સિદ્ધરાજ જયસિંહ

ગુજરાતના સોલંકી રાજવી

જયસિંહ સોલંકી ચોથા અને સહુથી વિખ્યાત સોલંકી રાજવી હતાંં. તેમણે ઇ.સ. ૧૦૯૬થી ઇ.સ. ૧૧૪૩ સુધી ગુજરાત પર શાસન કર્યું.[૨][૧] તેઓ ગુજરાતમાં પોતાના ઉપનામ 'સિદ્ધરાજ'થી વધુ ખ્યાતનામ છે. તેમનો રાજ્યકાળ ગુજરાતનો સુવર્ણયુગ ગણાય છે. મુસ્લિમ આક્રમકો સામે ગુજરાતનું પતન થયું તે પહેલાનું આ છેલ્લું હિન્દુ સામ્રાજ્ય હતું.

જયસિંહ સોલંકી
સિદ્ધરાજ, ત્રિભુવનગંડ,અવંતીનાથ
ચોથા સોલંકી રાજા
Reignઇ.સ. ૧૦૯૬-૧૧૪૩
Predecessorકર્ણદેવ પહેલો
Successorકુમારપાળ
Bornઇ.સ. ૧૦૯૧
Diedઇ.સ. ૧૧૪૩
પાટણ, ગુજરાત
Spouseલીલાવતીદેવી
Issueકાંચનદેવી
વંશસોલંકી રાજવંશ
Fatherકર્ણદેવ પહેલો
Motherમીનળદેવી[૧]
Religionહિન્દુ

સિદ્ધરાજ જયસિંહનું રાજ્ય ખુબ જ વિશાળ હતું. તેમાં વર્તમાન ગુજરાતના બધાજ વિસ્તારો જેવાં કે કચ્છ, સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતનો તો સમાવેશ થતો જ હતો. આ ઉપરાંત તેમનાં રાજ્યનો વિસ્તાર ઉત્તરમાં છેક સાંભાર રાજ્ય કે સપાદપક્ષ રાજ્ય સુધી (આજનું અજમેર) અને દક્ષિણમાં કોંકણ સુધીના વિસ્તારોનો સમાવેશ થતો હતો. પશ્ચિમમાં કચ્છથી લઇને છેક બુંદેલખંડ સુધી તેમનાં રાજ્યની હદ હતી. આધુનિક, મેવાડ, મારવાડ, માળવા અને સાંભાર સુધીના વિસ્તારો તેના રાજ્યનો ભાગ હતાં. જયસિંહ એક ઉત્તમ યોદ્ધાની સાથે કુશળ રાજવી, પ્રજાપ્રિય નેતાં અને કળા સાહિત્યના પારખુ હતાં. તેમનાં સમય દરમિયાન ગુજરાતની કીર્તિ અને સમૃદ્ધિ શિખર પર હતી.

જીવનફેરફાર કરો

જન્મ અને બાળપણફેરફાર કરો

જયસિંહના જન્મ વિશે જુદાંજુદાં ઇતિહાસકારો જુદાંજુદાં અનુમાનો કરે છે. કેટલાક ઇતિહાસકારોના મતે જયસિંહનો જન્મ પાલનપુરમાં થયો હતો. પણ ઐતિહાસિક દસ્તાવેજો મુજબ પાલનપુરની સ્થાપના સિદ્ધરાજના અવસાન બાદ થઇ હતી. આથી આ માન્યતાનો કોઇ ઐતિહાસિક આધાર નથી. ઘણું કરીને તેમનો જન્મ પાટણના રાજમહેલમાં જ થયો હશે, તેમ લાગે છે. એ સમયે પાટણ સોલંકીઓની રાજધાની હતી.

સિદ્ધરાજના જન્મ સમયે સોલંકી રાજવંશ ઘણાં કપરાં સમયથી પસાર થઇ રહ્યો હતો. આંતરિક વિખવાદોને કારણે સોલંકીઓની સત્તા નબળી પડી હતી. મહમંદ ગઝનીએ સોમનાથ લૂંટીને ગુજરાતના અભિમાનને ધક્કો પહોંચાડ્યો હતો. સોલંકીઓના મોટાભાગના સામંતો સ્વતંત્ર થઇ ગયા હતાં. રાજ્યની સરહદો સંકોચાઇ ગઇ હતી. માળવાના હુમલા સામે તેમના પિતા કર્ણદેવની સજ્જડ હાર થઇ હતી અને ભારે ખંડણી ચૂકવવી પડી હતી. તેમણે સ્વતંત્ર રાજાનું પદ પણ ગુમાવી માળવાના સામંત કે ખંડીયા રાજા તરીકે ચાલુ રહ્યાં હતાં. આમ, સિદ્ધરાજના જન્મ સમયે સોલંકીઓ પાસે બહુ ઓછી સત્તા અને રાજ્ય હાથમાં રહ્યું હતું.

સિદ્ધરાજ ફક્ત ૧૩ વર્ષનાં હતાં ત્યારે તેમના પિતા કર્ણદેવનું અવસાન થયું. તેઓ બાળવયે ગાદી પર આવ્યાં. તેમની સગીર અવસ્થા દરમિયાન તેમની માતા મીનળદેવીએ રાજમાતા તરીકે કાર્યભાર સંભાળ્યો હતો.

