મણિશંકર રત્નજી ભટ્ટ
વિકિપીડિયાના માપદંડ મુજબ આ લેખને ઉચ્ચ કક્ષાનો બનાવવા માટે તેમાં સુધારો કરવાની જરુર છે. તેમાં ફેરફાર કરીને તેને સુધારવામાં અમારી મદદ કરો. ચર્ચા પાના પર કદાચ આ બાબતે વધુ માહિતી મળી શકે છે. |
મણિશંકર રત્નજી ભટ્ટ (૨૦ નવેમ્બર ૧૮૬૭ - ૧૬ જૂન ૧૯૨૩), જેઓ તેમના ઉપનામ કવિ કાન્ત વડે જાણીતા છે, ગુજરાતી કવિ, નાટ્યલેખક અને નિબંધકાર હતા. તેઓ ખંડકાવ્ય કવિતા પ્રકારના રચયિતા હતા. તેમનું પુસ્તક પૂર્વાલાપ (૧૯૨૩) ગુજરાતી કવિતામાં એક સીમાચિહ્ન ગણાય છે.[૧]
મણિશંકર રત્નજી ભટ્ટ કાન્ત | |
---|---|
જન્મનું નામ | મણિશંકર રત્નજી ભટ્ટ |
જન્મ | મણિશંકર રત્નજી ભટ્ટ 20 November 1867 ચાવંડ, બરોડા રાજ્ય. હવે: અમરેલી જિલ્લો, ગુજરાત |
મૃત્યુ | June 16, 1923 લાહોર અને રાવલપિંડી વચ્ચે, ટ્રેનમાં. | (ઉંમર 55)
ઉપનામ | કાન્ત |
વ્યવસાય | કવિ, નિબંધકાર, નાટ્યલેખક |
ભાષા | ગુજરાતી |
રાષ્ટ્રીયતા | ભારતીય |
શિક્ષણ | બી.એ. |
માતૃ શિક્ષણ સંસ્થા | મુંબઈ યુનિવર્સિટી |
લેખન પ્રકારો | ખંડકાવ્ય, નાટક, નિબંધ |
નોંધપાત્ર સર્જનો |
|
જીવનસાથી | નર્મદા |
જીવન
ફેરફાર કરોતેમનો જન્મ સૌરાષ્ટ્રમાં અમરેલી જિલ્લાના દામનગર મહાલમાં આવેલા ચાવંડ ગામમાં કારતક વદ ૮, સંવંત ૧૯૨૪ના રોજ બુધવારે થયો હતો. પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ માંગરોળ, મોરબી અને રાજકોટમાં. મોરબીમાં શાસ્ત્રી શંકરલાલ માહેશ્વરને ત્યાં જ્ઞાતિજનોનો કવિતાવિલાસ ચાલતો, તેમાં વ્રજભાષાની શબ્દચમત્કૃતિભરી કાવ્યશૈલીમાં રચનાઓ થતી તેમ જ સંસ્કૃતમાં પણ વૈવિધ્યભર્યા અને અનવદ્ય છંદોવિધાનવાળી રચનાઓ થતી. કાન્તના શબ્દછંદપ્રભુત્વમાં આ કવિતાવિલાસનો ફાળો હોવાનો સંભવ છે. ૧૮૮૮માં મુંબઈમાંથી લૉજિક અને મૉરલ ફિલોસોફીના વિષયો સાથે બી.એ. પાશ્ચાત્ય બુદ્ધિવાદે એમને અજ્ઞેયવાદી બનાવ્યા, નીતિશાસ્ત્રના અભ્યાસે જીવનની ચરિતાર્થતાના ગહનગંભીર પ્રશ્નો એમની સમક્ષ ઊભા કર્યા અને અંગ્રેજી કવિતાએ એમના પર અજબ કામણ કરી એમની કાવ્યરુચિને નૂતન રીતે ઘડી. ૧૮૮૯માં થોડો વખત સુરતમાં શિક્ષક તરીકે કામ કર્યા પછી ૧૮૯૦ થી ૧૮૯૮ સુધી વડોદરાના કલાભવનમાં સાહિત્યશાસ્ત્રના અધ્યાપક, વાઇસ પ્રિન્સિપાલ અને એની અંગભૂત ટ્રેનિંગ કૉલેજના આચાર્ય તરીકે રહ્યા. ૧૮૯૮ થી ૧૯૨૩ સુધી એમણે ખ્રિસ્તી ધર્મ-સ્વીકારને કારણે થયેલા થોડા વિક્ષેપ સાથે ભાવનગર રાજ્યમાં બહુધા શિક્ષણ અધિકારી તરીકે અને પછીથી દીવાન ઑફિસમાં કામગીરી બજાવી.
