ભોગીલાલ સાંડેસરા
ભોગીલાલ જયચંદભાઈ સાંડેસરા (૧૩ એપ્રિલ ૧૯૧૭ – ૧૮ જાન્યુઆરી ૧૯૯૫) ભારતના ગુજરાતનાં સાહિત્યવિવેચક, વિદ્વાન અને સંપાદક હતા. તેઓ સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશ (મધ્યકાલીન ઇન્ડો-આર્યન ભાષાઓ) અને જૂની ગુજરાતી ભાષાના વિદ્વાન હતા. તેમણે ઐતિહાસિક અને સાંસ્કૃતિક સંશોધનના ક્ષેત્રમાં પણ ફાળો આપ્યો હતો. તેમણે મોટી સંખ્યામાં ઐતિહાસિક કૃતિઓનું સંપાદન કર્યું છે. ૧૯૮૭માં ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ તરીકે તેમની નિમણૂક કરવામાં આવી હતી.
ભોગીલાલ સાંડેસરા | |
---|---|
જન્મ | ભોગીલાલ જયચંદભાઈ સાંડેસરા 13 April 1917 સંડેર પાટણ, બ્રિટીશ ભારત |
મૃત્યુ | 18 January 1995 ન્યૂ જર્સી, અમેરિકા | (ઉંમર 77)
વ્યવસાય | લેખક, ઇતિહાસકાર, વિદ્વાન |
ભાષા | ગુજરાતી |
રાષ્ટ્રીયતા | ભારતીય |
શિક્ષણ | એમ.એ., પીએચ.ડી. |
માતૃ શિક્ષણ સંસ્થા | ગુજરાત કૉલેજ, ગુજરાત વિદ્યા સભા |
નોંધપાત્ર પુરસ્કારો |
|
શૈક્ષણિક પાર્શ્વભૂમિકા | |
શોધ નિબંધ | Literary Circle of Mahamatya Vastupala and Its Contribution to Sanskrit Literature (૧૯૫૦) |
માર્ગદર્શક | રસિકલાલ પરીખ |
શૈક્ષણિક કાર્ય | |
શોધનિબંધ વિદ્યાર્થીઓ | સુરેશ જોષી |
પ્રારંભિક જીવન
ફેરફાર કરોભોગીલાલ સાંડેસરાનો જન્મ ૧૩ એપ્રિલ ૧૯૧૭ના રોજ પાટણ નજીકના સંડેર ગામમાં જયચંદભાઈ ઈશ્વરદાસ સાંડેસરા અને તેમના પત્ની મહાલક્ષ્મીબેનના વૈષ્ણવ પરિવારમાં થયો હતો. તેમણે અમદાવાદમાં શાળાશિક્ષણ શરૂ કર્યું હતું. જ્યારે તે આઠ વર્ષના હતા ત્યારે તેમના પિતાના મૃત્યુ બાદ તેમનો પરિવાર પાટણ આવી ગયો હતો જ્યાં તેમણે શાળાનું શિક્ષણ પૂર્ણ કર્યું હતું. તેઓ ૧૯૩૧ માં મુનિ જિનવિજયજીના સંપર્કમાં આવ્યા હતા જેમણે મુનિ પુણ્યવિજયજી સાથે પરિચય કરાવ્યો હતો, જેમના માર્ગદર્શન હેઠળ તેમણે પાટણના પ્રાચીન પુસ્તકાલયોમાં સંરક્ષિત કૃતિઓનો અભ્યાસ કર્યો હતો. તેમને તેમના હાઈસ્કૂલના શિક્ષક અને સંશોધક રામલાલ ચુનીલાલ મોદીએ પણ માર્ગદર્શન આપ્યું હતું.[૧][૨]
૧૯૩૫માં મેટ્રિક થયા બાદ તેમણે ૧૯૩૫થી ૧૯૩૭ સુધી ગુજરાત સમાચાર અને પ્રજાબંધુની સંપાદકીય ટીમો સાથે કામ કર્યું. તેમણે ૧૯૪૧માં ગુજરાત કૉલેજમાંથી ગુજરાતી-સંસ્કૃત વિષયો સાથે બી.એ. (પ્રથમ વર્ગ) અને ૧૯૪૩માં એ જ વિષયો સાથે એમ.એ.ની પદવી મેળવી. તેમણે અનુસ્નાતક કક્ષાએ સુવર્ણચંદ્રક મેળવ્યો હતો.[૧][૨]
કારકિર્દી