સત્તારોહણફેરફાર કરો

ઇ.સ. ૧૦૯૬માં તેમનો રાજ્યાભિષેક કરવામાં આવ્યો. વિક્રમ સંવત ૧૧૨૦ના પોષ વદ તીજના રોજ શનિવારે તેમનો રાજ્યાભિષેક કરવામાં આવ્યો.[૩] રાજ્યારોહણના શરૂઆતના વર્ષોમાં તેમણે સોલંકી રાજપરિવારની વચ્ચે ચાલતા વિખવાદનો અંત લાવવામાં અને પોતાના હરિફોને દૂર કરવામાં ઘણી મહેનત કરી. જયસિંહના દાદા ભીમદેવની બે પત્નીઓ હતી. બહુલાદેવી (ચૌલાદેવી) અને ઉદયમતી. અમુક માન્યતા મુજબ ચૌલાદેવી કે બકુલાદેવીનો સોમનાથ મંદિરમાં દેવદાસી હતાં. આથી જ તેમનો પુત્ર રાજગાદી માટે અયોગ્ય ઠેરતાં હતાં. જોકે આ માન્યતાને કોઇ ઐતિહાસિક આધાર નથી અને કર્ણદેવના રાજ્યાભિષેકને યોગ્ય ઠેરવવા માટે પાછળથી આ વાર્તા જોડી દેવામાં આવી હોય, તેમ બની શકે. બકુલાદેવીનો પુત્ર ક્ષેમપાળ જ્યેષ્ઠ હોવા છતાં, ઉદયમતીના પુત્ર કર્ણદેવનો રાજ્યાભિષેક કરવામાં આવ્યો હતો. ત્યારથી બન્ને શાખાઓ વચ્ચે સત્તાની ખેંચતાણ ચાલુ હતી. જયસિંહે પોતાના કાકા દેવપ્રસાદ અને તેમના પુત્ર ત્રિભુવનપાળને હંફાવીને પોતાનું સ્થાન મજબૂત કર્યું. દેવપ્રસાદ અને ત્રિભુવનપાળ બન્નેનું અવસાન રહસ્યમય સંજોગોમાં થયેલ હોવાનું મનાય છે.

પોતાનાં પરિવાર ઉપરાંત સિદ્ધરાજના દાદી ઉદયમતિનાં પિયરિયાં પણ પાટણમાં ઘણું વર્ચસ્વ ધરાવતાં હતાં. જયસિંહે તેમને પણ દૂર કર્યા. પોતાની બાળ અવસ્થા દરમિયાન રાજ્યોનો કારભાર મંત્રીઓના હસ્તગત હતો. આ મંત્રીઓના હાથમાંથી સત્તાને હસ્તગત કરવાનું કાર્ય કપરું હતું. પણ જયસિંહ તેમાં સફળ થયાં હોય તેમ લાગે છે. ઇ.સ ૧૧૦૪ સુધી છેક ખંભાત સુધી તેમની સત્તા પ્રસરેલી દેખાતી હતી.[૪] આ સમય દરમિયાન જયસિંહે પોતાને સોલંકીવંશના નિર્વિવાદીત રાજવી તરીકે પોતાનાં પરિવાર, મંત્રીઓ અને પ્રજામાં પોતાને સ્થાપિત કર્યા હતાં.

રાજ્યવિસ્તારફેરફાર કરો

શરૂઆતની સિદ્ધિઓફેરફાર કરો

ઇ.સ. ૧૧૦૮-૦૯ની આસપાસ તેમણે માળવાના સામંતપદને ફગાવીને પોતાને ગુજરાતના સાર્વભૌમ રાજવી જાહેર કર્યાં. તેમણે પોતાના માટે 'મહારાજાધિરાજ પરમેશ્વર'નું બિરુદ જાહેર કર્યું. આમ તેમણે ગુજરાતમાં પોતાની સર્વોચ્ચ સત્તા સ્થાપીત કરી. આ સમય દરમિયાન તેમણે દખ્ખણના કોઇ રાજવીને પરાજીત કરીને 'ત્રિભુવનગંડ'નું બિરુદ પણ સ્વીકાર્યું. તેમનાં રાજ્યની શરૂઆતની લડાઇઓ તેમના રાજ્યને સ્થાપીત કરવાની સાથે અન્ય રાજવીઓ પર ધાક જમાવાના હેતુની લાગે છે. સિદ્ધરાજ જયસિંહે તેનાં જીવનકાળ દરમિયાન સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર અને દક્ષિણ ગુજરાત, રાજપૂતાના, મેવાડ, મારવાડ, અજમેર તથા મધ્યભારત સુધી પોતાનું આધિપત્ય સ્થાપ્યું હતું.

સૌરાષ્ટ્ર પર વિજયફેરફાર કરો

સમકાલીન રાજ્ય : ચુડાસમા

પ્રતિહારોના સમયમાં સોલંકીઓના પૂર્વજો ચૌલુક્યો સૌરાષ્ટ્રના સૂબા હતાં. પણ અમુક કારણો સર તેમણે ત્યાંથી ગુજરાત તરફ પલાયન કરવું પડ્યું હતું. ચૌલુક્યો બાદ સૌરાષ્ટ્રમાં ચુડાસમા રાજાઓ [૫] સત્તા પર આવ્યાં. મૂળરાજે ચુડાસમા રાજા રા ગ્રહરિપૂને હરાવીને તેને પોતાનો ખંડીયો રાજા બનાવ્યો હતો. ત્યાર પછીના ચુડાસમા રાજાઓએ [૬]પાટણની સર્વોચ્ચ સત્તાને સ્વીકારીને તેમના ખંડીયા રાજા તરીકે ચાલુ રહ્યાં. પણ સોલંકી સત્તા નબળી પડવાની સાથે જ તેમણે માથું ઉચક્યું હતું. જયસિંહે સર્વપ્રથમ પોતાના ઘરના દુશ્મને પાઠ ભણાવવાનું નક્કી કર્યું. તેમણે છેક જૂનાગઢ સુધી અનેક કિલ્લાની હાર ઉભી કરી, આમાં સહુથી મોટો કિલ્લો વઢવાણનો હતો.

