માનવેંદ્રસિંહ ગોહીલ
માનવેંદ્રસિંહ રઘુવીરસિંહ (માનવેંદ્રસિંહ ગોહીલ, માનવેંદ્ર ગોહીલ, માનવેંદ્ર કુમાર ગોહીલ કે માનવેંદ્ર કુમાર સિંહ; જન્મ ૨૩ સપ્ટેમ્બર ૧૯૬૫ - અજમેર) ભારતના એક પૂર્વ રજવાડા રાજપીપળાના રાજકુમાર છે.
માનવેંદ્રસિંહ ગોહીલ | |
---|---|
માનવેંદ્ર કુમાર સિંહની રાજવેશમાં છબી | |
જન્મની વિગત | ૨૩ સપ્ટેમ્બર ૧૯૬૫ અજમેર |
રાષ્ટ્રીયતા | ભારતીય |
હુલામણું નામ | માનવ |
વ્યવસાય | સામાજિક ચળવળ |
વતન | રાજપીપલા |
માતા-પિતા | મહારાજ રઘુવીરસિંહજી રાજેંદ્રસિંહજી ગોહિલ |
તેમણે પોતે સમલૈંગિક હોવાની ઘોષણા કર્યા બાદ તેમના માતાપિતાએ તેમને તેમના પદમાંથી બેદખલ કરવાનો નિષ્ફળ પ્રયત્ન કર્યો હતો. ત્યારથી તેમના કુટુંબ સાથેના તેમના સંબંધો પર પ્રશ્નાર્થ છે. આધુનિક ભારતમાં રાજ પરિવારના અને બેધડકપણે પોતાને સમલૈંગિક (ગે-gay) જાહેર કરનાર તેઓ સૌપ્રથમ અને એક માત્ર વ્યક્તિ છે.[૧]
જાન્યુઆરી ૨૦૦૮માં, તેમના પરદાદા મહારાજ વિજયસિંહજીની યાદમાં અમુક વિધી સંપન્ન કરતી વેળાએ તેમણે એક પુત્રને દત્તક લેવાની ઘોષણા કરી હતી. તેમણે કહ્યું હતું: "અત્યાર સુધી એક રાજકુમાર તરીકેની સર્વ જવાબદારીઓ મેં સંભાળી છે અને શક્ય હશે ત્યાં સુધી તે નિભાવીશ. હું એક બાળક પણ દત્તક લઈશ જેથી રાજ પરંપરા ચાલુ રહે.".[૨] જો આ દત્તક ક્રિયા સફળ થશે, તો આ ભારતમાં કોઈ સમલૈંગિક પુરુષ દ્વારા બાળક દત્તક લેવાની તે પ્રથમ ઘટના બનશે.
બાળપણ
ફેરફાર કરોમાનવેંદ્રનો જન્મ ૨૩ સપ્ટેમ્બર ૧૯૬૫ના રોજ અજમેરમાં મહારાજા શ્રી રઘુવીર સિંહજી રાજેંદ્રસિંહજી સાહેબને ઘેર થયો હતો જેમને રાજપીપલાના મહારાણાની પદવી ૧૯૬૩માં મળી હતી. ૧૯૭૧માં સર્વ રજવાડાઓની માન્યતા રદ્દ થઈ અને તેને લીધે તેમના રહેણાંક રાજવંત મહેલને એક રિસોર્ટમાં ફેરવી દેવાયો છે (રજવાડઓની માન્યતા રદ્દ થતાં ભારતના ઘણા મહેલોને રિસોર્ટ, વિશ્વવિદ્યાલય કે સરકારી ઈમારતોમાં ફેરવી દેવાયા છે). માનવેંદ્રનો ઉછેર એક પારંપરિક વાતાવરણમાં થયો હતો. તેમને બોમ્બે સ્કોટીશ સ્કુલ અને વિલેપાર્લા, મુંબઈમાં આવેલ અમૃતબેન જીવનલાલ કોલેજ ઓફ કોમર્સ એન્ડ ઈકોનોમિક્સમાં ભણાવવામાં આવ્યાં.
