મિથ્યાભિમાન (નાટક)
મિથ્યાભિમાન એ ભારતીય લેખક દલપતરામનું ૧૮૭૧નું ગુજરાતી નાટક છે. ગુજરાતી સાહિત્યમાં એક સીમાચિહ્ન ગણાતું આ નાટક ગુજરાતી નાટકના ઇતિહાસમાં હાસ્ય નાટકોમાં મહત્વનું સ્થાન ધરાવે છે. આ નાટક જીવરામ ભટ્ટની વાર્તા કહે છે, જે રતાંધળાપણા (નાઇટ બ્લાઇન્ડનેસ)થી પીડાય છે પરંતુ લોકો તેની આ નબળાઈ વિશે જાણે તે ઇચ્છતો નથી. જ્યારે જીવરામ ભટ્ટ તેના સસરાના ઘરે જાય છે, ત્યારે પોતાની વિકલાંગતા છુપાવવાનો નિરર્થક પ્રયાસ તેની મુશ્કેલી અને મૂંઝવણનું કારણ બને છે.
પૃષ્ઠભૂમિ
ફેરફાર કરોદલપતરામે ૧૮૭૦માં મિથ્યાભિમાન લખ્યું હતું, જેનું ઉપશીર્ષક 'ભુંગળ વિનાની ભવાઈ' હતું. આ નાટક પરંપરાગત સંસ્કૃત નાટક તરીકે ઓળખાતા ભવાઈના હાસ્ય લોક-નાટક અને પશ્ચિમી નાટક સ્વરૂપના તત્વોનું મિશ્રણ કરે છે. તેમાં ૧૪ દૃશ્યો છે. તે સૌ પ્રથમ ૧૮૭૧માં ગુજરાત વર્નાક્યુલર સોસાયટી (તે સમયે ગુજરાત વિદ્યા સભા) દ્વારા મિથ્યાભિમાન અથવા જીવરામ ભટ્ટ ના શીર્ષક હેઠળ પ્રકાશિત કરવામાં આવ્યું હતું.[૧][૨][૩]
પાત્રો
ફેરફાર કરોનાટકના મુખ્ય પાત્રો આ પ્રમાણે છે:[૪]
- જીવરામ ભટ્ટ, રતાંધળાપણાથી પીડિત
- રઘુનાથ, જીવરામના સસરા
- સૂત્રધાર
- રંગલો
કથાવસ્તુ
ફેરફાર કરોઆ નાટક સૂત્રધાર અને રંગલા વચ્ચેના સંવાદ દ્વારા રજૂ કરવામાં આવ્યું છે. નાટકનો નાયક જીવરામ ભટ્ટ માનસપુરીમાં તેના સસરાના ઘરે જતી વેળા જંગલમાંથી પસાર થતો હોય એવા દૃશ્યથી આ નાટકની શરૂઆત થાય છે. રતાંધળાપણા (નાઇટ બ્લાઇન્ડનેસ)થી પીડાતો જીવરામ ભટ્ટ નક્કી નથી કરી શકતો કે કયો રસ્તો અપનાવવો. તે બધું જોવાનો ઢોંગ કરીને તેની વિકલાંગતા છુપાવે છે, અને તેના સસરાના પરિવાર સાથે સંબંધિત બે ભરવાડો દ્વારા મદદ કરવાની વાતને નકારી કાઢે છે. છેવટે, તે તેના સસરાની ભેંસની પાડીની પૂંછડી પકડીને તેમના ગંતવ્ય સુધી પહોંચવાનો પ્રયાસ કરે છે, જે તેને રસ્તાની બાજુના ખાડામાં દોરી જાય છે.[૪]
બીજું દૃશ્ય જીવરામના સસરા રઘુનાથના ઘરનું છે, રઘુનાથ એક રૂઢિચુસ્ત બ્રાહ્મણ તરીકે માને છે કે વેદોનો રહસ્યમય અર્થ છે જે ભગવાન એકલા જ જાણે છે. રંગલો તેને જાણ કરે છે કે તેનો જમાઈ માનસપુરીની હદમાં આવી ગયો છે. ભરવાડ બિજલ પણ તેને જાણ કરે છે કે જીવરામ ભેંસની પૂંછડીની દોરવણીએ ગામની નજીક આવી રહ્યો છે.[૪]
જીવરામ ભેંસ સાથે ન મળતાં રઘુનાથ અને તેનો પુત્ર તેની શોધમાં નીકળે છે. તેઓ તેને ખાડામાં પડેલો જુએ છે. તેઓ તેને તેમની સાથે ઘરે આવવા કહે છે, પરંતુ તે રાત્રે જોવા માટે અસમર્થ હોવાને કારણે, તેની સાસુએ તેને અગાઉના પ્રસંગે 'રતાંધળો' કહ્યું હતું તે બહાને તેમની સાથે જવાની ના પાડે છે. ઘણી સમજાવટ પછી જીવરામ તેમની સાથે એ શરતે સંમત થાય છે કે ગામમાં કોઈ તેને રતાંધળો કહેશે નહિ. રઘુનાથ સ્થાનિક રાજકુમારને ગામના તમામ રહેવાસીઓને જીવરામને રતાંધળો ન કહેવાનો આદેશ બહાર પાડવા કહે છે. રાજકુમાર આવો આદેશ જાહેર કરે છે.[૪]
