જન્મશંકર મહાશંકર બૂચ

ગુજરાતી કવિ

જન્મશંકર મહાશંકર બૂચ (૩૦ જૂન ૧૮૭૭ – ૨૪ માર્ચ ૧૯૪૭) ગુજરાતી સાહિત્યના જાણીતા કવિ હતા. 'લલિત' તેમનું ઉપનામ હતું. 'લલિતના કાવ્યો' (૧૯૧૨), 'વડોદરાને વડલે' (૧૯૧૪), 'લલિતના બીજાં કાવ્યો' (૧૯૩૪) તેમના કાવ્ય સંગ્રહો છે.

જન્મશંકર મહાશંકર બૂચ
જન્મશંકર મહાશંકર બૂચ
જન્મશંકર મહાશંકર બૂચ
જન્મ(1877-06-30)30 June 1877
જૂનાગઢ, ગુજરાત
મૃત્યુ24 March 1947(1947-03-24) (ઉંમર 69)
ઉપનામલલિત
વ્યવસાયકવિ
રાષ્ટ્રીયતાભારતીય
સમયગાળોગાંધીયુગ

જીવન ફેરફાર કરો

તેમનો જન્મ ૩૦ જૂન ૧૮૭૭ના દિવસે જૂનાગઢ વડનગરા નાગર કુટુંબમાં મૂળશંકર અને સાર્થક ગૌરીને ઘેર થયો હતો.[૧]

તેમણે પ્રાથમિક શિક્ષણ જૂનાગઢ અને રાજકોટમાં મેળવ્યું હતું. ઈ.સ. ૧૯૦૩માં તેઓ એસ.ટી.સી.ની પરીક્ષામાં ઉત્તીર્ણ થયા હતા.[૨] તેમણે સંસ્કૃત, અંગ્રેજી, વ્રજ અને ગુજરાતી સાહિત્યનો અભ્યાસ કર્યો હતો. [૩][૪]

ઈ.સ. ૧૮૮૭માં તેમના પ્રથમ લગ્ન લલિતા સાથે થયા હતા અને ઈ.સ. ૧૮૯૬માં બીજ લગ્ન તારાબેન સાથે થયા હતા.[૩][૪]

વ્યાવસાયિક જીવનની શરૂઆતમાં તેમણે લાઠી રજવાડાના રાજપરિવારના શિક્ષક તરીકે કાર્ય કર્યું. અહીં લગભગ દશ વર્ષ કાર્ય કર્યા બાદ તેઓ ગોંડલની સંગ્રામજી હાઈસ્કુલમાં શિક્ષક તરીકે રોકાયા[૧]. ઈ.સ. ૧૯૦૮થી ૧૯૦૧૦ દરમ્યાન રાજકોટથી પ્રસિદ્ધ થતા વર્તમાનપત્ર કાઠીયાવાડી ટાઈમ્સના તંત્રી હતા આ સાથે તેઓ એજન્સીની સનદથી કોર્ટમાં ભાષાંતર કરવાનું કાર્ય પણ કરતા. ૧૯૧૩થી ૧૯૨૦ તરીકે તેમણે વડોદરામાં લોકોપદેશક તરીકે સેવા આપી. ઈસ. ૧૯૨૫થી લેડી નૉર્થકૉટ હિંદુ ઑર્ફનેજ (ગ્રાંટ રોડ, મુંબઈ)માં તેમણે શિક્ષણ કાર્ય કર્યું. ઈ.સ ૧૯૨૧થી ૧૯૨૫ સુધી રાષ્ટ્રીય મહાવિદ્યાલય, મુંબઈમાં તેઓ ભાષા સાહિત્યના અધ્યાપક રહ્યા અને ૧૯૩૮માં નિવૃત્ત થયા.[૨]

૨૪ માર્ચ ૧૯૪૭ના દિવસે તેઓ અવસાન પામ્યા હતા.

સાહિત્ય રચના ફેરફાર કરો

પ્રથમ પત્ની લલિતા પ્રત્યેના ઉત્કટ પ્રેમને કારણે તેમણે ‘લલિત’ ઉપનામ સ્વીકાર્યું હતું.[૩][૪]

'લલિતનાં કાવ્યો' (૧૯૧૨), 'વડોદરાને વડલે' (૧૯૧૪), 'લલિતનાં બીજાં કાવ્યો' (૧૯૩૪) એ એમના કાવ્યસંગ્રહો છે. તેમનાં સમગ્ર લેખનને તેમના મરણોપરાંત 'લલિતનો લલકાર' (૧૯૫૧) નામના ગ્રંથમાં પ્રકાશીત કરવામાં આવ્યું છે. તેમનાં મોટા ભાગનાં કાવ્યો નારીસંવેદના, દેશભક્તિ, દામ્પત્યજીવન અને પ્રણય જેવા વિષયો પર આધારિત છે.[૨]

'ઉત્તરરામચરિતમાનસ'ને આધારે તેમણે 'સીતા-વનવાસ' (૧૯૦૩-૦૪) નામે એક નાટક પણ લખ્યું હતું. આ નાટક તે સમયે ઘણું પ્રચલિત થયું હતું. [૨] તેમણે કાલિદાસ રચિત 'મેઘદૂત'નો ગુજરાતીમાં અનુવાદ પણ કર્યો હતો.

તેમને ઝવેરચંદ મેઘાણી તરફથી ‘મધુકંઠીલા ભજનીક’, ન્હાનાલાલ તરફથી ‘ગીતકવિ’, મનસુખલાલ ઝવેરી તરફથી ‘મોસમી ગુલાબ’, શંકરલાલ શાસ્ત્રી તરફથી ‘સોરઠકોકિલ’, વગેરે જેવા બિરુદો મેળવ્યા હતા. કલાપીએ તેમના માટે 'બાલકવિ'નું કાવ્ય લખ્યું છે.[૩][૪]

તેઓ પ્રાયઃ મંજીરા સાથે પોતાની કવિતાઓ રજૂ કરતાં.[૩][૪]

સંદર્ભો ફેરફાર કરો

  1. ૧.૦ ૧.૧ શેઠ, વીણા (January 2004). ગુજરાતી વિશ્વકોશ. ખંડ ૧૮ (રિ - લૂ). અમદાવાદ: ગુજરાતી વિશ્વકોશ ટ્રસ્ટ. પૃષ્ઠ ૫૦૨.
  2. ૨.૦ ૨.૧ ૨.૨ ૨.૩ ટોપીવાળા, ચંદ્રકાન્ત, સંપાદક (૧૯૯૦). ગુજરાતી સાહિત્યકોશ (અર્વાચીનકાળ). ખંડ ૨. અમદાવાદ: ગુજરાતી સાહિત્ય પરિષદ. પૃષ્ઠ ૩૯૬-૩૯૭.
  3. ૩.૦ ૩.૧ ૩.૨ ૩.૩ ૩.૪ ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ : ખંડ ૪.
  4. ૪.૦ ૪.૧ ૪.૨ ૪.૩ ૪.૪ ગુર્જર સાહિત્ય ભવન – અમૃતપર્વ યોજના.

બાહ્ય કડીઓ ફેરફાર કરો