પાલનપુર

ભારતના ગુજરાત રાજ્યનું એક નગર

પાલનપુર એ એક શહેર અને બનાસકાંઠા જિલ્લામાં આવેલ નગરપાલિકા છે, જે ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ઉત્તર ભાગમાં આવેલું છે. પાલનપુર બનાસકાંઠા જિલ્લા અને પાલનપુર તાલુકાનું મુખ્ય મથક છે.

પાલનપુર
શહેર
કિર્તી સ્થંભ
પાલનપુર is located in ગુજરાત
પાલનપુર
પાલનપુર
ગુજરાતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ: 24°10′20″N 72°26′00″E / 24.17222°N 72.43333°E / 24.17222; 72.43333
દેશ ભારત
રાજ્યગુજરાત
જિલ્લોબનાસકાંઠા
સરકાર
 • માળખુંપાલનપુર નગરપાલિકા
વિસ્તાર
 • કુલ૩૯.૫૦ km2 (૧૫.૨૫ sq mi)
ઊંચાઇ
૨૦૯ m (૬૮૬ ft)
વસ્તી
 (૨૦૧૧)[]
 • કુલ૧૪૧૫૯૨
 • ક્રમ૨૨મો (ગુજરાત)
 • ગીચતા૩૬૦૦/km2 (૯૩૦૦/sq mi)
સમય વિસ્તારUTC+૫:૩૦ (IST)
પિનકોડ
૩૮૫ ૦૦૧
ટેલિફોન કોડ+૯૧ ૨૭૪૨
વાહન નોંધણીGJ-08

પાલનપુર પહેલાં પ્રહલાદન પાટણ કહેવાતું હોવાનું અને ચંદ્રાવતીના પરમાર વંશના ધારાવર્ષદેવ પરમારના ભાઇ પ્રહલાદનદેવ દ્વારા ઇ.સ. ૧૧૮૪ સ્થાપિત કરવામાં આવ્યું હોવાનું મનાય છે. તેની સ્થાપના વિક્રમ સંવતની સ્થાપના (ઇસ પૂર્વે ૫૭)ના ૨૦૦ વર્ષ પૂર્વે થઇ હોવાનું પણ મનાય છે. ત્યારબાદ ચૌદમી સદીમાં પાલનપુર પાલનશી ચૌહાણ દ્વારા ફરી વસાવાયું અને હાલનું નામ મેળવ્યું.[] બીજી વાયકા મુજબ તે પાલ પરમાર દ્વારા સ્થાપિત કરવામાં આવ્યું હતું, જેના ભાઇ જગદેવે નજીકનું જગાણા ગામ સ્થાપ્યું હતું.[]

પાલનપુર સૌપ્રથમ પરમાર વંશના પ્રહલાદન નામના રાજપૂત દ્વારા સ્થાપવામાં આવ્યું એવું મનાય છે. પાલનપુરનો વિસ્તાર તેમને તેમના ભાઇ દ્વારા, કે જેઓ અત્યારના માઉન્ટ આબુના શાસક હતા, વડે ભેટ આપવામાં આવ્યો હતો. પાલનપુર આ કારણે પ્રહલાદનપુર તરીકે જાણીતું હતું. જૈન ઇતિહાસમાં પણ પાલનપુરને પ્રહલાદનપુર તરીકે ઉલ્લેખવામાં આવ્યું છે. પાલનપુર પાછળથી બ્રિટિશ રાજનો ભાગ બન્યું.

એક સમયે આ શહેરની ફરતે મજબૂત કિલ્લે બંદી કરેલી હતી, તેને સાત દરવાજા હતા. આ દરવાજાઓમાં માત્ર મીરાં દરવાજો અત્યારે (હયાત) પૂર્ણ સ્વરૂપે જોવા મળે છે. માત્ર આ દરવાજાઓ દ્વારા જ આવાગમન શક્ય હતું.

