ઉત્તમ યોગદાન કરનાર ૨૬ વ્યક્તિઓને વડાપ્રધાન શ્રી અટલબિહારી વાજપેયીના હસ્તે અપાયેલા જૈનરત્ન એવૉર્ડ માટે પણ તેમની પસંદગી થઈ હતી. મુંબઈના ક્રોસ મેદાન પર ભારતની એકસો વર્ષથી પણ વધુ જૂની અને તમામ સંપ્રદાયોનું પ્રતિનિધિત્વ ધરાવતી 'ભારત જૈન મહામંડળ' સંસ્થા દ્વારા આચાર્ય મહાપ્રજ્ઞજીની નિશ્રામાં સર્વપ્રથમ 'જૈન ગૌરવ એવૉર્ડ' અર્પણ કરાયો.

રમતગમતક્ષેત્રે પણ કુમારપાળનું પ્રદાન ઉલ્લેખનીય છે. ગુજરાતી, હિંદી, અંગ્રેજી અને મરાઠીમાં પ્રગટ થયેલા 'ભારતીય ક્રિકેટ' અને 'ક્રિકેટના વિશ્વવિક્રમો' તેમજ 'ક્રિકેટ રમતાં શીખો' ભાગ ૧-૨ની દોઢ લાખ નકલો રમતપ્રેમીઓએ ખરીદી હતી. ઇંગ્લૅન્ડની પ્રસિદ્ધ 'ક્રિકેટર મૅગેઝિન કલબ'નું માનાર્હ સભ્યપદ તેમને સાંપડ્યું હતું. તેમના એક પુસ્તકને 'ધ ક્રિકેટર ઇન્ટરનૅશનલ સામયિક' દ્વારા આયોજિત જ્યૂબિલી લિટરરી એવૉર્ડ માટેની સ્પર્ધામાં સ્થાન સાંપડ્યું હતું. ૧૯૬૨થી અખબાર, રેડિયો અને ટેલિવિઝન પરની તેમની વિગતખચીત પ્રમાણભૂત રમતગમતની સમીક્ષાએ ખૂબ લોકચાહના પ્રાપ્ત કરી છે. તેમણે વિવિધ ક્લબો અને સંસ્થાઓમાં રમતગમત વિશે ૩૦૦થી વધુ વક્તવ્યો આપ્યાં છે.

ડૉ. કુમારપાળ દેસાઈ સાહિત્ય, પત્રકારત્વ અને જૈનદર્શનમાં પીએચ.ડી.ના ગાઇડ તરીકે માન્યતા ધરાવે છે. એમના માર્ગદર્શન હેઠળ ૧૫ જેટલા વિદ્યાર્થીઓએ પીએચ.ડી.ની પદવી મેળવી છે. ૨૦૦૬ના માર્ચમાં સિંગાપોરમાં ઇન્ટર રિલિજિયસ ઑર્ગેનાઇઝેશન (IRO)માં જૈન ધર્મને સ્થાન મળ્યું ત્યારે જૈન ધર્મ વિશે વક્તવ્ય આપ્યું હતું. કેનિયા અને ઍન્ટવર્પમાં ગુજરાતી શીખવા અંગેના પ્રયત્નોમાં સક્રિય સહયોગ અપવા સાથે તેમણે બ્રિટનની ગુજરાતી સાહિત્ય અકાદમી અને અમેરિકાની ગુજરાતી લિટરરી એકૅડેમી તરફથી વક્તવ્યો આપ્યાં છે.