ધર્માંતર
ફેરફાર કરો૧૮૯૧માં પ્રથમ પત્નીનું અવસાન થયું, જેણે એમને તીવ્ર મર્માઘાત કર્યો. એમના સ્નેહાતુર કલ્યાણવાંછુ હૃદયને જડ બુદ્ધિવાદ અને અજ્ઞેયવાદથી સંતોષ નહોતો અને થિયોસોફીના રહસ્યવાદથી તેઓ આ પૂર્વે પ્રબળપણે આકર્ષાયા હતા, પણ હવે તેઓ ઈશ્વરના અસ્તિત્વને માનતા અને ભક્તિની આવશ્યકતાને સ્વીકારતા થઈ જાય છે અને વિભિન્ન ખેંચાણોની અનુભૂતિ સાથે, ૧૮૯૮માં લગ્નસ્નેહની દિવ્યતા પ્રબોધતા તથા સ્વર્ગમાં પણ સ્ત્રીપુરુષના આત્માના મિલનની ખાતરી આપતા સ્વીડનબોર્ગીય ખ્રિસ્તી ધર્મમાં જઈ વિરમે છે. ૧૮૯૮માં એમણે ખ્રિસ્તી ધર્મનો કરેલો સ્વીકાર કામચલાઉ નીવડ્યો, પણ ભાવનગર ગયા પછી ૧૯૦૦માં કરેલો જાહેર સ્વીકાર જ્ઞાતિબહિષ્કૃત બની રહ્યો.
કારકિર્દી
ફેરફાર કરોતેમણે વડોદરામાં મેન ટ્રેઈનીંગ કોલેજ નામની સંસ્થામાં આચાર્ય તરીકે કાર્ય કરેલું.[૨]
સર્જન
ફેરફાર કરોસાહિત્યક્ષેત્રે એમનું મુખ્ય અને મહત્વનું પ્રદાન કવિ તરીકેનું છે. અંગ્રેજીના પ્રભાવ નીચે વિકસતી આવેલી અર્વાચીન ગુજરાતી કવિતાનું પ્રૌઢ સ્વાધીન રૂપ પહેલીવાર એમની કવિતામાં પ્રગટ થાય છે. ‘પૂર્વાલાપ’ (૧૯૨૩)માં એમણે પોતાનાં કાવ્યોનો સંચય કર્યા પછી ૧૯૨૬ ની રા. વિ. પાઠક સંપાદિત આવૃત્તિમાં પરિશિષ્ટરૂપે કેટલાંક કાવ્યો ઉમેરાયેલાં છે તેમ છતાં હજુ કેટલાંક કાવ્યો અપ્રગટ રહેલાં તથા સામયિકો ને નાટક કે સંગીતના ગ્રંથોમાં કાન્તના નામે કે નામ વગર પડ્યાં રહેલાં છે. ૧૮૮૬ કે તે પૂર્વેથી માંડીને ૧૯૨૩ સુધીના કાવ્યસર્જનના આ પ્રવાહની દિશા અને ગતિ ૧૮૯૧ પછી એકદમ બદલાઈ જતી ભાસે છે. ત્યાં સુધી વૃત્તબદ્ધ અને એમાંયે વિશેષે લાંબાં વૃત્તાંતકાવ્યો આપનાર કવિ પાસેથી પછીથી અંગત ઊર્મિનાં થોડાં વૃત્તબદ્ધ કાવ્યો, તો વિશેષે ગઝલ, કવ્વાલી, અંજલી વગેરે પ્રકારની ગીતરચનાઓ અને સંગીતાનુકૂલ શબ્દરચનાઓ મળે છે; કાવ્યબાની સંસ્કૃતની શિષ્ટમિષ્ટ છટાથી તળપદી સરલતા અને સીધાપણા તરફ ઢળતી જાય છે; પ્રયોગશીલતા શાંત પડે છે અને કવિતાની સિદ્ધિઓથી ભરેલો અંક પૂરો થતો અનુભવાય છે. સૌન્દર્યતત્વના ઉપાસક કવિ હવે શિવતત્વના ઉપાસક પ્રતીત થાય છે. કવિતાના આ અસાધારણ દિશા-ગતિના પલટામાં ઊંચા કાવ્યાદર્શ અને અત્યંત સભાન, આયાસપૂર્ણ કાવ્યલેખનરીતિના થાકથી પ્રસંગોપાત્ત ઉદભવતી નિરાશા, પત્નીના મૃત્યુ જેવા અંગત જીવનના આઘાતો, વડોદરાના કલાભવનમાં ‘શિક્ષણનો ઇતિહાસ’ જેવા ગ્રંથની કામગીરીનો બોજ અને સૌથી વિશેષ સ્વીડનબોર્ગીય ખ્રિસ્તી ધર્મના સ્વીકારમાં પરિણમેલું કવિનું આંતરમંથન કારણભૂત હોવાનો સંભવ છે.