ફેરફાર કરો૧૯૪૩થી ૧૯૫૦ સુધી અર્ધ-મગધી ભાષાના વ્યાખ્યાતા અને સંશોધક તરીકે સાંડેસરાએ અમદાવાદની શેઠ ભોળાભાઈ જેશીંગભાઈ ઇન્સ્ટિટ્યૂટ ઓફ લર્નિંગ એન્ડ રિસર્ચમાં કામ કર્યું હતું. તેમણે ૧૯૫૦માં તેમની સંશોધન કૃતિ મહામાત્ય વસ્તુપાળનું સાહિત્યમંડળ તથા સંસ્કૃત સાહિત્યમાં તેનો ફાળો માટે પીએચડીની પદવી મેળવી હતી. ૧૯૫૧માં તેઓ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડામાં ગુજરાતીના પ્રોફેસર તરીકે જોડાયા અને ૫ એપ્રિલ ૧૯૭૫ના રોજ ગુજરાતી વિભાગના વડા તરીકે નિવૃત્ત થયા. તેઓ ૧૯૫૮ થી ૧૯૭૫ સુધી ઓરિએન્ટલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (પ્રાચ્ય વિદ્યા મંદિર)ના ડિરેક્ટર પણ હતા. આ સમયગાળા દરમિયાન, તેમણે સંસ્થાના ત્રિમાસિક જર્નલ સ્વાધ્યાયના સંપાદક તરીકે કામ કર્યું હતું.[૧][૨]
તેમણે ગુજરાતી માસિક બુદ્ધિપ્રકાશના સંપાદક તરીકે પણ સેવા આપી હતી. ૧૯૫૫માં નડિયાદ ખાતે યોજાયેલા ગુજરાતી સાહિત્ય પરિષદના ૫૯મા સંમેલનમાં ઇતિહાસ અને પુરાતત્ત્વશાસ્ત્રના પ્રમુખ તરીકે તેમની નિમણૂક કરવામાં આવી હતી. તેમણે ૧૯૫૯માં ભુવનેશ્વર ખાતે યોજાયેલા અખિલ ભારત પ્રાચ્યવિદ્યા પરીષદમાં પ્રાકૃત ભાષાઓ અને જૈન ધર્મ વિભાગના પ્રમુખ તરીકે પણ સેવા આપી હતી. તેમણે ૧૯૬૨–૬૪માં ગુજરાત ઇતિહાસ પરિષદના પ્રમુખ તરીકે પણ સેવા આપી હતી. ૧૯૮૭માં તેઓ ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ તરીકે ચૂંટાયા હતા.[૧][૨]
તેમનું અવસાન ૧૮ જાન્યુઆરી, ૧૯૯૫ના રોજ અમેરિકાના ન્યૂ જર્સીમાં થયું હતું.[૩][૧]
સર્જન
ફેરફાર કરોસાંડેસરાએ ભારતીય પ્રાચ્યવિદ્યા, ભારતીય વિદ્યા અને સંસ્કૃતિ, ગુજરાતનો ઇતિહાસ અને સંસ્કૃતિ તેમજ મધ્યકાલીન ભારતીય સાહિત્યના ક્ષેત્રોમાં અનેક યોગદાન આપ્યા હતા. તેઓ સંસ્કૃત, પ્રાકૃત, અર્ધ-મગધી અને જૂની ગુજરાતી સહિત અનેક ભાષાઓના વિદ્વાન હતા.[૨] તેઓ જૈન ધર્મના પણ વિદ્વાન હતા અને તેમણે ભારતની કળા અને શિલ્પનો અભ્યાસ કર્યો હતો. તેમણે મધ્યયુગીન ગુજરાતી સાહિત્યની કેટલીક અપ્રકાશિત હસ્તપ્રતોનું સંપાદન પણ કર્યું હતું.[૪]
તેમણે અસંખ્ય ઐતિહાસિક અને સાંસ્કૃતિક સંશોધન કૃતિઓ પ્રકાશિત કરી હતી. વાઘેલાઓનું ગુજરાત (૧૯૩૯), વાઘેલા રાજાઓના શાસનકાળ દરમિયાન ગુજરાતના સામાજિક-રાજકીય અને સાંસ્કૃતિક જીવનનો અભ્યાસ છે. જ્યારે મહામાત્ય વસ્તુપાળનું સાહિત્યમંડળ તથા સંસ્કૃત સાહિત્યમાં તેનો ફાળો એ મધ્યકાલીન ગુજરાતના રાજાના કલાપારખુ મંત્રી વસ્તુપાળના દરબારનું વર્ણન છે. જ્યેષ્ઠીમલ્લ જ્ઞાતિ અને મલ્લ પુરાણ (૧૯૪૮) એ નોંધો સાથે પ્રકાશિત જૈન હસ્તપ્રત છે. જગન્નાથપુરી એને ઓરિસ્સાના પુરાતન અવશેષો (૧૯૫૧) જગન્નાથ મંદિર, પુરી)અને ઓડિશાના જૂના પુરાતત્ત્વીય અવશેષો પરનું કામ છે. જૈન આગમસાહિત્યમાં ગુજરાત (૧૯૫૨) જૈન ધાર્મિક સાહિત્યમાં ગુજરાતના સંદર્ભો પર સંશોધન છે. તેમના અન્ય એક ઐતિહાસિક સંશોધન કાર્યમાં ઇતિહાસની કેડી (૧૯૪૫)નો સમાવેશ થાય છે.[૪][૫][૧]
