મણિલાલ દ્વિવેદી

ગુજરાતી લેખક, કવિ અને તત્ત્વચિંતક
(મણિલાલ નભુભાઈ થી અહીં વાળેલું)

મણિલાલ નભુભાઈ દ્વિવેદી ‍(ઉપનામો: એક બ્રાહ્મણ, એક વિદ્યાર્થી, અભેદમાર્ગપ્રવાસી‌) (૨૬ સપ્ટેમ્બર ૧૮૫૮ – ૧ ઓક્ટોબર ૧૮૯૮) ગુજરાતી નિબંધકાર, નાટ્યકાર, કવિ, વિવેચક, સંશોધક, સંપાદક, આત્મચરિત્રકાર, તત્ત્વચિંતક અને સમાજ સુધારક હતા. તેઓ ધ્યેયલક્ષી સાહિત્યકાર હતા. પોતે સ્વીકારેલ જીવનકાર્યને વ્યાપક મૂર્તતા આપવાવાના ઉદ્દેશથી તેમણે લેખનપ્રવૃત્તિ હાથ ધરી હતી. એટલે તેમનાં ઘણાંખરાં લખાણો તેમની અભેદ (અદ્વૈત) ફિલસૂફીથી કોઈને કોઈ રીતે અંકિત થયેલા છે.

મણિલાલ દ્વિવેદી
મણિલાલ દ્વિવેદી
મણિલાલ દ્વિવેદી
જન્મમણિલાલ નભુભાઈ દ્વિવેદી
૨૬ સપ્ટેમ્બર ૧૮૫૮
નડીઆદ, બોમ્બે પ્રેસિડન્સી, બ્રિટિશ ભારત
મૃત્યુ૧ ઓક્ટોબર ૧૮૯૮ (ઉમર ૪૦ વર્ષ)
નડીઆદ, બોમ્બે પ્રેસિડન્સી, બ્રિટિશ ભારત
ઉપનામએક બ્રાહ્મણ, એક વિદ્યાર્થી, અભેદમાર્ગપ્રવાસી
વ્યવસાયનિબંધકાર, નાટ્યકાર, કવિ, વિવેચક, સંશોધક, સંપાદક, આત્મચરિત્રકાર, તત્ત્વચિંતક અને સમાજ સુધારક
ભાષાગુજરાતી
શિક્ષણબી.એ., એમ.એ.
માતૃ શિક્ષણ સંસ્થાએલફિન્સ્ટન કોલેજ
સમયગાળોપંડિત યુગ
નોંધપાત્ર સર્જનો
સક્રિય વર્ષો૧૮૭૬–૧૮૯૮
જીવનસાથીફૂલી ઉર્ફે મહાલક્ષ્મી

'કાન્તા' અને 'નૃસિંહાવતાર' તેમના નાટકો છે. 'બાળવિલાસ' તથા 'સુદર્શન ગદ્યાવલિ' અનુક્રમે તેમના લઘુ અને દીર્ઘ નિબંધોના સંગ્રહો છે. 'આત્મનિમજ્જન' તેમનો કાવ્યસંગ્રહ છે. તેમણે લૉર્ડ લિટનની અંગ્રેજી નવલકથા 'ઝેનોની'નું 'ગુલાબસિંહ' નામે ગુજરાતીમાં રૂપાંતર કર્યું હતું. તેમણે 'સિદ્ધાંતસાર' શિર્ષકથી ધર્મચિંતનનો ગ્રંથ લખ્યો હતો. તેમણે 'પ્રિયંવદા' અને 'સુદર્શન' નામના સામયિકો ચલાવ્યા હતા અને એ દ્વારા સ્વધર્મ અને સ્વસંસ્કાર પ્રત્યે સમાજને અભિમુખ કરવા બૌદ્ધિક પુરુષાર્થ કર્યો હતો. ૧૮૯૮માં તેમનું અવસાન થયું ત્યાં સુધી તેમણે ગુજરાતની પ્રજાને વેદાંતનો વ્યાવહારિક ઉપયોગ સમજાવવા સતત લખાણો પ્રગટ કર્યાં હતા.

