કર્ણદેવ સોલંકી અથવા કર્ણદેવ પહેલો (ઈ.સ. ૧૦૬૪-૧૦૯૨) સોલંકી વંશના રાજા હતા. તે ભીમદેવ પ્રથમ અને રાણી ઉદયમતીના પુત્ર હતા.[] તેમણે વર્તમાન ગુજરાત અને તેની આસપાસના વિસ્તારો પર રાજ કર્યું હતું, તેમની રાજધાની અણહિલવાડ પાટણ હતી.

કર્ણદેવ સોલંકી
કર્ણદેવ પહેલો
શાસનઈસ c. ૧૦૬૪ – c. ૧૦૯૪
રાજ્યાભિષેકઇસ ૧૦૬૪
પુરોગામીભીમદેવ સોલંકી
અનુગામીસિદ્ધરાજ જયસિંહ
જન્મઈસ ?
મૃત્યુઇસ ૧૦૯૪
પત્નીમીનળદેવી
વંશજસિદ્ધરાજ જયસિંહ
વંશસોલંકી વંશ
પિતાભીમદેવ સોલંકી
માતાઉદયમતી

કર્ણદેવ તેના પિતા ભીમદેવ પ્રથમના સ્થાને રાજગાદી પર આવ્યા હતા, જેમણે ભોજના મૃત્યુ સમયે માલવા રાજ્ય પર હુમલો કર્યો હતો. કર્ણદેવને ભોજના ભાઈ ઉદયાદિત્યએ માલવાથી પીછેહઠ કરવાની ફરજ પાડી હતી. તેમણે ત્રિપુરીના કાલચુરીઓને હરાવીને લાટ પ્રદેશને ચૌલુક્ય પ્રદેશ સાથે ભેળવી દીધો, પરંતુ થોડાં જ વર્ષોમાં તેઓ આ પ્રદેશ ગુમાવી બેઠા હતા. કર્ણદેવે નદુલાના ચાહમાન સામે પણ હારનો સામનો કરવો પડ્યો હતો, જેમણે તેમના શાસનકાળ દરમિયાન ચૌલુક્યની રાજધાની પર હુમલો કર્યો હતો.

તેમણે કલ્યાણીના રાજા સોમેશ્વર સાથે મિત્રતા બાંધી હતી. તેણે ૧૦૭૫ સુધીમાં તેનું સામ્રાજ્ય ખાસ્સું વિસ્તાર્યું હતું. તેના રાજ્યની સીમાઓ દક્ષિણ દિશામાં કોંકણ અને ઉત્તર દિશામાં નાદુલ સુધી વિસ્તરી હતી. તેના લગ્ન મોટી વયે કાદમ્બના (વર્તમાન કર્ણાટક-ગોવા પ્રદેશના) રાજા જયકેશીની પુત્રી મયનલ્લા (મીનળદેવી) સાથે થયા હતા. આશાપલ્લીના ભીલ વડાને હરાવવાનો અને પશ્ચિમ ભારતમાં આધુનિક અમદાવાદ તરીકે ઓળખાતા કર્ણાવતી શહેરનો પાયો નાખવાનો શ્રેય કર્ણદેવને જાય છે. ઈ.સ. ૧૦૯૪માં દુશશાલ ચૌહાણે, કર્ણદેવને યુધ્ધમાં હરાવી તેની હત્યા કરી.

કર્ણદેવ પછી તેમનો પુત્ર સિદ્ધરાજ જયસિંહ ગાદી પર આવ્યો હતો.