ઇ.સ. ૧૧૧૪માં તેણે સૌરાષ્ટ્ર પર હુમલો કરી તેનાં રાજા રા'ખેંગાર ને[૭] હરાવ્યો. અને તેને કેદમાં નાખ્યો. તેણે સૌરાષ્ટ્રમાં ચુડાસમા વંશ નો અંત લાવીને ત્યાં પોતાના સામંત તરીકે જૈન મંત્રી સજ્જનને નીમ્યો. આમ જીતાયેલ પ્રદેશમાં જૂનાં રાજાને સામંત તરીકે ચાલુ રાખવાની પરંપરા તેણે બંધ કરી. સૌરાષ્ટ્રના વિજયને યાદગાર બનાવવા માટે તેણે 'સિહસંવત'નો પણ પ્રારંભ કર્યો.

તેના જૂનાગઢ વિજય અંગે ઘણી દંતકથાઓ છે. એક કથા મુજબ જયસિંહે જૂનાગઢના રાજા રા' નવધણને નળકાંઠા નજીક પાંચાળમાં ઘેર્યો અને પોતાને નમન કરાવ્યું. આ અપમાનનો બદલો લેવાં નવધણે પ્રતિજ્ઞા કરી. જોકે તેને તે પૂરી ન કરી શક્યો. મૃત્યુ સમયે તેણે પોતાના ચારે પુત્રોને બોલાવ્યાં અને જે પુત્ર આ પ્રતિજ્ઞા પૂરી કરવાનું વચન આપે, તેને જૂનાગઢની ગાદી સોંપવાનું કહ્યું. સહુથી નાના પુત્ર રા'ખેંગારે આ પ્રતિજ્ઞા પૂરી કરવા તત્પરતા દાખવી. આથી રાજગાદી તેને મળી.

જયસિંહ માળવાની ચડાઇ પર ગયા હતાં, ત્યારે ખેંગારે પાટણ પર હુમલો કરીને પાટણનો દરવાજો ભાંગ્યો. આ ઉપરાંત જયસિંહની વાગ્દત્તા રાણકદેવીને પણ પોતાની સાથે જૂનાગઢ લઇ ગયો અને તેની સાથે લગ્ન કર્યા. જયસિંહ માટે આ અપમાન અસહ્ય હતું. તેણે જૂનાગઢ પર હુમલો કર્યો. ખેંગારના ભણીયાએ ખેંગારને દગો દીધો. જયસિંહનું સૈન્ય મધરાતે કિલ્લામાં પ્રવેશ્યું અને જૂનાગઢ જીતી લીધુ. આ યુદ્ધમાં ખેંગાર અને તેના બન્ને પુત્રો હણાયા. જયસિંહે રાણકદેવી સાથે લગ્નનો પ્રસ્તાવ મુક્યો જે રાણકે નકારી નાખ્યો. રાણકદેવી વઢવાણ પાસે સતી થઇ.

જોકે આ ફક્ત દંતકથા જ છે અને તેનું કોઇ ઔતિહાસિક પ્રમાણ નથી. ઐતિહાસિક પુરાવા મુજબ ખેંગાર આ યુદ્ધમાં કેદી પકડાયો અને જયસિંહે તેને પદભ્રષ્ટ કર્યો.[૮] આ ઉપરાંત જયસિંહને રાણકદેવી નામની વાગ્દતા હતી તેવો કોઇ સ્થાને ઉલ્લેખ નથી.

બર્બરકનો પરાજયફેરફાર કરો

સિદ્ધરાજને લોકચાહના મેળવવામાં સહુથી વધુ જો કોઇ વિજયે મદદ કરી હોય તો તે છે, બર્બરક અથવા બાબરા ભૂત પર વિજય. ગુજરાતના ઉત્તરપૂર્વના આદિવાસી પટ્ટામાં વિવિધ આદિવાસી પ્રજા વસતી હતી, જેમને બર્બર કહેવામાં આવતા હતાં. આ જાતિનો નાયક રાજા બર્બરક ત્યાંની આસપાસની પ્રજા માટે ભયરૂપ થઇ પડ્યો હતો. તે મંદિરો તોડતો, તિર્થસ્થાનો અભડાવતો અને ઉપાસકોને રંજાડતો. જયસિંહે તેની સાથે યુદ્ધ કર્યું. ખુબ જ તુમુલ સંગ્રામ થયો. યુદ્ધમાં જયસિંહની તલવાર ભાંગી ગઇ. આથી તેણે બર્બરક સાથે મલ્લયુદ્ધ આરંભયું. બર્બરક શરીરમાં જયસિંહ કરતા ઘણો વિશાળ હતો. સ્થાનિકપ્રજા તો તેને રાક્ષસ જ માનતી હતી. જયસિંહે બર્બરકને પોતાના હાથમાં ભીંસી નાખ્યો અને બર્બરક બેભાન થઇ ગયો. જયસિંહ તેને મારી નાખવા ઇચ્છતા હતાં, પરંતુ બર્બરકની પત્ની પિંગલિકાએ જયસિંહ પાસે તેની પ્રાણયાચના કરી. આથી જયસિંહે તેને જીવનદાન આપ્યું અને ત્યારથી બર્બરક જયસિંહનો સેવક થઇને રહ્યો. જયસિંહે 'બર્બરજજિષ્ણુ'નો ઇલ્કાબ સ્વીકાર્યો.

આ વિજયે લોકોના મનમાં જયસિંહને એક અદભૂત શક્તિઓના સ્વામી તરીકે સ્થાપી દીધો. બર્બરકના પરાજય અંગે અનેક દંતકથાઓ રચાઇ છે. આ દંતકથામાં બર્બરકને ગુઢ અને મેલી વિધ્યાના સ્વામી તરીકે ચીતર્યો છે, અને જયસિંહ તેને મંત્રબળથી વશ કરીને પોતાનો સેવક બનાવી લે છે. આ વધી લોકવાર્તાએ જયસિંહની આસપાસ એક ગુઢવર્તુળ ઉભું કર્યું, જેનો ફાયદો જયસિંહને થયો. વિક્રમ-વેતાળની જેમ લોકો બર્બરક-જયસિંહની જોડીને જોવાં લાગ્યાં. આથી જયસિંહની છાપ વિક્રમાદિત્યની જેમ એક પરદુઃખભંજક અને સિદ્ધ રાજવી તરીકેની પડી. જયસિંહે પણ પોતાની રાજસ્તા દ્રઢ કરવા માટે આ લોકમાન્યતાને ઉત્તેજન આપ્યું, એટલુંજ નહીં, તેનાં પ્રતિભાવરૂપે 'સિદ્ધરાજ'નું ઉપનામ સ્વીકાર્યું. ગૂઢ શક્તિઓના સિદ્ધ રાજવી તરીકે ઉભી થયેલી છાપ આજે પણ બળવત્તર છે. જયસિંહ લોકોમાં આજે પણ સિદ્ધરાજ તરીકે જ વધુ પ્રખ્યાત છે.

