જ્ઞાનસુધા
જ્ઞાનસુધા એ પ્રાર્થનાસમાજનું ગુજરાતી ભાષામાં પ્રકાશિત થતું મુખપત્ર હતું. તેની સ્થાપનાનું ચોક્કસ વર્ષ જાણી શકાયું નથી. શરુઆતમાં આ સામયિક સાપ્તાહિક તરીકે પ્રકાશિત થતું હતું, ત્યારબાદ પખવાડિક હતું, અને ૧૮૯૨ના જાન્યુઆરીથી તે માસિક બન્યું હતું. ૧૮૮૭માં ગુજરાતી લેખક રમણભાઈ નીલકંઠ 'જ્ઞાનસુધા'ના તંત્રી બન્યા હતા. આ સામયિક ૧૯૧૯ સુધી ચાલ્યું હતું.[૧]
રમણભાઈ નીલકંઠ લિખીત ગુજરાતી ભાષાની જાણીતી નવલકથા 'ભદ્રંભદ્ર' સૌપ્રથમ આ સામયિકમાં હપ્તાવાર પ્રગટ થઈ હતી. 'રાઈનો પર્વત' સિવાયનું રમણભાઈનું લગભગ બધું જ લખાણ આ સામયિકમાં જ પ્રકાશિત થયું હતું
ઇતિહાસ
ફેરફાર કરોજ્ઞાનસુધા માસિક તરીકે ૧૮૯૨થી ૧૯૧૯ સુધી ચાલ્યું હતું. રમણભાઈ નીલકંઠ જ્યારે ૧૮૮૭માં એના તંત્રી બન્યા ત્યારે તે સાપ્તાહિક હતું. રમણભાઈ પ્રાર્થનાસમાજ તેમજ સમાજસુધારાની પ્રવૃત્તિમાં વ્યસ્ત રહેતા હોવાથી ૧૯૧૬માં તેમણે તે સમયના જાણિતા પ્રકાશક જીવનલાલ અમરશી મહેતાને આ સામયિક સોંપેલુ, જે જીવનલાલે એક વર્ષ સુધી સંભાળ્યું હતું. ત્યારબાદ પ્રાર્થનાસમાજના મંત્રી ગટુલાલ ગો. ધ્રુવે આ સામયિક ૧૯૧૯ સુધી ચલાવેલું.[૧]
પ્રકાશિત સામગ્રી
ફેરફાર કરો'જ્ઞાનસુધા'ના માધ્યમથી રમણભાઈએ પ્રાર્થનાસમાજના ધર્મસિદ્ધાંતનું સમર્થન કર્યું હતું, ઉપરાંત સમાજમાં પ્રવર્તમાન વહેમ તથા અજ્ઞાનનો અને હિન્દુ સમાજના કુરુવાજોનો વિરોધ કર્યો હતો. આ માટે તેમણે 'વહેમખંડન' અને 'વ્રત' જેવી લેખમાળાઓ આ સામયિકમાં ચલાવી હતી. એમની નવલકથા ભદ્રંભદ્ર સૌપ્રથમ આ સામયિકમાં હપ્તાવાર પ્રગટ થઈ હતી. 'રાઈનો પર્વત' સિવાયનું રમણભાઈનું લગભગ બધું જ લખાણ આ સામયિકમાં પ્રગટ થયું હતું. વિવેચક ધીરુભાઈ ઠાકર નોંધે છે કે "આ પત્ર ચલાવીને રમણભાઈ ત્રણ દાયકા સુધી ગુજરાતના સાહિત્ય અને સાંસ્કૃતિક જીવન પર છવાઈ ગયા હતા."[૧]
આ ઉપરાંત 'જ્ઞાનસુધા'માં ગુજરાતી સાહિત્યમાં ઐતિહાસિક મહત્ત્વ ધરાવતી અન્ય સામગ્રીઓ પ્રકાશિત થઈ હતી — જેમાં રમણભાઈએ રજૂ કરેલો કવિતાસિદ્ધાંત, તેમના અને તેમની પત્ની વિદ્યાગૌરી નીલકંઠના હળવા લેખો, દ્વૈત-અદ્વૈતને કેન્દ્રમાં રાખીને મણિલાલ દ્વિવેદી અને રમણભાઈ વચ્ચે જ્ઞાનસુધા અને સુદર્શન (મણિલાલ દ્વારા સંપાદિત સામયિક)માં ૭ વર્ષ સુધી ચાલેલો વિવાદ, કવિ કાન્તે કરેલું 'સિદ્ધાંતસાર'નું પ્રકરણવાર અવલોકન, ન્હાનાલાલ અને આનંદશંકર ધ્રુવના શરુઆતના ગદ્યપદ્ય લખાણો, બળવંતરાય ઠાકોરના સૉનેટગુચ્છ 'પ્રેમનો દિવસ'ના સૉનેટો અને કાન્ત ના ઉર્મિકાવ્યો તેમજ કાન્તનું જાણિતું ખંડકાવ્ય 'વસન્તોત્સવ', નરસિંહરાવ દિવેટિયા અને ગોવર્ધનરામ ત્રિપાઠી વચ્ચે ચાલેલી જોડણીવિષયક ચર્ચા વગેરેનો સમાવેશ થાય છે. આ બધી સામગ્રી સૌપ્રથવાર 'જ્ઞાનસુધા'માં પ્રસિદ્ધ થઈ હતી.[૧][૨]:૪૮-૫૦
સંદર્ભો
ફેરફાર કરો- ↑ ૧.૦ ૧.૧ ૧.૨ ૧.૩ ઠાકર, ધીરુભાઈ (૧૯૯૬). "જ્ઞાનસુધા". માં ઠાકર, ધીરુભાઈ (સંપાદક). ગુજરાતી વિશ્વકોશ. ખંડ ૭ (પ્રથમ આવૃત્તિ). અમદાવાદ: ગુજરાતી વિશ્વકોશ ટ્રસ્ટ. પૃષ્ઠ ૮૫૮. OCLC 248967600.
- ↑ વ્યાસ, કિશોર (૨૦૦૯). સાહિત્યિક પત્રકારત્વ (સંવિવાદના તેજવલયો) ૨૦મી સદી પૂર્વાર્ધના સાહિત્ય-સામયિકોનો અભ્યાસ. અમદાવાદ: પાર્શ્વ પબ્લિકેશન. પૃષ્ઠ 308.