મહારાજ લાયબલ કેસ
મહારાજ લાયબલ કેસ વલ્લભ સંપ્રદાયમાં પ્રવેશેલાં અનિષ્ટોમાંથી સર્જાયેલો બદનક્ષીનો મુકદ્દમો હતો કે જે ૨૫ જાન્યુઆરી ૧૮૬૨ થી ૨૨ એપ્રિલ ૧૮૬૨ દરમિયાન લડવામાં આવ્યો હતો જેની સુનવણી બોમ્બે હાઈકોર્ટમાં થઈ હતી. આ મુકદ્દમો જદુનાથજી વ્રજરતનજી મહારાજે નાનાભાઈ રુસ્તમજી અને કરસનદાસ મૂળજી સામે દાખલ કર્યો હતો. વલ્લભાચાર્ય અને પુષ્ટીમાર્ગ સંપ્રદાય પર આરોપ લગાવતા તેઓએ પ્રકાશિત કરેલા સંપાદકીય લેખને કારણે આ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. આ મુકદ્દમામાં ચરણસેવા જેવી પરંપરાગત છતાં વિવાદાસ્પદ સામાજિક પ્રણાલીઓ અને વસાહતી ભારતમાં ઉભરતા સુધારાવાદી વિચારો વચ્ચેના ઘર્ષણને ઉજાગર કરવામાં આવ્યું હતું, જેણે લોકોનું નોંધપાત્ર ધ્યાન ખેંચ્યું હતું અને મૂળજીના પ્રયત્નોની પ્રશંસા કરી હતી.[૧][૨][૩][૪]
ઇતિહાસ
ફેરફાર કરોપુષ્ટિ માર્ગના ગુરુઓ તેમના અનુયાયીયોનાં વહેમ તથા અંધશ્રદ્ધાનો લાભ લઈ તેમની પાસેથી અઢળક નાણાં મેળવતા અને તેમની સ્ત્રીઓ સાથે વ્યભિચાર કરતા. આ રીત સત્તરમા સૈકાથી ચાલી આવતી અને ઓગણીસમા સૈકામાં ચાલું રહી હતી. કરસનદાસ મૂળજી (૧૮૩૨-૧૮૭૧) વલ્લભ સંપ્રદાય પાળતા કુટુંબમાં જન્મેલા સમાજ-સુધારક અને મુંબઈની બુદ્ધિવર્ધક હિંદુ સભાના સક્રિય કાર્યકર હતા. તેઓ ધર્માચાર્યોની અનીતિના ભારે વિરોધી હતા. તેઓ સત્યપ્રકાશ નામનું સામયિક ચલાવતા હતા. તેમાં તેમણે વલ્લભ સંપ્રદાયના ધર્મગુરુઓને ઉઘાડા પાડવા માંડ્યાં. તેમણે તેમના લેખો 'ગુલામી ખત', 'મહારાજોનો જુલમ', 'મહારાજોનાં મંદિરમાં ઝાપટનો માર', 'મહારાજોનાં મંદિરમાં અનીતિ', 'મહારાજોનો લોભ', 'વાણિયા મહાજનની હાલત', 'મહારાજોના લાગા' વગેરે શીર્ષકોથી પ્રસિદ્ધ કર્યા હતા. 'મહારાજોનો જુલમ' નામના લેખમાં કરસનદાસે લખ્યુ છે:[૫]
"છેલબટાઉ જુવાન ચીમનજી મહારાજે જુલમનો એક નવો રસ્તો થોડાએક દિવસ થયાં શોધી કાઢ્યો છે. એ મહારાજ... એક મહેલ બંધાવવા ધારે છે. એ બંધાવવાનો ખર્ચ પેદા કરવાનો એ મહારાજે એક સહેલો ઉપાય શોધી કાઢ્યો છે... ગયા રવિવારે એ મહારાજે પોતાને ત્યાં આવેલા વૈષ્ણવોને બંદીવાનની પેઠે બેસાડી રાખ્યા હતા. આમ બેસાડવાનો સબબ એટલો જ કે પેલા ગરીબ વૈષ્ણવોને ડુબાડીને પોતાને વાસ્તે મહેલ બંધાવવા સારુ ઊભી કરેલી ટીપમાં નાણું ભરાવવું. તેઓએ મહારાજોને મનગમતી રકમ ભરવાને આનાકાની કરી તેથી મહારાજે આખો દહાડો તેઓને ભૂખ્યા-તરસ્યા બેસાડી રાખ્યા અને જ્યાં સુધી માગેલી રકમ ન ભરી ત્યાં સુધી તેઓને ઊઠવા દીધા નહિ'... શું જુલમની વાત!! વાંચનાર ભાઈઓ, તમારી દોલત આવી રીતે લૂંટી લેવામાં આવે તો તેથી તમને ક્રોધ નહિ ચડે? અફસોસ ! અફસોસ !..."