સોલંકી વંશના શાસક સિદ્ધરાજ જયસિંહ નો જન્મ પાલનપુરમાં થયો હતો એવું મનાય છે.

પાલનપુરનું રજવાડું

ફેરફાર કરો
 
પાલનપુર રજવાડાનો ધ્વજ

અફઘાનોની લોહાની (હેતાણી અથવા બિહારી પઠાણ) જાતિના રજવાડાની પાલનપુર બેઠક (રાજધાની) હતી. તે રાજઘરાનાનો પૂર્વ ઇતિહાસ ઉપલબ્ધ નથી પણ, લગભગ ૧૬મી શતાબ્દી તેઓ ભારતમાં જ રહ્યાં છે. કહેવાય છે કે આ કુટુંબના મોભી મોગલ રાજા અકબરની અપર બહેનને પરણ્યા હતાં અને પાલનપુર તથા આસપાસનું ક્ષેત્ર દહેજમાં મેળવ્યું હતું. ઔરંગઝેબ પછીના અંધાધૂંધીના કાળમાં (૧૮મી શતાબ્દી) આ રજવાડું મહત્ત્વ પામ્યું. ત્યાર બાદ થોડાં જ સમયમાં તે રાજ્ય મરાઠાઓ દ્વારા સર કરી લેવાયું અને અન્ય પાડોશીની જેમ લોહાનીઓએ પણ ૧૮૧૭માં બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની તાબેદાર રાજવટ નીતિ સ્વીકારી.

આ રજવાડાનું ક્ષેત્ર ૧૭૬૬ ચો.કિમી. (૬૮૨ ચો.માઈલ) અને ૧૯૦૧માં વસ્તી ૨,૨૨,૬૨૭ હતી. પાલનપુર નગરની વસ્તી તે સમયે માત્ર ૮,૦૦૦ હતી. દર વર્ષે રાજ્યની રૂ. ૫૦,૦૦૦ની આવક હતી અને તે વડોદરાના ગાયકવાડ રાજાને રૂ ૨૫૬૪નું સાલિયાણું ભરતું. રાજપીપળા માલવાની રેલ્વે લાઈન પર તે મહત્વનું સ્થાનક હતું અને ડીસાની બ્રિટીશ છાવણીનો સમાવેશ કરતું. ઘઉં, ચોખા અને શેરડી તેનો મુખ્ય પાક હતો. સાબરમતી નદીના નીરથી આ રાજ્યની ઉત્તર તરફ (આજનું જેસોર અભયારણ્ય) ગીચ જંગલ હતાં પણ દક્ષિણે અને પૂર્વે ખડકાળ અને ખુલ્લા પ્રદેશ હતાં. અરવલ્લી પર્વતની કોર પર આવેલ હોવાથી તે રાજ્ય મહદ અંશે ખડકાળ હતું.

આ શહેર ફૂલોના બગીચાઓ માટે પણ પ્રખ્યાત હતું અને તેના અત્તરોની દેશ-વિદેશમાં ભારે માંગ રહેતી હતી.

પાલનપુર એજન્સી

ફેરફાર કરો
 
પાલનપુર એજન્સીનો નકશો

એક રાજનીતિ એજન્સીને પણ પાલનપુરે પોતાનું નામ આપ્યું હતું, જે આજના ગુજરાત અને રાજસ્થાનના સીમાકીય પ્રદેશના રજવાડાઓનું જૂથ હતું. તેમાં ૧૭ રજવાડાં હતાં જેઓ ૧૬,૫૫૮ ચો.કિમી (૬,૩૯૩ ચો માઈલ) વિસ્તારમાં પથરાયેલાં હતાં અને ૧૯૦૧ની વસ્તી ગણતરી પ્રમાણે તેની વસ્તી ૪,૬૭,૨૮૧ હતી.

