સાયલા તાલુકો

ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લાનો તાલુકો

સાયલા તાલુકો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સુરેન્દ્રનગર જિલ્લાનો તાલુકો છે. સાયલા આ તાલુકાનું મુખ્ય મથક છે.

સાયલા તાલુકો
તાલુકો
નકશો
તાલુકાનો નકશો
દેશભારત
રાજ્યગુજરાત
જિલ્લોસુરેન્દ્રનગર
મુખ્ય મથકસાયલા
વિસ્તાર
 • કુલ૯૭૩ km2 (૩૭૬ sq mi)
વસ્તી
 (૨૦૦૧)
 • કુલ૧,૦૧,૧૬૮
 • ગીચતા૧૦૦/km2 (૨૭૦/sq mi)
સમય વિસ્તારUTC+૫:૩૦ (IST)

ભૂગોળ ફેરફાર કરો

તાલુકાનું ક્ષેત્રફળ આશરે ૯૭૩ ચો.કિમી. જેટલું છે. તેની ઉત્તરે મૂળી તાલુકો, પૂર્વમાં વઢવાણ અને લીંબડી તાલુકા, દક્ષિણે ભાવનગર અને રાજકોટ જિલ્લા તથા પશ્ચિમે ચોટીલા તાલુકો આવેલા છે.[૧] સાયલા તાલુકાનું ભૂપૃષ્ઠ સમતળ સપાટ તથા જમીનો મધ્યમ પ્રકારની કાળી છે. તાલુકાના કેટલાક ભાગોમાં ડેક્કન ટ્રેપના ખડકો જોવા મળે છે. તે કપચી માટે ઉપયોગમાં લેવાય છે. તાલુકામાંથી પસાર થતી મુખ્ય નદીઓમાં વઢવાણ-ભોગાવો, લીંબડી-ભોગાવો અને સુકભાદરનો સમાવેશ થાય છે.

આબોહવા ફેરફાર કરો

સાયલા તાલુકો દરિયાથી દૂર આવેલો હોઈ વિષમ પ્રકારની આબોહવા ધરાવે છે. અહીંનાં મે અને જાન્યુઆરીનાં મહત્તમ અને લઘુતમ તાપમાન અનુક્રમે ૪૨° સે. અને ૨૬° સે. તથા ૨૮° સે. અને ૧૨° સે. જેટલાં રહે છે. ઉનાળામાં ક્યારેક તે વધીને ૪૫°થી ૪૬° સે. સુધી પણ પહોંચે છે. વરસાદની સરેરાશ અંદાજે ૪૫૦ થી ૫૦૦ મિમી. જેટલી રહે છે.

વનસ્પતિ–પ્રાણીજીવન–ખેતી ફેરફાર કરો

સાયલા તાલુકામાં બાવળ, ગાંડો બાવળ અને છૂટાંછવાયાં ઘાસનાં બીડ જોવા મળે છે. અહીંનાં મુખ્ય પાલતુ પશુઓમાં ગાય, બળદ, ભેંસ, ઘેટાં-બકરાં, ઘોડા, ગધેડાં અને ઊંટનો સમાવેશ થાય છે; અહીં ખાસ કોઈ જંગલી પ્રાણીઓ નથી, ક્યાંક ક્યાંક શિયાળ, નોળિયા અને સાપ દેખાય છે. અહીંનાં ગાય-બળદ ગીર ઓલાદનાં છે, જ્યારે ભેંસો દેશી તેમજ જાફરાબાદી ઓલાદની છે. ઘેટાં-બકરાંની સંખ્યા વધુ છે, તેમનાંમાંથી ઊન મેળવાય છે. અહીંના લોકોનો મુખ્ય વ્યવસાય પશુપાલન અને ખેતી છે. મુખ્ય કૃષિપાકોમાં અહીં થોડા પ્રમાણમાં કપાસ, ઘઉં, કઠોળ કે તેલીબિયાં થાય છે. તાલુકાના વાગડિયા ખાતે પૉટરી આવેલી છે.

વસ્તી ફેરફાર કરો

૨૦૦૧ મુજબ આ તાલુકાની વસ્તી ૧,૦૧,૧૬૮ છે. પુરુષો અને સ્ત્રીઓની સંખ્યા અનુક્રમે ૫૨% અને ૪૮% છે. અહીંના ૫૦% લોકો ખેતીમાં ખેડૂતો અને ખેતમજૂરો તરીકે કામ કરે છે, કેટલાક સરકારી કે અન્ય નોકરીઓમાં તો બીજા વેપાર, ગૃહઉદ્યોગ, કુટિર-ઉદ્યોગોમાં રોકાયેલા છે. અહીં વણાટકામ, લુહારીકામ, માટીકામ, મકાનબાંધકામ જેવાં પરંપરાગત કામ પણ ચાલે છે.

સાયલા તાલુકામાં આવેલાં ગામો ફેરફાર કરો

સાયલા તાલુકાના ગામ અને તાલુકાનું ભૌગોલિક સ્થાન


સંદર્ભ ફેરફાર કરો

  1. રાજગોર, શિવપ્રસાદ. "સાયલા – Gujarati Vishwakosh – ગુજરાતી વિશ્વકોશ". મૂળ સંગ્રહિત માંથી ૧૬ માર્ચ ૨૦૨૪ પર સંગ્રહિત. મેળવેલ 2023-11-22.

બાહ્ય કડીઓ ફેરફાર કરો