જાન્યુઆરી ૧૯૯૧માં તેઓના લગ્ન ઝાબુઆ, મધ્ય પ્રદેશના ચંદ્રીકા કુમારી સાથે થયાં કેમકે તેઓ કહે છે, "મને લાગતું હતું કે લગ્ન પછી હું બરાબર થઈ જઈશ કેમકે મને ન તો ખબર હતી કે ન તો મને કોઈએ કહ્યું હતું કે હું સજાતિય હતો અને આ એક સામાન્ય વાત હતી. સજાતિય હોવું એ કોઈ રોગ નથી. અને તેની જિંદગી બગાડવા માટે હું દિલગીર છું. હું મારી જાતને અપરાધી ગણું છું".[૩] જ્યારે માનવેંદ્રએ તેમની સમલૈંગિક જાતીયતાની તેમની પત્નીને જાણ કરી ત્યારે તેમના છૂટાછેડા થઈ ગયા.
"આ (લગ્ન અને છૂટાછેડા) એક ખૂબ ખરાબ બાબત હતી. એક સરેઆમ નિષ્ફળતા. તે લગ્ન ક્યારેય પરિપૂર્ણ ન થયા. મને જાણ થઈ કે મે એક ખોટું પગલું લીધું હતું".[૪]
૧૯૯૨માં તેમના છૂટાછેડા પછી અમુક વર્ષો બાદ તેઓ ગુજરાતના સજાતિય પુરુષોની મદદ કરતા સામાજિક કાર્યોમાં જોડાયા.
મારા પરિવારમાં સમલિંગી હોવું ખૂબ કપરું હતું. ગામડા ગામના લોકો અમારી પૂજા કરતાં અને અમે તેમના માટે આદર્શ હતાં. અમારા કુટુંબના વરિષ્ઠ લોકો અમને સામાન્ય કે નીચી કોટિના લોકો સાથે મળવા ભળવા ન દેતાં. બહારની મુક્ત દુનિયા સાથે અમારો સંપર્ક અતિ અલ્પ હતો. ૨૦૦૨માં મને નર્વસ બ્રેકડાઉનના ઈલાજ માટે હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યો ત્યારે ડોક્ટરોએ મારા માતા પિતાને મારી જાતિયતા વિષે જણાવ્યું. વિતેલા વર્ષો સુધી હું મારી જાતિયતાને મારા માતા-પિતા, કુટુંબ અને લોકોથી સંતાડતો રહ્યો હતો. મને આમ કરવું ક્યારેય પસંદ ન હતું અને મારે સચ્ચાઈનો સામનો કરવો હતો. જ્યારે મેં જાહેરમાં આ વાતનો એકરાર કર્યો અને એક મિત્રસમ પત્રકારને મુલાકાત આપી, અને મારું જીવન બદલાઈ ગયું. હવે મને લોકોએ અપનાવી લીધો છે.[૫]
સજાતિયતાનો એકરાર
ફેરફાર કરોમાનવેંદ્રની સમલૈંગિકતાની જાણ ૨૦૦૨માં તેમના નર્વસ બ્રેકડાઉનનો ઈલજ કરતા ડોક્ટરો દ્વારા તેમના કુટુંબીજનોને કરવામાં આવી. જ્યારે તેમણે ૨૦૦૬માં આપેલી જાહેર મુલાકાતમાં પોતાની સમલૈંગિક જાતીયતાની વાત કરી ત્યારે કુળને અપમાનજનક સ્થિતીમાં મુકવા બદલ તેમના કુટુંબે તેમની વિરુદ્ધ પગલાં લીધાં અને તેમનો ત્યાગ કર્યો. ભારતના સાંપ્રત વારસાને લગતા કાયદાઓની નજરમાં આ ત્યાગ કોઈ કાયદેસર બરતફી નહોતો, જોકે એક લાક્ષણિક ત્યાગ હતો.[૬] તેઓ તેમના કુટુંબમાં પાછા ફર્યા હતા.[૭]
૧૪ માર્ચ ૨૦૦૬ના દિવસે માનવેંદ્રની સજાતીયતાનો એકરાર (જેને અંગ્રેજીમાં કમીંગ આઉટ કહેવામાં આવે છે)ના સમાચાર ભારત અને વિશ્વમાં પ્રસિદ્ધ થયાં. રાજપીપલાના પારંપારિક સમાજને આનાથી ધક્કો લાગ્યો. રાજપીપલામાં તેમના પૂતળા બાળવામાં આવ્યાં. હવે તેમની પાછળ ગાદીના હક્કદાર તેમના પિત્રાઈ ભાઈ દેવદત્ત છે. ૨૭ ઓક્ટોબર ૨૦૦૭ના દિવસે તેઓ મહેમાન તરીકે ઓપ્રા વીન્ફ્રેના કાર્યક્રમમાં પણ આવ્યાં હતાં. તે કાર્યક્રમ વિશ્વના સમલિંગીઓ પર આધારિત હતો અને તેનું નામ હતું - 'ગે અરાઉન્ડ ધ વર્લ્ડ' (Gay Around the World). તેમાં ત્રણમાંના એક મહેમાન તેઓ હતાં. તેમાં તેમણે જણાવ્યું હતું કે સમલૈગિકતાના જાહેર એકરારનો તેમને જરાપણ અફસોસ નથી. અને તેમનું માનવું છે કે તેમના રાજના લોકો એઈડ્સ અને એચ.આઈ.વી. વિષે જાગૃતિ લાવવાના કામમાં તેમની નેતાગિરીની સરાહના કરે છે.