પાલનપુર 24°10′N 72°26′E / 24.17°N 72.43°E / 24.17; 72.43 પર આવેલું છે.[] તેની સમુદ્ર સપાટીથી સરેરાશ ઉંચાઈ 252 metres (827 ft) છે. તે સૌરાષ્ટ્રના દ્વીપકલ્પ અને અરવલ્લીની વચ્ચેના નીચાણવાળા વિસ્તારમાં વસેલું છે અને અરવલ્લી પર્વતમાળાની શરૂઆત પાલનપુર નજીકથી થાય છે.[]

વાતાવરણ

ફેરફાર કરો

દરિયાકિનારાથી દૂર આવેલું હોવાથી પાલનપુરનું વાતાવરણ વિષમ રહે છે. અહીંનો ઉનાળો ગરમ પવનો અને મહત્તમ ૪૪ ડિગ્રી સેલ્સિયસ તાપમાન સાથેનો છે. શિયાળામાં જાન્યુઆરી માસમાં તાપમાન લઘુત્તમ ૪ ડિગ્રી સેલ્સિયસ જેટલું નીચું જાય છે. વાર્ષિક વરસાદ ૫૧૩ મિમી જેટલો છે.[]

બનાસકાંઠા જિલ્લાનું મુખ્ય મથક હોવાથી તે અન્ય શહેરો સાથે માર્ગ અને રેલ્વે દ્વારા સારી રીતે જોડાયેલ છે.

 
પાલનપુર રેલ્વે સ્ટેશન, ૧૯૫૨

રાજપૂતાના-માળવા રેલમાર્ગનો ફાંટો પાલનપુરથી આબુ ઇ.સ. ૧૮૭૯માં, ડીસા-પાલનપુરને જોડતો રેલ્વે માર્ગ ૧૮૯૩માં અને ડીસા-કંડલા રેલ્વે માર્ગ ૧૯૫૨માં શરૂ કરવામાં આવ્યો હતો.[]

પાલનપુર જંકશન રેલ્વે સ્ટેશન, જયપુર-અમદાવાદ લાઇન પર આવેલું છે, જે પશ્ચિમ રેલ્વે વિસ્તારમાં આવે છે. તે ચેન્નાઇ, થિરૂઅનંતપુરમ, મૈસુર, બેંગ્લોર, પુને, મુંબઈ, જયપુર, જોધપુર, દિલ્હ, દહેરાદૂન, મુઝફ્ફરનગર, બરૈલી અને જમ્મુ સાથે સીધી લાઇનમાં જોડાયેલ છે. તે ગુજરાતમાં મોટાભાગના શહેરો સાથે જોડાયેલ છે, જેમાં અમદાવાદ, સુરત, વડોદરા, ભુજ, રાજકોટ, જામનગર અને પોરબંદરનો સમાવેશા થાય છે. પાલનપુર અને સામખીયાળી વચ્ચેની બ્રોડગેજ લાઇનનો પ્રસ્તાવ સરકાર દ્વારા મંજૂર કરવામાં આવ્યો છે. આને કારણે કચ્છ, પાટણ અને બનાસકાંઠા જિલ્લાઓને લાભ થશે.

બિયાવરને રાધનપુરથી જોડતો રાષ્ટ્રીય ધોરીમાર્ગ ૧૪ ડીસા-પાલનપુર થઇને પસાર થાય છે, જે પાલી, શિરોહી અને આબુ રોડને પાલનપુર સાથે જોડે છે. રાજ્ય ધોરી માર્ગ SH ૭૧૨ અને SH ૧૩૨ પાલનપુર થઇને પસાર થાય છે પાલનપુરને નજીકના શહેરો સાથે જોડે છે. રાજ્યનો SH ૪૧ મહેસાણા અને અમદાવાદને જોડે છે.