અન્ય ગુર્જર રાજવીઓનો પરાજયફેરફાર કરો

અત્યારના ગુજરાત હેઠળ રહેલા બધા વિસ્તારો જીતી લીધા બાદ જયસિંહે અન્ય રાજવીઓ તરફ નજર ફેરવી. આસપાસના ગુર્જર રાજવીઓને હરાવીને ત્યાં પોતાની સત્તા સ્થાપી. ઇ.સ. ૧૧૨૩ પહેલાં તેણે ગ્વાલીયરનો વિસ્તાર રાજ્યમાં ભેળવી દીધો. ઇ.સ. ૧૧૨૭ પહેલાં અત્યારના કોટા સુધીનો વિસ્તાર તેના તાબામાં હતો. નડ્ડુલ સાથે પાટણની વંશપરંપરાગત દુશ્મની હતી. સિદ્ધરાજે નડ્ડુલના રાજા અશ્વરાજ કે આશ્વાકને હરાવીને પોતાનો સામંત બનાવ્યો. મારવાડના રાજાને હરાવીને તેના રાજાને પણ પોતાનો સામંત બનાવ્યો. આ ઉપરાંત જયસિંહે શાકંભરી અને જોધપુર રાજ્યમામ આવેલ કિરાડું જીત્યા હતાં. [૯]તેણે કોઇ સિંધૂરાજને પણ હરાવ્યો હતો. સપાદલક્ષના રાજા અજયરાજ પણ સિદ્ધરાજને તાબે થયો. અહીંના રાજવી અર્ણોરાજ કે આનકને વશ કરીને સિદ્ધરાજે પોતાની પુત્રી કાંચનદેવીને તેની સાથે પરણાવી હતી. દક્ષિણમાં 'પરમર્દીદેવ'નું બિરુંદ ધારણ કરનાર વિક્રમાદિત્ય છઠ્ઠાને પણ તેણે હરાવ્યો. આમ, સિદ્ધરાજે અનેક નાના રાજવીઓને પરાજીત કરીને પોતાનું સામ્રાજ્ય વિસ્તાર્યું હતું.

માળવા પર વિજયફેરફાર કરો

પાટણ અને અવંતી વચ્ચે વર્ષોથી લડાઇઓ ચાલુ હતી. સિદ્ધરાજ પહેલાનાં મોટાભાગના સોલંકી રાજવીઓ માળવાના સામંત હતાં. સિદ્ધરાજે શાસનની શરૂઆતના વર્ષોમાં આ સામંતપદ ફગાવી દીધુ હતું. તેણે પોતાના કટ્ટર શત્રૄને મહાત કરવા ખુબ જ લાંબી તૈયારી કરી. આશરે ત્રીસ વર્ષની તૈયારી બાદ તેણે માળવા પર હુમલો કર્યો. ઇ.સ. ૧૧૩૬માં તેણે આ વિજય મેળવ્યો. તે વખતે માળવાની ગાદી પર યશોવર્મા રાજ્ય કરતો હતો. સિદ્ધરાજને આ યુદ્ધમાં નડ્ડુલના રાજા, શાકંભરીના ચાહમાન રાજવી અને ભીલ સેનાનો સાથ મળ્યો. તેણે ઉજ્જૈનીનો ઘેરો ઘાલ્યો અને તેને જીતી લીધું. યશોવર્મા ભાગીને ધારા નગર તરફ ભાગી ગયો. સિદ્ધરાજે તેની પૂંઠ પકડી અને તેને ધારાનગરમાં ઘેર્યો. હેમચંદ્રાચાર્યે દ્રયાશ્રયમાં આ વિજયને આ મુજબ વર્ણવ્યો છે. 'ચટક પક્ષીનો શત્રૂ શ્યેન જેમ ચટાકનાં બચ્ચાંને ઝાલે તે રીતે, નર્તકની પેઠે યુદ્ધમાં તલવારને નચાવનાર આ ચાલુક્ય વીર, જેને શરીરે રોમાંચ થતો હતો તેમણે રણક્ષેત્ર છોડી ધારામાં પેસી ગયેલા માલવપતિને જોતજોતામાં પકડી પાડ્યો.[૧૦]

યશઃપટહ નામના હાથી પર બેસીને સિદ્ધરાજે ધારાનગર પર હુમલાની આગેવાની કરી. કિલ્લાના દરવાજા તોડતી વખતે આ હાથી મૃત્યુ પામ્યો. સિદ્ધરાજે આ હાથીના સ્મરણાર્થે વડસર ગામામાં એક ગણેશમંદિર બંધાવ્યું. દંતકથામુજબ જ્યારે ધારાનગરી પર હુમલો ચાલુ હતું ત્યારે એક ચારણે બૂમ પાડીને કહ્યું કે 'હે કર્ણપુત્ર! કપાળૅ ટીલાવાળાં (સિદ્ધરાજના જૈનમંત્રીઓ) તમારી સેનાને દોરશે એનાથી ધારાનગર નહીં જીતાય. માટે જેસલ (જયસિંહ)ને આવવા દો. જમ આવવાની હામ ભીડશે તો તેને પણ એ એકલાં પહોંચી વળશે.'[૧૧]

