પ્રહલાદ જેઠાલાલ પારેખ

ગુજરાતી કવિ

પ્રહલાદ જેઠાલાલ પારેખ એ એક જાણીતા ગુજરાતી સાહિત્યકાર હતા. તેઓ સુપ્રસિદ્ધ કવિ હોવા ઉપરાંત એમણે ગદ્યકથા, બાળવાર્તા તથા બાળકાવ્યનું પણ સર્જન કર્યું હતું. એમનો જન્મ ભાવનગર શહેરમાં ૨૨ ઓક્ટોબર ૧૯૧૧ના રોજ થયો હતો.[૧]

પ્રહલાદ પારેખ
જન્મપ્રહલાદ જેઠાલાલ પારેખ
(1911-10-22)22 ઓક્ટોબર 1911
ભાવનગર
મૃત્યુ2 January 1962(1962-01-02) (aged 50)
વ્યવસાયકવિ, અનુવાદક
ભાષાગુજરાતી
રાષ્ટ્રીયતાભારતીય
શિક્ષણ સંસ્થાગુજરાત વિદ્યાપીઠ, શાંતિનિકેતન
નોંધપાત્ર સર્જનોબારી બહાર (૧૯૪૦)

એમણે ગુજરાત વિદ્યાપીઠ તથા શાંતિનિકેતન ખાતે અભ્યાસ કર્યો હતો. આ સમયે રવિન્દ્રનાથ ટાગોરના સાનિધ્યમાં એમણે કવિતાલેખનમાં પાપા પગલી ભરવા માંડી હતી. અભ્યાસ પૂર્ણ કર્યા બાદ એમણે શિક્ષક તરીકે કારકિર્દી સ્વીકારી હતી. એમણે આઝાદીની લડતમાં પણ સક્રિયપણે ભાગ લીધો હતો, જેના કારણે એમને જેલમાં પણ જવું પડ્યું હતું.

એમનો કાવ્યસંગ્રહ બારી બહાર ઉત્તમ સર્જન ગણાય છે. એમનાં કાવ્યો છંદોબદ્ધ, ધ્યાનાકર્ષક તથા સજીવતા ખડી કરે તેવાં રહ્યાં છે.

એમનું અવસાન બીજી જાન્યુઆરી, ૧૯૬૨ના દિવસે થયું હતું.


સવિશેષ પરિચયફેરફાર કરો

પારેખ પ્રહલાદ જેઠાલાલ (૨૨ ઓક્ટોબર ૧૯૧૧ – ૨ જાન્યુઆરી ૧૯૬૨) : કવિ. જન્મ ભાવનગરમાં. પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ શ્રી દક્ષિણામૂર્તિ, ભાવનગરમાં. શિક્ષણ દરમિયાન સંસ્થાના દ્રષ્ટિસંપન્ન સંચાલક નાનાભાઈ ભટ્ટ અને આચાર્ય હરભાઈ ત્રિવેદીની અસર નીચે સાંસ્કારિક ઘડતરનો પાયો. ૧૯૩૦માં આઝાદીની ચળવળમાં જોડાવા અભ્યાસત્યાગ અને જેલવાસ. એ પછી પુનઃઅભ્યાસ દક્ષિણામૂર્તિની વિનીતની પરીક્ષામાં ઉત્તીર્ણ, પછી અભ્યાસાર્થે ગૂજરાત વિદ્યાપીઠમાં જોડાયા. ૧૯૩૩માં ‘શાંતિનિકેતન’ જઈ ચાર વર્ષ અભ્યાસ. ત્યાં રવીન્દ્રનાથના સાંનિધ્યે એમના કાવ્યસર્જનને પ્રેર્યું. ૧૯૩૭માં વિલેપારલેની પ્યુપિલ્સ ઑન સ્કૂલમાં શિક્ષક. બીજે વર્ષે ભાવનગરની ઘરશાળામાં જોડાયા. એ પછી ૧૯૪૫ થી છેવટ સુધી મુંબઈની મોડર્ન હાઈસ્કૂલમાં શિક્ષક.

