પ્રકાશ ન. શાહ

ગુજરાત, ભારતના સંપાદક, પત્રકાર અને લેખક

પ્રકાશ ન.શાહ (૧૨ સપ્ટેમ્બર ૧૯૪૦) ગુજરાત ભારતના સંપાદક, પત્રકાર અને લેખક છે. તેઓ ‘નિરીક્ષક’ પખવાડિકના તંત્રી તરીકે જાણીતા છે. વર્તમાનમાં તેઓ ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ છે.[]

પ્રકાશ ન. શાહ
પ્રકાશ ન. શાહ (૨૦૧૩)
પ્રકાશ ન. શાહ (૨૦૧૩)
જન્મ(1940-09-12)12 September 1940
માણસા, બ્રિટીશ ભારત
વ્યવસાયસંપાદક, પત્રકાર અને લેખક
ભાષાગુજરાતી, અંગ્રેજી
રાષ્ટ્રીયતાભારતીય
શિક્ષણરાજકીય વિજ્ઞાનમાં અનુસ્નાતક
નોંધપાત્ર સર્જનોનિરીક્ષક સામયિકના સંપાદક

પ્રારંભિક જીવન

ફેરફાર કરો

શાહનો જન્મ નવીનચંદ્ર લાલભાઈ તથા ઈન્દુબેનને ત્યાં ૧૨ સપ્ટેમ્બર ૧૯૪૦ના રોજ માણસા, ગુજરાતમાં થયો હતો. પિતાના વ્યાપાર વ્યવસાયના કારણે તેમનું પ્રાથમિક શિક્ષણ પંજાબના અમૃતસર તેમજ વડોદરામાં થયું. તેમણે માધ્યમિક શિક્ષણ સરસ્વતી મંદિર હાઈસ્કૂલ, મણિનગર, અમદાવાદથી પૂર્ણ કર્યું હતું. તેમણે રાજકીય વિજ્ઞાનમાં એમ.એ.ની પદવી મેળવી હતી.[]

કારકિર્દી

ફેરફાર કરો

૧૯૬૫માં શાહ એચ.કે.આર્ટ્સ કોલેજમાં રાજકીય વિજ્ઞાનના પ્રોફેસર તરીકે જોડાયા. આ પૂર્વે તેઓ ‘આરત’ નામની યુવા સંસ્થાના રચનાત્મક અને વૈચારિક જાગૃતિ અભિયાન સાથે જોડાયેલા હતા. તેઓ ‘વિશ્વમાનવ’ માસિકના સંપાદન કાર્ય અને ‘ગાંધી શાંતિ પ્રતિષ્ઠાન’ની પ્રવૃત્તિઓમાં પણ સક્રિય રહ્યા હતા. ૧૯૭૧માં પ્રોફેસર તરીકેની નોકરી છોડી તેઓ ભોગીલાલ ગાંધી સાથે જ્ઞાનગંગોત્રી પુસ્તક શ્રેણીમાં સહસંપાદક તરીકે સરદાર પટેલ યુનિવર્સિટીમાં જોડાયા.[]

૧૯૭૪માં નવનિર્માણ આંદોલનમાં સક્રિય રહેલા શાહ જનતા મોરચાના સહમંત્રી પદે રહ્યા હતા. કટોકટીની રાજકીય અંધાધૂંધી દરમિયાન નાગરિક અધિકારોની સમાપ્તિના વિરોધમાં તેમની મિસા હેઠળ ધરપકડ કરવામાં આવી. શરૂઆતનો મહિનો પાલનપુર સબ જેલમાં અને ત્યારબાદ વડોદરાની સેન્ટ્રલ જેલમાં દસ મહિનાનો (જાન્યુઆરી ૧૯૭૭ સુધી) જેલવાસ ભોગવ્યો હતો.[] બાદમાં તેઓ પત્રકારત્ત્વ ક્ષેત્રે સક્રિય બન્યા. ૧૯૯૦ સુધી તેઓ ‘જનસત્તા-લોકસત્તા’ સમાચારપત્ર સાથે જોડાયેલા રહ્યા. આ ઉપરાંત દિવ્ય ભાસ્કર, ગુજરાત-ટુડે, ગુજરાતમિત્ર, સમકાલીન જેવા સમાચારપત્રોમાં કટારલેખન પણ કર્યું હતું. તેમણે ગુજરાતી સાહિત્ય પરિષદના વહીવટી મંત્રી તરીકે ચાર વર્ષ સુધી સેવા આપી હતી.[]

વિચારપત્ર ‘નિરિક્ષક’ના તંત્રી તરીકે તેઓ ખૂબ જ જાણીતા છે. ‘મારી વાચનકથા’ (દર્શક), ‘રુદ્રવીણાનો ઝણકાર’ (ભાનુ અધ્વર્યુ) તથા આચાર્ય કૃપલાણીની આત્મકથાના ગુજરાતી અનુવાદની તેમણે લખેલી પ્રસ્તાવના નોંધપાત્ર ગણાય છે.[] હાલમાં તેઓ ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ છે.[]

અંગત જીવન

ફેરફાર કરો

શાહના લગ્ન નયનાબહેન જોડે થયા છે. તેમને સંતાનોમાં બે પુત્રીઓ ઋતા અને રીતિ છે.[]

આ પણ જુઓ

ફેરફાર કરો
  1. ૧.૦ ૧.૧ "પ્રકાશ ન. શાહ : ગુજરાતી સાહિત્ય પરિષદના નવા પ્રમુખની જાણી-અજાણી વાતો". www.bbc.com.
  2. ૨.૦ ૨.૧ "પ્રકાશ ન. શાહ સાત રંગનો સરવાળો". www.divyabhaskar.co.in.
  3. ૩.૦ ૩.૧ ૩.૨ કુરકુટિયા, ઈતુભાઈ (November 2018). દેસાઈ, પારૂલ કંદર્પ (સંપાદક). ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ (સ્વાતંત્રયોત્તર યુગ - 2). 8. 2. અમદાવાદ: કે. એલ. સ્ટડી સેન્ટર, ગુજરાતી સાહિત્ય પરિષદ. પૃષ્ઠ 358–359. ISBN 978-81-939074-1-2.
  4. "પ્રકાશ ન શાહ: મિસાબંદીએ સ્વતંત્ર્યસંગ્રામમાં ભાગ નહીં લઈ શક્યાનું મહેણું ભાંગ્યું". www.bbc.com.