કર્મવીર કુમારપાળ સાહિત્ય, સંસ્કૃતિ અને શિક્ષણની સંખ્યાબંધ સંસ્થાઓ સાથે સક્રિય રીતે સંકળાયેલા છે. ગુજરાતી સાહિત્ય પરિષદના પૂર્વ પ્રમુખ તરીકેનું ગૌરવ પામનાર ડૉ. કુમારપાળ દેસાઈ અગાઉ મંત્રી તરીકે કામ કરી ચૂકેલા તેઓ અત્યારે તેની કાર્યવાહક સમિતિના સભ્ય છે. ગુજરાતની સૌથી જૂની અને ગુજરાતની રાષ્ટ્રીય અસ્મિતાના ઉદ્દગામી રણજિતરામ વાવાભાઈએ ઈ. 1904માં સ્થાપેલ ગુજરાત સાહિત્ય સભાના પ્રમુખ છે. શ્રી યશોવિજય જૈન ગ્રંથમાળાના મંત્રી તરીકે કાર્યરત કુમારપાળ છેલ્લાં ૪૦ વર્ષથી શ્રી જયભિખ્ખુ સાહિત્ય ટ્રસ્ટની અનેકવિધ પ્રવૃત્તિઓ કરી રહ્યા છે. પ્રા. અનંતરાય રાવળ સ્મારક સમિતિ અને ચંદ્રવદન મહેતા સ્મારક સમિતિના તેઓ મંત્રી છે. ગુજરાતની અસ્મિતાના મહાપુરુષાર્થ સમાન 'ગુજરાતી વિશ્વકોશ'ના પ્રારંભથી જ તેઓ ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટના સ્થંભ સમાન છે. શ્રી મહાવીર માનવ કલ્યાણ કેન્દ્ર, અનુકંપા ટ્રસ્ટ, ઇન્ડિયન રેડક્રૉસ સોસાયટી (બોટાદ બ્રાન્ચ), સુલભ હેલ્થ ઍન્ડ હાર્ટ કેર સેન્ટર વગેરે સંસ્થાઓ દ્વારા તેઓ આપત્તિગ્રસ્ત લોકોને સહાય પહોંચાડે છે. ૨૦૦૧ની ૨૬મી જાન્યુઆરીએ ગુજરાતમાં થયેલ ભીષણ ધરતીકંપ વેળા તેમણે ભૂકંપગ્રસ્તો માટે પંદર લાખ રૂપિયા જેટલી રકમ વિદેશથી મેળવી હતી. ગળથૂથીમાંથી જ સાહિત્ય, સંસ્કૃતિ અને સેવાના સંસ્કાર મેળવનાર કુમારપાળના કાર્યક્ષેત્રનો વ્યાપ વિશાળ અને વૈવિધ્યસભર છે.

એમનાં સાહિત્ય, શિક્ષણ અને સાંસ્કૃતિક કાર્યોને લક્ષમાં રાખીને ભારત સરકારે ઈ.સ. ૨૦૦૪માં ભારતના રાષ્ટ્રપતિ એ.પી.જે. અબ્દુલ કલામ દ્વારા એમને 'પદ્મશ્રી'નો ખિતાબ એનાયત કર્યો છે.[]

૨૦૦૫ના ડિસેમ્બરમાં ગુજરાતી સાહિત્ય પરિષદના અધિવેશનની પૂર્વસંધ્યાએ ગુજરાતની સંસ્કૃતિ, અહિંસાની ભાવના અને વિપુલ સાહિત્યસર્જન કરનાર કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્યની સ્મૃતિ સાથે જોડાયેલો 'કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય સુવર્ણચંદ્રક' ડૉ. કુમારપાળ દેસાઈને ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ શ્રી ધીરુબહેન પટેલના હસ્તે એનાયત થયો હતો. તેમના પુસ્તક “Jainism : The Cosmic Vision” ને 2009 ના વર્ષ માટે શ્રી અખિલ ભારતવર્ષીય સાધુમાર્ગી જૈન સંઘ, બીકાનેર દ્વારા સાહિત્ય ક્ષેત્ર માટે અપાતો વિશિષ્ટ પુરસ્કાર “સ્વ. શ્રી પ્રદીપકુમાર રામપુરિયા સ્મૃતિ સાહિત્ય પુરસ્કાર” પ્રાપ્તથયો છે. આ પુરસ્કાર 10 ફેબ્રુઆરી 2009 ના રોજ ચિત્તોડગઢ જિલ્લાના મંગલવાડ ચૌરોહી મુકામે એનાયત કરવામાં આવ્યો.

૨૦૧૯માં પ્રગટ થયેલ તેમની નવલકથા 'અનાહતા'ની રચના મહાભારતના પાત્ર 'કુંતી'ને કેન્દ્રમાં રાખીને કરવામાં આવેલ છે.[]