— કરસનદાસ મૂળજી[૫]
પૃર્વભૂમિકા
ફેરફાર કરોઆ કિસ્સો ત્યારે સર્જાયો જ્યારે મુકદ્દમાના વાદી, ધાર્મિક નેતા જદુનાથજી વ્રજરતનજી મહારાજે સુધારક અને પત્રકાર કરસનદાસ મૂળજી સામે સત્યપ્રકાશ અખબારમાં હિન્દુઓનો અસલી ધર્મ અને અત્યારના પાખંડી મતો નામનો એક લેખ લખવા બદલ બદનક્ષીનો કેસ દાખલ કર્યો. આ લેખમાં તેમણે પુષ્ટીમાર્ગ અથવા વલ્લભ સંપ્રદાય નામના હિન્દુ સંપ્રદાયના મૂલ્યો પર સવાલ ઉઠાવ્યા હતા. આ લેખ વાદી દ્વારા બદનક્ષીભર્યો હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. ખાસ કરીને એવા આક્ષેપો કરવામાં આવ્યા હતા કે જદુનાથજી મહિલા અનુયાયીઓ સાથે જાતીય સંબંધ ધરાવે છે અને પુરુષો પાસેથી એવી અપેક્ષા રાખવામાં આવે છે કે તેઓ ધાર્મિક નેતાઓ સાથે જાતીય સંબંધો માટે તેમના પરિવારની મહિલા સભ્યોને અર્પણ કરીને તેમની ભક્તિ દર્શાવે.[૬][૭]
જદુનાથજી હિંદુ ધર્મના વૈષ્ણવ પુષ્ટીમાર્ગ સંપ્રદાયના ધાર્મિક નેતા હતા. આ સંપ્રદાયની સ્થાપના ૧૬મી સદીમાં વલ્લભ દ્વારા કરવામાં આવી હતી અને તે કૃષ્ણને સર્વોચ્ચ અસ્તિત્વ તરીકે પૂજે છે. આ સંપ્રદાયનું નેતૃત્વ વલ્લભના સીધા પુરુષ વંશજો સાથે રહ્યું, જેઓ મહારાજાની ઉપાધિ ધરાવે છે. ધર્મશાસ્ત્રીય રીતે વલ્લભ અને તેના વંશજોને કૃષ્ણની કૃપા માટે મધ્યસ્થી વ્યક્તિઓ તરીકે આંશિક દિવ્યતા આપવામાં આવે છે.[૮][૯]
ગુજરાત, કાઠિયાવાડ, કચ્છ અને મધ્ય ભારતમાં પુષ્ટિમાર્ગના અનુયાયીઓ શ્રીમંત વેપારીઓ, શાહુકારો અને ખેડૂતો હતા, જેમાં ભાટિયા, લોહાણા અને વાણિયા જ્ઞાતિઓનો પણ સમાવેશ થતો હતો.[૧૦] પશ્ચિમ ભારતની રાજકીય અને નાણાકીય રાજધાની હોવાથી બ્રિટિશ શાસન હેઠળ આમાંથી ઘણા વેપારી જૂથોએ બોમ્બેમાં સ્થળાંતર કર્યું હતું.[૧૧] વેપારી જૂથોનું નેતૃત્વ શેઠો દ્વારા કરવામાં આવતું હતું, જેઓ બોમ્બેના રાજકીય અને સાંસ્કૃતિક વાતાવરણમાં ખૂબ જ સંકળાયેલા હતા. કેળવણીનો સામાન્ય અભાવ, અંગ્રેજી ભાષા અને અંગ્રેજ રાજકીય પ્રણાલીઓ પ્રત્યેનું અજ્ઞાન હોવા છતાં આ શેઠ મુંબઈના સમાજમાં વેપારી સમુદાયોના નેતાઓ તરીકે અને સાંસ્કૃતિક સન્માનની દેખરેખ રાખનારાઓ તરીકે પ્રભાવશાળી હતા.[૧૨]
પુષ્ટીમાર્ગના ધાર્મિક વડાઓ, મહારાજાઓએ ૧૯મી સદીમાં મુંબઈમાં સ્થાયી થવાનું શરૂ કર્યું અને ૧૮૬૦ સુધીમાં શહેરમાં પાંચ મહારાજાઓ હતા. મહારાજાઓએ શેઠ વચેટિયાઓ દ્વારા તેમના ભક્તો અને જાતિઓ પર નિયંત્રણ રાખવાનો પ્રયત્ન કર્યો, અને તેઓ સામાન્ય રીતે અનામી સુધારકો અને જાતિની એકતા સામે સફળ રહ્યા. આવા જ એક સુધારક હતા કરસનદાસ મૂળજી, જેઓ અંગ્રેજી કેળવણી પામેલા સુધારક હતા અને સત્યપ્રકાશ અખબારના સંપાદક હતા. મૂળજી એક રૂઢિચુસ્ત પુષ્ટીમાર્ગના વેપારી પરિવારમાંથી આવતા હતા, જેમને બોમ્બેના સમાજમાં ખૂબ માન આપવામાં આવતું હતું. જો કે કરસનદાસને તેમના સુધારાવાદી મંતવ્યો માટે નકારી કાઢવામાં આવ્યા હતા અને એલ્ફિન્સ્ટન કોલેજમાંથી બહાર નીકળવું પડ્યું હતું. મુંબઈના સુધારાવાદીઓમાં મૂળજી જાણીતા બન્યા હતા અને તેમણે પુષ્ટીમાર્ગ અને મુંબઈના મહારાજાઓ સામે કથિત જાતીય અપવિત્રતા માટે હુમલાઓ શરૂ કર્યા હતા. મહારાજાઓ સામેના જાતીય આક્ષેપો સૌ પ્રથમ ૧૮૫૫માં સાર્વજનિક થયા હતા, અને મુંબઈના સૌથી વરિષ્ઠ મહારાજા, જીવણલાલે સુધારકો સામે ખંડન શરૂ કર્યું હતું. જીવણલાલે તેમના સમર્થકોને એક દસ્તાવેજ પર હસ્તાક્ષર કરીને પુષ્ટીમાર્ગના ભક્તોની ટીકાને ચૂપ કરવાનો પ્રયાસ કર્યો હતો.