સિદ્ધરાજે માળવા જીતીને તેને પોતાના રાજ્યમાં ભેળવી દીધું. તેનો ઇરાદો માલવપતિ યશોવર્માને મારવાનો હતો. પણ તેમ કરતાં તેને પોતાના મંત્રી મૂંજાલે રોક્યો. આથી તેણે યશોવર્માને કેદમાં નાખ્યો. જીત્યાપછી પાટણમાં તેનું વિજય સરઘસ નીકળ્યું ત્યારે તેણે કેદી તરીકે યશોવર્માને હાથી પર બેસાડ્યો હતો. યશોવર્માને પદભ્રષ્ટ કરી ત્યાં મંત્રી મહાદેવને દંડનાયક નીમવામાં આવ્યો. હેમચંદ્રાચાર્ય સિદ્ધરાજના વિજયનો વર્ણન કરતા દ્રયાશ્રયમાં કહે છે કે, "વિજેતા જયસિંહે જીતેલા કેટલાક રાજાઓને પંખીની પેઠે લાકડાના પીંજરામાં પૂર્યા. કેટલાકને ગળે બળદની પેઠે લોઢાની સાંકળ નાખી; કેટલાકને પગે ઘોડાની પેઠે બેડીઓ પહેરાવી.'[૧૨] 'પરાજીત માલવપતિને બંધનમાં નાખવામાં આવ્યાં."[૧૩] તે સમયે મેવાડ માળવાને આધિન હતું. માળવાવિજયની સાથે મેવાડ પણ સિદ્ધરાજના સામ્રાજ્યનો અંગ બન્યું.

જયસિંહનું રાજ્યશાસનફેરફાર કરો

સિદ્ધરાજ જયસિંહનો સમય ગુજરાતનો સુવર્ણયુગ ગણાય છે. જયસિંહે અનેક મંદિરો, મહાલયો, જળાશયો વગેરે બંધાવ્યાં. સતત યુદ્ધમાં મગ્ન રહેવા છતાં ગુજરાતનાં વેપાર અને વાણિજ્ય તેનાં સર્વોચ્ચ શિખરે હતાં. સિદ્ધરાજ વિદ્વાનો અને કળાકારોનો આશ્રયદાતા હતો. સમગ્ર ભારતમાંથી વિવિધ વિદ્વાનો તેના દરબારમાં આવતા હતાં. તેનો દરબાર અનેક વિષયો પરના વાદવિવાદ અને ચર્ચા માટે પ્રખ્યાત હતો. મૂળરાજે બંધાવેલ સિદ્ધપુરના રુદ્રમાળને તેણે સમારીને ફરીથી બંધાવ્યો.

સહસ્ત્રલિંગનું તળાવનું નિર્માણફેરફાર કરો

સિદ્ધરાજના પૂર્વજ દુર્લભરાજે પાટણ પાસે એક નાનું જળાશય બનાવ્યું હતું. સિદ્ધરાજે તેની પુનઃરચના કરી તેને સહસ્ત્રલિંગ એમ નામ આપ્યું. આ જળાશય અત્યંત ભવ્ય હતું. સિદ્ધરાજે આખા સરસ્વતી નદીના પ્રવાહને તેમાં વાળો હતો. એ ફક્ત સરોવર ન હતું, પણ બાંધકામની વિશાળ રચના હતી. વૈજ્ઞાનિક રીતે યોજનાપૂર્વક બાંધેલા તેના સરોવર અને નહેરોમાં થઇને આવતું પાણી કલામય રીતે રચાયેલા નાનાનાના ટાપુઓ પર બંધાયેલાં દેવાલયો અને ક્રીડાંગણોની આસપાસ વહેતું આગળ ચાલ્યું જતું હતું. તેની આસપાસ સહસ્ત્ર શિવાલયોની કટિમેખલા હતી અને પ્રત્યેક શિવાલય વિશાળ હતું. તેના કાંઠા પર બ્રાહ્મણોના યજ્ઞકાર્યો માટે સત્રશાળાઓ, એકસો આઠ દેવીમંદિરો, વિષ્ણુના દશાવતારનું એક મંદિર અને વિદ્યાર્થીઓ અને તેમને ભણાવનાર અધ્યાપકોને રહેવા માટેના વિશાળ મઠો હતાં. [૧૪]

પાટણની સુંદરતાફેરફાર કરો

અણહિલવાડ પાટણ સિદ્ધરાજની રાજધાની હતી. સિદ્ધરાજના સમયમાં આ નગરી ભારતવર્ષની ઇર્ષાનું કેન્દ્ર બની હતી. પાટણ સમૃદ્ધિ, કળા અને સાહિત્યનું એક અગત્યનું કેન્દ્ર બન્યું હતું. પાટણ દેવાલયોની નગરી હતી. તેના દેવાલયોના શિખરો 'સૂર્યના રથની ગતિને પણ સ્ખલિત કરે' તેટલા ઉંચા હતાં. પાટણની ફરતે કોટ હતો. જેની આસપાસ ખાઇ હતી. આ ખાઇમાં સરસ્વતી નદી દ્વારા પાણિ પૂરું પાડવામાં આવતું. ખાઇ ખણી વિશાળ હતી અને તેને નૌકા દ્વારા જ પાર કરી શકાય તેમ હતું. [૧૫]પાટણની સમૃદ્ધિ કલ્પનાતીત હતી. તેનાં વેપારવાણિજ્ય અને આંતરાષ્ટ્રીય અગત્યતા ધરાવતાં ખંભાતના બંદર દ્વારા ખેડાતું વહાણવટું દ્રષ્ટાંતરૂપ બની ગયા હતાં. ત્યાંના શ્રીમંતોના મહાલયની ફરતાં પુષ્પોથી લચેલાં ઉદ્યાનો હતાં. [૧૬]નગરનાં નરનારીઓ સંસ્કારી હતાં. સ્ત્રીઓ સુંદર, મધુર સ્વરવાળી, મિષ્ટભાષિણી અને કલાકુશળ હતી. લોકો ઉદાર, અતિથિપ્રિય, શૂરા અને સાહસિક હતાં. [૧૭]