પુરસ્કારો

ફેરફાર કરો

અપંગના ઓજસ, બાળસાહિત્ય, ૧૯૭૩ને સંસ્કાર એવૉર્ડ, વડોદરા; ધી આઉટસ્ડેન્ડિંગ યંગ પર્સનાલિટી ઑફ ઇન્ડિયાનો એવૉર્ડ, ૧૯૮૦; પત્રકારત્વ માટે હરિઓમ આશ્રમ એવૉર્ડ, ૧૯૮૫; હેમચંદ્રાચાર્ય એવૉર્ડ, બ્રિટન, ૧૯૮૯; ગુજરાત રત્ન એવૉર્ડ, ૧૯૯૫; પ્રેસિડન્ટ્સ સ્પેશિયલ એવૉર્ડ, દિવાળીબહેન – મોહનલાલ મહેતા એવૉર્ડ, ૧૯૯૯ સંસ્કૃતિ ગૌરવ એવૉર્ડ, અમદાવાદ, ૨૦૦૦ ; જૈન રત્ન એવૉર્ડ, ૨૦૦૧ ; સંસ્કૃત સંવર્ધક એવૉર્ડ, કોબા, ૨૦૦૧ ; મિલેનિયમ એવોર્ડ, અમદાવાદ, ૨૦૦૧ ; બેસ્ટ સ્પોર્ટ્સ જર્નાલિસ્ટ એવૉર્ડ, અમદાવાદ, ૨૦૦૨ ; જૈન ગૌરવ એવૉર્ડ, ૨૦૦૩ ; રવીન્દ્રનાથ ટાગોર, અંગ્રેજી લેખ માટે, રવીન્દ્ર મેડલ, યુજીસી., દિલ્હી દ્વારા ; પત્રકારત્વ માટે યજ્ઞેશ શુક્લ એવૉર્ડ ; આધ્યાત્મિક સાહિત્ય સર્જન માટે પાર્શ્વ પદ્માવતી સન્માન મુંબઈ દ્વારા એવૉર્ડ ; લાઇફ ટાઇમ એચિવમેન્ટ એવૉર્ડ, નડિયાદ, ૨૦૦૪ ; જૈન રત્ન એવોર્ડ, ૨૦૦૭, હેમચંદ્રાચાર્ય એવોર્ડ, બ્રિટન

મહામાનવ શાસ્ત્રી, ૧૯૬૬ ; બિરાદરી, ૧૯૭૧; હૈયું નાનું, હિંમત મોટી, ૧૯૭૬; નાની ઉંમર, મોટું કામ, ૧૯૭૮; મોતને હાથતાળી, બાળસાહિત્ય; ૧૯૭૩ ; ઝબક દીવડી, ૧૯૭૫; કેડે કટારી ખભે ઢાલ, ૧૯૬૯; મોતીની માળા, ૧૯૭૫; કેન્દ્ર સરકાર દ્વારા તથા લાલ ગુલાબ, ૧૯૬૬; ડાહ્યો ડમરો, બાળસાહિત્ય ૧૯૬૭ ; અખબારી લેખન પત્રકારત્વ ૧૯૭૯; અપંગના ઓજસ્, ચરિત્ર, ૧૯૭૪; ગુજરાત રાજ્ય સરકાર દ્વારા તેઓ પુરસ્કૃત થયા છે.

નવચેતન સામયિકમાં પત્રકારત્વ ક્ષેત્રના પ્રદાન માટે રૌપ્યચંદ્રક, ૧૯૭૮ ; બાળકોના બુદ્ધિસાગરસૂરિજી, બાળસાહિત્ય, ૧૯૭૯ને સુવર્ણચંદ્રક; ડૉ. કે.જી. નાયક સુવર્ણચંદ્રક, અમદાવાદ-૧૯૮૧, ૧૯૮૫; આનંદઘન ; એક અધ્યયન, સંશોધન, ૧૯૮૦, હનુમાનપ્રસાદ પોદ્દાર સુવર્ણચંદ્રક, રાજસ્થાન તરફથી, તથા ગૌરવ પુરસ્કાર, કેલિફોર્નિયા દ્રારા, શ્રી ધનજી કાનજી ગાંધી સુવર્ણચંદ્રક, ૨૦૦૧; કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચન્દ્રાચાર્ય સુવર્ણચંદ્રક, મુંબઈ, ૨૦૦૨

આરાધ્ય સન્માન, ૨૦૧૬; આચાર્ય તુલસી સન્માન, ૨૦૧૭; ભદ્રંકર જ્ઞાન-જ્યોત એવોર્ડ ૨૦૧૯; બાળસાહિત્ય પુરસ્કાર, સાહિત્ય અકાદમી દિલ્હી, ૨૦૧૯.