[૧૩] મૂળજીએ જીવણલાલના દસ્તાવેજને "ગુલામી બંધન" તરીકે વખોડી કાઢ્યો હતો, અને ૧૮૬૦માં એક પુસ્તક પ્રકાશિત કર્યું હતું જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે પુષ્ટીમાર્ગ એક વિધર્મી સંપ્રદાય છે જે મહિલાઓ સાથે જાતીય શોષણની હિમાયત કરે છે. ત્યારબાદ મુંબઈના મહારાજાઓએ પોતાના વલણને બચાવવા માટે સુરતના જાણીતા મહારાજા જદુનાથ વૃજરતનજીને લાવવાનું નક્કી કર્યું. જદુનાથે મૂળજી અને અન્ય સુધારકો સાથે ઘણી જાહેર અને પ્રેસ ચર્ચાઓ કરી હતી.[૧૪]
આખરે જદુનાથજી મહારાજે ૧૮૬૦ની ૨૧મી ઑક્ટોબરના રોજ પ્રકાશિત થયેલા એક લેખમાં વાદીને બદનામ કરવા બદલ સત્યપ્રકાશના તંત્રી કરસનદાસ મુળજી અને તેના પ્રકાશક નાનાભાઈ રુસ્તમજી રાનીના સામે ૧૪ મે, ૧૮૬૧ના રોજ બોમ્બે સુપ્રીમ કોર્ટમાં બદનક્ષીનો કેસ દાખલ કર્યો.[૧૫]
પ્રત્યાઘાતો અને મુકદ્દમો
ફેરફાર કરોકરસનદાસે લખેલા ઉગ્ર લખાણો વૈષ્ણવ મહારાજો જીરવી ન શક્યા. તેથી તેમણે કરસનદાસની કપોળ જ્ઞાતિના પંચ સાથે મસલતો કરીને તેમને નાત બહાર કરાવ્યા. આવા સંજોગોમાં સુરતની ગાદીના મહારાજ જદુનાથજી બ્રિજરત્નજી ૧૮૬૦માં મુંબઈ ગયા. તેમણે કવિ નર્મદ અને કરસનદાસ સહિત બધા સમાજ-સુધારકોને નાસ્તિક જાહેર કર્યા. કરસનદાસે આ સમયે તેમનો ઇતિહાસપ્રસિદ્ધ લેખ 'હિન્દુનો અસલ ધરમ અને હાલના પાખંડી મતો' લખ્યો. આ લેખમાં તેમણે મહારાજોના કુકર્મો જાહેર કર્યા. તેથી જદુનાથજીએ કરસનદાસ સામે પચાસ હજાર રૂપિયાનો બદનક્ષીનો દાવો માંડ્યો. આ કેસ 'મહારાજ લાયબલ કેસ' તરીકે જાણીતો થયો. મહારાજોએ તેમના ભાટિયા અનુયાયીઓ ઉપર એવું દબાણ કર્યું કે જે કોઈ ભાટિયા સ્ત્રી કે પુરુષ મહારાજો વિરુદ્ધ જુબાની આપશે તેને નાત બહાર કરવામાં આવશે. આથી કરસનદાસે મહારાજો સામે અદાલતમાં ફરિયાદ કરી કે તેમણે જ્ઞાતિપંચ દ્વારા પુરાવાઓ દબાવવાની અને ન્યાયમાં રુકાવટ લાવવાની સાજિશ કરી હતી. આ કેસ 'ભાટિયા કૉંસ્પિરસી કેસ' (૧૮૬૧) તરીકે જાણીતો થયો. ભાટિયા કૉંસ્પિરસી કેસનો ચુકાદો ૧૨ ડિસેમ્બર ૧૮૬૧ના રોજ બ્રિટિશ ન્યાયાધીશ સર જોસેફ આર્નોલ્ડે આપ્યો હતો. તેમાં મહારાજો અને તેમના ભાટિયા અનુયાયીઓને ગુનેગાર ઠરાવીને દંડ કરવામાં આવ્યો હતો.[૫]
મહારાજ લાયબલ કેસ ૨૫ જાન્યુઆરી ૧૮૬૨ના રોજ શરૂ થયો. આ કેસ દરમિયાન કરસનદાસ ઉપર તેમના દુશ્મનોએ હુમલા કર્યા હતા. કેસ ચાલે ત્યારે અદાલતમાં ખૂબ ભીડ જામતી. મુંબઈ ઈલાકાનાં લગભગ બધાં અખબારો કેસ વિશેના સમાચાર પ્રગટ કરતાં. મહારાજો કેવી રીતે વ્યભિચાર કરતા હતા તેની વિગતો આ કેસ દરમિયાન અદાલતમાં જાહેર થઈ. ભાટિયા અને વાણિયા જ્ઞાતિના મહારાજોના સેવકો તેમના પગની રજકણ ચાટતા, પાણીથી ખરડાયેલા તેમના ધોતિયાને નિચોવીને પાણી પી જતા, તેમનું છાંડેલું અન્ન આરોગતા, તેમનાં ચાવેલાં પાનસોપારી ખાતા, આતુરતાપૂર્વક તેમના કુટુંબની કન્યાઓ અને સ્ત્રીઓ સંભોગ માટે મહારાજોને સોંપતા - આ તમામ વિગતો પૂરાવા સાથે અદાલતમાં પ્રકાશમાં આવી હતી. એક સાક્ષીની જુબાની અનુસાર, 'રાસમંડળી' તરીકે જાણીતી બનેલી મહારાજો અને સ્ત્રીઓ વચ્ચેની રતિક્રીડાનાં દર્શન કરવા માટે ભાવિકોએ મોટી રકમ આપવી પડતી હતી, જે અંગે કરસનદાસે 'સત્યપ્રકાશ'માં પ્રકોપ અને વેદનાસભર લેખ કર્યા હતાં.[૫]
