ભાઇલાલભાઇ પટેલ (ભાઈકાકા)

ભાઇલાલભાઇ દયાભાઈ પટેલ (ભાઇકાકા) એક સફળ સીવીલ ઇજનેર, ચરોતર વિદ્યામંડળ અને વલ્લભ વિદ્યાનગરના સ્થાપક અને ગુજરાત રાજ્યના વિધાનસભાના સૌ પ્રથમ વિરોધપક્ષના નેતા હતા.

જન્મ, અભ્યાસ અને કારકિર્દી

ફેરફાર કરો

ભાઇકાકાનો જન્મ ૭મી જૂન ૧૮૮૮ના રોજ સારસામાં (હાલનો આંણદ જિલ્લો) થયો હતો. ભાઇકાકાનો પ્રાથમીક અને માધ્યમીક અભ્યાસ સોજિત્રા અને વડોદરા થયો હતો. ત્યાર પછી તેમણે પુણેની ઇજનેરી કોલેજમાંથી સીવીલ ઇજનેરીનો ડિપ્લોમા મેળવ્યો હતો. ભાઇકાકાએ કારકિર્દીની શરુઆત મહેસાણામાં સુપરવાઇઝર તરીકે કરી હતી અને ત્યાર પછી ધુળેમાં (બોમ્બે પ્રેસીડેન્સી) ઓવરસીયર હતા. ત્યારબાદ પૂણેમાં સહાયક ઇજનેરનો (આસિસ્ટંટ એનજીનીયર) અનુભવ લઈને સક્કર બેરેજ (સિંધ, પાકિસ્તાનમાં સિંધુ નદી પર આવેલો એક બંધ) પ્રોજેક્ટ પર કાર્યવાહક ઇજનેર તરીકે નિમાયા હતા. સક્કર બેરેજની ઉત્ક્રુષ્ઠ કાર્યવાહીને કારણે ત્યારબાદ તેઓ સિંધ પ્રાંતના સ્પેસીયલ માર્ગ બાંધકામ વિભાગના કાર્યવાહક ઇજનેરની પદવીથી નિમાયા હતા. ઈ.સ. ૧૯૪૦માં સરદાર પટેલના આગ્રહથી અમદાવાદ મ્યુનિસિપાલિટીમાં મુખ્ય ઇજનેર તરીકે જોડાયા હતાં.[]

ચારુતર વિદ્યા મંડળ અને શૈક્ષણીક પ્રવ્રુત્તિ

ફેરફાર કરો

ભાઇકાકા ૧૯૪૨મા સરદાર પટેલે ચરોતર પ્રદેશની ગ્રામ્ય પ્રજાના ઉધ્ધાર માટે સ્થાપેલી ચરોતર (ચારુતર) વિદ્યા મંડળનાં અધ્યક્ષ તરીકે જોડાયા હતા.ત્યારબાદ ૩માર્ચ ૧૯૪૬ ના રોજ આ મંડળ દ્વારા વલ્લભ વિદ્યાનગરની સ્થાપના કરી હતી. વલ્લભ વિદ્યાનગર અને વિઠ્ઠલ ઉદ્યોગનગરની સ્થાપના, વિકાસ અને તેના આયોજનમા ભાઇકાકાની દિર્ધદ્રષ્ટિને આભારી હતી અને તેમનો અનન્ય ફાળો હતો. ચરોતર વિદ્યામંડળની સ્થાપના બાદ વિવિધ કોલેજોની શરુઆત બાદ ૩૦મી ઓક્ટોબરના રોજ આ કોલેજોને સરદાર પટેલ યુનીવર્સીટીમાં વિલિનીકરણ કરવામાં આવી હતી. ઈ.સ. ૧૯૫૫માં ભાઇકાકા આ નવનિર્મીત વિશ્વવિદ્યાલયના સૌપ્રથમ ઉપકુલપતિ નિમાયા હતા. ત્રણ વર્ષની મુદત બાદ તેઓએ સ્વેચ્છાએ નિવ્રુત્ત થઈને રાજકારણમાં જોડાયા હતા. ૧૨મી નવેમ્બર ૧૯૫૯ના રોજ સરદાર પટેલ યુનિવર્સિટી દ્વારા ભાઇકાકાને તેમની દિર્ધકાલીન સેવાઓ માટે "ઓનરરી ડોક્ટરેટ"ની પદવી આપવામાં આવી હતી. શૈક્ષણિક ક્ષેત્રેના તેમના યોગદાનને ધ્યાનમાં રાખીને ચરોતર વિદ્યા મંડળ દ્વારા સંચાલીત વલ્લભ વિદ્યાનગર સ્થિત "પોલીટેકનીક"ને ભાઇલાલ ભાઈ અને બીજા એક જાણીતા શિક્ષણવિદ ભિખાભાઈ પટેલનું નામ આપવામા આવેલ છે.

રાજકારણ

ફેરફાર કરો

પચાસના દાયકામાં તત્કાલિન કોંગ્રેસ સરકારની એકહથ્થુ શાસન અને દિશાવિહોણી સમાજવાદી નિતિઓ સામે અસરકારક વિરોધપક્ષની જરુરીયાત જોતા અન્ય સમાન વિચારધારા ધરાવતા રાજાજી, કનૈયાલાલ મુનશી સાથે મળીને તેમણે સ્વતંત્ર પક્ષની સ્થાપના કરી હતી. ઇ.સ ૧૯૬૨ની ગુજરાત રાજ્યની સ્થાપના બાદ પ્રથમ ચૂંટણીમા તેઓ સ્વતંત્ર પક્ષના ધારાસભ્ય તરીકે ચૂંટાઇને ગુજરાત વિધાનસભાનાં સૌપ્રથમ વિરોધપક્ષના નેતા બન્યા હતાં. વિરોધ પક્ષના નેતા તરીકે શાસકપક્ષ સાથે સદાય સુમેળ રાખીને પોતાનો અને તેમનાં પક્ષનો રચનાત્મક સહયોગ આપીને નવસર્જીત રાજ્યના વિકાસમાં તેમનો ફાળો આપ્યો હતો.

ભાઇકાકાનું અવસાન ૩૧મી માર્ચ ૧૯૭૦નાં રોજ અમદાવાદ મુકામે થયુ હતું.

  1. "Founding Fathers". Sardar Patel University (અંગ્રેજીમાં). મેળવેલ 2021-10-18.