માલી ડોશીપન્નાલાલ પટેલ કૃત નવલકથા 'માનવીની ભવાઇ' (૧૯૪૭)માં આવતું કુટિલ ખલપાત્ર છે. આ નવલકથામાં માલી ડોશી બે ભાઈઓ—વાલા અને પરમાના કુટુંબ વચ્ચે દ્વેષકલહનું અને કાળુ-રાજુના વિવાહવિચ્છેદનું કારણ બને છે.[]

માલી ડોશી
પ્રથમ દેખાવ૧૯૪૭
સર્જકપન્નાલાલ પટેલ
ભાષાગુજરાતી
માહિતી
લિંગસ્ત્રી
જીવનસાથીપરમો
બાળકોનાનિયો
સંબંધીઓકાળુ, રાજુ, રૂપા

પાત્રપરિચય

ફેરફાર કરો

માલી ડોશી એ કથાનાયક કાળુના પિતા વાલાના નાના ભાઈ પરમાની પત્ની છે.[] આમ માલી ડોશી કથાનાયક કાળુની કાકી છે. એમ છતાં કાળુના કુટુંબનું અહિત ઈચ્છવું, અહિત કરવું અને અહિત કરવા હંમેશા સક્રિય રહેવું એ માલી ડોશીની સ્થાયી વૃત્તિ-પ્રવૃત્તિ છે. નવલકથામાં તે 'દુરિતના જીવંત પ્રતિક' તરીકે ઉપસી આવે છે.[]

ઈર્ષા એ માલીના સ્વભાવનો સ્થાયીભાવ છે. કોઈના ઘરમાં સુખ-શાંતિ તે જોઈ શકતી નથી. ગામમાં કોઈ પણ પ્રસંગ હોય ત્યાં માલી ડોશી પોતાના કર્કશ સ્વભાવથી એ પ્રસંગને બગાડવાનો પ્રયત્ન હંમેશા કરે છે. જ્યારે વાલા ડોસાને ત્યાં કાળુનો જન્મ થાય છે અને કાળુનું નામકરણ થાય છે ત્યારે પણ તેને આ નવજાત શિશુ સાથે અહમ્, અણગમા, અને ઈર્ષાનો સંબંધ બંધાઈ જાય છે.[] કાળુના જન્મની વધામણીના પ્રસંગે ઉલ્લાસનું વાતાવરણ છે, એ સમયે માલી ત્યાં જઈને કહે છે:[]

"આય વાત કરે છે તે!... ઘરમાં પાણી પીવાનો કળશ્યો ફૂટેલો છે પછી વધામણી તે શું-"

માલીના સ્વભાવ વિશે તેની જેઠાની રૂપા વિચારે છે કે "એ [માલી] જીવશે ત્યાં સુધી, નઈં તો પોતે સુખી થાય કે નઈં કોઈને થવા દે".[] જ્યારે માલીનો પતિ પરમો માલી વિશે કહે છે કે "એ પોતે સુખે રે'વાનીય નથી ને બીજાંને સુખ પડવા દેવાનીય નથી".[]

છપ્પનિયા દુકાળ દરમિયાન 'દુકાળિયા ડુંગરાઉ' ભીલ લોકોના ટોળાં માલી ડોશીને નિષ્ઠુરતાપુર્વક મારી નાખે છે, અને તેનો ઘરેણાનો ડબ્બો અને દેહ પરનાં તેનાં વસ્ત્રો ઉપાડી જાય છે. અંતે કથાનાયક કાળુ તેના નગ્ન મૃતદેહને પોતાના માથાના ફાળિયાના વસ્ત્ર વડે ઢાંકે છે. તેની અંતિમ વિધિ પણ કાળુ જ, તેના મુખમાં પોતાની આંગળી પરની રૂપાની વીંટીનો એક કકડો મૂકી, પૂરી કરે છે.[] માલીના મૃત્યુ પછી તેના અનિષ્ટ કાર્યોનો અંત નથી આવતો. તેનામાં રહેલ આસુરી વૃત્તિનો વારસો તેના પુત્ર નાનિયાને મળે છે. નાનીયાને વારસામાં મળેલ આ દુષ્તતા 'માનવીની ભવાઈ'ના પછીના બંને ભાગમાં ખાસ કરીને 'ભાંગ્યાના ભેરુ'માં મહત્ત્વનો ભાગ ભજવે છે.[]

વિવેચક જશવંત શેખડીવાળા નોંધે છે કે "માલીનું અતિ નઠોર-નિર્મમ પાત્ર તેનાં કટુ-કઠોર ભાવ-વિચાર-વાણી-વ્યવહારમાંથી સ્વયમેવ અનાયાસે પ્રગટે છે."[]

સંદર્ભો

ફેરફાર કરો
  1. ટોપીવાળા, ચન્દ્રકાન્ત; સોની, રમણ; દવે, રમેશ ર., સંપા. (૧૯૯૦). ગુજરાતી સાહિત્ય કોશ: અર્વાચીનકાળ. ખંડ ૨. અમદાવાદ: ગુજરાતી સાહિત્ય પરિષદ. p. ૪૭૮. OCLC 26636333.
  2. ૨.૦ ૨.૧ મહેતા, ધીરેન્દ્ર (૨૦૦૮). "'માનવીની ભવાઈ'(ત્રયી)-નું સંઘટનસૂત્ર". માં ચૌધરી, રઘુવીર; દવે, રમેશ ર. (સંપાદકો). પન્નાલાલનું પ્રદાન (બીજી આવૃત્તિ). અમદાવાદ: ગુજરાતી સાહિત્ય પરિષદ. પૃષ્ઠ ૧૪૯–૧૫૭. OCLC 24870863.
  3. ૩.૦ ૩.૧ પારેખ, યોગેન્દ્ર (૨૦૨૦). નવલકથાનું સ્વરૂપ, MGT-01: માસ્ટર ઑફ આર્ટસ્ - ગુજરાતી, નવલકથાનું સ્વરૂપ, એકમ ૪: માનવીની ભવાઇ: એક અધ્યયન. ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી. પૃષ્ઠ ૩૬–૩૮. ISBN 978-93-89456-37-0.
  4. ૪.૦ ૪.૧ ૪.૨ ૪.૩ શેખડીવાળા, જશવંત (૨૦૦૬). "માનવીની ભવાઈ". માં દાવલપુરા, બાબુ; વેદ, નરેશ (સંપાદકો). ગુજરાતી કથાવિશ્વ: નવલકથા (પ્રથમ આવૃત્તિ). અમદાવાદ: પાર્શ્વ પબ્લિકેશન. પૃષ્ઠ ૧૫૬–૧૫૭.
  5. દેસાઈ, પારુલ કંદર્પ (૨૦૦૮). "માલી ડોશી: એક વ્યક્તિવિશેષ". માં ચૌધરી, રઘુવીર; દવે, રમેશ ર. (સંપાદકો). પન્નાલાલનું પ્રદાન (બીજી આવૃત્તિ). અમદાવાદ: ગુજરાતી સાહિત્ય પરિષદ. પૃષ્ઠ ૧૭૯–૧૮૨. OCLC 24870863.