મણિલાલનો જન્મ ૨૬ સપ્ટેમ્બર ૧૮૫૮ના રોજ નડીઆદ ખાતેના તેમના મોસાળમાં થયો હતો. મણિલાલના પિતા નભુભાઈના પ્રથમ પત્ની નિ:સંતાન મૃત્યુ પામ્યા હતાં. નભુભાઈના બીજા પત્ની નિરધારની કૂખે મણિલાલનો જન્મ થયો હતો.[]

ચાર વર્ષની ઉંમરે તેઓ દયાશંકર પંડ્યાની ગામઠી નિશાળમાં ભણવા માટે બેઠા, જ્યાં તેઓ સાધારણ આંક અને વાચનથી વિશેષ ભણી શક્યા ન્હોતા. તેઓ ગણિતના દાખલા ગણવામાં નબળા હતા. ગુજરાતી પાંચ ધોરણ પુરા કરીને તેઓ અંગ્રેજી નિશાળમાં દાખલ થયા. અંગ્રેજી બીજા ધોરણમાં તેઓ ઝવેરીલાલ લલ્લુભાઈ નામના શિક્ષકના માર્ગદર્શનની મદદથી પ્રથમ ક્રમાંકે પાસ થયા. આથી મુખ્ય શિક્ષકે ખુશ થઈને તેમને ત્રીજા ધોરણને બદલે સીધા ચોથા ધોરણમાં ભણવા મૂક્યા. પરંતુ સંસ્કૃત અને યુક્લીડ જેવા નવા વિષયો બરાબર શીખી શકાશે નહી એવા ભયથી મણિલાલે મુખ્ય શિક્ષકને વિનંતી કરતા તેમને ત્રીજા ધોરણમાં મૂકવામાં આવ્યા. ૧૮૭૫મા તેમણે મેટ્રિક્યુલેશનની પરીક્ષા આપી જેમાં તેઓ સંસ્કૃતમાં નાપાસ થયા. બીજે વર્ષે તેમણે આ પરીક્ષા યુનિવર્સિટીમાં બીજે નંબરે પાસ કરી અને કહાનદાસ મંછારામ શિષ્યવૃત્તિ મેળવી.[]

શિષ્યવૃત્તિઓ મળતાં તેઓ ૧૮૭૭ની શરૂઆતમાં ઍલ્ફિન્સ્ટન કૉલેજમાં બી.એ.ના અભ્યાસ માટે દાખલ થયા. ૧૮૭૯માં બી.એ.ની પરિક્ષામાં બીજે નંબરે પાસ થયા અને ઇતિહાસ-રાજનીતિશાસ્ત્ર વિષયોમાં જેમ્સ ટેલર પારિતોષિક મેળવ્યું. ત્યારબાદ કોલેજમાં 'ફેલો' તરીકે નિમાયા. દરમિયાન કમાવા માટે પિતાનો તકાદો થતાં ૧૮૮૦માં નડિયાદ હાઈસ્કૂલમાં મદદનીશ શિક્ષક તરીકે જોડાયા. ૧૮૮૧ના એપ્રિલમાં તેઓ મુંબઈમાં સરકારી કન્યાશાળાઓના ડેપ્યુટી એજ્યુકેશનલ ઇન્સ્પેક્ટર તરીકે નિમાયા. ૧૮૮૫ થી ભાવનગરની શામળદાસ કૉલેજના સંસ્કૃતના પ્રાધ્યાપક રહ્યા હતા. માંદગીને કારણે ૧૮૮૮માં ત્યાંથી નિવૃત્ત થઇને ડિસેમ્બર ૧૮૯૩થી જુલાઈ ૧૮૯૫ સુધી વડોદરા રાજ્ય તરફથી શરૂ કરાયેલા પ્રાચ્યવિદ્યા વિભાગના અધ્યક્ષ રહ્યા હતા.[]

