ધ્વજ સત્યાગ્રહ (હિંદી: झंडा सत्याग्रह) એ ભારતીય સ્વતંત્રતા ચળવળ દરમિયાન થયેલી શાંતિપૂર્ણ સવિનય કાનૂનભંગની ચળવળનો એક ભાગ હતો, જેમાં રાષ્ટ્રવાદી ધ્વજ ફરકાવવાના અધિકાર અને સ્વતંત્રતાનો ઉપયોગ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. આ ચળવળ લોકોને તેમનો રાષ્ટ્રવાદી ધ્વજ ફરકાવવા પર અને નાગરિક સ્વતંત્રતાઓ પર પ્રતિબંધ મૂકતા કાયદાઓની અવગણના દ્વારા ભારતમાં બ્રિટિશ શાસનની કાયદેસરતાને પડકારવા માટે આહવાન આપતી હતી. ધ્વજ સત્યાગ્રહો સૌથી નોંધપાત્ર રીતે ૧૯૨૩માં જબલપુર અને નાગપુર શહેરમાં આયોજીત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત દેશના અન્ય ભાગોમાં પણ તેનો અમલ કરવામાં આવ્યો હતો.

પૃષ્ઠભૂમિ

ફેરફાર કરો

ખાનગી કે સાર્વજનિક ઈમારતો પર (અને ક્યારેક સરકારી ઈમારતો પર પણ) રાષ્ટ્રવાદી ધ્વજ ફરકાવવા એ પ્રાયઃ વિરોધ પ્રકટ કરવા કે સત્તાને અમાન્ય કરવાનો એક પ્રદર્શન રહ્યું છે. ભારતીય સ્વતંત્રતાની ચળવળો અને ખાસ કરીને ગદર પાર્ટી તરીકે ઓળખાતા રાષ્ટ્રવાદી પક્ષના વિરોધ પ્રદર્શનનો આ મુખ્ય પ્રકાર હતો. લોકમાન્ય ટિળક, બિપિનચંદ્ર પાલ અને લાલા લાજપતરાય જેવા રાષ્ટ્રીય નેતાઓના નેતૃત્ત્વમાં આ ચળવળને વધુ મહત્ત્વ મળ્યું.

નાગરિક સ્વતંત્રતા પર અંગ્રેજોએ લાદેલા નિયંત્રણના વિરોધ પ્રદર્શન કરવા માટે અને ધ્વજ ન ફરકાવવાના કાયદાનો ભંગ કરવાના હેતુથી ધ્વજ ફરકાવીને કાનૂન ભંગ કરવાને "ધ્વજ સત્યાગ્રહ" નામ આપવામાં આવ્યું. આ સત્યાગ્રહ ૧૯૨૦–૧૯૨૨ની અસહયોગની ચળવળ, ૧૯૩૦નો મીઠાનો સત્યાગ્રહ અને ૧૯૪૨ની ભારત છોડો ચળવળ એ દરેકનો એક ભાગ રહ્યો હતો. સ્વયંસેવકોને ધ્વજ ફરકાવી કોઈ પણ પ્રતિરોધ વિના ધરપકડ વહોરી લેવા માટે પ્રેરિત કરાતા હતા.

આંદોલનો

ફેરફાર કરો

સંપૂર્ણ સ્વતંત્રતા સંગ્રામ દરમિયાન ધ્વજ સત્યાગ્રહ દરેક ચળવળનો ભાગ બની રહ્યો. દરેક રાષ્ટ્રવાદી ટોળા કે સરઘસો દ્વારા ધ્વજ સાથે રાખવામાં આવતો. ૩૧ ડિસેમ્બર ૧૯૨૯ના દિવસે રાવી નદીને કિનારે પૂર્ણ સ્વરાજ્યના સ્વીકાર કર્યાં પછી જવાહરલાલ નહેરુએ ધ્વજ ફરકાવ્યો હતો. ૭ ઓગસ્ટ ૧૯૪૨ના દિવસે મુંબઈના ગોવાલિયા ટેંક મેદાન ખાતે ભારત છોડો ચળવળની શરૂઆત વખતે પણ ધ્વજ ફરકાવવામાં આવ્યો હતો.

૧૯૨૩નો નાગપુર અને જબલપુરનો ધ્વજ સત્યાગ્રહ ઘણા મહિના સુધી ચાલ્યો હતો. અંગ્રેજોના ધ્વજ ફરકાવવાના હક્ક પરના પ્રતિબંધ કાયદાનો વિરોધ કરનારા ઘણાં લોકોને જેલમાં પૂરવામાં આવ્યાં હતાં. તેમાં ગાંધીજીને પણ કારાવાસ થયો હતો. આવામાં રાષ્ટ્રવાદી નેતાઓ જેવા કે સરદાર વલ્લભભાઈ પટેલ, [[રાજેન્દ્ર પ્રસાદ]|ડૉ. રાજેન્દ્ર પ્રસાદ], ચક્રવર્તી રાજગોપાલાચારી અને વિનોબા ભાવેએ વિવિધ ક્ષેત્રોમાં આંદોલનનું આયોજન કર્યું હતું. વિવિધ રાજ્યોના હજારો લોકો નાગપુરમાં જમા થયા હતા. આ ચળવળના અંતે અંગ્રેજો તથા જનતા અને મહાસભાના નેતાઓ સાથે થયેલી સમજૂતી અનુસાર તેમને ધ્વજ ફરકાવવાની સંમતિ આપવામાં આવી અને ધરપકડ થયેલા લોકોને મુક્ત કરવામાં આવ્યા હતા.

તે સિવાયનો અન્ય મહત્વપૂર્ણ ધ્વજ સત્યાગ્રહ ૧૯૩૮માં હાલના કર્ણાટકના મૈસૂરમાં યોજવામાં આવ્યો હતો. તેની યાદમાં ૧૫મી ઑગસ્ટ અને ૨૬મી જાન્યુઆરીના રોજ ઘણા સભા-સરઘસો કાઢવામાં આવે છે.

  • Rajmohan Gandhi. Patel: A Life. (Navajivan House; 1992)
  • Arundhati Virmani. National Symbols Under Colonial Domination: The Nationalization of the Indian Flag, March-August 1923 (Past and Present Society; 1999)

આ પણ જુઓ

ફેરફાર કરો

બાહ્ય કડીઓ

ફેરફાર કરો