કાવ્યની કવિપ્રતિભાનો વિશિષ્ટ ઉન્મેષ, પછીથી ‘ખંડકાવ્ય’ એ સંજ્ઞાથી ઓળખાયેલાં એમનાં વૃત્તાંતકાવ્યો છે. પુરાણકથા કે કવિસમયનો આશ્રય, માર્મિક જીવનક્ષણનું રહસ્યગર્ભી વસ્તુલક્ષી સ્વસ્થ આલેખન અને વૃત્તવૈવિધ્યથી સિદ્ધ કરેલું મનોરમ કાવ્યસ્થાપત્ય-એ એનાં લક્ષણો પછીથી ખંડકાવ્યનાં સ્વરૂપવિધાયક લક્ષણો બની ગયાં છે અને ‘વસંતવિજય’, ‘ચક્રવાકમિથુન’ અને ‘દેવયાની’ એ ત્રણ કાવ્યોમાં એમની સિદ્ધિ અદ્યપર્યત અનુપમ રહી છે. આ ખંડકાવ્યોમાં પ્રણયની અતૃપ્તિની વેદના અને તે નિમિત્તે કઠોર વિધિશાસનનું કરુણ જીવનદર્શન વ્યક્ત થયેલું છે.
નવેકની સંખ્યામાં મળતાં એમનાં ખંડકાવ્યો કરતાં એમનાં ઊર્મિકાવ્યો જથ્થામાં ઘણા વધારે છે. એમાં પણ ‘ઉપહાર’, ‘ઉદગાર’, ‘વત્સલનાં નયનો’, ‘સાગર અને શશી’ જેવી ગહન ભાવભરી, મૂર્ત શૈલીની સ્થાપત્ય સુંદર રચનાઓ છે; પરંતુ ઘણા ઊર્મિકાવ્યો કવિના અંગત જીવન સાથે સંકળાયેલાં છે અને વિવિધ પ્રસંગોની એમની લાગણીઓનું વહન કરે છે. એમાં મિત્રોને અને સ્વજનોને અનુલક્ષીને રચાયેલાં કાવ્યો છે, તેમ કેવળ પ્રાસંગિક કાવ્યો પણ છે. આ ઊર્મિકાવ્યો સર્જકના સચ્ચાઈભર્યા સંવેદન અને પારદર્શક અભિવ્યક્તિથી આસ્વાદ્ય બન્યાં છે.