મહારાજો તેમની અનુયાયી સ્ત્રીઓ સાથે વ્યભિચાર કરતા તેનો પૂરાવો અદાલતમાં રજૂ થયો હતો. મુંબઈના બે જાણીતા ડૉક્ટરો ભાઉ દાજી અને ધીરજરામ દલપતરામે એવી જુબાની આપી હતી કે જદુનાથજી મહારાજ પરમિયા (સિફિલિસ)ના રોગથી પીડાતા હતા. વ્યભિચાર ઉપરાંત તેઓ તેમના અનુયાયીઓ પાસેથી 'લાગા'ના સ્વરૂપમાં ધન પડાવી લેતા અને મંદિરોને તેમની અંગત મિલકત ગણતા હતા.[૫]
વાદીપક્ષની દલીલો
ફેરફાર કરોજદુનાથના પક્ષે પાંત્રીસ સાક્ષીઓને ચારિત્ર્યના સાક્ષી તરીકે સેવા આપવા માટે બોલાવ્યા હતા, આ બધા જ વેપારી જ્ઞાતિના હતા અને કેટલાક શેઠો પણ હતા. ભક્ત સાક્ષીઓએ તેમની પાસે રહેલા મર્યાદિત ધર્મશાસ્ત્રીય જ્ઞાનથી જદુનાથનો બચાવ કરવા માટે તેમના શ્રેષ્ઠ પ્રયત્નો કર્યા હતા, પરંતુ કોઈ સંસ્કૃત અથવા વ્રજ ભાષા જાણતું ન હતું અને પુષ્ટીમાર્ગના ઇતિહાસમાં સંપૂર્ણ પણે જાણકાર ન હતું. ગોપાલદાસ માધવદાસ નામના એક જાણીતા સાક્ષીએ જણાવ્યું હતું કે જદુનાથ કે અન્ય કોઈ મહારાજ દ્વારા આચરવામાં આવતી કોઈ જાતીય અનૈતિકતા વિશે તેઓ જાણતા ન હતા અને તેમણે જણાવ્યું હતું કે તેઓ વેપારી સમુદાયના અત્યંત આદરણીય ધાર્મિક નેતાઓ છે. ગોપાલદાસ મહારાજાઓને કૃષ્ણને બદલે ગુરુઓ તરીકે જોતા હતા અને તેમનું પૂજન કરતા હતા, પરંતુ તેમણે જણાવ્યું હતું કે સમુદાયના અન્ય લોકો મહારાજાઓને કૃષ્ણના અવતાર તરીકે જોતા હતા. અન્ય એક સાક્ષી, જમુનાદાસ સેવકલાલે પણ આવી જ જુબાની આપી હતી કે તેમને મહારાજાઓની અનૈતિકતા અથવા જાતીય કૃત્યો વિશે કોઈ જાણકારી નથી, અને જણાવ્યું હતું કે મહારાજાઓ તેમના મતે ગુરુઓ હતા જેઓ કૃષ્ણના પ્રતિનિધિ હતા, જો કે અન્ય લોકો તેમને દેવતા તરીકે પૂજતા હતા. જ્યારે ગોપાલદાસ અને જમુનાદાસને સીધો સવાલ કરવામાં આવ્યો કે મહારાજાઓ ભગવાન છે કે મનુષ્ય, ત્યારે તેઓ મૂંઝવણમાં મૂકાઈ ગયા હતા અને ચોક્કસ જવાબો આપી શક્યા ન હતા.[૧૬]
જદુનાથે પોતે પણ આ વલણ અપનાવ્યું અને સંસ્કૃત, વ્રજભાષા અને ગુજરાતી ભાષાના જ્ઞાનનો દાવો કર્યો, પણ પાછળથી કહ્યું કે તેમણે કદી પણ વ્રજભાષામાં લખાયેલું પુષ્ટીમાર્ગનું લખાણ વાંચ્યું નથી. મહારાજાઓના પૂજનને ટેકો આપતા કેટલાક ગ્રંથો વિશે પૂછવામાં આવતા, જદુનાથે જણાવ્યું હતું કે તેઓ તે ગ્રંથોથી વ્યક્તિગત રીતે અજાણ હતા અને સુનાવણીના એક તબક્કે દાવો કર્યો હતો કે શ્રીનાથજી મંદિર નાથદ્વારાને બદલે કાંકરોલીમાં હતું. જદુનાથે જણાવ્યું હતું કે મહારાજાઓ માત્ર નશ્વર આધ્યાત્મિક માર્ગદર્શક હતા અને માત્ર તેમના પૂર્વજ વલ્લભ જ કૃષ્ણના અવતાર હતા. તેમણે જણાવ્યું હતું કે મહારાજાઓને જે પૂજ્યતા પ્રાપ્ત થઈ હતી તે હિન્દુ શાસ્ત્રો અનુસાર હતી અને માત્ર મહારાજાઓ જ કૃષ્ણની મૂર્તિઓની સીધી પૂજા કરી શકતા હતા, તેથી ભક્તો મહારાજાઓની પૂજા કરશે. તેમણે તેમના અને અન્ય કોઈ પણ મહારાજાઓને લગતા તમામ જાતીય આક્ષેપોને નકારી કાઢ્યા હતા અને કહ્યું હતું કે વૃંદાવનમાં કૃષ્ણ અને ગોપીઓનો વ્યભિચારી પ્રેમ એ ભક્તો અને કૃષ્ણ વચ્ચેના સંબંધનું માત્ર રૂપક છે, બેવફાઈનું સમર્થન નથી.[૧૬]
બચાવપક્ષની દલીલો