વિદ્યા અને સંસ્કૃતિને ઉત્તેજનફેરફાર કરો

સિદ્ધરાજે પાટણને વિદ્યાનું ધામ બનાવ્યું હતું. ભિન્નમાળ, કનોજ અને ઉજ્જૈનીના વિદ્વાનો પાટણ આવીને વસ્યાં હતાં. સરસ્વતીનદીને કાંઠે વિદ્યાભ્યાસ માટે મોટા મોટા મઠો બાંધેલા હતાં. વિવિધ દર્શનોના આશરે ૯૬ સંપ્રદાયો પાટણમાં હળીમળીને રહેતા હતાં. જયસિંહની હાજરીમાં શાસ્ત્રાર્થ માટે અનેક વાદસભાઓ થતી. આ ચાર પંડિતો એક વાદસભામાં સહાયકો તરીકે ઉપસ્થિત રહેવાનો ઉલ્લેખ ઃએ.: તર્ક - 'મહાભારત' અને 'પરાશરસ્મૃતિ'માં પારંગત એક મહર્ષિ; ઉત્સાહ નામનો એક કાશ્મીરી વૈયાકરણ; સાગર - એક પ્રકાંડ પંડિત અને રામ - જેઓ તર્ક તથા વાદવિવાદમાં નિપુણ હતાં. [૧૮]

ધારાના પતન પતઈ પરમાર રાજાઓના ગુરૂ ભાવ બૃહસ્પતિને સિદ્ધરાજે ગુજરાત આવીને વસવાનું આમંત્રણ આપ્યું. તેઓ મૂળ વારાણસી નગરીના હતાં અને પાશુપત સંપ્રદાય દિક્ષા લીધેલ હતી. આ સંપ્રદાયનું મુખ્ય દેવાલય સોમનાથ મંદિર હતું. આ મંદિરનો વહીવટ સિદ્ધરાજે તેમને સોંપી દીધો. સિદ્ધરાજ મિત્રો જીતવામાં કુશળ હતાં.

સિદ્ધહેમશબ્દાનુશાસનફેરફાર કરો

ધારાનગરીના પતન પછી સિદ્ધરાજ મહારાજ ભોજનો ગ્રંથભંડાર લઇને આવ્યાં હતાં. ગુજરાતીના વ્યાકરણના નિયમો માટે તેમણે આચાર્ય હેમદંદ્રને ગ્રંથ લખવાની પ્રેરણા કરી. તેમની પ્રેરણાથી હેમચંદ્રાચાર્યે ગુજરાતી વ્યાકરણનો પ્રથમ ગ્રંથ 'શબ્દાનુશાસન' રચ્યો, જે સિદ્ધરાજ અને હેમચંદ્રના સંયુક્ત નામથી 'સિદ્ધહેમશબ્દાનુશાસન' તરીકે ઓળખાય છે. દંતકથા મુજબ સિદ્ધરાજે આ ગ્રંથની રચના બાદ પોતાના અંગત હાથી પર આ ગ્રંથની સવારી કાઢી હતી. પોતાની પાલખીમાં આ ગ્રંથ મૂક્યો હતો અને પોતે શોભાયાત્રાની સાથે પગપાળાં ચાલ્યા હતાં. ગ્રંથ પર સફેદ છત્ર ઢોળવામાં આવ્યું. બે સ્ત્રીઓ તેને ચમ્મર ઢાળતી હતી. આમ સન્માનપૂર્વક ગ્રંથને કોશાગારમાં રાખવામાં આવ્યો.

ધર્મસહિષ્ણુતાફેરફાર કરો

સિદ્ધરાજ પોતે શૈવધર્મી હતો. પણ અન્ય ધર્મ પ્રત્યે પણ તેણે સમભાવ દાખવ્યો છે. તેના દરબારના ધણાં આગળ પડતા વ્યક્તિઓ અન્ય ધર્મના, મુખ્યત્વે જૈનધર્મિ હતાં. જોકે સિદ્ધરાજે કોઇ પણ ધર્મને રાજકારણમાં દખલ લેવા દીધી ન હતી. શરૂઆતમાં સિદ્ધરાજને સત્તા મજબૂત કરવા માટે તેનાં જૈનમંત્રીઓ અને જૈનધર્મના આગેવાનોએ આગળપડતો ભાગ ભજવ્યો હતો. પણ સિદ્ધરાજે કદી કોઇ ધર્મ સાથે પક્ષપાત દાખવ્યો ન હતો. તેણે જૈનો પર મૂકવામાં આવેલા અનેક પ્રતિબંધો નાબુદ કર્યા.

મુસ્લિમો પ્રત્યે પણ તેણે સમભાવ દાખવ્યો છે. તેના સમયમાં ખંભાતમાં કેટલાક હિન્દુ અને જૈનધર્મના લોકોએ મુસ્લિમો પર હુમલો કર્યો હતો અને તેમની મસ્જિદ તોડી નાખી હતી. આ રમખાણમાં એંસી વ્યક્તિ માર્યા ગયા હતાં. મુસલમાનોના ઇમામ ખતીબઅલી પાટણ ગયાં અને પોતાની ફરિયાદ એક કવિતાના સ્વરૂપમાં રજૂ કરી. સિદ્ધરાજે તેમની ફરિયાદની નોંધ લઇને ગુપ્તવેશે ખંભાત આવી જાતતપાસ હાથ ધરી. તેમની ફરિયાદ સાચી જણાતા તેણે દોષિતોને દંડ કર્યો તેમ જ મસ્જિદ બનાવવા માટે એક લાખ બલોતરા (સ્થાનિક સિકકા) આપ્યાં. [૧૯] આ બાબત એટલે વધુ મહત્વની બને છે કારણ કે સિદ્ધરાજના દાદા ભીમદેવ પહેલાના સમયમાં મુસ્લિમ આક્રંતાઓએ સિદ્ધરાજના પરિવારના આરાધ્યદેવ સોમનાથ મંદિર પર આક્રમણ કરી તેને ભાંગ્યું હતું. આમ છતાં તેણે દાખવેલી ઉદારતા તેની ધર્મસહિષ્ણુતા અને ન્યાયપ્રિયતાની સાખ પૂરે છે.

