સાગર અને શશી

મણિશંકર રત્નજી ભટ્ટ 'કાન્ત' રચિત કાવ્ય

સાગર અને શશીગુજરાતી કવિ મણિશંકર રત્નજી ભટ્ટ 'કાન્ત' લિખિત કાવ્ય છે, જે ગુજરાતી સાહિત્યની એક ઉત્તમ રચના ગણવામાં આવે છે. ઝૂલણા છંદમાં રચાયેલું અને સંદિગ્ધ પદાવલીઓ ધરાવતું આ કાવ્ય ચન્દ્રોદય જોઈને કવિના રૂપાંતરિત થયેલા હ્રદયના ભાવ અને સાગરનાં ગતિશીલ ચિત્રને રજૂ કરે છે.[]

સાગર અને શશી 
રચનાર: મણિશંકર રત્નજી ભટ્ટ 'કાન્ત'
દેશભારત
ભાષાગુજરાતી
છંદઝૂલણા
પ્રાસરચનાAB CB BB B
પંક્તિ સંખ્યા૧૪

પાર્શ્વભૂમિ

ફેરફાર કરો

કાન્તની જાણીતી રચનાઓમાંથી એક એવું આ કાવ્ય કાન્તે હિન્દુમાંથી ખ્રિસ્તી ધર્મ અપનાવ્યો ત્યારબાદ લખાયું હતું.[] એવું માનવામાં આવે છે કે ગોપનાથના દરિયાકિનારે ઊભા રહીને કવિ કાન્તને જે અનુભૂતિ થઈ એનું વર્ણન આ કાવ્યમાં છે.[]

આજ મહારાજ! જલ પર ઉદય જોઈને
ચન્દ્રનો હૃદયમાં હર્ષ જામે,
સ્નેહઘન કુસુમવન વિમલ પરિમલ ગહન
નિજ ગગન માંહિ ઉત્કર્ષ પામે;
પિતા! કાલના સર્વ સન્તાપ શામે!
નવલ રસ ધવલ તવ નેત્ર સામે!
પિતા! કાલના સર્વ સન્તાપ શામે!

જલધિજલદલ ઉપર દામિની દમકતી,
યામિની વ્યોમસર માંહિ સરતી;
કામિની કોકિલા કેલિ કૂજન કરે,
સાગરે ભાસતી ભવ્ય ભરતી.
પિતા! સૃષ્ટિ સારી સમુલ્લાસ ધરતી!
તરલ તરણી સમી સરલ તરતી!
પિતા! સૃષ્ટિ સારી સમુલ્લાસ ધરતી!

'સાગર અને શશી' કાવ્યનું છંદોવિધાન
સ્વરભાર (લઘુ/ગુરુ)
દા
u

દા

દા
u

દા

દા
u

દા

દા
u

દા
અક્ષર મહા રા જલ પર દય જો ને

'સાગર અને શશી' કાવ્ય ઝૂલણા છંદમાં રચવામાં આવ્યું છે.[][] એવું પણ કહેવાય છે કે કવિ કાન્તે 'શંકરા ભરમાણ' રાગને આધારે આ કાવ્યની રચના કરી હતી.[]

અર્થઘટન

ફેરફાર કરો

ગોપનાથના દરિયાકિનારે ઉદય પામતા ચંદ્રના દર્શન કર્યા પછી કવિના મનમાં જે પ્રબળ આવેગ ઉમટે છે એનું આ કાવ્યમાં 'નાજુક' શબ્દોમાં આલેખન થયું છે, કાવ્યની શરૂઆત 'આજ' શબ્દથી થાય છે. આ 'આજ' શબ્દ દ્વારા ચંદ્રોદયદર્શન પહેલીવાર નથી થયા, પરંતુ આજે સ્થિતિ કંઈક જુદી છે અને કવિના મનની સ્થિતિ પણ અલગ છે એવું દર્શાવાયું છે. એ મનની સ્થિતિ અલગ હોવાને કારણે હ્રદયમાં હર્ષની લાગણી ઉત્પન્ન થાય છે. 'આજ' શબ્દ વિશે વિવેચક સતીશ વ્યાસ જણાવે છે કે, "કાવ્યનો પ્રારંભ 'આજ' શબ્દથી થાય છે. એ સાપેક્ષ શબ્દ છે. એમાં વીતી ગયેલી ભયાનક 'કાલ'ના પડઘા સંભળાય છે, જે પછી 'સંતાપ' શબ્દ સાથે જોડાય છે, પણ 'આજ' તો સુમધુર છે. 'આજ'ની સાથે જ 'મહારાજ'નો પ્રાસ છે".[]