ફેરફાર કરોકરસનદાસ મૂળજીએ પોતાના વલણમાં સ્પષ્ટ કર્યું હતું કે મહારાજાઓ દમનકારી નેતાઓ હતા અને જાતીય દુરાચારને પ્રોત્સાહન આપતા હતા. તેમણે જણાવ્યું હતું કે પોતાના (મૂળજી) પર જદુનાથના જાહેર હુમલાઓને ધ્યાનમાં રાખીને બદનક્ષીનો વળતો દાવો કરવો જોઈએ. મૂળજીએ પોતાના અગાઉના દાવાઓને ફરીથી રજૂ કર્યા કે પુષ્ટીમાર્ગ એ વૈદિક યુગનો "સાચો" હિંદુ ધર્મ નથી, પરંતુ એક વિધર્મી સંપ્રદાય છે જે ભક્તોને મહારાજાઓના આનંદ માટે તેમની પત્નીઓ અને પુત્રીઓને સોંપવા માટે પ્રોત્સાહિત કરે છે.[૧૭]
રેવરેન્ડ જોન વિલ્સન નામના એક મિશનરીએ પણ આ વલણ અપનાવ્યું હતું. વિલ્સન સંસ્કૃત અને પ્રાચીન હિંદી તેમ જ વેદો, પુરાણો અને શાસ્ત્રોના જ્ઞાનનો દાવો કરતો હતો અને આમ તેને હિંદુ ધર્મ પરની સત્તા તરીકે બચાવ પક્ષે તેને રોક્યા હતા. જો કે વિલ્સન પુષ્ટીમાર્ગથી ખૂબ જ પરિચિત ન હતા અને તેમણે આ સંપ્રદાય પર પ્રોફેસર એચ. એચ. વિલ્સનની રચનાઓનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કૃષ્ણની ભવ્ય સેવાની પ્રથા માટે મહારાજાઓની ટીકા કરી હતી, જે તેમના મતે "સાચા" હિન્દુ ધર્મની તપસ્યાના વિરુદ્ધ છે. તેમણે જણાવ્યું હતું કે મહારાજાઓ અશિક્ષિત આધ્યાત્મિક નેતાઓ હતા, જેમને માત્ર વલ્લભના વંશાવળીના કારણે જ કૃષ્ણના અવતાર તરીકે પૂજવામાં આવતા હતા, અને તેમના ધાર્મિક ગ્રંથોમાં તેમને ભક્તોની પત્નીઓ અને પુત્રીઓ અર્પણ કરવાની મંજૂરી આપવામાં આવી હતી.[૧૮]
બે નિષ્ણાત સાક્ષીઓ ભાઉ દાજી અને ધીરજ દલપતરામ, કે જેઓ જદુનાથના ચિકિત્સકો હતા તેમને પણ કૉર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. તેઓએ જણાવ્યું હતું કે તેઓએ જદુનાથ અને અન્ય મહારાજાઓની સિફિલિસ માટે સારવાર કરી હતી. સાક્ષી ચિકિત્સકોએ જણાવ્યું હતું કે મહિલા ભક્તો સાથેના જાતીય સંબંધોને કારણે જદુનાથને આ રોગ લાગુ પડ્યો હતો. દલપતરામે તો એમ પણ કહ્યું હતું કે જદુનાથે પોતે જ તેમની પાસે સ્વીકાર્યું હતું કે તેમને આ રોગ એક મહિલા ભક્તથી થયો છે.[૧૯]
મથુરાદાસ લૌજી જેવા અન્ય સાક્ષીઓએ પણ ચિકિત્સકોની જુબાનીને ટેકો આપ્યો હતો. મથુરદાસ પુષ્ટીમાર્ગના સભ્ય હતા, પરંતુ ૧૮૫૫માં મહારાજાઓ સામેના જાતીય આક્ષેપો જાહેર થયા ત્યારથી તેમણે મહારાજાઓથી અંતર જાળવ્યું હતું અને સંપ્રદાય પ્રત્યેની તેમની ધર્મશાસ્ત્રીય પ્રતિબદ્ધતા જાળવી રાખીને તે બધાનો (મહારાજાઓનો) આદર કરવાનો ઇનકાર કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે તેમની પોતાની ભાટિયા જાતિના સભ્યો સહિત પુષ્ટીમાર્ગના ભક્તો, મહારાજાઓને કૃષ્ણના અવતાર તરીકે જોતા હતા. તેમણે જણાવ્યું હતું કે જ્ઞાતિના વરિષ્ઠ સભ્યોમાં "રાસ મંડળીઓ" હતી, જેણે કૃષ્ણ અને ગોપીઓ વચ્ચેના નૃત્યોને ફરીથી રજૂ કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે તેણે એક વખત એક મહિલા ભક્ત સાથે જાતીય સંભોગ કરતા મહારાજાને નિહાળ્યા હતા. મથુરદાસે જીવણલાલને મહારાજાઓની અવૈધ વર્તણૂક બંધ કરવા કહ્યું ત્યારે જીવણલાલે તેમને કહ્યું કે તેઓ પુરુષની જાતીય ઇચ્છાના પ્રબળ વ્યસનને કારણે તેમ કરી શકે તેમ નથી, તેમજ સ્ત્રીઓનું દાન એ સંપ્રદાય માટે આર્થિક આવકનું મુખ્ય સાધન છે તે હકીકત છે.[૨૦]