મણિલાલ પોતાની આત્મકથા આત્મવૃત્તાન્તમાં નોંધે છે કે તેમણે કૉલેજકાળ દરમિયાન એકથી વધુ વખત વેશ્યાઓ સાથે સંબંધ બાંધ્યો હતો. આને પરિણામે તેમને ઉપદંશનો રોગ થયો હતો. જીવનભર આ વ્યાધીથી પીડાયા બાદ ૧ ઓક્ટોબર ૧૮૯૮ના રોજ નડીઆદ ખાતે ૪૦ વર્ષની ઉંમરે તેમનું અવસાન થયું હતું.[][]

 
મણિલાલ દ્વિવેદી કૃત ગઝલ 'અમર આશા', તેમના હસ્તાક્ષરમાં

મણિલાલની સાહિત્યિક કારકિર્દી તેમને ૧૮૭૬માં લખેલ 'શિક્ષાશતક' કાવ્યથી શરુ થઈ અને તેમના મૃત્યુ પર્યન્ત ચાલુ રહી હતી.[] તેઓ ધ્યેયલક્ષી સાહિત્યકાર હતા. પોતે સ્વીકારેલ જીવનકાર્યને વ્યાપક મૂર્તતા આપવાવાના ઉદ્દેશથી તેમણે લેખનપ્રવૃત્તિ હાથ ધરી હતી. એટલે તેમનાં ઘણાંખરાં લખાણો તેમની અભેદ (અદ્વૈત) ફિલસૂફીથી કોઈને કોઈ રીતે અંકિત થયેલા છે.[]


મણિલાલની લેખનપ્રવૃત્તિ સંસ્કારલ્ક્ષી હતી. કોલેજમાં હતા તે દરમ્યાન તેમણે પાશ્ચાત્ય સુધારકો તથા તત્ત્વચિંતકોનાં ઇતિહાસ અને ફિલસૂફીનાં પુસ્તકો વાંચ્યા હતા. એનાથી તેમના મનનું સમાધાન ન થવાથી તેઓ 'બ્રહ્મસૂત્ર', 'પંચદશી', 'શારીરક' વગેરે વેદાન્તના ગ્રંથો વાંચવા તરફ પ્રેરાયા. એલ્ફિન્સ્ટન કૉલેજના વિદ્વાન શાસ્ત્રી ભીમાચાર્ય ઝળકીકર પાસે 'સર્વદર્શનસંગ્રહ'નો અભ્યાસ કર્તો, જેને પરિણામે શંકરાચાર્યના અદ્વૈત વેદાંત પર તેમની શ્રદ્ધા બેઠી હતી.[]

સામાન્ય ગુજરાતી સમાજ, સુધરેલો ગણાતો શિક્ષિત સમુદાય અને પશ્ચિમના વિદ્વાનો-એ ત્રણ વર્ગને ઉદ્દેશીને એમણે કરેલાં ધર્મતત્ત્વ-વિષયક લખાણોના પણ ત્રણ વિભાગ પડે : ધર્મતત્ત્વની એટલે કે અદ્વૈતસિદ્ધાંતને આધારે મનુષ્ય-જીવનનાં હેતુ અને કર્તવ્યની સાદી પણ શાસ્ત્રીય સમજ આપતા સુદર્શન અને પ્રિયવંદામાંના લેખો; સુધારાની સામે આર્યધર્મ ને ફિલસૂફીનો સબળ પક્ષવાદ કરતા એ જ પત્રોમાંના લેખો તથા 'સિદ્ધાંતસાર'; વેદ, ઉપનિષદો તથા પુરાણોનો રહસ્યસ્ફોટ કરીને પ્રાચીન ભારતીય સંસ્કૃતિની સર્વોપરી શ્રેષ્ઠતા સિદ્ધ કરવા મથતાં એમનાં અંગ્રેજી લખાણો. સુદર્શન ગદ્યાવલિ (૧૯૧૯) એ ઉક્ત ત્રણે વિષયો પરના ગુજરાતી નિબંધોનો બૃહત્ સંગ્રહ છે. અહીં વેદાન્તસાધ્યને એમણે 'પ્રેમ' કે 'અભેદ' એવું નામ આપ્યું છે. પ્રેમ કે અભેદ એટલે ફિલસૂફીના આચાર અને વિચારની એકતા સાધનારું ક્રિયાપ્રેરક બળ. શંકરાચાર્યે અદ્વૈતના અનુભવનો આનંદ કહ્યો તેને મણિલાલે પ્રવૃત્તિપ્રેરક જીવનબળ તરીકે ઉપસાવી આપ્યો શાંકરસિદ્ધાંતના વિકાસમાં એમનું આ વિશિષ્ટ પ્રદાન છે. જોકે, ઉદ્દેશની એકલક્ષિતાને લીધે એમના સિદ્ધાંતનિરૂપણમાં તર્કશૈથિલ્ય, અસંગતિ, એકપક્ષી સમર્થન વગેરે દોષો આવ્યા છે. એમનાં લખાણોમાં વિચાર અને વાણીનું સામંજસ્ય છે. સ્વયમેવ સ્ફુરતા વિચારોને સુનિશ્ચિત આકૃતિવાળા નિબંધમા વહેતા કરવાની કુશળતા એમને સહજસિદ્ધ છે. એમના નિબંધોમાં ગદ્યનું સુઘટ્ટ પોત અને વેધક તેજ પ્રતીત થાય છે.