નકશો
કર્ણદેવ સોલંકીના શાસન કાળ દરમિયાન કોતરાવેલા શિલાલેખો[]

પ્રારંભિક જીવન

ફેરફાર કરો

કર્ણદેવનો જન્મ ચૌલુક્ય રાજા ભીમદેવ પ્રથમ અને રાણી ઉદયમતીને ત્યાં થયો હતો. ૧૨મી સદીના જૈન ઇતિહાસકાર હેમચંદ્રના જણાવ્યા મુજબ, ભીમદેવ-ઉદયામતીને ત્રણ પુત્રો હતા : મૂળરાજ, ક્ષેમરાજ અને કર્ણદેવ. ભીમદેવના જીવનકાળ દરમિયાન મૂળરાજ મૃત્યુ પામ્યા[] અને ક્ષેમરાજે સિંહાસન નકારી કાઢ્યું. ક્ષેમરાજને રાજકીય ખટપટો પસંદ ન હતી. આથી, તેમણે ગાદી સંભાળવાની જવાબદારી કર્ણદેવને સોંપી દીધી અને પોતે દધિસ્થલીમાં સાધુ જીવન વીતાવ્યું હતું.[] પરિણામે કર્ણદેવ ભીમદેવના અનુગામી બન્યા.[] ઈ.સ. ૧૦૬૪ માં કર્ણદેવનો રાજ્યાભિષેક કરાયો. રાજા બન્યા પછી કર્ણદેવે ક્ષેમરાજના પુત્ર દેવપ્રસાદને પોતાના પિતાની સંભાળ લેવા માટે દેહસ્થલી મોકલ્યો.[]

હેમચંદ્રની સત્યતા શંકાસ્પદ છે અને કોઈ ઐતિહાસિક પુરાવા દ્વારા તેની પુષ્ટિ કરવામાં આવતી નથી. ૧૪મી સદીના ઇતિહાસકાર મેરુતુંગા જણાવે છે કે ભીમદેવના ત્રણ પુત્રો મુલરાજ, કર્ણદેવ અને હરિપાલ હતા. તેમાંથી હરિપાલનો જન્મ બકુલાદેવી નામની ઉપપત્નીથી થયો હતો. ઇતિહાસકાર એ. કે. મજુમદારના જણાવ્યા અનુસાર, મેરુતુંગાનું વર્ણન વધુ સંતોષકારક લાગે છે, કારણ કે સિંહાસનના સ્વૈચ્છિક અસ્વીકારો ખૂબ જ દુર્લભ હતા. કર્ણદેવે પોતાના સાવકા ભાઈ અને ભત્રીજાને સિંહાસન પર કોઈ પણ પ્રતિસ્પર્ધી દાવેદારોને ખતમ કરવા માટે કાઢી મૂક્યા હશે. હેમચંદ્ર કર્ણદેવના પુત્ર સિદ્ધરાજ જયસિંહ તેમજ કુમારપાળના (ક્ષેમરાજા/હરિપાલના વંશજ) રાજવી દરબારી હતા. તેથી, ભીમદેવના ગેરકાયદેસર પુત્રનો પોતાના આશ્રયદાતાના પૂર્વજ તરીકે ઉલ્લેખ ન કરવા માટે તેમણે કદાચ એક કાલ્પનિક વર્ણનની શોધ કરી હશે. આ સિદ્ધાંતએ એ હકીકતની પુષ્ટિ કરી છે કે સિદ્ધરાજ જયસિંહ કુમારપાળને ધિક્કારતા હતા.[]

કર્ણદેવને ત્રૈલોક્યમલ્લ નું બિરુદ મળ્યું હતું.[]

અંગત જીવન

ફેરફાર કરો

કર્ણદેવે ગોવાના કદંબા વંશના રાજા જયકેશી પ્રથમ (ઈ.સ. ૧૦૫૦-૧૦૮૦)ની પુત્રી મયનલ્લા સાથે લગ્ન કર્યા હતા. આ લગ્ન કેવી રીતે થયા તેના વિરોધાભાસી વર્ણનો વિવિધ દંતકથાઓ પૂરા પાડે છે. હેમચંદ્રના ૧૨મી સદીના વૈયશ્રાય મુજબ મયનલ્લા અત્યંત સુંદર કદંબા રાજકુમારી હતાં. એક વાર તેમણે એક બૌદ્ધ કલાકાર દ્વારા કર્ણદેવનું ચિત્ર જોયું હતું. કર્ણદેવના દેખાવથી પ્રભાવિત થઈને તેણે બીજા બધા દાવેદારોને નકારી કાઢ્યા અને તેમની સાથે લગ્ન કરવાનો સંકલ્પ કર્યો. પિતા જયકેશીની મંજૂરીથી તેમણે એક કલાકારને કર્ણદેવના દરબારમાં પોતાની છબી સાથે મોકલ્યો. કદંબાના રાજાએ કર્ણદેવ માટે ભેટ-સોગાતો પણ મોકલી હતી, જેમાં હાથીનો પણ સમાવેશ થાય છે. કર્ણદેવ જ્યારે બગીચામાં પ્રતિભાશાળી હાથીને જોવા ગયા ત્યારે તેમણે જોયું કે રાજકુમારી તેમની રાહ જોઈ રહી હતી. તેમણે કેટલાક પ્રશ્નો પૂછીને તેની ઓળખની ખરાઈ કરી અને પછી તેની સાથે લગ્ન કર્યા.[]