સમલૈગિકતાના જાહેર એકરાર વિષે તેમણે કહ્યું હતું:
મને ખબર હતી કે હકીકતમાં હું જે છું તે રીતે મને લોકો ક્યારેય સ્વીકારશે નહી, પણ હું એ પણ જાણતો હતો જે હું કોઈ જુઠ્ઠાણું જીરવી શકું તેમ ન હતો. મારે જાહેર કરવાની જરૂર હતી કેમકે હું એક ચળવળમાં જોડાયો હતો અને તેમાં જોડાયેલા રહીને ગુપ્તતાના બંધનમાં રહેવું અયોગ્ય હતું. મેં આ વાતનો એકરાર એક ગુજરાતી વર્તમાનપત્ર દ્વારા કર્યો કેમકે હું ઇચ્છતો હતો કે લોકો સમલૈંગિકતાની ચર્ચા ખુલ્લેઆમ કરે કારણકે હજુ સમાજમાં આ આ વિષય પરત્વે ગુપ્તતા સેવવામાં આવે છે અને તેની સાથે ઘણી ગેરસમજ પ્રવર્તમાન છે.[૮]
૨૫ જુલાઈ ૨૦૦૮ના દિવસે સ્વીડનના સ્ટોકહોમમાં યોજાયેલ યુરો પ્રાઈડ ગે ફેસ્ટીવલનું ઉદ્ઘાટન માનવેંદ્રએ કર્યું હતું.
બીબીસી ટેલિવેઝન પરથી પ્રસારિત થયેલી શ્રેણી અંડરકવર પ્રીન્સીસમાં તેમને ભગ લીધો હતો. આ કાર્યક્રમ જાન્યુઆરી ૨૦૦૯માં પ્રસિદ્ધ થયો હતો જેમાં તેઓને બ્રિટનમાં પોતાને માટે જીવનસાથી (બોયફ્રેંડ) શોધતા દર્શાવવામાં આવ્યા હતા.[૯]
૨૦૧૦ના જુલાઈ મહિનાથી સજાતિય પુરુષો માટેના સામાયિક ફનના તેઓ તંત્રી છે,[૧૦][૧૧] આ સામાયિક રાજપીપલાથી બહાર પાડવામાં આવે છે.[૧૨]
સામાજિક કાર્યો
ફેરફાર કરોઈ.સ. ૨૦૦૦માં માનવેંદ્રએ લક્ષ્ય ટ્રસ્ટની સ્થાપના કરી. તેઓ આના ચેરમેન છે. આ સંસ્થા એચ.આઈ.વી./એઇડ્સ વિષેના અભ્યાસ અને તે વિષે જાગૃતિ લાવવા પર કાર્ય કરે છે. સ્વૈચ્છિક સંસ્થા તરિકે નોંધાયેલી આ સંસ્થા સજાતિય સંબંધો ધરાવતા પુરુષો (ગે કે MSMs) માટે કાર્ય કરે છે. આ સંસ્થા સલાહ-માર્ગદર્શન સેવા, જાતિય રોગોના ઈલાજ માટેના દવાખાના, પુસ્તકાલયો અને કોન્ડોમનો ઉપયોગના પ્રચાર જેવા કાર્યો કરે છે. ગે લોકોમાં એચ.આઈ.વી./એઇડ્સની રોકથામના કાર્યની સરાહના માટે આ સંસ્થાને ૨૦૦૬નું સીવીલ સોસાયટી પારિતોષિક મળ્યું છે.[૧૩]
સજાતિય પુરુષોની રોજગારી માટે પણ આ સંસ્થા કાર્ય કરે છે અને પુરુષ-પુરુષ સંબંધ માટે કાર્ય કરતી અન્ય સંસ્થાઓને પણ મદદ કરે છે. આ સંસ્થા વૃદ્ધ સજાતિય લોકો મટે એક વૃદ્ધાશ્રમ શરૂ કરવાની યોજના ધરાવે છે. લક્ષ્ય, ઇન્ફોસેમ તરિકે ઓળખાતા સંસ્થાઓના સમુદાય ઈંડિયા નેટવર્ક ઓફ સેક્શુઅલ માયનોઇરીટી (India Network For Sexual Minorities-INFOSEM)નું સદસ્ય છે અને આવા જ અન્ય એક સમ્સ્થાઓના જૂથ શાન-સેક્સ્યુઅલ હેલ્થ એક્શન નેટવર્ક (Sexual Health Action Network-SHAN)નું સ્થાપક સભ્ય પણ છે.