હવાઇમાર્ગ

ફેરફાર કરો

સૌથી નજીકનું હવાઇ મથક ડીસા હવાઇ મથક છે, જે પાલનપુર રજવાડાં માટે બનાવવામાં આવેલું હતું.[] તે પાલનપુર થી ૨૬ કિમી દૂર આવેલું છે. નજીકનું આંતરરાષ્ટ્રીય હવાઇ મથક સરદાર પટેલ આંતરરાષ્ટ્રીય હવાઇ મથક, અમદાવાદ છે, જે પાલનપુર શહેરથી ૧૩૯ કિમી દૂર છે.

પાલનપુર શહેર અને પરાં વિસ્તારોની કુલ વસ્તી ૧,૪૧,૫૯૨ છે. આ વિસ્તાર પાલનપુર શહેર અને લક્ષ્મીપુરા પરાંનો સમાવેશ કરે છે.[]

કુલ વસ્તી (૨૦૧૧) પુરુષો
સ્ત્રીઓ
બાળકો
(૬ વર્ષથી નાના)
સાક્ષરતા દર
%
પુરુષ સાક્ષરતા
%
સ્ત્રી સાક્ષરતા
%
૧,૪૧,૫૯૨ ૭૪૦૮૮ ૬૭૫૦૪ ૧૪૫૦૮ ૮૪.૪૬ ૯૧.૮૧ ૭૬.૪૭
પાલનપુરની વસ્તી વૃદ્ધિ 
વસતી ગણતરીવસ્તી
૧૯૪૧૨૦,૩૦૦
૧૯૫૧૨૨,૬૦૦11.3%
૧૯૬૧૨૯,૧૦૦28.8%
૧૯૮૧૬૧,૩૦૦
૧૯૯૧૯૦,૩૦૦47.3%
૨૦૦૧૧,૨૨,૩૦૦35.4%
૨૦૧૧૧,૪૧,૫૯૨15.8%
સ્ત્રોત:[]

સ્થાનિક લાક્ષણિકતાઓ

ફેરફાર કરો

જોવાલાયક સ્થળો

ફેરફાર કરો
 
જોરાવર પેલેસ, ૧૯૩૬
 
મીરાં દરવાજો, શહેરના કોટ દરવાજાઓમાંથી બાકી રહેલો એક માત્ર દરવાજો

૧૭૫૦માં (સંવત ૧૮૦૬)માં બહાદુર ખાને શહેરની ફરતે દિવાલ "નગરકોટ" બંધાવી હતી. તે ૩ માઇલ પરિઘ ધરાવતી હતી તેમજ સાત દરવાજાઓ સાથે ૧૭ થી ૨૦ ફીટ ઉંચી અને ૬ ફીટ પહોળી હતી. ખૂણાઓ પર શસ્ત્રો સાથેના ગોળાકાર મિનારાઓ હતા. આ દિવાલને સાત દરવાજાઓ, દિલ્હી દરવાજો, ગઠામણ દરવાજો, માલણ દરવાજો, વીરબાઇ દરવાજો, સલેમપુરા દરવાજો, સદરપુર અથવા શિમલા દરવાજો ‍(નવો દરવાજો) અને કમાલપુરા દરવાજો હતા. માત્ર મીરાં દરવાજો હજી સુધી હયાત છે.[]

શેર મહંમદ ખાને ૧૯૧૦માં રાજા જ્યોર્જ પાંચમાંના દિલ્હી દરબારમાં હાજરી આપી હતી અને તેમણે જ્યોર્જ પાંચમાંના નામ પરથી ૧૯૧૩માં ક્લબ બંધાવી. ૧૯૧૮માં તેમના પછીના શાસક તાલે મહંમદ ખાને રેલ્વે સ્ટેશનની નજીક કીર્તિ સ્તંભ બંધાવ્યો. જે ૨૨ મીટર ઊંચો છે. આ મિનારામાં તેમના પિતાની કિર્તી અને પાલનપુર અને તેમના વંશના ઈતિહાસનું વર્ણન છે. તેમણે ૧૯૨૨ થી ૧૯૩૬ની વચ્ચે બાલારામ પેલેસ પણ બંધાવ્યો અને પછી જોરાવર પેલેસ બંધાવ્યો (જે હાલમાં કોર્ટ તરીકે વપરાય છે). તેમણે જહાંનારા બાગ (હાલમાં શશિવન) બંધાવ્યો, જે તેમના ઓસ્ટ્રેલિયાના વેપારીની દિકરી સાથેના બીજાં લગ્નની ઉજવણીમાં બાંધવામાં આવ્યો હતો.