  • શબ્દસંનિધિ (૧૯૮૦)
  • હેમચંદ્રચાર્યની સાહિત્ય સાધના (૧૯૮૮)
  • ભાવન-વિભાવન (૧૯૮૮)
  • આનંદઘન : જીવન અને કવન (૧૯૮૮)
  • શબ્દસમીપ (૨૦૦૨)
  • સાહિત્યિક નિસબત (૨૦૦૮)
  • જ્ઞાનવિમલસૂરિકૃત સ્તબક (૧૯૮૦)
  • આનંદઘન : એક અધ્યન (૧૯૮૦)
  • અપ્રગટ મધ્યકાલીન કૃતિઓ (૧૯૮૨)
  • ગત સૈકાની જૈન ધર્મની પ્રવૃત્તિઓ (૧૯૮૮)
  • મેરુસુંદર ઉપાધ્યાયરચિત અજિતશાંતિ સ્તવનનો બાલવબોધ (૧૯૯૦)
  • અબ હમ અમર ભયે
  • લાલગુલાબ (૧૯૬૫)
  • મહામાનવ શાસ્ત્રી (૧૯૬૬)
  • અપંગનાં ઓજસ (૧૯૭૩)
  • વીર રામમૂર્તિ (૧૯૭૬)
  • બાળકોના બુદ્ધિસાગરસૂરિજી (૧૯૭૮)
  • સી.કે. નાયડુ (૧૯૭૯)
  • ફિરાક ગોરખપુરી (૧૯૮૪)
  • ભગવાન ઋ।ભદેવ (૧૯૮૭)
  • ભગવાન મલ્લિનાથ (૧૯૮૯)
  • આતમજ્ઞાની શ્રમણ કહાવે (૧૯૮૯)
  • અંગૂઠે અમૃત વસે (૧૯૯૨)
  • લોખંડી દાદાજી (૧૯૯૨)
  • શ્રી મહાવીર જીવનદર્શન (૧૯૯૮)
  • જિનશાસનની કીર્તિગાથા (૧૯૯૮)
  • લાલા અમરનાથ (૧૯૯૯)
  • આફતોની આંધી વચ્ચે સમૃદ્ધિનું શિખર (૧૯૯૯)
  • મૂળમાર્ગનું અમૃત અને અધ્યાત્મનું શિખર (૨૦૦૦)
  • માનવતાની મહેંક (પ્રેમચંદ વ્રજપાળ શાહનું જીવનચરિત્ર) (૨૦૦૦)
  • તીર્થંકર મહાવીર (૨૦૦૪)
  • ભારતીય સંસ્કૃતિનો આત્મા (વીરચંદ રાઘવજી ગાંધીનું ચરિત્ર) (૨૦૦૯)
  • જીવતરની વાટે, અક્ષરનો દીવો (૨૦૧૪)
  • માટીએ ઘડ્યા માનવી (૨૦૧૬)
  • તન અપંગ મન અડીખમ (૨૦૧૬)
  • જીવી જાણનારા (૨૦૧૬)

