જાંબુઘોડા અભયારણ્ય ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના પંચમહાલ જિલ્લાના જાંબુઘોડા તાલુકામાં આવેલું છે. જાંબુઘોડા અભયારણ્ય ચાંપાનેરથી આશરે ૨૦ કિલોમીટર અને વડોદરાથી આશરે ૯૦ કિલોમીટરનાં અંતરે આવેલું[૧] એક વાંસ, મહુડા, સાગ તેમજ અન્ય વનસ્પતિસભર અભયારણ્ય છે. મે ૧૯૯૦ની સાલમાં અભયારણ્ય તરીકે જાહેર કરાયેલું આ વન વિવિધ પ્રાણી ઉપરાંત ઝેરી અને બિનઝેરી સરિસૃપોનું પણ આશ્રય સ્થાન છે. જાંબુઘોડા અભયારણ્યની એક લાક્ષણિકતા એ પણ છે કે તે પર્વતીય વિસ્તારમાં આવેલું એક જુજ માનવ વસવાટ ધરાવતું અભયારણ્ય છે જેનાથી તેના પ્રાકૃતિક સૌંદર્યમાં અનેકગણો વધારો થાય છે.

જાંબુઘોડા અભયારણ્ય
આઈ.યુ.સી.એન. શ્રેણી ૨ (રાષ્ટ્રીય ઉદ્યાન)
ગુજરાતના અભયારણ્યોમાં જાંબુઘોડાનું સ્થાન
સ્થળપંચમહાલ જિલ્લો, ગુજરાત, ભારત
નજીકનું શહેરવડોદરા
વિસ્તાર૫૪૨.૦૮ ચો.કી.મી.
સ્થાપના૭ ઓગસ્ટ ૧૯૮૯
નિયામક સંસ્થાગુજરાત રાજ્ય વન વિભાગ

આઝાદી પહેલા, આ વિસ્તાર જાંબુઘોડા રજવાડા સાથે સંકળાયેલ હતો. ગાઢ જંગલની ટેકરીઓમાં તેમ જ ખીણોમાં ઘણી આદિવાસી વસાહતો વસવાટ કરે છે. આ અભયારણ્યમાં જંગલોમાં ફરવા માટે ઘણા સ્થળો છે (ટ્રેકિંગ સાઇટ્સ) અને તે એક શાનદાર વન વિહાર સ્થળ છે. આ ઉપરાંત એક વન વિભાગ આરામગૃહ, અભયારણ્ય, બે જળાશયો નજીકમાં ઉપલબ્ધ છે.

વન્યસૃષ્ટિ ફેરફાર કરો

દિપડો આ અભયારણ્યનું મુખ્ય શિકારી પ્રાણી છે આ ઉપરાંત શિયાળ, વરૂ, ઘોરખોદિયું, રીંછ વગેરે માંસાહારી પ્રાણીઓ પણ અહીં વસવાટ કરે છે. શાકાહારી પ્રાણીઓ જેવાકે હરણ, નીલગાય (વાદળી બુલ, એશિયા ખંડનું સૌથી મોટું સાબર), ચોશિંગા હરણ (ચારસિંગા કાળિયાર) વગેરેનું પણ જાંબુઘોડા અભયારણ્ય આશ્રય સ્થાન છે. વિવિધ જાતનાં સાપ, અજગર, મગરમચ્છ જેવા સરીસૃપો પણ અહીં વિપુલ માત્રામાં જોવા મળે છે. અભયારણ્યમાં આવેલા સાગ, સિસમ, ખેર, મહુડો, વાંસ, બીલી, દુધળો, વગેરેનાં વૃક્ષો ને કારણે પક્ષીઓ પણ ઘણી સંખ્યામાં જોવા મળે છે. આ વન્યસૃષ્ટિ અભયારણ્યમાં બનાવવામાં આવેલા બે બંધ (કડા ડેમ અને ટારગોલ ડેમ)માંથી પોતાની પાણીની જરૂરિયાત પુરી કરે છે. આ બંધો ક્ડા અને ટારગોલ ગામની પાસે બાંધવામાં આવેલા છે. અભયારણ્યમાં શિકારી પ્રાણીઓ માટે શિકાર એવાં શાકાહારી પ્રાણીઓની નજીવી અછતને કારણે ઘણી વાર દિપડા જેવા પ્રાણી સ્થળાંતર કરતા છેક વડોદરા સુધી પહોંચ્યાના બનાવો પણ ભૂતકાળમાં બન્યા છે.

અન્ય માહિતી ફેરફાર કરો

જાંબુઘોડા અભયારણ્ય બસ દ્વારા પહોંચવા માટે નજીકનું બસમથક શિવરાજપુર છે જ્યાંથી અભયારણ્ય માત્ર એક કિલોમીટરનાં અંતરે આવેલું છે.[૨]. ટ્રેન દ્વારા પણ શિવરાજપુરથી જાંબુઘોડા અભયારણ્ય પહોંચી શકાય છે જેનું અંતર દશ કિલોમીટર છે. નજીકનું વિમાનમથક વડોદરા છે જે આશરે ૯૦ કિલોમીટરનાં અંતરે આવેલું છે. ચોમાસામાં અને શિયાળામાં જાંબુઘોડા અભયારણ્યની વન્યસૃષ્ટિ નીહાળવાનો લ્હાવો લેવા જેવો છે. રહેવા માટે કડા બંધ અને ટારગોલ બંધ પાસે સરકારી આરામ ગૃહ બનેલાં છે તથા હમણાં જ વનાંચલ નામે એક નવો રિસોર્ટ પણ શરૂ થયો છે, જે અવનવી સવલતો અને મનોરંજનના સાધનોથી ભરપુર છે.

જાંબુઘોડા નજીકનાં જોવાલાયક સ્થળો ફેરફાર કરો

સંદર્ભ ફેરફાર કરો

  1. "About Jambughoda". Vananchal. મૂળ માંથી 2011-06-18 પર સંગ્રહિત. મેળવેલ ૧૬ મે ૨૦૧૧. સંગ્રહિત ૨૦૧૧-૦૬-૧૮ ના રોજ વેબેક મશિન
  2. http://www.gujarattourism.com/destination/details/5/171 સંગ્રહિત ૨૦૧૬-૦૨-૧૯ ના રોજ વેબેક મશિન ગુજરાત પર્યટન વિભાગ

બાહ્ય કડીઓ ફેરફાર કરો