જૂના બજારો જેવાકે નાની બજાર, મોટી બજાર અને ઢાળવાસ છે. ચમન બાગ અને શશીવન શહેરમાં આવેલા મુખ્ય બગીચાઓ છે. જાલોરી શાસક મલિક મુઝાહિદ ખાને તેની રાણી માનબાઇ જાડેજાની યાદમાં ૧૬૨૮માં માનસરોવર બંધાવ્યું હતું.

જેસોર રીંછ અભયારણ્ય કે જે આળસુ રીંછ સહિત લુપ્ત થવાને આરે ઊભેલી અન્ય પ્રજાતિઓ જેમકે દીપડો, સુવર (જંગલી બોઅર), શાહૂડી (પોર્ક્યુપાઈન) આદિનું આશ્રય સ્થાન છે. તે ૧૮૦ ચોરસ કિ.મી. માં ફેલાયેલ છે અને પાલનપુરથી ૪૫ કિમી દૂર છે.

પાલનપુરમાં ઘણાં હિંદુ અને જૈન મંદિરો છે.

સોલંકી વંશના શાસક સિદ્ધરાજ જયસિંહની માતા મિનળદેવીએ શિવને સમર્પિત પાતાળેશ્વર મંદિર બંધાવ્યું હતું. બીજા મંદિરોમાં લક્ષ્મણ ટેકરી મંદિર, મોટા રામજી મંદિર, અંબાજી માતા મંદિરનો સમાવેશ થાય છે.

મુખ્ય જૈન મંદિરોમાં મોટું દેરાસર અને નાનું દેરાસર છે. પલ્લવિયા પાર્શ્વનાથ મંદિર, જે મોટા દેરાસર તરીકે ઓળખાય છે, તે રાજા પ્રહલાદ દ્વારા બંધાવવામાં આવ્યું હતું.[] આ દેરાસર પાર્શ્વનાથને સમર્પિત છે.

બાલારામ મહાદેવનું પ્રસિદ્ધ મંદિર પાલનપુરથી ૨૦ કિમી દૂર આવેલું છે. અંબાજીનું પ્રખ્યાત મંદિર અહીંથી ૫૦ કિમી દૂર છે.

પ્રખ્યાત વ્યક્તિઓ

ફેરફાર કરો

પાલનપુર હીરાના ઉધોગમાંના મોટાભાગના લોકોની જન્મભૂમિ પણ છે. ભારતની આધુનિક હીરા તરાશની ઉધોગની સ્થાપના પાલનપુરી જૈન કુટુંબોએ કરી, જેમણે ૧૯૦૯માં પોતાના ગામડાને ગરીબીમાંથી ઉગારવા આ ઉધોગ પસંદ કર્યો. અંતરીયાળ વિસ્તારમાં આવેલ હોવાથી પાછળથી તેમણે પોતાનો ધંધો મુંબઈ અને પછી સુરતમાં વિકસાવ્યો. તેમ છતાં આજે પણ તેઓ માતૃભૂમિ સાથે નજીકથી જોડાયેલા છે. આજે પણ ભારતીય હીરા ઉધોગ જે મોટે ભાગે આભૂષણો માટે હીરા તરાશે છે, તેમાં પાલનપુરી જૈનોની બહુમતી છે. ભારત અને એન્ટવર્પની મોટાભાગની હીરા ઉધોગની માલિકી પાલનપુર મૂળવતન ધરાવતાં લોકો પાસે છે.[સંદર્ભ આપો]

