માલધારીપશુપાલન ને લગતા વ્યવસાય કરતો એક લોકોસમુહ છે. માલધારી શબ્દ ખાસ કરીને ભારત દેશનાં પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યમાં વધુ પ્રચલિત છે, આ શબ્દ માલ એટલે પશુધન અને ધારી એટલે ધરાવનારનો બનેલો છે. માલધારી શબ્દનો શાબ્દિક અર્થ પશુધન ધરાવનાર એવો કરી શકાય.

માલધારી સમુહમાં ચારણ, ભરવાડ અને રબારી વગેરે જ્ઞાતિઓનો સમાવેશ થાય છે. જેઓ ખાસ કરીને વન્ય વિસ્તાર આજુબાજુનાં મેદાનોમાં વસવાટ કરવાનું વધુ પસંદ કરે છે, જેથી તેઓનાં પશુઓને ઘાસચારો સરળતાથી મળી રહે છે. માલધારીઓના વસવાટ સ્થળને "નેસ" તરીકે ઓળખાય છે.આ ઉપરાંત તેઓની વસ્તી ગ્રામિણ અને શહેરી વિસ્તારોમાં પણ જોવા મળે છે. ઘણા ખરા માલધારીઓએ પોતાનો પશુપાલનનો વ્યવસાય છોડીને બીજા ધંધાઓમાં પણ કાર્ય કરવાનું શરુ કર્યું છે.