ઉપરવાસ
ઉપરવાસ અથવા ઉપરવાસ (કથાત્રયી) એ ૧૯૭૫માં પ્રકાશિત, રઘુવીર ચૌધરી દ્વારા લખાયેલ ત્રણ ખંડો ધરાવતી નવલકથા છે. આ નવકથાએ દિલ્હીની સાહિત્ય અકાદમીનો પુરસ્કાર મેળવ્યો હતો.[૧]
નવલકથા
ફેરફાર કરોઆ બૃહદ નવલકથા ત્રણ ખંડોમાં વહેંચાયેલી છે અને તે ત્રણે ખંડોને જુદા જુદા નામ આપવામાં આવ્યા છે: ઉપરવાસ, સહવાસ અને અંતરવાસ. ઉત્તર ગુજરાતના મહેસાણા જિલ્લાના ગ્રામજીવનના પૃષ્ઠભૂમિમાં આલેખાયેલી આ નવલકથા એક કુટુંબના પાત્રોની અઢી-ત્રણ દાયકાની કથા વર્ણવે છે: આથમતી પેઢી - પિયુ ભગત, કરસન મુખી, મગા મનોર, દોલીચા; વચલી પેઢી - નરસંગ, ભીમો, લાલો, જેઠો, કંકુ, વાલી; તરુણ પેઢી - દેવુ, લવજી, હેતી, રમણ, જેમિની આ નવલકથાના મુખ્ય પાત્રો છે.[૨] સાબરમતી નદીનો ઉપરવાસ આ નવલકથાના પાત્રોનું તે વતન છે. ૧૯૪૭ થી ૧૯૭૨ સુધીના સમય દરમ્યાન પ્રદેશની બદલાતી સ્થિતિ આ નવલકથા દર્શાવે છે. લેખક આ નવલક્થાને ‘વતનની આત્મકથા’ કહે છે. [૧]
આ નવલકથા આંજણા કોમના સામાજિક તથા કૌટુંબિક વ્યવહારો, રીતરિવાજો, ધંધા અને ધર્મની ગતિવિધિઓ, જૂની-નવી પેઢીના સંબંધો અને સંઘર્ષોને આ ક્ષેત્રની તળપદી ભાષા સાથે વર્ણવે છે. નવલકથા પોતાનું જીવન ધોરણ ઊંચુ લાવવા મથતાં કુટુંબોને વાંકાબોલા અને ભ્રષ્ટ લોકો સાથે કરવી પડતી લમણાઝીંકો દીર્ઘ સ્વરૂપે વર્ણવે છે. ભારતને મળેલી સ્વતંત્રા પછી ચૂંટણીઓના કાવાદાવાઓ, ગ્રામવિકાસની યોજનાઓ, સહકારી પ્રવૃત્તિઓ, પ્રૌઢશિક્ષણ, પંચાયતની ચૂંટણીઓ, વધતો વાહન વ્યવહાર, યંત્રઉદ્યોગો, યાંત્રિક ઓજારો તથા વીજળી અને રાસાયણિક ખાતરો દ્વારા બદલાયેલી ખેતી વગેરેની ગ્રામ્યજીવન પર થેયેલી અસર આ કથામાં દર્શાવઈ છે.[૧]
કથાસાર
ફેરફાર કરોઆ કથા વૃદ્ધાવસ્થા નજીક પહોંચેલા પિથુ ભગત અને એમના આધેડ દીકરા નરસંગથી શરૂ થાય છે. નરસંગને હેતી નામે એક દીકરી છે જેને રમણલાલ જોડે પરણાવાય છે. આઝાદી પછી કૉંગ્રેસી રમણલાલ ચૂંટણી લડે છે. આ ઘટના પછી શહેરી જીવન સાથે બદલાતા ગ્રામસમાજનું નવલકથામાં નિરૂપણ થાય છે. બીજા ખંડમાં પિથુ ભગતની ત્રીજી પેઢી આધુનિક પ્રગતિથી ગ્રામ્ય જીવનમાં થયેલા પરિવર્તનો અનુભવે છે અને છેવટે એ પેઢીથીજ નવા યુગનો પ્રારંભ થાય છે. નવલકથાના ત્રીજા ભાગમાં લવજીનું પાત્ર પ્રમુખ બને છે. તે ભણીને શહેર અને પછી પરદેશ જાય છે અને ત્યાંથી પાછો આવે છે. તે શહેરમાં જઈ વસ્યો છે પણ ત્યાંના વાવરણમાં તે ગોઠવાઈ શકતો નથી.[૧]
પ્રકાશન
ફેરફાર કરો૨૦૦૧ માં આ નવલકથાની આવૃત્તિ પ્રકાશિત થઈ છે.[૧]
વિવેચન
ફેરફાર કરોઉપરવાસ વિશે એ શીર્ષક હેઠળ આ નવલકથાના વિવેચનો સંજય ચૌધરીએ સંપાદિત કર્યા છે, તેમાં નામવરસિંહ, નિરંજન ભગત, જયંત કોઠારી, ભોળાભાઈ પટેલ, પ્રમોદકુમાર પટેલ, ચંદ્રકાન્ત શેઠ, નલિન રાવળ, મણિલાલ હ. પટેલ, નરેશ વેદ, રમેશ ર. દવે, ધીરેન્દ્ર મહેતા, કિરીટ દૂધાત, કાનજી પટેલ, શરીફા વીજળીવાળા, પરમાનંદ શ્રીવાસ્તવ, મહાવીરસિંહ ચૌહાણ, ચંદ્રકાંત બંદિવડેકર, આલોક ગુપ્ત, રમેશ ઓઝા, મણિભાઈ અં. પટેલનાં વિવેચનો સમાવેલા છે.[૩]
સન્માન
ફેરફાર કરોઆ નવલકથાને ૧૯૭૭માં દિલ્હીની સાહિત્ય અકાદમી તરફથી ગુજરાતી ભાષાનો પુરસ્કાર મેળવ્યો હતો.[૧] આ નવલકથાને ૧૯૭૪-૯૫નો ઉમા-સ્નેહરશ્મિ પારિતોષિક પણ મળ્યો છે.[૨]
સંદર્ભો
ફેરફાર કરો- ↑ ૧.૦ ૧.૧ ૧.૨ ૧.૩ ૧.૪ ૧.૫ "ઉપરવાસ (કથાત્રયી) – Gujarati Vishwakosh – ગુજરાતી વિશ્વકોશ" (અંગ્રેજીમાં). મેળવેલ 2021-10-09.
- ↑ ૨.૦ ૨.૧ "સવિશેષ પરિચય: રઘુવીર ચૌધરી , ગુજરાતી સાહિત્ય પરિષદ - Raghuvir Chaudhary, Gujarati Sahitya Parishad". www.gujaratisahityaparishad.com. મેળવેલ 2021-10-09.
- ↑ "ઉપરવાસ વિશે - વિવેચન (Criticism)". rangdwar.com. મૂળ માંથી 2021-10-09 પર સંગ્રહિત. મેળવેલ 2021-10-09.