ગુજરાતના લોકમેળાઓ સમગ્ર લોક સમુદાયને માટે એક સવિશેષ મહત્ત્વ ધરાવે છે.[] ગુજરાતમાં કારતક માસથી પ્રારંભ કરીને આસો માસ દરમિયાન ક્યાંકને ક્યાંક મેળા યોજાય છે.[] એક અંદાજ મુજબ ગુજરાતમાં વર્ષ દરમિયાન ૧૫૨૧ જેટલા મેળા વિવિધ સ્થળે યોજાય છે. જેમાં સૌથી વધુ ૧૫૯ મેળા સુરત જિલ્લામાં જ્યારે સૌથી ઓછા ૦૭ ડાંગ જિલ્લામાં યોજાય છે. ગુજરાતમાં ૨૮૦ જેટલા આદિવાસીઓના મેળા યોજાય છે, જેમાં સૌથી વધુ ૮૯ પંચમહાલ જિલ્લામાં યોજાય છે.

ભગવદ્ગોમંડલમાં લોક શબ્દનો અર્થ લોક-(પું) કોમ, જાતિ, દુનિયા, પ્રજા, રૈયત, સમાજ, જનતા બતાવ્યો છે.[]

મેળો એટલે મેળાપ, મેળાવડો, જ્યાં જનસમૂહ એકઠો થાય છે. ભગવદ્ગોમંડલમાં મેળો એટલે અંત ઘડીએ છેલ્લો મેળાપ થવો તે, મેળો એટલે મેળાપ-મુલાકાત, એક બીજા ને મળવા ભેગા થયેલા માણસોનો સમૂહ, મંડળ કે ટોળું, સભા, જલસો, મેળાવડો, નક્કી તારીખે અને મુકરર કરેલ સ્થળે ભરાતું વિવિધ વસ્તુઓનું ગંજાવર બજાર.

બ્રિટાનિકા એન્સાયકલોપિડિયા મેળાનો અર્થ "કલા, વિજ્ઞાન અથવા ઉદ્યોગ ક્ષેત્રે પ્રજાનો રસ વધારવા માટે ઉત્પાદકોને પ્રોત્સાહિત કરવા માટે, વેપારના વિસ્તાર માટે અથવા એક કે વધુ ઉત્પાદન પ્રવૃત્તિઓની પ્રગતિ આયોજિત સુવ્યવસ્થિત રજૂઆત" કરે છે.[]

મેળાનો ઉદ્ભવ

ફેરફાર કરો

સૌપ્રથમ મેળો ક્યાં ભરાયો તેની કોઈ સચોટ માહિતી ઉપલબ્ધ નથી પણ મેળાનો ઉલ્લેખ પ્રાચીનકાળનાં બે મહાકાવ્યો રામાયણ અને મહાભારતમાં જોવા મળે છે સામાન્ય રીતે મેળાઓ નદી કિનારે, પર્વતીય પ્રદેશ, વનવિસ્તાર કે ધાર્મિક સ્થળોએ લોકો ભેગા મળી પ્રસંગની ઉજવણી કરતા કે એક સ્થળથી જીવનજરૂરી ચીજવસ્તુઓ ખરીદતા અથવા એકબીજાને મળી શકતા હતા.[][]

ગુજરાતની સાંસ્કૃતિક એકતાના મૂળ લોક ઉત્સવો અને લોકમેળામાં પડેલા છે. દરેક મેળાનું સ્વરૂપ અને તેમની પ્રવૃત્તિઓ જુદી જુદી હોય છે. આપણા પૂર્વજોનો મૂળ ઉદ્દેશ્ય આપણી સંસ્કૃતિનું જતન કરવાનો હોવાથી મેળાઓની શરૂઆત થઈ હશે તેમ અનુમાન કરી શકાય.[]

ગુજરાતમાં યોજાતા લોકમેળાઓ મહદઅંશે ધાર્મિક તહેવારો પ્રસંગો કે માન્યતાઓના અનુસંધાનમાં યોજાય છે.[] ભગવાન શંકર, રામ,કૃષ્ણ, હનુમાન, તથા અંબાજી, બહુચરાજી, સીતા માતા, ખોડીયાર માતા જેવા દેવી-દેવતાઓના પર્વ પ્રસંગે યોજાતા હોય છે, એવી જ રીતે સહજાનંદ સ્વામી, કબીર, ઓઘડદાદા ભાથી-ખત્રી, જલારામ બાપા જેવા સંતો તથા મુસ્લિમ પીર-ઓલિયા મીરા દાતાર, હઝરતપીર, નરુદ્દીન ઓલિયા વગેરેની યાદમાં ભરાય છે. આવા ધાર્મિક મહત્વ ના મેળા વાસ્તવમાં બિનસાંપ્રદાયિક મૂલ્ય ધરાવે છે.[]