લખમીદાસ ખીમજીએ મથુરદાસની જુબાનીને સમર્થન આપતાં કહ્યું હતું કે તેમણે એક વખત જદુનાથને ચૌદ વર્ષની એક છોકરીના સ્તન પર હાથ ફેરવતા જોયો હતો અને પાછળથી જદુનાથને તેની સાથે જાતીય સંભોગ કરતા પણ જોયો હતો. ખીમજીએ કેટલાક પ્રસંગોએ જણાવ્યું હતું કે તેમણે જદુનાથની એક વિધવા સાથીને તેમના જાતીય આનંદ માટે વિવાહિત સ્ત્રીઓને ખરીદતા જોયા હતા. કાલાભાઈ લાલુભાઈએ એવો પણ દાવો કર્યો હતો કે જદુનાથને ચૌદ વર્ષની નાની ઉંમરની મહિલાઓ અને છોકરીઓ સાથે જાતીય સંબંધ હતા.[૨૧]
કેસ અને ચુકાદો
ફેરફાર કરોબચાવ પક્ષના વકીલોએ એવી દલીલ પર આ કેસને ફગાવી દેવાની માગણી કરી હતી કે મૂળજીની ટીપ્પણીઓ જદુનાથ પર વ્યક્તિગત રીતે નહીં પરંતુ એક ધાર્મિક નેતા તરીકે હુમલો કરે છે અને ધર્મનિરપેક્ષ અદાલતને ધાર્મિક બાબતો પર અધિકારક્ષેત્ર નથી. આ પ્રયાસો નિષ્ફળ ગયા અને અંગ્રેજ ન્યાયાધીશોએ જણાવ્યું કે જદુનાથને અદાલતમાં પોતાની પ્રતિષ્ઠા બચાવવાનો અધિકાર છે, પરંતુ આ કેસથી જદુનાથના ધાર્મિક નેતા તરીકેના દરજ્જાની કોઈ કિંમત નહીં રહે કે ન તો પુષ્ટીમાર્ગ ધર્મશાસ્ત્રને, પરંતુ જદુનાથને બ્રિટિશ સામ્રાજ્યના એક સામાન્ય નાગરિક તરીકે ગણવામાં આવશે, જેના કાર્યોને સાર્વત્રિક નૈતિકતાના બ્રિટિશ કાયદાઓ દ્વારા જોવામાં આવશે.[૨૨]
જદુનાથે મૂળજીને હરાવવા માટે પોતાની સત્તાના પરંપરાગત સાધનોનો ઉપયોગ કરવાનું ચાલુ રાખ્યું, અને શેઠોને ભક્તોની નિષ્ઠા સુનિશ્ચિત કરવાનો આદેશ આપ્યો. એક કિસ્સામાં ભાટિયા શેઠોએ (ગોકુલદાસ લીલાહાધર સહિત) આ ધ્યેયને આગળ ધપાવવા માટે તેમની જ્ઞાતિના બસો લોકોની એક બેઠક બોલાવી હતી. આ બેઠક બ્રિટિશ સુપ્રીમ કોર્ટના ધ્યાન પર આવી હતી, જેના પરિણામે ભાટિયા ષડયંત્ર કેસ થયો હતો, જેમાં શેઠોને સામૂહિક સાક્ષી સાથે ચેડાં કરવા બદલ દોષિત ઠેરવવામાં આવ્યા હતા અને કોર્ટને દંડ ભરવાની ફરજ પડી હતી.[૨૩] તે કિસ્સાએ ભક્તિ સમુદાયમાં મહારાજાઓના મોભા અને તેમના પ્રત્યેની તેમની વફાદારી અંગે વધી રહેલા વિભાજનોને જાહેર કર્યા હતા.[૨૪]
ચુકાદો
ફેરફાર કરોજસ્ટિસ આર્નોલ્ડ
ફેરફાર કરોજસ્ટિસ જોસેફ આર્નોલ્ડે મુળજીની તરફેણમાં ચુકાદો આપ્યો હતો. આર્નોલ્ડ પર ખાસ કરીને રેવરેન્ડ વિલ્સન અને ભાઉ દાજીની જુબાનીની અસર હતી. આર્નોલ્ડે જણાવ્યું હતું કે સત્યપ્રકાશમાં મુળજીની ટિપ્પણી ખોટી નથી અને ખાસ કરીને જદુનાથ પર વ્યક્તિગત હુમલો કરતી નથી. આર્નોલ્ડ સંમત થયા કે પુષ્ટિ માર્ગ એ હિંદુ ધર્મનો અધોગતિશીલ સંપ્રદાય છે જેણે દુષ્ટતા અને ઢીલી નૈતિકતાને પ્રોત્સાહન આપ્યું છે. તેમણે જણાવ્યું હતું કે મુળજીએ મહારાજાઓની "દુષ્ટ અને જંગલી" પ્રથાઓને ઉજાગર કરવામાં કંઇ ખોટું કર્યું નથી.[૨૫]
મુખ્ય ન્યાયાધીશ સાઉસે
ફેરફાર કરોમુખ્ય ન્યાયાધીશ મેથ્યુ રિચર્ડ સાઉસે આ કેસમાં બે ન્યાયાધીશોમાંના વરિષ્ઠ હતા. સાઉસે પણ બચાવ પક્ષના સાક્ષીઓથી ખૂબ જ પ્રભાવિત થયા હતા, જેણે તેમની દૃષ્ટિએ પ્રતિવાદીના દાવાને સમર્થન આપ્યું હતું કે પુષ્ટિ માર્ગ એક વિધર્મી સંપ્રદાય હતો અને જદુનાથ ઉદ્ધત વર્તનમાં રોકાયેલા હતા. જો કે, સાઉસેએ ચુકાદો આપ્યો કે મુળજીએ પુષ્ટિ માર્ગની અંદર ખાનગી વિવાદ કર્યો હતો અને તેમની ફરિયાદો એક જાહેર અખબારમાં પ્રકાશિત કરી હતી જે એક પ્રકારની દ્વેષભાવના હતી. સાઉસેએ જણાવ્યું હતું કે મુળજીએ કોઈ પણ જાતની ઉશ્કેરણી વિના જદુનાથ પર જાહેરમાં હુમલો કર્યો હતો અને જદુનાથ સામેના જાતીય આક્ષેપો