ચંદ્રના દર્શનથિ હ્રદયમાં હર્ષની લાગણી જામ્યા પછી કવિને સૃષ્ટિનાં દરેક તત્ત્વમાંથી સ્નેહનો અનુભવ થાય છે; આ અનુભવ એકદમ 'વિમલ' છે, શુદ્ધ છે. આ અનુભવનો ઉત્કર્ષ 'નિજ ગગન'માં (કવિના પોતાના મનમાં) થાય છે એમ કવિ કહે છે. આ અનુભવ કવિને સર્વ સંતાપો, ત્રાસદાયક મન:સ્થિતિમાંથી મુક્ત કરાવે છે. ચાંદની રાતનો ધવલ પ્રકાશ આંખ સામે તરવરે છે જેને કારણે એક અનુપમ દ્રશ્ય રચાય છે, જેને કારણે ગઈકાલના સઘળા સંતાપ દૂર થાય છે. એથી 'પિતા ! કાલના સર્વ સંતાપ શામે !' પંક્તિનું પુનરાવર્તન કરવામાં આવ્યું છે. 'પિતા' શબ્દ દ્વારા કવિએ અહિં ઈશ્વરને સંબોધન કર્યું છે.[]

નિરંજન ભગતે આ કાવ્યને 'ગુજરાતી ભાષાનું સર્વોત્તમ અદ્વિતીય સંગીતકાવ્ય' કહ્યું છે.[] આ કાવ્ય તેના વર્ણસગાઈ અલંકાર માટે પણ જાણીતું છે. 'કામિની કોકિલા કેલિ કૂજન કરે' અને 'ભાસતી ભવ્ય ભરતી' જેવી પંક્તિઓમાં કવિએ વર્ણસગાઈ અલંકારનો ઉપયોગ કર્યો છે.[]

સંદર્ભો

ફેરફાર કરો
  1. ૧.૦ ૧.૧ ટોપીવાળા, ચન્દ્રકાન્ત; સોની, રમણ; દવે, રમેશ ર., સંપા. (૧૯૯૦). ગુજરાતી સાહિત્ય કોશ: અર્વાચીનકાળ. ખંડ ૨. અમદાવાદ: ગુજરાતી સાહિત્ય પરિષદ. pp. ૬૧૮. OCLC 26636333.
  2. Parmar, Francis (1994). "Chapter 3: Christians and Gujarati". In Innasi, S.; Jayadevan, V. (eds.). Christian Contribution to Indian Languages and Literatures. Madras: Mariyakam. p. 45. OCLC 636900293.
  3. ૩.૦ ૩.૧ ૩.૨ ૩.૩ ૩.૪ પારેખ, ધ્વનિલ (૨૦૨૦). પ્રથમ વર્ષ બી.એ., પેપર–૨ (મુખ્ય તથા ગૌણ), ગુજરાતી પદ્ય (GUJJM 102/GUJS 102) ભાગ–૧. ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી. પૃષ્ઠ ૧૭–૨૧. ISBN 978-93-89456-37-0.
  4. ૪.૦ ૪.૧ શેઠ, ચંદ્રકાન્ત શેઠ (૧૯૯૦). કાન્ત. ભારતીય સાહિત્યના નિર્માતા. નવી દિલ્હી: સાહિત્ય અકાદમી. પૃષ્ઠ ૩૯–૪૦. ISBN 81-7201-033-8. OCLC 1043708189.

પૂરક વાચન

ફેરફાર કરો