એમનાં સંપાદનોમાં સંઘવિજયકૃત ‘સિંહાસનબત્રીસી’ (૧૯૩૩), ‘માધવકૃત રૂપસુન્દરકથા’ (૧૯૩૪), ‘વીરસિંહકૃત ઉષાહરણ’ (૧૯૩૮), ‘મતિસાર કર્પૂરમંજરી’ (૧૯૪૧), ‘સત્તરમા શતકનાં પ્રાચીન ગુર્જરકાવ્ય’ (૧૯૪૮), ‘મહીરાજકૃત નલદવદંતીરાસ’ (૧૯૫૪), ‘પ્રાચીન ફાગુ સંગ્રહ’ (૧૯૫૫), ‘વર્ણકસમુચ્ચય’ –ભા. ૧, ૨ (૧૯૫૬, ૧૯૫૯), ‘શ્રી સોમેશ્વરદેવરચિતં ઉલ્લાસરાઘવનાટકમ્’ (૧૯૬૧), ‘યશોધીરકૃત પંચાખ્યાન બાલાવબોધ’ –ભા.૧ (૧૯૬૩), ‘મલ્લપુરાણ’ (૧૯૬૪), ‘શ્રી સોમેશ્વરદેવરચિતં રામશતકમ્’ (૧૯૬૫), ‘ગંઘાધરપ્રણીતં ગંગાદાસપ્રતાપવિલાસનાટક્મ્’ (૧૯૭૩) અને ‘અમૃતકલશકૃત હમ્મીર પ્રબંધ’ (૧૯૭૩) મહત્વનાં છે.[૧] સત્તરમા શતકના પ્રાચીન ગૂર્જરકાવ્ય' (૧૯૪૮) સત્તરમી સદીના પ્રાચીન ગુર્જરકાવ્યોનું સંકલન છે. સંઘદાસગણિકૃત ‘વસુદેવદિંડી’ (૧૯૪૬) પ્રાકૃતમાંથી એમણે આપેલો અનુવાદ છે.[૧]
પ્રાકૃત અને અપભ્રંશ સાહિત્યની વૃત્તરચનાથી આગળ વધતું ‘પ્રાચીન ગુજરાતી સાહિત્યમાં વૃત્તરચના’ (૧૯૪૧), ઐતિહાસિક શબ્દાર્થશાસ્ત્ર પરનાં પાંચ વ્યાખ્યાનો આપતું ‘શબ્દ અને અર્થ’ (૧૯૫૪), શોધનિબંધ ‘મહામાત્ય વસ્તુપાળનું સાહિત્યમંડળ તથા સંસ્કૃત સાહિત્યમાં તેનો ફાળો’ (૧૯૫૭), પશ્ચિમ અને પૂર્વની વિદ્યાયાત્રા વર્ણવતું ‘પ્રદક્ષિણા’ (૧૯૫૯), ‘દયારામ’ (૧૯૬૦), લેખસંગ્રહ ‘સંશોધનની કેડી’ (૧૯૬૧), ‘ઇતિહાસ અને સાહિત્ય’ (૧૯૬૬), ઇતિહાસ અને સાહિત્યવિષયક લેખસંગ્રહો ‘અન્વેષણા’ (૧૯૬૭) અને ‘અનુસ્મૃતિ’ (૧૯૭૩), ‘મુનિ જિનવિજયજી: જીવન અને કાર્ય’ (૧૯૭૮) વગેરે એમનાં મૌલિક પુસ્તકો છે.[૧]
સન્માન
ફેરફાર કરોસાંડેસરાને ૧૯૫૩માં રણજિતરામ સુવર્ણચંદ્રક અને ૧૯૬૨માં નર્મદ સુવર્ણ ચંદ્રક એનાયત કરવામાં આવ્યો હતો.
સંદર્ભ
ફેરફાર કરો- ↑ ૧.૦ ૧.૧ ૧.૨ ૧.૩ ૧.૪ ૧.૫ ૧.૬ ૧.૭ ૧.૮ બ્રહ્મભટ્ટ, પ્રસાદ (2007). અર્વાચીન ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ (ગાંધીયુગ અને અનુગાંધી યુગ). અમદાવાદ: પાર્શ્વ પ્રકાશન. પૃષ્ઠ 369–371.
- ↑ ૨.૦ ૨.૧ ૨.૨ ૨.૩ ૨.૪ "સવિશેષ પરિચય: ભોગીલાલ સાંડેસરા, ગુજરાતી સાહિત્ય પરિષદ". Gujarati Sahitya Parishad. મેળવેલ 2017-11-21.
- ↑ "ભોગીલાલ સાંડેસરા, ગુજરાતી સાહિત્ય પરિષદ". Bhogilal Sandesara, Gujarati Sahitya Parishad. મેળવેલ 2017-11-23.
- ↑ ૪.૦ ૪.૧ Mohan Lal (2007). Encyclopedia of Indian Literature (Navaratri to Sarvasena). Volume IV. New Delhi: Sahitya Akademi. પૃષ્ઠ 3786–3787. ISBN 978-81-260-1003-5.
|volume=
has extra text (મદદ) - ↑ Jhaveri, Mansukhlal (1978). History of Gujarati Literature. New Delhi: Sahitya Akademi. પૃષ્ઠ 209. OCLC 825734488.