સાચા હોય તો પણ તે ખાનગી બાબત છે અને અખબારો જાહેર હિત વિના ખાનગી બાબતો પર લોકો પર હુમલો કરી શકે નહીં. તેમ છતાં, સાઉસેને જદુનાથ અને તેના સાક્ષીઓની જુબાનીઓની વિશ્વસનીયતા અંગે શંકા હતી અને બદનક્ષીના આરોપસર તેને માત્ર પાંચ રૂપિયા જ આપ્યા હતા. પુષ્ટીમાર્ગ એક વિજાતીય સંપ્રદાય છે તેવી દલીલો પર સૌસે પ્રતિવાદીઓનો પક્ષ લીધો હતો અને પ્રતિવાદીના પ્રકાશનો સાચા હોવાની સંમતિ દર્શાવી હતી અને મુલજીને અગિયાર હજાર પાંચસો રૂપિયા આપ્યા હતા.[૨૬][૧૫][૨૭]
આ કેસનો ચુકાદો ૨૨ એપ્રિલ ૧૮૬૨ના રોજ આપવામાં આવ્યો હતો. તેમાં કરસનદાસ નિર્દોષ સાબિત થયા હતા. આ કેસ લડવામાં તેમને ૧૩,૦૦૦ રૂપિયાનો ખર્ચ થયો હતો. અદાલતે જદુનાથજી પાસેથી તેમને ૧૧,૫૦૦ રૂપિયા અપાવ્યા હતા.[૫]
અસરો
ફેરફાર કરોઆ કેસે મુંબઈ વિસ્તારના લોકોમાં નવજાગૃતિ આણવામાં મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો. કેસ ચાલતો હતો તે દરમિયાન જદુનાથજી મહારાજે કૉર્ટને એવી અરજી કરી હતી કે તેઓ લાખો લોકોના ધાર્મિક અને આધ્યાત્મિક વડા હોઈ તેમને અદાલતમાં જુબાની આપવા માટે ફરજ પાડવામાં ન આવે. પરંતુ ન્યાયાધીશે તેમની આ માગણી સ્વીકારી ન હતી. આ ઘટનાએ એવું પ્રતિપાદિત કર્યું કે જે નીતિમત્તાની વિરુદ્ધ હોય તે ધાર્મિક રીતે સ્વીકારી શકાય નહિ. આ કેસે નવાં બૌદ્ધિક મૂલ્યોનું સર્જન કરીને સમાજ-સુધારકોમાં પરિવર્તન માટેની નૂતન આશા જાગ્રત કરી હતી.[૫] અંગ્રેજી છાપાઓમાં કરસનદાસને 'ઇન્ડિયન લ્યુથર' (૧૬મી સદીના ખ્રિસ્તી સમાજસુધારક માર્ટિન લ્યુથરના નામ પરથી) તરીકે ટાંકવામાં આવ્યા હતા.[૨૮]
સમૂહ માધ્યમોમાં
ફેરફાર કરોમૈત્રી ગોસ્વામી, ધવલ પટેલ વગેરેએ આ કેસના આધારે ડૉક્ટ્રેઇન્સ ઓફ પુષ્ટિભક્તિમાર્ગ : એલિગેશન, કોન્સ્પીરન્સીસ એન્ડ ફેક્ટ્સ (મહારાજ લાયેબલ કેસના સંદર્ભમાં પુષ્ટિભક્તિમાર્ગના સિદ્ધાંતો:આક્ષેપો, ષડયંત્રો અને તથ્યો)[૭] નામનું પુસ્તક લખ્યું છે.
સૌરભ શાહ, ગુજરાતી લેખક અને પત્રકારે આ કેસ પર આધારિત મહારાજ નામની નવલકથા લખી હતી[૨૯] જેને નર્મદ સાહિત્ય સભા દ્વારા નંદશંકર પુરસ્કારથી નવાજવામાં આવી હતી.[૩૦]
નેટફ્લિક્સની ૨૦૨૪ની પિરિયડ ડ્રામા ફિલ્મ મહારાજ, સિદ્ધાર્થ પી. મલ્હોત્રા દ્વારા નિર્દેશિત અને વાયઆરએફ એન્ટરટેઇનમેન્ટ હેઠળ આદિત્ય ચોપરા દ્વારા નિર્મિત, જેમાં આમિર ખાનના પુત્ર જુનૈદ ખાન (તેની પ્રથમ ફિલ્મ) અને જયદીપ અહલાવત મુખ્ય ભૂમિકામાં છે, તે મહારાજ લાયબલ કેસ અને સૌરભ શાહની નવલકથા પર આધારિત છે. ગુજરાત હાઈકોર્ટે એક હિન્દુ જૂથની એ અરજી પર આધારિત આ ફિલ્મની રિલીઝ પર રોક લગાવી દીધી હતી, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે આ ફિલ્મ પુષ્ટીમાર્ગ સંપ્રદાયના અનુયાયીઓ વિરુદ્ધ હિંસા ભડકાવી શકે છે.[૩૧][૩૨] નેટફ્લિક્સ પર સ્ટ્રીમિંગ માટે આખરે ૨૧ જૂન ૨૦૨૪ના રોજ તેને રિલીઝ કરવામાં આવી હતી.[૩૩]
સંદર્ભો
ફેરફાર કરો- ↑ "More controversy brews after stay order on movie 'Maharaj'".
- ↑ "'Maharaj' review: A royal slog".
- ↑ "Maharaj movie review: Junaid Khan and his debut are both strictly passable".
- ↑ "As 'Maharaj' is stayed, issue of freedom of expression raised in 1862 libel case returns to life".