  • હીરવિજયસૂરી - જૈન શ્વેતાંબર પરંપરાના તપ ગચ્છ સમુદાયના સર્વોચ્ચ ધર્મગુરુ.
  • ભરત શાહ - બોલીવુડ ફિલ્મ નિર્માતા.
  • બી. કે. ગઢવી - કોંગ્રેસ પક્ષના પૂર્વ સચિવ, ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ અને રાજ્ય કક્ષાના માજી નાણાંમંત્રી, ભારત સરકાર.
  • કાલિદાસ નરશીદાસ કર્ણાવત - કર્ણાવત સ્કૂલ, કર્ણાવત છાત્રાલય, બ.કા.મર્કે.કો.ઓપ. બેંક તથા બ્રહ્મપુરી આશ્રમ જેવી સંસ્થાઓની સ્થાપના.
  • પ્રણવ મિસ્ત્રી - સંશોધક.
  • સૈયદ બંધુઓ - ફોટોગ્રાફી.

સાહિત્યકારો

ફેરફાર કરો

પાલનપુરમાં અનેક નામી સાહિત્યકારો થઇ ગયા છે.

પાલનપુર તાલુકો

ફેરફાર કરો

પાલનપુર શહેર પાલનપુર તાલુકાનું મુખ્ય મથક છે. આ તાલુકામાં આશરે ૧૧૦ જેટલાં ગામોનો સમાવેશ થાય છે.

આ પણ જુઓ

ફેરફાર કરો
  1. "Cities, Towns and Outgrowth Wards". Citypopulation.de. મેળવેલ 27 August 2020.
  2. ૨.૦ ૨.૧ "Palanpur Metropolitan Urban Region Population 2011 Census". www.census2011.co.in. મેળવેલ ૧૨ એપ્રિલ ૨૦૧૭.
  3. ૩.૦ ૩.૧ ૩.૨ ૩.૩ શિવપ્રસાદ રાજગોર (૧૯૯૯). ગુજરાતી વિશ્વકોશ. ૧૧ (૧ આવૃત્તિ). અમદાવાદ: ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ. પૃષ્ઠ ૨૮૧.
  4. Gazetteer of the Bombay Presidency: Cutch, Palanpur, and Mahi Kantha. Government Central Press. 1880. પૃષ્ઠ ૩૧૮-૩૨૪.
  5. "Maps, Weather, and Airports for Palanpur, India". www.fallingrain.com (અંગ્રેજીમાં). મેળવેલ ૧૨ એપ્રિલ ૨૦૧૭.
  6. "Helipad in every taluka headquaters [sic]". The Times of India. ૨૮ ડિસેમ્બર ૨૦૧૧. મૂળ માંથી 2013-05-24 પર સંગ્રહિત. મેળવેલ ૨૩ જાન્યુઆરી ૨૦૧૨.
  7. "Historical Census of India". મૂળ માંથી 2013-02-17 પર સંગ્રહિત. મેળવેલ 2016-03-25.
  8. "રાત્રે તોપ ફૂટતી અને દરવાજા બંધ થતા". ૧૦ ઓગસ્ટ ૨૦૧૫. મેળવેલ ૨૨ નવેમ્બર ૨૦૧૬.
  9. "બનાસકાંઠા જીલ્લા પંચાયત | જીલ્લા વિષે | જોવાલાયક સ્થળો | શ્રી પલ્લવીયા પાર્શ્વનાથ જૈન મોટા દેરાસર". banaskanthadp.gujarat.gov.in. મૂળ માંથી 2011-08-31 પર સંગ્રહિત. મેળવેલ ૧૨ એપ્રિલ ૨૦૧૭.

બાહ્ય કડીઓ

ફેરફાર કરો