બાળસાહિત્ય

ફેરફાર કરો
  • વતન, તારા રતન (૧૯૬૫)
  • ડાહ્યો ડમરો (૧૯૬૭)
  • કેડે કટારી, ખભે ઢાલ (૧૯૬૯)
  • બિરાદરી (૧૯૭૧)
  • મોતને હાથતાળી (૧૯૭૩)
  • ઝબક દીવડી (૧૯૭૫)
  • હૈયું નાનું હિંમત મોટી (૧૯૭૬)
  • પરાક્રમી રામ (૧૯૭૭)
  • રામ વનવાસ (૧૯૭૭)
  • સીતાહરણ (૧૯૭૭)
  • વીરહનુમાન (૧૯૭૮)
  • નાની ઉંમર, મોટું કામ (૧૯૭૮)
  • ભીમ (૧૯૮૦)
  • ચાલો પશુઓની દુનિયામાં, ૧-૨-૩ (૧૯૮૦)
  • વહેતી વાતો (૧૯૮૩)
  • મોતીની માળા (૧૯૯૦)
  • વાતોના વાળુ (૧૯૯૩)
  • ઢોલ વાગે ઢમાઢમ (૧૯૯૩)
  • સાચના સિપાહી (૧૯૯૩)
  • કથરોટમાં ગંગા (૧૯૯૩)
  • ઝાકળભીનાં મોતી ભાગ ૧-૨-૩ (૧૯૮૩)
  • મોતીની ખેતી (૧૯૮૩)
  • માનવતાની મહેંક (૧૯૮૪)
  • તૃષા અને તૃપ્તિ (૧૯૮૬)
  • ક્ષમાપના (૧૯૯૦)
  • શ્રદ્ધાંજલિ (૧૯૯૪)
  • જીવનનું અમૃત (૧૯૯૬)
  • દુઃખની પાનખરમાં આનંદનો એક ટહુકો (૧૯૯૭)
  • મહેક માનવતાની (૧૯૯૭)
  • ઝાકળ બન્યું મોતી (૧૯૯૮)
  • સમરો મંત્ર ભલો નવકાર (૨૦૦૦)
  • ક્ષણનો સાક્ષાત્કાર (૨૦૦૮)
  • ક્ષણનો ઉત્સવ (૨૦૧૬)
  • શ્રદ્ધાનાં સુમન (૨૦૧૬)
  • પ્રસન્નતાના પુષ્પો (૨૦૧૬)
  • જીવનનું જવાહિર (૨૦૧૬)
  • શીલની સંપદા (૨૦૧૬)
  • મનની મિરાત (૨૦૧૬)
  • મંત્ર માનવતાનો (૨૦૧૭)
  • મંત્ર મહાનતાનો (૨૦૧૭)
  • પરમનો સ્પર્શ (૨૦૧૮)
  • કેસર અને કુમકુમ (૨૦૧૯)
  • કેસર અને કસ્તૂરી (૨૦૧૯)
  • કેસરની ક્યારી (૨૦૧૯)
  • અનાહતા (૨૦૧૯)

પત્રકારત્વ

ફેરફાર કરો
  • અખબારી લેખન (૧૭૭૯)

નવલિકાસંગ્રહ

ફેરફાર કરો
  • એકાન્તે કોલાહલ (૧૯૭૬)
  • શંખેશ્વર મહાતીર્થ (પ્ર.આ. ૧૯૩૬. છઠ્ઠી આ. ૧૯૮૩)
  • નવભારતના ભાગ્યવિધાતા (૧૯૭૫)
  • સાહિત્ય અને પત્રકારત્વ (૧૯૮૦)
  • ઓજસ દીઠાં આત્મબળનાં (૧૯૮૩)
  • નર્મદ : આજના સંદર્ભમાં (૧૯૮૩)
  • જયભિખ્ખુની જૈન ધર્મકથાઓ ૧-૨ (૧૯૮૫)
  • બાલસાહિત્ય સંગોષ્ઠિ (૧૯૮૫)
  • ધન્ય છે ધર્મ તને (આચાર્ય વિજયવલ્લભંસૂરિનાં પ્રવચનોનું સંપાદન) (૧૯૮૭)
  • હૈમ સ્મૃતિ (૧૯૮૯)
  • ભગવાન મહાવીર (૧૯૯૦)
  • યશોભારતી (૧૯૯૨)
  • રત્નત્રયીનાં અજવાળાં (૧૯૯૭)
  • એકવીસમી સદીનું બાળસાહિત્ય (૨૦૦૦)
  • અદાવત વિનાની અદાલત (શ્રી ચં.ચી. મહેતાનાં રેડિયોરૂપકોનું સંપાદન) (૨૦૦૦)
  • એક દિવસની મહારાણી (ડેમોન રનિયનની વાર્તાઓનો ચં.,ચી. મહેતાએ કરેલો અનુવાદ) (૨૦૦૦)
  • હું પોતે (નારાયણ હેમચંદ્ર) (૨૦૦૧)
  • સરદારની વાણી (ભાગ ૧ થી ૩) (૨૦૦૧)
  • શ્રીમદ્ રાજચંદ્ર અને મહાત્મા ગાંધી (૨૦૦૩)
  • નવલિકા અંક (ગુજરાત ટાઇમ્સ)
  • સામાયિક સૂત્ર – અર્થ સાથે (સંપાદન)
  • પરિવર્તનનું પ્રભાત (ગુજરાત ટાઇમ્સ)
  • એકવીસમી સદીનું વિશ્વ (ગુજરાત ટાઇમ્સ)
  • The Jaina Philosophy (2009)
  • The Yoga Philosophy (2009)
  • The Unknown Life of Jesus Christ (2009)
  • બાળસાહિત્યમાં વિજ્ઞાનકથા (2010)