સિદ્ધરાજ અને મીનળદેવીફેરફાર કરો

મીનળદેવી સિદ્ધરાજના પિતા કર્ણદેવની પટરાણી હતી. કર્ણદેવની અન્ય પત્નીઓ વિશે કોઇ ઉલ્લેખ નથી. આથી માની લેવાય છે કે મીનળદેવી કર્ણદેવની એકમાત્ર પત્ની કે પુત્રવતી પત્ની હશે. મીનળદેવી દક્ષિણના કોઇ ચૌલુક્ય સામંતનાં પુત્રી હતાં. તેઓ અત્યંત મેધાવી અને રાજનીતિના કુશળ હતાં. સિદ્ધરાજની બાલ્યાવસ્થામાં રાજમાતા તરીકે તેમણે કારભાર ચલાવ્યો હતો. જયસિંહ અને મીનળદેવી વચ્ચે ખુબ જ આત્મીય સંબંધ હતાં. મીનળદેવી સિદ્ધરાજના મુખ્ય સલાહકાર અને પ્રેરણામૂર્તિ હતાં. કેટલાકના મતે મીનળદેવીએ પોતાની રાજનૈતિક મહત્વકાંશા સિદ્ધરાજના દ્વારા સંપૂર્ણ કરી હતી. સિદ્ધરાજના દરેક અગત્યના નિર્ણયમાં મીનળદેવીની સંમતિ રહેતી.

મીનળદેવીની છાપ એક પરગજું અને પ્રજાવત્સલ રાજમાતા તરીકેની હતી. જાણીતી કથામુજબ એક વાર મીનળદેવી સોમનાથની જાત્રાએ જાય છે. રસ્તામાં તેમને કેટલાક ગરીબ યાત્રાળુઓ મળે છે, જેઓ પૈસા ન હોવાને કારણે સોમનાથનો યાત્રાવેરો ભરી શકતાં નથી અને દર્શન કર્યા વગર રોતાં કકળાતા પાછા ફરે છે. મીનળદેવીનું હ્રદય દ્રવી ઉઠે છે અને તેઓ પણ સોમનાથની યાત્રા કર્યા વગર પાછા ફરે છે. તેઓ જયસિંહને જણાવે છે કે જ્યાં સુધી રાજ્યની ગરીબ પ્રજા સોમનાથના દર્શન ન કરી શકે ત્યાં સુધી તેઓ અન્નજળનો ત્યાગ કરે છે. સિદ્ધરાજને આ વાતની ખબર પડતા તાત્કાલીક અસરથી સોમનાથનો યાત્રાવેરો નાબુદ કરે છે. આ લોકહીતના પગલાંને કારણે બન્નેની પ્રજામાં લોકપ્રિયતા વધે છે. મીનળદેવી સિદ્ધરાજની યશગાથાને પોતાની નજર સમક્ષ જોવે છે. સિદ્ધરાજના માળવા વિજય બાદ ખુબજ પાકટ વયે ઇ.સ. ૧૧૩૫માં તેમનું અવસાન થયું હતું.

સિદ્ધરાજ અને તેના મંત્રીઓફેરફાર કરો

સોલંકી સત્તને દ્રઢ કરવામાં તેનાં મંત્રીઓએ મહત્વનો ભાગ ભજવ્યો છે. વળી, સિદ્ધરાજની બાળાવસ્થા દરમિયાન રાજ્યવહીવટ તેના મંત્રીઓને હસ્તગત હતો. આથી સિદ્ધરાજે સત્તા પોતાના હાથમાં કેન્દ્રીત કરવા ઘણી મહેનત કરવી પડી છે. તેનો સહુ પ્રથમ મંત્રી હતો સાન્તુ, જેણે મીનળદેવીને રાજ્ય ચલાવવામાં દદ કરી હતી. સાન્તુએ માલવપતિ સાથે સંધી કરીને પાટણને બચાવ્યું હતું. જોકે સિદ્ધરાજ સાથે સમય જતાં તેના સંબંધો બગડ્યાં. સિદ્ધરાજ જયસિંહે સત્તા પોતાના હાથમાં લેતાં જ સાન્તુ નારાજ થઇને માલવપતો સાથે ભળવા નીકળી ગયો. પાછળાથી જયસિંહે તેમની માફી માંગી તેને પરત બોલાવ્યોં. પણ રસ્તામાં ઉદયપુર નજીક ઇ.સ. ૧૧૨૩માં તેનું અવસાન થયું. કેટલાક લોકોના મતે આ મૃત્યુ કુદરતી ન હતું અને જયસિંહે તેને મારી નંખાવ્યો હોય તેમ માને છે.

સિદ્ધરાજ જયસિંહના અન્ય મંત્રીઓમાં મુંજાલ મહેતાનો સમાવેશ થાય છે. તેને મહાઅમાત્યનું પદ મળ્યું હતું. માળવાવિજય પછી મુંજાલે જ જયસિંહને માલવપતિ યશોવર્માની હત્યા કરતાં રોક્યાં હતાં.