એમનાં ચાર નાટકો ‘સલીમશાહ અથવા અશ્રુમતી’, ‘રોમન આત્મશાસન અથવા રોમન સ્વરાજ્ય’, ‘દુઃખી સંસાર’ અને ‘ગુરુ ગોવિંદસિંહ’ અનુક્રમે ૧૯૦૮ થી ૧૯૧૪ દરમિયાન લખાયાં છે. એમાંથી ‘રોમન સ્વરાજ્ય’ અને ‘ગુરુ ગોવિંદસિંહ’ (બે નાટકો) ૧૯૨૪માં તથા ‘દુઃખી સંસાર’ ૧૯૧૫માં પ્રસિદ્ધ થયેલાં છે. ‘ગુરુ ગોવિંદસિંહ’ સિવાય ત્રણે નાટકો ભજવાયેલાં; તેમાં ‘રોમન સ્વરાજ્ય’ દેશી નાટક સમજે ફેરફાર સાથે ભજવેલું, જે કાન્તના નામ વિના ‘જાલિમ ટુલીયા’ નામથી ૧૯૧૨માં પ્રસિદ્ધ થયેલું છે. આ નાટકો મહારાજા ભાવસિંહજીની ઈચ્છાથી અને તેમનાં સૂચનો અનુસાર તેમ જ તત્કાલીન રંગભૂમિની અપેક્ષાઓને પણ નજરમાં રાખીને લખાયાં હતાં. ‘સલીમશાહ’ અને ‘દુઃખી સંસાર’માં તો, ખાસ કરીને એના પ્રહસન-અંશોમાં, ડાહ્યાલાલ શિવરામ કવિનું સહકર્તુત્વ છે. આમ, આ નાટકોને કાન્તની સ્વતંત્ર સર્ગશક્તિના પરિણામરૂપે જોવામાં મુશ્કેલી છે. તેમ છતાં એમાં જમાનાની ખરી સમસ્યાઓને વ્યવહારુ રીતે સ્પર્શ કરવાનો એમનો પ્રયત્ન તથા એમનાં વ્યક્તિત્વ અને વિચારોનો પ્રભાવ જોઈ શકાય છે. ‘સલીમશાહ’માં જાતિભેદ અને તજજ્ન્ય વૈરની દીવાલને તોડવા મથતી પ્રતાપપુત્રી અશ્રુમતી અને સલીમશાહના પ્રેમની કરુણ-કોમલ કલ્પિત કથા વર્ણવાયેલી છે; તો ‘ગુરુ ગોવિંદસિંહ’માં પણ સ્વદેશીનો સીમાડો છોડી સર્વદેશીપણા સુધી આંબવા જતી હિન્દુ-મુસ્લિમ ઐક્યની ભાવના આલેખાઈ છે. ‘રોમન સ્વરાજ્ય’માં બીજરૂપે રાજાશાહી વિરુદ્ધ પ્રજાશાસનનો નવીન અને પ્રભાવશાળી વિચાર પડેલો છે. ‘દુઃખી સંસાર’ આવા કશા નવીન વિચારના અનુપ્રવેશ વિનાનું એક સંસારચિત્ર માત્ર છે. સંસ્કૃતાઢ્ય શિષ્ટ વાણીને સ્થાને વ્યવહારુ બોલચાલની વાગ્ભંગિઓને પ્રયોજવા મથતું આ નાટકોનું ગદ્ય પણ તત્કાલીન સાહિત્યિક નાટકોમાં કંઈક જુદી ભાત પાડે છે. વ્યક્તત્વચિત્રણ અને લાગણીવિચારના આલેખનમાં કાન્તને કેટલીક સફળતા મળી હોવા છતાં આ નાટકોમાં નાટ્યવસ્તુનાં કલ્પન ને ગ્રથનમાં ઘણી શિથિલતાઓ રહી ગઈ છે. ‘દુઃખી સંસાર’ અને ‘જાલિમ ટુલીયા’માં વ્યવસાયી રંગભૂમિને છાજતું અતિરંજકતાનું વાતાવરણ છે; પરંતુ અન્ય નાટકોમાં લોકભોગ્યતાના અંશો હોવા છતાં એકંદરે શિષ્ટ રુચિ અને સાહિત્યિકતાની આબોહવા પ્રવર્તે છે.
કાન્તના સંભવતઃ ૧૮૯૭ના અરસામાં લખાયેલાં પાંચ સંવાદો (‘કલાપી-કાન્તના સંવાદો’, બી. આ. ૧૯૨૩) કાલ્પનિક કે ઐતિહાસિક પાત્રોનાં જીવનની માર્મિક પળનું અવલંબન લેતા હોવા છતાં એકંદરે વિચારચર્ચાના નિબંધો છે અને ધર્મ, કર્તવ્ય, ઈશ્વર વગેરે પરત્વેનાં કાન્તનાં લાક્ષણિક વિચારવલણોની દ્રષ્ટિએ વિશેષ નોંધપાત્ર છે. કાન્તની અધૂરી વાર્તા ‘કુમાર અને ગૌરી’ (૧૯૧૦)માં પણ કાન્તનું કેટલુંક વિચારમંથન છે; જ્યારે બીજી વાર્તા ‘હીરામાણેકની એક મોટી ખાણ’ (બી. આ. ૧૯૧૨)માં હેતુલક્ષી બોધપ્રધાન જીવનવિશ્લેષણ છે. કિશોરવયમાં કાન્તે દલપતરામ વલ્લભદાસ પાઠકના સહકર્તૃત્વથી લખેલી ‘ખરી મોહોબત અથવા ગુલબાસનું ફૂલ’ (૧૮૮૨) બાણની વર્ણનશૈલીનો પ્રભાવ દર્શાવતી તથા વિવિધ છંદો-ઢાળોના વિનિયોગવાળી એક લાક્ષણિક પ્રેમવાર્તા છે.