એમણે વડોદરાનરેશની આજ્ઞાથી આઠ મહિના પાટણમાં રહીને ત્યાંના ગ્રંથભંડારોની તપાસ કરેલી, તેનો ૨,૬૧૯ હસ્તલિખિત પુસ્તકોની વર્ગીકૃત સૂચિ સહિત વિસ્તૃત સંશોધનાત્મક હેવાલ વડોદરા રાજ્ય તરફથી ‘પ્રસિદ્ધ જૈન પુસ્તક મંદિરસ્થ હસ્તલિખિત ગ્રંથાનામ્ ક્રમપ્રદર્શક પત્રમ્’ (૧૮૯૬) એવા લાંબા શીર્ષકથી પ્રસિદ્ધ થયેલો, કે જેના આધારે રાજ્ય તરફથી પ્રાચ્યવિદ્યામંદિર અને ગાયકવાડ ઓરીએન્ટલ સીરીઝ નામની ગ્રંથમાળાની સ્થાપના થયેલી. આ સંસ્થા માટે એમણે ૧૭ હસ્તલિખિત સંસ્કૃતગ્રંથોનું ભાષાંતર સહિત સંપાદન કરેલું, જેમાં 'સમાધિશતક', 'ભોજપ્રબંધ', 'તર્કભાષા', 'શ્રી દ્વયાશ્રય મહાકાવ્ય', 'ષડ્દર્શન સમુચ્ચય', 'યોગબિન્દુ', 'કુમારપાલચરિત' વગેરે મુખ્ય છે. એમણે 'રામગીતા', 'હનુમન્ નાટક', 'મહાવીરચરિત', 'સમરાદિત્યચરિત'ના ગુજરાતી અનુવાદ કરેલા છે, જે અદ્યાપિ અપ્રગટ છે. 'તર્કકૌમુદી', 'યોગસૂત્ર', 'જીવન્મુક્તિ વિવેક', 'સમાધિશતક' અને 'માંડુક્યોપનિષદ'નાં એમણે તૈયાર કરેલાં અંગ્રેજી ભાષાંતર-સંપાદન પ્રસિદ્ધ થયાં છે. બોમ્બે સંસ્કૃત સીરીઝ માટે એમણે કરેલું 'સ્યાદવાદ મંજરી'નું અંગ્રેજી ભાષાંતર-સંપાદન અધૂરું રહેલું, જે પાછળથી આનંદશંકર ધ્રુવે પૂરું કરેલું અને તે ૧૯૩૩માં પ્રસિદ્ધ થયેલું.

સુદર્શન ગદ્યાવલિ (૧૯૧૯) એ મણિલાના, સુદર્શન અને પ્રિયંવદામાં પ્રગટ થયેલા નિબંધોનો સંગ્રહ. એમાં ધર્મ, ગૃહ, રાજ્ય, સાહિત્ય, કલા એમ લગભગ તમામ ક્ષેત્રોના મહત્ત્વના વિષયોની તાત્ત્વિક તેમ જ વ્યાવહારિક વિચારણા છે. આ નિબંધોમાં થયેલી વિચારણા અને તેથી ચાલેલા વિવાદોને લીધે ગુજરાતી ગદ્યની શાસ્ત્રીય ચર્ચાની ક્ષમતા ઘડાઈ હતી એ કારણે આ ગ્રંથ 'ગુજરાતી સાહિત્યનો સર્વોત્તમ નિબંધભંડાર' ગણાયો છે અને એના લેખકને અર્વાચીન યુગના ત્રણ શ્રેષ્ઠ નિબંધકારોમાં સ્થાન મળ્યું છે.