મેરુતુંગાના ૧૪મી સદીના પ્રબંધ-ચિંતામણી મુજબ, મયનલ્લાદેવી કર્નાટ રાજ્યની કદરૂપી રાજકુમારી હતા. એક દિવસ તેમને પોતાના ભૂતકાળની જિંદગી યાદ આવી ગઈ. એ ભૂતકાળના જીવનમાં તેઓ એક શૈવ ભક્ત હતાં, જેમણે ગુજરાતના સોમનાથ મંદિરની મુલાકાત લેવાની યોજના બનાવી હતી. જોકે, ગુજરાતના શાસકો દ્વારા લાદવામાં આવેલા તીર્થયાત્રી વેરો ચૂકવવામાં અસમર્થ હોવાને કારણે તેમને બહુલોદા ખાતે રોકવામાં આવ્યા હતા. જ્યારે મયનલ્લાએ પોતાના ભૂતકાળના જીવનની આ ઘટનાને યાદ કરી ત્યારે તેમણે ગુજરાતના રાજા સાથે લગ્ન કરવાનું અને આ અન્યાયી વેરો માફ કરવાનું નક્કી કર્યું. તેમના આગ્રહથી તેમના પિતા જયકેશીએ કર્ણદેવને લગ્નનો પ્રસ્તાવ મોકલ્યો, પરંતુ કર્ણદેવે કદરૂપી રાજકુમારીને નકારી કાઢ્યા. ત્યારબાદ મયનલ્લા તેમની આઠ મહિલા સાથીઓ સાથે કર્ણદેવના દરબારમાં આવ્યાં અને આત્મહત્યા કરવાની ધમકી આપી. કર્ણદેવે હજુ પણ તેમની સાથે લગ્ન કરવાની ના પાડી દીધી હતી, પરંતુ તેમના મૃત્યુના સાક્ષી ન બની જતાં કર્ણદેવની માતા ઉદયમતીએ જાહેર કર્યું કે તે છોકરીઓ સાથે મૃત્યુ પામશે. પરિણામે કર્ણદેવને પીછેહઠ કરવી પડી. તેમણે મયનલ્લા સાથે લગ્ન કર્યા, પરંતુ તેની અવગણના કરતા રહ્યા. છેવટે તે એક મંત્રીની મદદથી કર્ણદેવને જીતી શક્યા.[] બાદમાં તેમણે તેમના પુત્ર સિદ્ધરાજ જયસિંહને યાત્રીકર માફ કરવા સમજાવ્યા. અન્ય એક ઇતિહાસકાર દ્વારા પણ તેની પુષ્ટિ કરવામાં આવે છે.[]