શિક્ષણનો ઇતિહાસ (૧૮૯૫)
ફેરફાર કરોકાન્તની ઊંડી અભ્યાસશીલતા અને પર્યેષકબુદ્ધિના ફળ સમો આકરગ્રંથ છે. જગતમાં જુદા જુદા દેશકાળમાં જે શૈક્ષણિક પદ્ધતિઓ અસ્તિત્વમાં આવી, જે શૈક્ષણિક પ્રયોગો થયા, કેળવણીવિષયક જે વિચારો પ્રવર્ત્યા તેની વિગતવાર માહિતી અને ચર્ચા રજૂ કરતા આ ગ્રંથમાં સ્વાભાવિક રીતે જ યુરોપીય પ્રજાનો શિક્ષણઇતિહાસ કેન્દ્રમાં રહ્યો છે. મુખ્યત્વે અંગ્રેજી ગ્રંથોના દોહનરૂપે રચાયેલા આ ગ્રંથના ગદ્યમાં કેટલીક કિલષ્ટતા અને કેટલુંક ભારેખમપણું રહી ગયેલાં છે, તો ઘણે સ્થાને નોંધપાત્ર પ્રાસાદિક્તા અને વિશદતા સિદ્ધ કરી શકાયાં છે.
કલાપીનો કેકારવ (૧૯૦૩) તથા કલાપીના અન્ય બે ગ્રંથો ‘માલા અને મુદ્રિકા’ (૧૯૧૨) અને ‘હમીરજી ગોહેલ’ (૧૯૧૩)નાં પોતે પ્રગટ કરેલાં સંપાદનોમાં મૂકેલી પ્રસ્તાવનાઓ, ગુજરાતી સાહિત્ય પરિષદના પહેલા અધિવેશન (૧૯૦૫)માં રજૂ કરેલો ‘આપણું નવીન કાવ્યસાહિત્ય’ નામનો નિબંધ તથા કલાપી વિશેનાં વ્યાખ્યાનોમાં કાન્તનું સાહિત્યવિવેચન સમાયેલું છે. એમાં એમની સૂક્ષ્મ કાવ્યરસજ્ઞતા, વિવેકવંત મૂલ્યદ્રષ્ટિ અને સુઘડ ઉદગારની શક્તિનો પરિચય થાય છે. ‘ઊગ્યો પ્રફુલ્લ અમીવર્ષણ ચન્દ્રરાજ’ એમ કહીને કાન્ત જેટલી સરળતાથી ન્હાનાલાલનું પહેલવહેલું ઉમળકાભર્યું સ્વાગત કરે છે એટલી જ તટસ્થતાથી કલાપી અને ન્હાનાલાલ જેવા મિત્રોની કવિતાની મર્યાદા પણ સૂચવી શકે છે.
કાશ્મીરથી મોકલેલી અને ‘પ્રસ્થાન’-જયેષ્ઠ ૧૯૮૩ (૧૯૨૭)માં પ્રગટ થયેલી કાન્તની આત્મકથાત્મક બે અધૂરી ટૂંકી નોંધ (‘મણિશંકર રત્નજી ભટ્ટ’ અને ‘નર્મદ એક પ્રેમકથા’)માં એમના હૃદયની સરલતાનું પ્રતિબિંબ પડ્યું છે અને એમાં સ્ફૂર્તિલી ગદ્યશૈલી પણ આકર્ષક છે. ‘કાન્તમાલા’ (૧૯૨૪)માં તથા ‘પ્રસ્થાન’ વગેરે સામયિકોમાં પ્રગટ થયેલા કાન્તના અનેક પાત્રોમાં એમનું કોમળ લાગણીશીલ હૃદય, એમની કોઈક અંગત જરૂરિયાતથી પ્રેરાયેલી ઉત્કટ ધર્મશોધ અને એમનો તીવ્ર જીવનસંઘર્ષ-એ સર્વને પારદર્શક અભિવ્યક્તિ મળી છે. કાન્તનું અદ્વિતીય સ્મારક બની શકે એટલી માતબર આ પત્રસામગ્રી છે.