સાહિત્યિક કૃતિઓ

ફેરફાર કરો

વિદ્યાર્થીકાળમાં છંદ અને પ્રાસના વ્યાયામરૂપે દલપતશૈલીએ કરેલી 'શિક્ષાશતક'માંની રચનાઓ તથા નાટકોની પદ્યરચનાઓ ઉપરાંત એમણે છુટક પદ્યો રચેલાં, તેમાં ગઝલો, ગીતો, ભજનો અને વૃત્તબદ્ધ રચનાઓનો સમાવેશ થાય છે. હૃદયરોધક અનુભવ, મધુર લય, અર્થપૂર્ણ કાવ્યબાની અને પદ્યપ્રભુત્વ એ એમના કાવ્યસંગ્રહ 'આત્મનિમજજન' (૧૮૯૫)ની કવિતામાં પ્રમુખ ગુણલક્ષણો છે.

તેમણે લૉર્ડ લિટનની 'ઝેનોની' નામની અધ્યાત્મરસિક અને રહસ્યપ્રધાન નવલકથાનું ગુજરાતીમાં ભાષાંતર 'ગુલાબસિંહ' (૧૮૯૭) નામે કરેલું છે, જે તેમણે પ્રબોધેલ ચૈતન્યવાદનું સમર્થન કરે છે.[]

૧૮૮૨માં પ્રગટ થયેલ કાન્તા નાટક મણિલાલની પહેલી સાહિત્યકૃતિ છે. જયશિખરી-સુરપાળ-ભુવડના ઐતિહાસિક વૃત્તાંતમાં કલ્પના અને સ્વાનુભવ મિશ્રિત કરીને એમણે આ નાટકના વસ્તુની ગૂંથણી કરેલી છે. નાન્દી-પ્રસ્તાવના કે ભરતવાક્ય વિનાનું, કરુણ અંતવાળું, પાશ્ચાત્ય પદ્ધતિનું નાટક રચવાનો આ પ્રયત્ન છે. સુરસેન-કાન્તાનું મધુર દામ્પત્ય દર્શાવતો આરંભનો પ્રસંગ અનેક વિપત્તિઓમાં પલટાતો જઈને છેવટે કાન્તા-સુરસેનના ચિતાપ્રવેશ રૂપે પર્યવસાન પામે છે. નાટકની ક્રિયા સાથે તાલ લેતા પાત્રના મનોવેગનું આકર્ષક નિરૂપણ, જીવંત પાત્રચિત્રણ અને કવિતાના સમુચિત ઉપયોગ દ્વારા થતી રસનિષ્પત્તિને કારણે જ, વસ્તુસંકલના શિથિલ અને સંવાદો દીર્ઘસૂત્રી હોવા છતાં, રમણભાઈ નીલકંઠે કાન્તાને છેક ૧૯૦૯ સુધીના ગુજરાતી નાટ્યસાહિત્યમાં 'એક જ આશ્વાસનસ્થાન' તરીકે બિરદાવ્યું છે.

આત્મનિમજ્જન (૧૯૫૯) મણિલાલનો કાવ્યસંગ્રહ છે, જેમાં ભજનો, ગીતો, ગઝલો અને વૃત્તબદ્ધ રચનાઓ મળીને કુલ પંચાવન કૃતિઓ છે. મણિલાલની કવિતાના મૂળમાં એમના અંગત જીવનના તીવ્ર આઘાતજનક અનુભવો રહેલા છે. ગીતો અને ગઝલોમાં બુદ્ધિ અને હૃદયના ઉદાત્ત સમન્વયરૂપ અધ્યાત્મ-અનુભવ ધ્યાન ખેંચે છે. એ દ્રષ્ટિએ 'ગગને આજ પ્રેમની ઝલક' અને 'દ્દગ રસભર' જેવાં ગીતો તથા 'અમર આશા', 'કિસ્મત' અને 'આ જામે ઈશ્કમાં' જેવી ગઝલો ઉત્તમ છે. શિષ્ટતા, રસિકતા, અર્થલક્ષિતા, સુવાચ્યતા અને અર્થપ્રેરકતા એ વૃત્તબદ્ધ રચનાઓનાં મુખ્ય લક્ષણો છે.

આત્મવૃત્તાન્ત એ મણિલાલનું આત્મચરિત્ર છે. મણિલાલના મૃત્યુના ૮૦ વર્ષ પછી ધીરુભાઈ ઠાકર દ્વારા સંપાદિત થઈ તે ૧૯૭૯માં પ્રગટ થયું હતું. ધીરુભાઈએ આ વૃત્તાન્તને '(એક) લેખક, ચિંતક, પંડિત અને અધ્યાત્મપ્રેમી લોકશિક્ષક તરીકે ખ્યાતિ પામેલા જીવનવીરે વ્યાધિ, કુસંગ અને અતૃપ્ત પ્રેમતૃષાને કારણે અદમ્ય બનેલી પ્રકૃતિની સામે ચલાવેલા યુદ્ધની દારુણ કથા' તરીકે ઓળખાવ્યું છે.

અનુવાદો

ફેરફાર કરો

મણિલાલે ભવભૂતિના નાટકો 'માલતીમાધવ' અને 'ઉત્તરરામચરિત' નો ગુજરાતીમાં અનુવાદ કરેલ છે, જે અનુક્રમે ૧૮૮૦માં અને ૧૮૮૨માં પ્રકાશિત થયાં હતાં.[] તેમણે 'શ્રીમદ્ ભગવદ્ ગીતા'નો ભાષ્યસહિત ગુજરાતી અનુવાદ ૧૮૮૪માં પ્રકાશિત કરેલો. આ અનુવાદમાં ભાષાંતર આપવા ઉપરાંત તેમણે રામાનુજાચાર્ય, વલ્લભાચાર્ય, મધ્વાચાર્યના ગીતાભાષ્યો સાથે શંકરાચાર્ય, મધુસૂદન સરસ્વતી, આનંદગિરિ, શ્રીધર અને સદાનંદની ટીકાઓની પરસ્પર તુલના દ્વારા પોતાને થયેલ નિશ્ચયો સમજાવવાની યોજના કરેલી છે.[] તેમણે નિશ્ચલદાસરચિત હિન્દી ગ્રંથ 'વૃત્તિપ્રભાકર'નો ગુજરાતી અનુવાદ કર્યો હતો જે તેમના મૃત્યુ પછી ૧૯૦૫માં પ્રગટ થયો હતો. 'વૃત્તિપ્રભાકર'ના છેલ્લાં ૨૪ પાનાં (પૃ. ૩૩૭–૩૬૦)નો અનુવાદ તનસુખરામ ત્રિપાઠીએ કરેલો અને તેની પ્રસ્તાવના પણ તેમણે લખેલી. આ ઉપરાંત મણિલાલે 'હનુમન્ નાટક', 'રામગીતા', 'ચતુ:સૂત્રી' અને ભવભૂતિના નાટક 'મહાવીરચરિત'નો અનુવાદ કરેલ છે, જેમાંથી ' હનુમન્ નાટક', 'રામગીતા' અને 'મહાવીરચરિત' અપ્રગટ છે.[૧૦]