કાશ્મીરી કવિ બિલ્હાના પણ આ ઘટનાનો સંકેત આપે છે. તેઓ થોડાક સમય કર્ણદેવના દરબારમાં રહ્યા હતા અને કાવ્યાત્મક નાટક કર્ણ-સુંદરીની રચના કરી હતી, જે કર્ણદેવને નાયક તરીકે રજૂ કરે છે. આ કૃતિ અનુસાર, કર્ણદેવે રાજકુમારીનું સ્વપ્ન જોયું (જેને કર્ણસુંદરી કહેવામાં આવે છે, અથવા "કર્ણની સુંદર સ્ત્રી" તરીકે ઓળખાય છે), અને તેણે તેની સાથે લગ્ન કરવાનું નક્કી કર્યું. તેની ઈર્ષાળુ રાણીએ કર્ણસુંદરીનો પોષાક પહેરેલા પુરુષ સાથે લગ્ન કરવાનો પ્રયત્ન કર્યો. જોકે, કર્ણદેવના ચતુર મંત્રીએ પુરુષને અસલી કર્ણસુંદરી સાથે બદલીને તેની યોજનાને નિષ્ફળ બનાવી દીધી.[૧૦] બિલ્હાના કર્ણદેવના સમકાલીન હોવા છતાં તેમનું વર્ણન ઓછું સચોટ છે, કારણ કે તેમનો હેતુ નાટક બનવાનો હતો.[૧૧] આમ છતાં, તેમનું વર્ણન આ લગ્નની તારીખનો અંદાજ લગાવવામાં મદદરૂપ થાય છે. બિલ્હાના કદાચ ૧૦૭૨થી ૧૦૭૮ની વચ્ચે કર્ણદેવના દરબારમાંથી ચાલ્યા ગયા હશે. કર્ણસુંદરી મયનલ્લા જ હશે એમ માનીએ તો કર્ણદેવના લગ્ન થોડા સમય પહેલાં જ થયા હશે.[૧૨]

મયનલ્લા સુંદર (હેમચંદ્ર અને બિલ્હાનાના દાવા મુજબ) હતા કે કદરૂપા (મેરુતુંગાના દાવા મુજબ) તે નક્કી કરવું મુશ્કેલ છે. હેમચંદ્ર અને બિલ્હાના બંનેએ ચૌલુક્ય રાજાઓના આધિપત્ય હેઠળ લખ્યું હતું, તેથી તેમને કર્ણદેવની રાણીને હકારાત્મક રીતે રજૂ કરવામાં રસ હતો. મેરુતુંગા આવા કોઈ દબાણ હેઠળ નહોતા, પરંતુ તેમનું વર્ણન કાલ્પનિક અને ઐતિહાસિક ભૂલોથી ભરેલું છે. ઉદાહરણ તરીકે, તેઓ દાવો કરે છે કે જયકેશીના પિતા શુભકેશી હતા. (હકીકતમાં તે શષ્ઠી દ્વિતીય હતા)[૧૨]

ધર્મ અને સ્થાપત્ય

ફેરફાર કરો

તેમના પુરોગામીઓની જેમ કર્ણદેવ પણ શૈવ મત ધરાવતા હતા અને તેમણે ત્રણ મંદિરોનું નિર્માણ કર્યું હોવાનું કહેવાય છે. ૧૪મી સદીના ઇતિહાસકાર મેરુતુંગાના જણાવ્યા અનુસાર, તેમણે ભીલ વડા આશાને હરાવીને આશાપલ્લીમાં દેવી કોચરબાને સમર્પિત એક મંદિર નું નિર્માણ કર્યું હતું. તેમણે નજીકમાં કર્ણાવતી શહેરની પણ સ્થાપના કરી હતી, જ્યાં તેમણે કર્ણેશ્વર અને જયંતીદેવી મંદિરો શરૂ કરાવ્યા હતા. તેમણે મોઢેરા અને કર્ણાવતીમાં કર્ણસાગર તળાવ પણ બનાવ્યા હતા. પોતાની રાજધાની અણહિલાવાડ પાટણ (હવે પાટણ)માં તેમણે કર્ણમેરુ મંદિરનું નિર્માણ કરાવ્યું હતુ.[૧૩] તેમણે ભાદરવા (ભદ્રેશ્વર)માં એક વાવનું નિર્માણ કરાવ્યું હતું. હેમચંદ્રના મત અનુસાર, કર્ણદેવે દેવી લક્ષ્મીના મંદિરનું સમારકામ કરાવ્યું હોવાથી દેવી લક્ષ્મીના આશીર્વાદને કારણે સિદ્ધરાજ જયસિંહ નો જન્મ થયો હતો.[૧૪] તેમના મંત્રી શાંતુએ કર્ણાવતી, પાટણ, વનકા અને નિહાલા ખાતે શાંતુ વસ્તિકાનું નિર્માણ કર્યું હતું. તેમના અન્ય એક મંત્રી મુંજાલે ઈ.સ. પૂર્વે ૧૯૦૦ પહેલાં પાટણમાં મુંજાલ વસ્તિકાનું નિર્માણ કરાવ્યું હતું. સલિગા જિનાલય અથવા સાગલ વસ્તિકાનું નિર્માણ ઈ.સ. પૂર્વે ૧૦૯૪ પહેલાં ખંભાતમાં કરવામાં આવ્યું હતું. આમાંથી કોઈ પણ મંદિર ટકી શક્યું નથી. ભક્તમારા-સ્ત્રોત-વૃતી મુજબ શ્રેષ્ઠી ચણકે પાટણમાં આદિનાથ મંદિરનું નિર્માણ કર્યું હતું. મંત્રી ધવલશાહ, (વિમલશાહના ભત્રીજા) એ રેવંતાપ્રસાદનું નિર્માણ કરાવ્યું હતું.[૧૫]