મેળાઓ સામાન્ય રીતે ધાર્મિક ભાવનાને કેન્દ્રમાં રાખી લોકલ્યાણ માટે બલિદાન આપનાર પુરુષોને અંજલિ આપવા તથા શ્રદ્ધા, ભક્તિનું અર્ધ્ય અર્પવા ભરાય છે.[] તેની સાથે સામાજિક તથા આર્થિક હેતુઓ પણ જોડાયેલા છે. તેમાં અનેક ચીજ વસ્તુઓનું ખરીદ-વેચાણ થાય છે. ખેડૂતો પોતાની ગાયો, ઘોડા, ઊંટ કે બળદો જેવા પશુઓની લે-વેચ કરતા હોય છે.[]

મેળાઓ સામાન્ય રીતે ડુંગરો પર કે તળેટીમાં, નદીકિનારે કે સાગર કિનારે ભરાતા હોય છે. સાત નદીઓના સંગમ સ્થળે વૌઠાનો મેળો, નર્મદાકાંઠે શુકલતીર્થનો મેળો, જૂનાગઢની તળેટીમાં યોજાતો ભવનાથનો મેળો અને શત્રુંજયનો મેળો વગેરે ખૂબ જ પ્રસિદ્ધ મેળાઓ છે.[]

સામાન્યરીતે મેળાઓ વર્ષમાં એકવાર ભરાતા હોય છે પણ મેળા ભરાવાની મુદત અલગ અલગ જોવા મળે છે. મોટાભાગના મેળાઓ સવારમાં અથવા તો બપોર પછી ભરાતા હોય છે અને તો ક્યાંક એક દિવસ ના મેળા તો ક્યાંક બે દિવસ ના મેળા તો ક્યાંક ત્રણ કે પાંચ દિવસ કે અઠવાડિયાના મેળા ભરાતા જોવા મળે છે.આદિવાસી વિસ્તારના મેળાઓ, જે હાટમેળાઓ તરીકે ઓળખાય છે એ દર અઠવાડિયે યોજવામાં આવે છે.[][]

  1. ૧.૦ ૧.૧ કાલરીયા, અશોક (2019–20). ગુજરાતના લોકોત્સવો અને મેળા. ગાંધીનગર: માહિતી નિયામક, ગુજરાત રાજ્ય. પૃષ્ઠ ૭-૮.CS1 maint: date format (link)
  2. ૨.૦ ૨.૧ ૨.૨ ૨.૩ ૨.૪ જાદવ, જોરાવરસિંહ (૨૦૧૦). ગુજરાતની લોકસંસ્કૃતિક વિરાસત. ગાંધીનગર: માહિતી નિયામક,ગુજરાત રાજ્ય. પૃષ્ઠ ૧૮૦-૧૮૩.
  3. મહારાજ, ભગવતસિંહજી (૧૯૬૧). સંક્ષિપ્ત ભગવદ્ગોમંડલ. પ્રવીણપ્રકાશન,રાજકોટ. પૃષ્ઠ ૭૦૪.
  4. "Fair | market". Encyclopedia Britannica (અંગ્રેજીમાં). મેળવેલ 2020-11-20.
  5. ૫.૦ ૫.૧ ૫.૨ સેદાણી, હસુતાબેન શશીકાંત (૨૦૧૫). ગુજરાતની લોકસંસ્કૃતિ. અમદાવાદ: યુનિવર્સીટી ગ્રંથ નિર્માણ બોર્ડ-ગુજરાત રાજ્ય. પૃષ્ઠ ૮૧-૮૨. ISBN 97-89-381265-97-0.
  6. ૬.૦ ૬.૧ વ્યાસ, રજની (૨૦૧૨). ગુજરાતની અસ્મિતા (5th આવૃત્તિ). અમદાવાદ: અક્ષરા પ્રકાશન. પૃષ્ઠ ૩૨૪.