અંગત જીવન

ફેરફાર કરો
 
મણિલાલના જન્મસ્થળે લગાડવામાં આવેલ તકતી

મણિલાલનું અંગતજીવન અને આંતરિકજીવન અનેક પ્રકારની વિષમતાઓથી ભરેલું હતું. તેમનું કુટુંબજીવન તેમજ લગ્નજીવન અનેક અણબનાવોમાંથી પસાર થયું હતું.[૧૧] તેઓ ચોથા ધોરણમાં હતા ત્યારે તેમણે ૧૩ અથવા ૧૪ વર્ષની ઉંમરે ચાર વર્ષની ફૂલી ઉર્ફે મહાલક્ષ્મી સાથે લગ્ન કર્યું હતું. તેમના પ્રથમ પુત્રનો જન્મ ૧૮૮૨માં, જ્યારે બીજા પુત્રનો જન્મ ૧૮૮૭માં થયો હતો. પરંતુ, આ લગ્નજીવન ખૂબ કરૂણ રીતે નિષ્ફળ નિવડ્યું હતું. મણિલાલના જીવનચરિત્રમાં ધીરુભાઈ ઠાકર નોંધે છે તેમ મણિલાલના જીવનની કરુણતાનું મુખ્ય કારણ તેમનું સર્વથા નિષ્ફળ નીવડેલું લગ્નજીવન હતું. પત્ની અને સ્વજનો તરફથી પ્રેમ ન મળવાને લીધે તેમજ તેમની પ્રેમ માટેની તરસ અતૃપ્ત રહેવાને લીધે તેમણે અનેક સ્ત્રીઓ સાથે સંબંધ બાંધ્યા હતા. આમાંથી અમુક સંબંધો બાંધવા પાછળ કામવાસનાને તૃપ્ત કરવાની વૃત્તિ પણ હતી.[૧૨] તેમણે એક કરતા વધુ વેશ્યાઓ, મિત્રની પત્ની, મિત્રની પુત્રી, પડોશમાં રહેતી સ્ત્રીઓ, પત્નીની માસી, નોકરીની અપેક્ષાએ આવેલ સ્ત્રી તેમજ શિષ્યની પત્ની એમ અનેક સ્ત્રીઓ સાથે શરીરસંબંધો બાંધ્યા હતા.[૧૩]

"મારી જિંદગીની મુખ્ય શોધ કોઈ શુદ્ધ પ્રેમસ્થાન મેળવવા તરફ હતી. તેવું સ્થાન સ્ત્રી મળે ને તે વળી પોતાની પરણેલી હોય તો ઘણું શ્રેષ્ઠ એમ હું માનતો. પણ વ્યર્થ! સ્ત્રીના અભાવે કોઈ પુરુષની સાથે ખરો પ્રેમ બંધાય તો તે પણ મને ઈષ્ટ હતો. આ જ કારણથી હું મિત્રોની વ્યવસ્થા વારંવાર કર્યાં જતો ને બને તેટલી રીતે મારા મિત્રો મારા પર એકપ્રેમ રાખે તેવો પ્રયત્ન આચરતો. પ્રેમનું સ્વરૂપ હું એક પ્રકારનો આનંદમય તથા પોતાપણું ભૂલી પારકામાં તન્મય થવાય એવો અભેદ માનતો. મારું વય સમજવાળું થયા પછી હું કોઈ કોઈ સ્ત્રીઓના સંબંધમાં આવ્યો હોઇશ, તે પણ આવી શોધના ઇરાદાથી, વિષયવાસનાથી નહિ. પણ સ્ત્રી પુરુષ ઉભય પક્ષે મને મારી ઇચ્છા મુજબ ફલ મળ્યું નહિ, ને એ પ્રેમ અંતે વિરાગરૂપે પરિણામ પામ્યો..."

— મણિલાલ દ્વિવેદી, આત્મવૃત્તાંત (૧૯૭૯)[૧૪]

