પારનેરા ડુંગર
પારનેરા ડુંગર ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગમાં સૌથી છેલ્લા આવતા વલસાડ જિલ્લામાં આવેલા વલસાડ તાલુકામાં આવેલો એક નાનકડો ડુંગર છે. પારનેરા ડુંગર ઐતિહાસિક અને ધાર્મિક સ્થળ તરીકેનું મહત્વ ધરાવે છે. આ ડુંગર પર આશરે પંદરમી સદીમાં બનાવેલો કિલ્લો જોવા લાયક છે. કિલ્લાની દક્ષિણ દિશામાં એક બારી બનાવવામાં આવેલ છે, જે સ્થાનિક લોકોમાં નાઠાબારી તરીકે ઓળખાય છે. વાયકા છે કે આ જગ્યા પરથી સુરત ઉપર ચડાઈ કરીને પાછા ફરતી વેળા શિવાજી અહીંથી પલાયન કરી ગયા હતાં. આ ડુંગર પર મહાકાળી માતાનું મંદિર પણ આવેલું છે.[૧]
પારનેરા ડુંગર | |
---|---|
શિખર માહિતી | |
અક્ષાંસ-રેખાંશ | 20°32′45″N 72°56′28″E / 20.5458°N 72.9411°E |
ભૂગોળ | |
સ્થાન | પારનેરા નજીક, વલસાડ જિલ્લો, ગુજરાત, ભારત |
અહિયાં દર વર્ષે આસો નવરાત્રી દરમિયાન આઠમના દિવસે મેળો ભરાય છે, જેમાં હજારો શ્રદ્ધાળુઓ ભક્તિપૂર્વક ભાગ લેતા હોય છે. આ ઉપરાંત આ ડુંગર પર ચાંદપીર બાબાની દરગાહ પણ આવેલી છે. આ કિલ્લો અલગ અલગ સમયમાં પેશવાઓ, મરાઠા, ગાયકવાડ, ફિરંગીઓ અને અંગ્રેજોનાં કબજામાં રહયો હતો. પારનેરા ડુંગર રાષ્ટ્રીય ધોરી માર્ગ નં. ૮ ઉપર આવેલા અતુલ અને વલસાડને જોડતા રાજ્ય ધોરી માર્ગ પર વલસાડથી આશરે ૬ કિલોમીટર જેટલા અંતરે આવેલ છે.[૨]
આ કિલ્લા પર અતુલ તરફથી પણ ચડી શકાય છે. આ કિલ્લા ઉપરથી વલસાડ શહેર, અતુલ ગામ, અતુલ રાસાયણિક સંકુલ, પાર નદી, કિલ્લા પારડી, રાષ્ટ્રીય ધોરી માર્ગ નં. ૮, અમદાવાદથી મુંબઇ જતો રેલમાર્ગ વગેરેનું હવાઇ નિરિક્ષણ કરવાનો અનેરો લ્હાવો સાંપડે છે. ચોમાસામાં આ ડુંગર પર રમણીય વાતાવરણ જોવા મળે છે.
આ પણ જુઓ
ફેરફાર કરોસંદર્ભો
ફેરફાર કરો- ↑ "વલસાડ જીલ્લા પંચાયત | જિલ્લા વિષે | ઇતિહાસ". valsaddp.gujarat.gov.in. મૂળ માંથી 2015-07-03 પર સંગ્રહિત. મેળવેલ ૧૬ મે ૨૦૧૭.
- ↑ "વલસાડ જીલ્લા પંચાયત | જિલ્લા વિષે | જોવાલાયક સ્થળો | પારનેરા ડુંગર". valsaddp.gujarat.gov.in. મૂળ માંથી 2016-03-25 પર સંગ્રહિત. મેળવેલ ૧૬ મે ૨૦૧૭.
બાહ્ય કડીઓ
ફેરફાર કરો