એમના કાવ્યસંગ્રહ ‘બારીબહાર’ (૧૯૪૦)માં ગાંધીયુગની સાહિત્યધારાથી જુદી પડતી નવીન કાવ્યધારા વહે છે. એમની કવિતાનું મુખ્ય લક્ષણ છે : બહિર્મુખી રાષ્ટ્રચેતના કે સમાજચેતનાને સ્થાને કવિતામાં પ્રસ્થાપિત થયેલી સૌંદર્યચેતના. ‘સરવાણી’ (૧૯૪૮)નાં કાવ્યો પણ ‘બારીબહાર’ની બીજી આવૃત્તિમાં સામેલ કરવામાં આવ્યાં છે. પ્રકૃતિપ્રેમ તથા માનવપ્રેમ એ એમની કવિતાના મુખ્ય વિષયો છે. એમની કવિ તરીકેની સિદ્ધિમાં ગીતોનો ફાળો વિશેષ છે. એમનાં ગીતોમાં ધ્યાનાકર્ષક છે લયસમૃદ્ધિ અને ભાવની ઇન્દ્રિયગ્રાહ્ય રજૂઆત. એમની સમગ્ર કવિતાનું બીજું મુખ્ય લક્ષણ છે સૌંદર્યાભિમુખતા.

કરુણમંગલ ગદ્યકથા ‘ગુલાબ અને શિવલી’ (૧૯૩૮)માં એમણે ભાઈબહેનના શૈશવજીવનનું મનોવૈજ્ઞાનિક નિરૂપણ કર્યું છે. મિસીસ લૉરા ઇન્ગોલ્સ બાઇલ્ડરની ગદ્યકથાનો કવિએ ‘રૂપેરી સરોવરને કિનારે’ (૧૯૬૨) નામે, તો સ્ટિફન ઝ્વાઈગની નવલકથાનો ‘અજાણીનું અંતર’ નામે અનુવાદો પ્રગટ કર્યા છે. ‘શિસ્તની સમસ્યા’ (૧૯૬૨) એમની પરિચયપુસ્તિકા છે. ‘રાજકુમારની શોધમાં’ અને ‘કરુણાનો સ્વયંવર’ નામેક દીર્ઘ બાળવાર્તાઓ તથા ‘તનમનિયાં’ નામક બાળકાવ્યોનો સંગ્રહ અદ્યાપિ અપ્રગટ છે. (- પ્રસાદ બ્રહ્મભટ્ટ)

બારી બહાર (૧૯૪૦) : પ્રહલાદ પારેખનો કાવ્યસંગ્રહ. આ સંગ્રહ ગાંધીયુગોત્તર કવિતાને માટે સૌંદર્યાભિમુખતાની દિશા ખોલનારો છે. આથી ડહોળાણ પછીનાં ‘નીતરાં નીર’ એમાં જોવાયાં છે. વળી, તત્કાલીન પરિસ્થિતિ અને યુગચેતનાનું પ્રતિબિંબ જેટલાં મહત્વનાં નથી એટલાં માનવહૃદયના છટકણા ભાવો અને ભાવોનાં તીવ્ર ઇન્દ્રિયગ્રાહ્ય સંવેદનો અહીં મહત્વનાં છે. રચનાઓ મધુર, સુરેખ અને સંવેદ્ય છે. કવિની સૌરભપ્રીતિ અજોડ છે. ‘બનાવટી ફૂલોને’ અને ‘આજ’ એમનાં પ્રસિદ્ધ કાવ્યો છે. વૃત્તબદ્ધ કાવ્યો તથા સૉનેટ સ્વરૂપમાં તેઓ સફળ રહ્યા છે, છતાં એમનાં ગીતોનો લયહિલ્લોળ એમની વિશેષ સિદ્ધિ છે. લાંબા કાવ્યો-કથાકાવ્યોમાં એમને ઝાઝી ફાવટ નથી. ઉમાશંકરે એમની કવિતાની ‘આંખ, કાન અને નાકની કવિતા’ તરીકે સાચી ઓળખ આપી છે. ૧૯૬૦ની બીજી સંવર્ધિત આવૃત્તિમાં કેટલાંક વધુ કાવ્યોનું ઉમેરણ થયું છે. (- રવીન્દ્ર ઠાકોર)

સંદર્ભોફેરફાર કરો

  1. રેષાએ રેષાએ ભરી જ્ઞાનઝંખા [Correspondence of Bhriguray Ajnjaria, Sketches of His Character and His Creative Writings] (પ્રથમ આવૃત્તિ). ગાંધીનગર: ગુજરાત સાહિત્ય અકાદમી. 1997. pp. ૧૧૨–૧૧૩. ISBN 81-7227-030-5. OCLC 499764385. Unknown parameter |editor૨-first= ignored (મદદ); Unknown parameter |editor૧-first= ignored (મદદ); Unknown parameter |editor૧-last= ignored (મદદ); Unknown parameter |editor૨-last= ignored (મદદ); Unknown parameter |editor૧-link= ignored (મદદ); Check date values in: |year= (મદદ)


બાહ્ય કડીઓફેરફાર કરો

ગુજરાતી સાહિત્ય પરિષદ પર પરિચય