વ્યક્તિત્ત્વ

ફેરફાર કરો

મણિલાલના ચરિત્રકાર ધીરુભાઈ ઠાકર નોંધે છે કે, "મણિલાલનું વ્યક્તિત્વ આકર્ષક હતું. તેઓ મધ્યમ બરની લાંબી કાયા, ગૌર વર્ણ, વિશાળ તેજસ્વી ભાલપ્રદેશ, વેધક આંખો, લંબગોળ ચહેરો, શાન્ત ગંભીર અને પ્રતાપી મુખમુદ્રા ધરાવતા હતા. તેઓ કસબી કિનારનું પાની ઢંકાય તેમ ધોતિયું, લાલ અમદાવાદી પાઘડી અને લાંબા કોટ ઉપર ખેસ પહેરતા હતા". ધીરુભાઈ આગળ નોંધે છે કે, "મણિલાલની વિદ્ધતાથી આકર્ષાઈને પરદેશી વિદ્ધાનો તેમને મળવા માટે નડિયાદ આવતા. ૧૮૯૨માં સ્ટર્ડી અને બરટ્રામ કિટલી નામના થિયોસોફિસ્ટ વિદ્વાનો નડિયાદ આવીને તેમની સાથે રહી ગયા હતા. એ જ વર્ષમાં સ્વામી વિવેકાનંદે નડિયાદની મુલાકાત લીધેલી ત્યારે તેઓ મણિલાલને મળેલા અને તેમને સાષ્ટાંગ દંડવત્ પ્રણામ કરેલા.[૧૫]

સંદર્ભો

ફેરફાર કરો
  1. ઠાકર ૧૯૮૦, p. ૩.
  2. ઠાકર ૧૯૮૦, pp. ૩–૪.
  3. ૩.૦ ૩.૧ ૩.૨ ઠાકર, ધીરુભાઈ (૧૯૯૭). "દ્વિવેદી, મણિલાલ નભુભાઈ". માં ઠાકર, ધીરુભાઈ (સંપાદક). ગુજરાતી વિશ્વકોશ. ખંડ ૯ (પ્રથમ આવૃત્તિ). અમદાવાદ: ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ. પૃષ્ઠ ૫૨૬–૫૨૮. OCLC 248969185.
  4. ઠાકર ૧૯૮૦, p. ૧૦.
  5. વ્યાસ, રજની (2012). ગુજરાતની અસ્મિતા (5th આવૃત્તિ). અમદાવાદ: અક્ષરા પ્રકાશન. પૃષ્ઠ ૧૮૬. OCLC 650457017.
  6. Chavda, Vijay Singh (1980). "The 19th Century Social Reform in Gujarat: A Contemporary Evaluation". Proceedings of the Indian History Congress. 41: 733. JSTOR 44141900.(લવાજમ જરૂરી)
  7. ઠાકર, ધીરુભાઈ (1972). પ્રતિભાવ (દસ વિવેચનલેખો). અમદાવાદ: ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય. પૃષ્ઠ ૧૭૨. OCLC 40459815.
  8. ઠાકર ૧૯૮૦, p. ૭૨.
  9. ઠાકર ૧૯૮૦, p. ૨૭.
  10. ઠાકર ૧૯૮૦, p. ૬૦.
  11. ઠાકર, ધીરુભાઈ (October 2005) [1957]. મણિલાલ નભુભાઈ: જીવનરંગ. અમદાવાદ: ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય. પૃષ્ઠ 76. OCLC 81126946.
  12. ઠાકર ૧૯૮૦, pp. ૧૧–૧૪.
  13. સુહ્રદ, ત્રિદીપ (April–June 1999). ઝવેરી, મંજુ (સંપાદક). "પ્રેમ, મોક્ષ અને કામ : મણિભાઈ નભુભાઈ અને સ્વધર્મનો હ્રાસ". ફાર્બસ ગુજરાતી સભા ત્રૈમાસિક. મુંબઈ: ફાર્બસ ગુજરાતી સભા. 64 (2): 78. OCLC 1774475.CS1 maint: date format (link)
  14. ઠાકર ૧૯૮૦, p. ૧૪.
  15. ઠાકર ૧૯૮૦, p. ૬૯.
  • ઠાકર, ધીરુભાઈ (1980). મણિલાલ નભુભાઈ. ગુજરાતી ગ્રંથકાર શ્રેણી (1st આવૃત્તિ). અમદાવાદ: કુમકુમ પ્રકાશન. OCLC 8430309.CS1 maint: ref=harv (link)
  • Thaker, Dhirubhai (1983). Manilal Dwivedi. Makers of Indian Literature. New Delhi: Sahitya Akademi. OCLC 10532609.CS1 maint: ref=harv (link)

પૂરક વાચન

ફેરફાર કરો

બાહ્ય કડીઓ

ફેરફાર કરો