કાન્તના અનૂદિત ગ્રંથો પૈકી કેટલાક એમની નવી ધર્મશ્રદ્ધાને પ્રેરકપોષક કૃતિઓના અનુવાદો છે- જેમ- કે સ્વીડનબોર્ગના બે અનુવાદો ‘લગ્નસ્નેહ અને તેનાં વિશુદ્ધ સુખો’ (૧૮૯૭) તથા ‘સ્વર્ગ અને નરક’ (૧૮૯૯), બાઈબલનાં બે પ્રકરણોના અનુવાદો ‘નવું યારૂશાલેમ અને તેનો સ્વર્ગીય સિદ્ધાંત’ (૧૯૧૬) તથા ‘સેન્ટ જહોનનું ભાગવત’ (૧૯૨૩); તો કેટલાક જગતની પ્રશિષ્ટ કૃતિઓના અનુવાદો છે- જેમ કે ગ્યોથના ‘વિલ્હેમ માઇસ્ટર’ના એક પ્રકરણનો અનુવાદ ‘એક દેવીનો આત્મવૃત્તાંત’ (૧૮૯૭), ‘ઍરિસ્ટોટલનું નિકોમિકિઅન નીતિશાસ્ત્ર’ (૧૯૧૨), ટાગોરકૃત ‘ગીતાંજલિ’ (મહારાણી નંદકુંવરબાના નામે, ૧૯૧૯) તથા ‘પ્લેટોકૃત ફીડ્રસ’ (૧૯૨૧). આ ઉપરાંત ‘પ્રેસિડેન્ટ લિકનનું ચરિત્ર’ (૧૮૯૫) અને ‘ઇજિપ્ત’ (૧૮૯૫) અન્ય ઉપયોગી ગ્રંથોના એમના અનુવાદો છે. એમનું અનુવાદસાહિત્ય એમની જીવનભાવનાઓ, વિદ્યાપ્રીતિ અને ભાષાસામર્થ્યની પ્રતીતિ કરાવે છે. કાન્તના જીવનવિચારને વણી લેતો એક નાનકડો લેખ ‘દિનચર્યા’ (૧૯૦૦) સ્વતંત્ર પુસ્તિકારૂપે મળ્યો છે. ઉપરાંત એમણે ‘બ્રિટીશ અને હિંદી વિક્રમ’ (૧૯૧૪-૧૯૧૯) તથા ‘ધ હાર્ટ ઑવ ઇન્ડિયા’ (૧૯૧૫) સમાયિકો ચલાવેલાં તેમાં તથા અન્યત્ર પ્રકાશિત એમનાં પ્રકીર્ણ અનૂદિત-સ્વતંત્ર ગદ્યલખાણો હજી અગ્રંથસ્થ છે.
પૂર્વાલાપ (૧૯૨૩)
ફેરફાર કરોગુજરાતી સાહિત્યમાં આજ સુધી અપૂર્વ કહી શકાય એવો મણિશંકર રત્નજી ભટ્ટ, ‘કાન્ત’નો કાવ્યસંગ્રહ. ઉત્તમ નાદમાધુર્ય, ચમત્કૃતિપૂર્ણ પ્રાસનિબંધન, ચુસ્ત-સંયત શ્લોકબંધ અર્થઘન અભિવ્યક્તિ, ઉત્કટ ભાવનિરૂપણ, લલિતકાન્ત શૈલી, સપ્રાણ અલંકારવૈભવ અને ઘનીભૂત અંગત વેદનાના કલાત્મક કરુણાવિષ્કારની બાબતમાં કાન્તની આ રચનાઓ અનન્ય છે. ધર્માન્તર પછી પાંખું પડેલું ઉત્તરવયનું સર્જન બાદ કરતાં કવિનાં દાંપત્યપ્રેમ, મિત્રપ્રેમ અને વ્યક્તિપ્રેમ નિરૂપતાં ઊર્મિકાવ્યો અને એમાંય સંમોહક વર્ણસંયોજનથી ઊંડો અર્થપ્રભાવ જન્માવતું ‘સાગર અને શશી’ અત્યંત દ્યોતક છે. ખંડકાવ્ય કાન્તની સિસૃક્ષામાંથી પ્રગટેલું તદ્દન નવું કાવ્યસ્વરૂપ છે; અને ‘અતિજ્ઞાન’, ‘ચક્રવાકમિથુન’, ‘વસન્તવિજય’ તેમ જ ‘દેવયાની’ એ ચાર ખંડકાવ્યોમાં એનું સર્વાંગ સૌંદર્ય પ્રગટ થયું છે. ભાષારાગ, ઈન્દ્રિયસંવેદ્યતા અને સંદર્ભદ્યોતક અલંકાર-પ્રતીક-કલ્પનો દ્વારા આ ખંડકાવ્યો કેવળ પ્રસંગો નથી રહ્યાં, પણ એમાં અખંડ કવિકર્મનો સંસ્પર્શ અનુભવાય છે. જીવનરહસ્ય નહીં, પણ કલારહસ્ય અહીં કવિની સફળતાનું કેન્દ્ર છે. અતૃપ્ત પ્રણયની ભાવસૃષ્ટિ, સંસ્કૃતનો સંનિવેશ, ગ્રીક કરુણ નાટકોનો સંસ્કાર અને છાંદસ તરેહોનું અનોખું શિલ્પ-ખંડકાવ્યોની સંસિદ્ધિની સામગ્રી છે. ખંડશિખરિણી અને અંજની જેવા, કાન્તને હાથે પહેલીવાર પ્રયોજાયેલા છંદોનું આકૃતિમાધુર્ય પણ અજોડ છે.
સિદ્ધાન્તરનું અવલોકન (૧૯૨૦)
ફેરફાર કરોમણિલાલ ન. દ્વિવેદી કૃત સિદ્ધાંતસારનું કાન્તે કરેલું અવલોકન. મૂળે ‘જ્ઞાનસુધા’માં ૧૮૯૪-૯૬ દરમિયાન પ્રગટ થયેલું આ અવલોકન કાન્તના એક વિધવા સ્ત્રી કાન્તા ઉપરના પત્રો તથા કાન્તા પરના એક પત્ર રૂપે છે. મણિલાલના વેદાન્તવિચારની તીક્ષ્ણ પરીક્ષા કરતા આ લઘુગ્રંથમાં કાન્તના તર્કપાટવનો તથા એમની વિનોદશક્તિનો હૃદ્ય પરિચય થાય છે. એમાં ઉપહાસ-વ્યંગના શસ્ત્રનો ધારદાર ઉપયોગ થયો છે. ધર્મનો બુદ્ધિ કરતાં વિશેષે હૃદયની લાગણી સાથે સંબંધ સ્થાપતો અને તત્વજ્ઞાન કરતાં ધર્મમય જીવન નીપજાવવામાં એની સફળતા લેખતો, બુદ્ધ-ઈશુ-મહંમદ વગેરે પ્રભાવક વ્યક્તિત્વોનું આકર્ષણ વ્યક્ત કરતો તથા વાસ્તવનિષ્ઠ કહી શકાય એવો કાન્તનો ધર્મવિચાર પણ આ અવલોકનમાંથી પ્રગટ થતો જોવાય છે.
અવસાન
ફેરફાર કરો૧૯૨૩માં તેઓ કાશ્મીરના પ્રવાસે ગયા, ત્યાંથી પાછા ફરતાં રાવળપિંડીથી લાહોર આવતી મેલ ટ્રેનમાં એમનું અવસાન થયું.
પૂરક વાચન
ફેરફાર કરો- શેઠ, ચંદ્રકાન્ત (૧૯૯૦). કાન્ત. ભારતીય સાહિત્યના નિર્માતા. નવી દિલ્હી: સાહિત્ય અકાદમી. ISBN 81-7201-033-8.
સંદર્ભ
ફેરફાર કરો- ↑ Das, Sisir Kumar (૧૯૯૧). History of Indian Literature: 1911-1956, struggle for freedom : triumph and tragedy. New Delhi: Sahitya Akademi. પૃષ્ઠ ૫૭૩–. ISBN 978-81-7201-798-9.
- ↑ અમીન, આપાજી બાવાજી (ફેબ્રુઆરી ૧૯૪૨). મોતીભાઈ અમીન - જીવન અને કાર્ય (PDF). કાળુપુર, અમદાવાદ: નવજીવન મુદ્રણાલય. Check date values in:
|archive-date=
(મદદ)