- ↑ ૫.૦ ૫.૧ ૫.૨ ૫.૩ ૫.૪ ૫.૫ ૫.૬ મહેતા, મકરન્દ (૨૦૦૨). ગુજરાતી વિશ્વકોશ. ખંડ ૧૫ (મ - મા). અમદાવાદ: ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ. પૃષ્ઠ ૪૫૧. OCLC 248968453.
- ↑ Shodhan, A. (1997). "Women in the Maharaj libel case: a re-examination". Indian Journal of Gender Studies. 4 (2): 123–39. doi:10.1177/097152159700400201. PMID 12321343. S2CID 25866333.
- ↑ ૭.૦ ૭.૧ Patel, Dhawal; Goswami, Maitri; Sharma, Utkarsha; Shirodariya, Umang; Bhatt, Ami; Mehrishi, Pratyush; Goswami, Sharad (2021-04-21). Doctrines of Pushtibhaktimarga: A True representation of the views of Sri Vallabhacharya: In the context of Maharaj Libel Case (હિન્દીમાં). Shree Vallabhacharya Trust, Mandvi - Kutch. ISBN 978-93-82786-37-5.
- ↑ * Barz, Richard (2018). "Vallabha Sampradāya/Puṣṭimārga". માં Jacobsen, Knut A.; Basu, Helene; Malinar, Angelika; Narayanan, Vasudha (સંપાદકો). Brill's Encyclopedia of Hinduism Online. Brill.
- ↑ Saha 2004, p. 255.
- ↑ Thakkar 1997, p. 48.
- ↑ Saha 2004, p. 269.
- ↑ Saha 2004, p. 258-279.
- ↑ "The untold story of Karsandas Mulji, the journalist who won the fight against the Maharaj". The Indian Express (અંગ્રેજીમાં). 2024-07-01. મેળવેલ 2024-07-07.
- ↑ Saha 2004, p. 281-289.
- ↑ ૧૫.૦ ૧૫.૧ Thakkar 1997, p. 46–52.
- ↑ ૧૬.૦ ૧૬.૧ Saha 2004, p. 293-296.
- ↑ Saha 2004, p. 298-299.
- ↑ Saha 2004, p. 299-300.
- ↑ Saha 2004, p. 300-301.
- ↑ Saha 2004, p. 301-303.
- ↑ Saha 2004, p. 303.
- ↑ Saha 2004, p. 290-291.
- ↑ મહેતા, માર્કન્ડ (2002). ગુજરાતી વિશ્વકોશ. 15. અમદાવાદ: ગુજરાતી વિશ્વકોશ ટ્રસ્ટ. પૃષ્ઠ 451.
- ↑ Saha 2004, p. 291-293.
- ↑ Saha 2004, p. 304.
- ↑ Saha 2004, p. 304-306.
- ↑ Maharaj Libel Case Including Bhattia Conspiracy Case, No. 12047 o f 1861, Supreme Court Plea Side: Jadunathjee Birzrattanjee Maharaj Vs Karsondass Mooljee and Nanabhai Rustamji. Bombay: D. Lukhmidass & Co. 1911. પૃષ્ઠ 399, 419.
- ↑ Kumar, Anu (9 September 2017). "The Long History of Priestly Debauchery". Economic and Political Weekly. Mumbai. 52 (36): 79–80. eISSN 2349-8846. ISSN 0012-9976 – Economic and Political Weekly વડે.(લવાજમ જરૂરી)
- ↑ Shah, Saurabh (2014-01-18). Maharaj - Gujarati eBook. R R Sheth & Co Pvt. Ltd. ISBN 9789351221708.
- ↑ Shah, Saurabh (2014-01-18). Maharaj - Gujarati eBook. R R Sheth & Co Pvt Ltd. ISBN 9789351221708.
- ↑ "Court stays release of 'Maharaj', here's everything you need to know about Maharaj Libel Case of 1862".
- ↑ dkbj (2024-06-06). "Junaid Khan-starrer 'Maharaj' went through 30 writing drafts, 100-plus narrations » Yes Punjab - Latest News from Punjab, India & World". Yes Punjab - Latest News from Punjab, India & World. મેળવેલ 2024-06-14.
- ↑ "Ira Khan, Kiran Rao Form Junaid's Cheer Squad After Release Of His Debut Film Maharaj".
સ્ત્રોત
ફેરફાર કરો- Saha, Shandip (2004). Creating a Community of Grace: A History of the Puṣṭi Mārga in Northern and Western India (1493-1905) (Thesis). University of Ottawa.
- Lütt, Jürgen (1987). "Max Weber and the Vallabhacharis". International Sociology. 2 (3): 277–287. doi:10.1177/026858098700200305. S2CID 143677162.
- Scott, J. Barton (2015). "How to Defame a God: Public Selfhood in the Maharaj Libel Case". South Asia: Journal of South Asian Studies. 38 (3): 387–402. doi:10.1080/00856401.2015.1050161. hdl:1807/95441. S2CID 143251675.
- Haberman, David L. (1993-08-01). "On Trial: The Love of the Sixteen Thousand Gopees". History of Religions. 33 (1): 44–70. doi:10.1086/463355. ISSN 0018-2710. S2CID 162268682.
- Thakkar, Usha (4 January 1997). "Puppets on the Periphery-Women and Social Reform in 19th Century Gujarati Society". Economic and Political Weekly. Mumbai. 32 (1–2): 46–52. ISSN 0012-9976.(લવાજમ જરૂરી)
બાહ્ય કડીઓ
ફેરફાર કરોવધુ વાચન
ફેરફાર કરો- સૌરભ શાહ (૨૦૧૩). મહારાજ. અમદાવાદ: આર. આર. શેઠ એન્ડ કું. ISBN 9351221261.