રઘુનાથના પરિવારના સભ્યો જીવરામને તેની સિદ્ધિઓ વિશે પ્રશ્નો પૂછે છે. જીવરામ જ્ઞાન, સર્જનાત્મકતા અને પૂજાની બાબતોમાં, અન્ય લોકો સાથે તેની મહાનતાની બડાઈ મારે છે. રાત્રિ-અંધત્વને પરિણામે, તે દરેક બાબતમાં ગોટાળો કરે છે. જ્યારે તે સ્નાન કરે છે ત્યારે સ્વચ્છ પાણીને બદલે, તે તેના શરીર પર પ્રાણીઓના પેશાબનું વાસણ ઊંધું વાળે છે. રાત્રિભોજન માટે બેસતી વખતે તે દીવાલની સામે મોં રાખી બેસે છે; જ્યારે તેની સાસુ તેને લાપશી (ઘઉંના લોટથી બનેલી મીઠી વાનગી) પીરસે છે, ત્યારે ભેંસ તે ખાઈ જાય છે. તેની સાસુ ફરીથી જ્યારે મીઠાઈ પીરસવા આવે છે, ત્યારે જીવરામ તેને ભેંસ સમજીને સખત માર મારે છે. તેની સાસુ દેવબાઈ રડે છે અને તેને ખરી-ખોટી સંભળાવે છે. આ બધા પ્રસંગોએ, જીવરામ તેના વર્તનને મૂર્ખતાપૂર્વક અને નિર્લજ્જ રીતે ન્યાયી ઠેરવવાનો પ્રયાસ કરી વ્યર્થતા અને દંભ પ્રદર્શિત કરે છે.[૪]
જીવરામ લઘુશંકા કરવા માટે મધ્યરાત્રિએ ઊઠે છે; જોકે, રાત-અંધાપાને કારણે ખોવાઈ ન જાય તે માટે તે પોતાની પાઘડીને ખાટલા સાથે બાંધે છે અને હાથમાં પાઘડીના બીજા છેડા સાથે પેશાબખાનામાં જાય છે. જોકે, ભેંસની પાડી પાઘડીના મધ્ય ભાગને ચાવી જાય છે. જીવરામ ખોવાઈ જાય છે અને તેની સાસુ પર પડી જાય છે, જે 'ચોર, ચોર' ચીસો પાડતી ઊભી થાય છે. રઘુનાથ અને સોમનાથ ઊભા થાય છે અને જીવરામને ચોર સમજી તેને સખત માર મારવા લાગે છે. પોલીસ આવે છે અને અંધારામાં જીવરામની ધરપકડ કરે છે. આ શોરબકોરમાં કોઈ પણ જીવરામનો અવાજ સાંભળતું નથી. પોલીસ કસ્ટડીમાં જીવરામને માર મારવામાં આવે છે અને તેને ગુનો કબૂલ કરવા દબાણ કરવામાં આવે છે. રઘુનાથ અને અન્ય લોકો માને છે કે જીવરામનું અપહરણ કરવામાં આવ્યું છે. રઘુનાથનું એ નિવેદન કે તેઓ ૨૦૦૦ રૂપિયા આપીને પણ ચોરી થયેલી 'વસ્તુ'ની ભરપાઈ કરી શકશે નહીં, તે આ આખી મૂંઝવણમાં વધારો કરે છે.[૪]
ત્યારબાદ કહેવાતા ચોરને ખાટલામાં કોર્ટમાં લાવવામાં આવે છે અને સત્ય બહાર આવે છે. જીવરામ મૃત્યુના આરે છે; અંતિમ દૃશ્યમાં, તેને ઘરે લાવવામાં આવે છે અને ચિકિત્સક-જ્યોતિષી દ્વારા સારવાર કરવામાં આવે છે. પરંતુ સાજા થવાની કોઈ શક્યતા નથી. અંતે જીવરામ તેના અયોગ્ય વર્તનનો પસ્તાવો કરે છે. તે તેના સંબંધીઓને તેની યાદમાં આરસપહાણનો સ્તંભ ઊભો કરવા અને તેના ઉપર ૧૨ મુદ્દાઓ લખવાનું કહે છે જે લોકોને ગૌરવ, વ્યર્થતા અને દંભના દુર્ગુણોથી દૂર રહેવા માટે પ્રોત્સાહિત કરે.[૪]
ભજવણી