સ્થાપત્ય શૈલીના વિવેચનાત્મક વિશ્લેષણના આધારે મોઢેરા સૂર્ય મંદિરના રંગમંડપ અને તોરણની રચના કર્ણદેવના શાસનના પ્રારંભિક વર્ષોમાં કરવામાં આવી હશે. આ સમયગાળા દરમિયાન બાંધવામાં આવેલા મંદિરોમાં ખેડબ્રહ્મામાં બ્રહ્મા મંદિર, ડેલમલ ખાતે લિંબોજી માતાનું મંદિર, સુણકમાં નિલકંઠ મહાદેવ મંદિર, ગંજા ખાતે તળાવના કિનારે આવેલું વિષ્ણુ મંદિર, મહેસાણાના ખેડામાં દુર્ગેશ્વર મહાદેવ મંદિરનો સમાવેશ થાય છે. કુંભરિયામાં મંદિરોના સમૂહનું શાંતિનાથ જૈન મંદિર આ સમયગાળાનું છે. પાવાગઢનું લકુલિશ મંદિર આ સમયગાળાની સ્થાપત્યશૈલી દર્શાવે છે.[૧૫]

સાહિત્યમાં

ફેરફાર કરો

કર્ણદેવ, મીનળદેવી અને સિદ્ધરાજનું ચિત્રણ કનૈયાલાલ મુનશીની લોકપ્રિય નવલકથા પાટણની પ્રભુતામાં કરાયું છે.

  1. Ahmedabad A Comprehensive Guide. પૃષ્ઠ ૧૫. મૂળ માંથી 2016-03-07 પર સંગ્રહિત. મેળવેલ ૪ માર્ચ ૨૦૧૬. CS1 maint: discouraged parameter (link)
  2. Asoke Kumar Majumdar 1956, pp. 498-499.
  3. ૩.૦ ૩.૧ ૩.૨ Asoke Kumar Majumdar 1956, p. 56.
  4. Asoke Kumar Majumdar 1956, p. 89.
  5. Asoke Kumar Majumdar 1956, pp. 55-56.
  6. Dasharatha Sharma 1959, p. 128.
  7. Asoke Kumar Majumdar 1956, p. 61.
  8. Asoke Kumar Majumdar 1956, pp. 61-62.
  9. Asoke Kumar Majumdar 1956, p. 64.
  10. Asoke Kumar Majumdar 1956, p. 60.
  11. Asoke Kumar Majumdar 1956, p. 62.
  12. ૧૨.૦ ૧૨.૧ Asoke Kumar Majumdar 1956, p. 63.
  13. Asoke Kumar Majumdar 1956, p. 65.
  14. Asoke Kumar Majumdar 1956, p. 67.
  15. ૧૫.૦ ૧૫.૧ Dhaky, Madhusudan A. (1961). Deva, Krishna (સંપાદક). "The Chronology of the Solanki Temples of Gujarat". Journal of the Madhya Pradesh Itihas Parishad. Bhopal: Madhya Pradesh Itihas Parishad. 3: 37–42, 76–77.

પુસ્તક સૂચિ

ફેરફાર કરો