સાન્તુ પછી આસુક કે આશ્વક ઇ.સ. ૧૧૨૩માં મંત્રી બન્યો. તેના બાદ ગાગીલ મંત્રી બન્યો. એક વિશેષ નામ છે દાદકનું જે ઇ.સ. ૧૧૩૬ અને ઇ.સ. ૧૧૩૮માં મંત્રી બન્યો. તેણે જયસિંહને દરેક મહત્વના યુદ્ધમાં સાથ આપ્યો. આ ઉપરાંત અંબાપ્રસાદ અને કાક વગેરે તેના બ્રાહ્મણમંત્રીઓ હતાં. ખંભાતના સૂબા ઉદયન મહેતા તેમની જૈનધર્મ પ્રત્યેના પક્ષપાતને કારણે સિદ્ધરાજના રોષની અવગણનાનો ભોગ બન્યાં હતાં.

સિદ્ધરાજ અને તેના વારસદાર માટે સંઘર્ષફેરફાર કરો

જયસિંહ અપુત્ર હતો. તેની એક જ પુત્રી હતી, કાંચનદેવી કે જેનો વિવાહ અજમેરના ચાહમાન રાજવી સાથે થયો હતો. કાંચનદેવીના પુત્ર સોમેશ્વરને સિદ્ધરાજે પોતાના પુત્રવત પાટણમાં રાખ્યો હતો. પાછલી અવસ્થામાં પુત્ર ન હોવાને કારણે સિદ્ધરાજને અત્યંત વસવસો હતો. તેણે અનેક દાન, તીર્થ, યજ્ઞ વગેરે કર્યા, પણ તેને પુત્ર ન મળ્યો. પોતાના પરિવારના હરિફ શાખાના કુમારપાળને તે વારસદાર બનતાં રોકવા ઇચ્છતો હતો. આથી કુમારપાળને તેણે દેશનિકાલ કર્યો હતો. જોકે સિદ્ધરાજનાં મૃત્યુબાદ ઉભા થયેલાં ઝંઝાવટમાં કુમારપાળ સિદ્ધરાજ પછી ગાદીએ આવ્યો. ઇ.સ. ૧૧૪૩માં વિક્રમસંવત ૧૧૯૯ના કાર્તિક સુદ બીજના રોજ સિદ્ધરાજનું અવસાન થયું.

સિદ્ધરાજનું ચરિત્રહનનફેરફાર કરો

પાછળની અમુક દંતકથાઓમાં સિદ્ધરાજની ઘણી નીંદા કરવામાં આવી છે.[સંદર્ભ આપો] જસમા ઓડણની ગરબી જેવી રચનાઓમાં તેને કામી અને જુલમગાર દાખવ્યો છે તેમજ રાણકદેવીના કિસ્સામાં તેની ઘણી ટીકાઓ થઇ છે.[૨૦]

સંદર્ભફેરફાર કરો

 1. ૧.૦ ૧.૧ Sen, Sailendra Nath (૧૯૯૯). Ancient Indian History and Civilization (૨જી આવૃત્તિ). p. ૩૨૫. ISBN 9788122411980. Check date values in: |year= (મદદ)
 2. Majumdar, Ramesh Chandra (૧૯૭૭). Ancient India (૮મી આવૃત્તિ). p. ૩૩૩. ISBN 9788120804364. Check date values in: |year= (મદદ)
 3. 'પ્રબંધચિંતામણી ૫૫ - સિંધિ જૈન ગ્રંથમાળા' 'सं ११२० वर्षे पौष वद्य ३ शनौ श्रवणनक्षत्रे व्रुषलग्ने श्रीसिद्धराजस्य पट्टाभिषेकः।
 4. પીટરસન રિપોર્ટ ૫.૮૧ 'આદિનાથચરિત' (ઇસ ૧૧૬૦)
 5. Ward (1998). Gujarat–Daman–Diu: A Travel Guide (અંગ્રેજી માં). Orient Longman Limited. ISBN 9788125013839. Check date values in: |date= (મદદ)
 6. Desai, Shambhuprasad Harprasad (1968). Saurāshtr̥ano itihāsa. Soraṭha Śikshaṇa ane Saṃskr̥ti Saṅgha. Check date values in: |date= (મદદ)
 7. Decaluka, Nandalāla B. (1968). Saurāshṭranī asmitā. Yogeśa Eḍavarṭāījhīṅga Sarvīsa. Check date values in: |date= (મદદ)
 8. પ્રબંધચિંતામણી ૨૩
 9. હિસ્ટરી ઑફ રજપૂતાના, ગૌરીશંકર ઓઝા
 10. દ્રયાશ્રય ૧૪, ૭૨ : धाराप्रविष्टमथ कौलटिनेयबुद्वया द्राक्चाटकैरमिव तं चटकारिपक्षी। जग्राह मालवपति युधि नर्तितासि नाटेरकः सपुलकश्चुकुकप्रवीर :||
 11. પુરાતનપ્રબંધસંગ્રહ (સિંધિ જૌન ગ્રંથમાળા) ૩૫ : 'एहे टीलालेहिं धार न लीजइं करणपुत्र। जम जेहे प्रउचेहिं जोइइ जेसलु आवतउ।'
 12. દ્રયાશ્રય હેમચંદ્રાચાર્ય ૧૪, ૭૪
 13. અપિગ્રાફિયા ઇન્ડાનીકા ૧, ૨૪૯, શ્લોક ૧૧
 14. દ્રયાશ્રય ૧૫, ૧૧૫. હેમચંદ્રાચાર્ય
 15. કનૈયાલાલ મુનશી. ચક્રવર્તી ગુર્જરો. p. ૨૪૫.
 16. કુમારપાળચરિત્ર - હેમચંદ્રાચાર્ય
 17. એજન, ૧,૩,૧૨૦
 18. યશચંદ્ર, મુદ્રિતકુમુદચંદ્ર ૪૫
 19. જવામી ઉલ-હિકાયત - મુહમંદ અવફી
 20. સ્વામી સચ્ચિદાનંદ. કાન્હાડદે-પ્રબંધ સાર.