ફેરફાર કરોગુજરાત વિદ્યા સભા સંચાલિત નાટ્યશાળા નટમંડળ દ્વારા સંભવતઃ ૧૯૫૫માં મિથ્યાભિમાન નાટક સૌ પ્રથમ ભજવવામાં આવ્યું હતું. તેનું દિગ્દર્શન જયશંકર ભોજકે કર્યું હતું અને પ્રાણસુખ નાયકે જીવરામ ભટ્ટનું પાત્ર ભજવ્યું હતું.[૩][૫] ૧૯૯૮માં કૈલાશ પંડ્યાએ આ નાટકને ભૂંગળ વિનાની ભવાઈ તરીકે ભજવ્યું હતું, જે તે જ વર્ષે અમદાવાદના નટરાણી ખાતે મંચિત કરવામાં આવ્યું હતું. નાટકમાં જીવરામ ભટ્ટનું પાત્ર અર્ચન ત્રિવેદીએ ભજવ્યું હતું.[૬] આ નાટકનું મંચન ગુજરાતી સાહિત્ય પરિષદ, અમદાવાદના આર.વી.પાઠક સભાખંડમાં ૨૧ જાન્યુઆરી, ૨૦૦૭ના રોજ કરવામાં આવ્યું હતું. તેનું દિગ્દર્શન ગુજરાતી લેખક અને નાટ્યકાર મહેન્દ્રસિંહ પરમારે કર્યું હતું.[૭]
આવકાર
ફેરફાર કરોગુજરાતી નાટકના વિકાસમાં એક સીમાચિહ્ન ગણાતું મિથ્યાભિમાન ગુજરાતી ભાષામાં પ્રથમ હાસ્ય નાટક છે. ગુજરાતી હાસ્ય નાટકોના ઇતિહાસમાં તે મહત્વનું સ્થાન ધરાવે છે.[૧][૨][૮]
સંદર્ભ
ફેરફાર કરો- ↑ ૧.૦ ૧.૧ Jani, Balvant (1987). "Mithyabhiman". માં Datta, Amaresh (સંપાદક). Encyclopaedia of Indian Literature: K to Navalram. VIII. New Delhi: Sahitya Akademi. પૃષ્ઠ 2713. ISBN 978-0-8364-2423-2.
- ↑ ૨.૦ ૨.૧ Bhakandwala, B. H. (1988). "Drama (Gujarati)". માં Datta, Amaresh (સંપાદક). Encyclopaedia of Indian Literature: Devraj to Jyoti. New Delhi: Sahitya Akademi. પૃષ્ઠ 1071. ISBN 978-81-260-1194-0.
- ↑ ૩.૦ ૩.૧ ભોજક, દિનકર (August 2002). "મિથ્યાભિમાન". માં ઠાકર, ધીરુભાઈ (સંપાદક). ગુજરાતી વિશ્વકોશ. XVI (1st આવૃત્તિ). અમદાવાદ: ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ. પૃષ્ઠ 43. OCLC 163322996.
- ↑ ૪.૦ ૪.૧ ૪.૨ ૪.૩ ૪.૪ ૪.૫ ૪.૬ Thaker, Dhirubhai (1997). "Mithyabhiman (False Pride)". માં George, K. M. (સંપાદક). Masterpieces of Indian Literature. 1. New Delhi: National Book Trust. પૃષ્ઠ 328–330. ISBN 81-237-1978-7.
- ↑ Baradi, Hasmukh (2003). History of Gujarati Theatre. India-The Land and The People. Meghani, Vinod વડે અનુવાદિત. New Delhi: National Book Trust. પૃષ્ઠ 13. ISBN 81-237-4032-8. CS1 maint: discouraged parameter (link)
- ↑ Desai, S.D. (December 2002). More Happenings: Gujarati Theatre Today (1990–1999). Gandhinagar: Gujarat Sahitya Academy. પૃષ્ઠ 229. ISBN 81-7227-113-1.
- ↑ ઠાકર, લાભશંકર (2009). સોનેરી ચુંબન. અમદાવાદ: રન્નાદે પ્રકાશન. પૃષ્ઠ 101. OCLC 317623731.
- ↑ Thaker, Dhirubhai; Desai, Kumarpal, સંપાદકો (2007). "Social Reforms in Gujarat". Gujarat. Ahmedabad: Smt. Hiralaxmi Navanitbhai Shah Dhanya Gurjari Kendra, Gujarat Vishvakosh Trust. પૃષ્ઠ 78. OCLC 680480939.
બાહ્ય કડીઓ
ફેરફાર કરો- ગુજરાતી વિશ્વકોશમાં મિથ્યાભિમાન (નાટક).
- મિથ્યાભિમાન (નાટક) ઇન્ટરનેટ અર્કાઇવ પર