ગીતાંજલિ

રવીન્દ્રનાથ ટાગોરનો કાવ્યસંગ્રહ

ગીતાંજલિ (બંગાળી ઉચ્ચારણ - ગીતાંજોલિ) રવિન્દ્રનાથ ટાગોર દ્વારા રચાયેલ કવિતઓનો સંગ્રહ છે, જેના માટે એમને ઈ. સ. ૧૯૧૩ના વર્ષના નોબૅલ પારિતોષિક વડે સન્માનિત કરવામાં આવ્યા હતા. 'ગીતાંજલિ' શબ્દ ગીત અને અંજલિ એમ બે શબ્દ મળીને બને છે, જેનો અર્થ છે - ગીતોનો ઉપહાર (ભેટ).

ગીતાંજલિ
ગીતાંજલિનું મુખપૃષ્ઠ
લેખકરવિન્દ્રનાથ ટાગોર
મૂળ શીર્ષકগীতাঞ্জলি
દેશભારત
ભાષાબંગાળી
વિષયDevotion to God
પ્રકારકવિતા
પ્રકાશન તારીખ
૧૯૧૦
અંગ્રેજીમાં પ્રકાશન તારીખ
૧૯૧૨
પાનાં૧૦૪
મૂળ પુસ્તકગીતાંજલિ વિકિસ્રોત પર

આ રચનાનું મૂળ સંસ્કરણ બંગાળી ભાષામાં હતો, જેમાં મોટેભાગે ભક્તિમય રચનાઓ સામેલ હતી, ત્યાર પછી ઇંગ્લેન્ડના પ્રવાસ દરમિયાન એમણે અંગ્રેજી અનુવાદ કરી આ કાવ્ય સંગ્રહની રચના કરી હતી. આ અનુવાદિત કાવ્યસંગ્રહ પશ્ચિમી જગતમાં ખુબ જ પ્રસિદ્ધ થયો અને ત્યારપછી અનેક ભાષાઓમાં તેનો અનુવાદ કરવામાં આવ્યો હતો.

પ્રકાશન

ફેરફાર કરો

મૂળ બંગાળી ગીતાંજલિ ૧૯૧૦માં પ્રગટ થઈ હતી અને એમાં ૧૫૭ ગીતરચનાઓ છે, પરંતુ જે અંગ્રેજી ગીતાંજલિને અનુલક્ષીને નોબેલ પારિતોષિક જાહેર થયેલું, એ સૌપ્રથમ નવેમ્બર ૧૯૧૨માં લંડનમાં રવિન્દ્રનાથના મિત્ર અને પ્રસિદ્ધ ચિત્રકાર રોથેન સ્ટાઈનની પ્રેરણાથી ઈન્ડિયા લાઈબ્રેરીએ ૭૫૦ નકલની સીમિત આવૃત્તિરૂપે પ્રગટ કરી હતી. તે પછી બીજે વર્ષે ૧૯૧૩માં મેકમિલન કંપનીએ આ પુસ્તક પ્રગટ કર્યુ હતું, અને ત્યારબાદ એ જ કંપની દ્વારા એની અનેક આવૃત્તિઓ પ્રગટ કરવામાં આવી છે.[૧] પ્રથમ અંગ્રેજી આવૃત્તિ પ્રસિદ્ધ કવિ અને પછીથી નોબેલ પારિતોષિક વિજેતા ડબલ્યુ. બી. યેટ્સની ભૂમિકા સાથે પ્રગટ થઈ હતી.[૨]

બંગાળી ગીતાંજલિ અને અંગ્રેજી ગીતાંજલિ અર્થાત સૉઙ ઑફ રિંગ્જ વચ્ચે ભેદ છે. અંગ્રેજી આવૃત્તિમાં રવીન્દ્રનાથે બંગાળી ગીતાંજલિ ઉપરાંત પોતાના અન્ય કાવ્યસંગ્રહો નૈવેદ્ય, ગીતિમાલ્ય, ખેયા, અચલાયતન, સ્મરણ, કલ્પના, વૈતાલિ અને ઉત્સર્ગમાંથી કાવ્યો પસંદ કરીને જાતે જ તેના કાવ્યાત્મક અંગ્રેજી અનુવાદો પ્રગટ કર્યા છે.[૧]

પ્રસિદ્ધ કવિ અને પછીથી નોબેલ પારિતોષિક વિજેતા ડબલ્યુ. બી. યેટ્સે આ સંગ્રહની ઉષ્માપૂર્ણ ભૂમિકા લખી છે. ૧૯૧૨માં એઝરા પાઉન્ડે અંગ્રેજી ગીતાંજલિની હસ્તપ્રતમાંથી છ કાવ્યો પસંદ કરી શિકાગોથી હેરિયર મનોરાના તંત્રિપદે પ્રગટ થતા પોએટ્રી સામયિક માટે મોકલતાં લખેલું કે, આ કાવ્યોનું પ્રકાશન અંગ્રેજી જ નહિ, વિશ્વકવિતાના ઈતિહાસની ઘટના છે.[૧]

વિશ્વની તેમજ ભારતની મહત્વની ભાષાઓમાં ગીતાંજલિના અનુવાદો થયા છે. આન્દ્રે જિદે તેનો ફ્રેન્ચમાં તેમજ હિમેનેથે તેનો સ્પેનિશમાં અનુવાદ કર્યો છે, જે બંને સાહિત્યકારોએ પાછળથી નોબેલ પારિતોષિક વિજેતા બન્યા હતા. ગુજરાતીમાં મૂળ અંગ્રેજી કે બંગાળીમાંથી આજ સુધીમાં નવ જેટલા અનુવાદો થયા છે. પહેલો અનુવાદ હરિભાઈ દેસાઈએ ૧૯૧૭માં બંગાળીમાંથી કર્યો હતો. એ પછી બીજો અંગ્રેજી પરથી અનુવાદ કાન્તે કર્યો હતો અને ૧૯૧૯માં પ્રગટ થયો હતો. રામચંદ્ર અધ્વર્યુએ તેનો શાસ્ત્રીય રાગોમાં અનુવાદ કર્યો છે. સૌથી શ્રદ્ધેય ગણાતો અનુવાદ નગીનદાસ પારેખે ૧૯૪૨માં કાકાસાહેબ કાલેલકરની પ્રસ્તાવના સાથે પ્રકાશિત કર્યો હતો. તે ઉપરાંત ૧૯૯૪માં પણ કાંતિલાલ પરીખ દ્વારા પણ એક અનુવાદ પ્રકાશિત થયેલ છે.[૧]

  1. ૧.૦ ૧.૧ ૧.૨ ૧.૩ પટેલ, ભોળાભાઈ (૧૯૯૬). ગુજરાતી સાહિત્યકોશ ભાગ. ખંડ ૩. અમદાવાદ: ગુજરાતી સાહિત્ય પરિષદ. પૃષ્ઠ ૧૨૧-૧૨૨.
  2. "Yeats' introduction to Tagore's Gitanji". The Fortnightly Review (અંગ્રેજીમાં). ૨૭ મે ૨૦૧૩. મેળવેલ ૨ અપ્રીલ ૨૦૧૮. Check date values in: |access-date= (મદદ)

બાહ્ય કડીઓ

ફેરફાર કરો