સંપાદન, અન્ય સાથે

ફેરફાર કરો
  • જયભિખ્ખુ સ્મૃતિગ્રંથ (૧૯૭૦)
  • કવિ દુલા કાગ સ્મૃતિગ્રંથ (૧૯૭૯)
  • શબ્દશ્રી (૧૯૮૦)
  • સૌહાર્દ અને સહૃદયતા (૨૦૦૧)
  • ચંદ્રવદન મહેતાના નાટ્યશ્રેણી ભાગ ૧ થી ૫ (૨૦૦૨ – ૨૦૦૬)
  • સવ્યસાચી સારસ્વત (૨૦૦૭)
  • આત્મચૈતન્યની યાત્રા (૨૦૧૪)
  • પ્રેરણાની પાવનમૂર્તિ (૨૦૧૩-૨૦૧૪)
  • જૈનવિશ્વકોશ (ભાગ 1થી 4)
  • નવવધૂ (આફ્રિકન લેખક ઑસ્ટિન બુકેન્યાની નાટ્યકૃતિનો અનુવાદ) (૨૦૦૦)

પ્રકીર્ણ

ફેરફાર કરો
  • અબોલની આતમવાણી (૧૯૬૮)
  • અહિંસાની – યાત્રા (૨૦૦૨)
  • ત્રૈલોક્યદીપકશ્રી રાણકપુર તીર્થ (૨૦૦૭)
  • વર્તમાન સમયમાં જૈનતત્ત્વદર્શનની પ્રસ્તુતતા (૨૦૦૯)

હિંદી પુસ્તકો

ફેરફાર કરો
  • जिनशासन की कीर्तिगाथा (1998)
  • अपाहिज तन, अडिग मन (2002)
  • आनंदघन (2007)
  • त्रैलोक्यदीपक राणकपुर तीर्थ (2007)
  • भारतीय क्रिकेट ; क्रिकेट के विश्वविक्रम ; क्रिकेट कैसे खेले ? भाग 1 – 2

અંગ્રેજી પુસ્તકો

ફેરફાર કરો
  • Kshamapana (1990)
  • Non-violence : A Way of life (Bhagwan Mahavir) (1990)
  • Glory of Jainism (1998)
  • Stories From Jainism (1998)
  • Essence of Jainism (2000)
  • The Value and Heritage of Jain Religion (2000)
  • Role of Women in Jain Religion (2000)
  • A Pinnacle of Spirituality (2000)
  • The Timeless Message of Bhagwan Mahavir (2000)
  • Vegetarianism (2000)
  • Journey of Ahimsa (2002)
  • Our life in the context of five Anuvrat and Anekantwad (2002)
  • Influence of Jainism on Mahatma Gandhi (2002)
  • Tirthankar Mahavir (2003)
  • Trailokyadeepak Ranakpur Tirth (2007)
  • Jainism ; The Cosmic Vision (2008)
  • The Brave Hearts (2009)
  • Shrimad Rajchandra & Mahatma Gandhi (2017)
  1. ૧.૦ ૧.૧ Dalal, Yasin (૧૯૯૦). "Desai Kumarpal Balabhai". માં Topiwala, Chandrakant (સંપાદક). Gujarati Sahityakosh (Encyclopedia of Gujarati Literature) (Gujaratiમાં). . Ahmedabad: Gujarati Sahitya Parishad. પૃષ્ઠ ૨૪૮.CS1 maint: unrecognized language (link)
  2. admin. "Dr Kumarpal Desai Bags Yet Another Award". Institute of Jainology. મેળવેલ ૨૯ જુલાઇ ૨૦૧૬.
  3. Kartik Chandra Dutt (૧૯૯૯). Who's who of Indian Writers, 1999: A-M. Sahitya Akademi. પૃષ્ઠ ૩૧૦–. ISBN 978-81-260-0873-5. મેળવેલ ૫ ઓગસ્ટ ૨૦૧૪.
  4. "Padma Awards" (PDF). Ministry of Home Affairs, Government of India. ૨૦૧૫. મૂળ (PDF) માંથી 2014-11-15 પર સંગ્રહિત. મેળવેલ ૨૧ જુલાઇ ૨૦૧૫.
  5. "ભારતવર્ષના અતીત, વર્તમાન અને ભવિષ્યનો શ્વાસ છે મહાભારત !". મેળવેલ 16 December 2019.

બાહ્ય કડીઓ

ફેરફાર કરો