૨૦૦૭માં માનવેંદ્ર એશિયા પેસિફીક કોએલિશન ઓન મેલ સેક્સ્યુઅલ હેલ્થના વ્યવસ્થાપન મંડળમાં જોડાયા. મે ૨૦૦૯માં માનવેંદ્રના જીવન પર એક ફીલ્મ બનાવવાની ઘોષણા થઈ હતી. આની પટકથા એક અન્ય રાજ પરિવારની વ્યક્તિ, કપૂરથલાના રાજકુમાર અમરજીત સિંહ દ્વારા લખવામાં આવશે.[૧૪]
સંદર્ભ
ફેરફાર કરો- ↑ Elizabeth Joseph and Michelle Smawley, Prince's Secret Tears Royal Family Apart, Shocks His Nation, July 2, 2007.
- ↑ Pareek, Yogesh (31 January 2008). "Gujarat's gay prince to adopt child soon". The Times Of India.
- ↑ http://www.rediff.com/news/2007/oct/26look1.htm
- ↑ "આર્કાઇવ ક .પિ". મૂળ માંથી 2008-08-29 પર સંગ્રહિત. મેળવેલ 2011-12-04.
- ↑ [૧]
- ↑ Chu, Henry. "Prince is out, but not down". Los Angeles Times. મૂળ માંથી ફેબ્રુઆરી 23, 2007 પર સંગ્રહિત. મેળવેલ January 1, 2007.
- ↑ "Hundreds Celebrate Gay Prince's Birthday". 365Gay.com. October 7, 2007. મૂળ સંગ્રહિત માંથી 2007-10-11 પર સંગ્રહિત. મેળવેલ 2007-10-29.
- ↑ "આર્કાઇવ ક .પિ". મૂળ માંથી 2019-12-24 પર સંગ્રહિત. મેળવેલ 2011-12-04.
- ↑ Times of India, 15 January 2009.
- ↑ "Facebook page for Fun Magazine". મૂળ સંગ્રહિત માંથી 2012-12-17 પર સંગ્રહિત. મેળવેલ 2011-12-04.
- ↑ Ammu Kannampilly (2011-01-18). "Gay magazines in India hint at quiet revolution". AFP, via Sify. મૂળ માંથી 2011-01-19 પર સંગ્રહિત. મેળવેલ 2011-12-04.
- ↑ Yogesh Prateek (Jul 23, 2010). "Latest from Manavendra: India's 1st gay mag". Times of India.
- ↑ "Gay prince to form sexual minorities forum". rediff.com. ૭ ડિસેમ્બર ૨૦૦૬. મેળવેલ ૫ ડિસેમ્બર ૨૦૧૧.
- ↑ Sharma, Sachin (8 May 2009). "Rajpipla's gay prince to get reel life". The Times Of India.
બાહ્ય કડીઓ
ફેરફાર કરો- લક્ષ્ય ટ્રસ્ટની વેબસાઈટ સંગ્રહિત ૨૦૦૮-૦૫-૨૯ ના રોજ વેબેક મશિન
- એશિયા પેસિફીક કોઆલેશન ઓન્ મેલ સેક્શુઅલ હેલ્થ(APCOM)ની વેબસાઈટ સંગ્રહિત ૨૦૧૯-૦૬-૦૫ ના રોજ વેબેક મશિન
- ગુજરાતના ગે રાજકુમાર બાળક દત્તક લેશે - ટાઈમ્સ ઓફ ઈંડિયા
- ગે રાજકુમાર ઓપ્રાના શો પર
- ગે રાજકુમર લૈંગિક લઘુમતિની જૂથ
- ગે રાજકુમાર ઓપ્રાહ વીન્ફ્રેના શો પર સંગ્રહિત ૨૦૧૯-૧૨-૨૪ ના રોજ વેબેક મશિન