રમેશ સુમંત મહેતા

ગુજરાત, ભારતના પર્યાવરણવિદ્, શિક્ષણવિદ્ અને સેનિટરી એન્જિનયર

રમેશ સુમંત મહેતા (૨૭ ડિસેમ્બર ૧૯૦૬ – ૧૯૯૮) ભારતીય શિક્ષકવિદ્ અને પર્યાવરણય અને સેનિટરી એન્જિનિયર હતા. સામાજિક કાર્યકર માતા-પિતાને ત્યાં જન્મેલા રમેશ સુમંત મહેતાએ સિવિલ અને સેનિટરી એન્જિનિયરિંગમાં શિક્ષણ મેળવ્યું હતું. તેમણે ભારતમાં પાણી પુરવઠા, ડ્રેનેજ, કચરાના વ્યવસ્થાપન અને પ્રદૂષણ નિયંત્રણના ક્ષેત્રમાં અગ્રણી કાર્ય કર્યું હતું. સલાહકાર તરીકેના કાર્યક્ષેત્રની સાથે-સાથે તેમણે ઘણી શૈક્ષણિક સંસ્થાઓમાં વિવિધ સેવાઓ આપી હતી.

રમેશ સુમંત મહેતા
જન્મની વિગત(1906-12-27)27 December 1906
મૃત્યુ1998(1998-00-00) (ઉંમર 91–92)
શિક્ષણબેચલર ઇન સિવિલ એન્જિનિયરીંગ
માસ્ટર્સ ઇન સેનિટરી એન્જિનિયરીંગ
શિક્ષણ સંસ્થાયુનિવર્સિટી ઓફ બોમ્બે
કોર્નેલ યુનિવર્સિટી
વ્યવસાયપર્યાવરણ-સેનિટરી એન્જિનિયર, શિક્ષણવિદ્
જીવનસાથી
પુષ્પા ભટ્ટ (લ. 1940)
માતા-પિતા

પ્રારંભિક જીવન

ફેરફાર કરો

રમેશ મહેતાનો જન્મ ૨૭ ડિસેમ્બર ૧૯૦૬ના રોજ અમદાવાદ ખાતે સામાજિક કાર્યકર માતા-પિતા: સુમંત અને શારદા મહેતાના ઘરે થયો હતો.[] તેમણે તેમનું શાળાકીય શિક્ષણ અમદાવાદ, બરોડા (હાલ વડોદરા) અને કરાચીમાં પૂર્ણ કર્યું. તેઓ ૧૯૩૧માં બોમ્બે યુનિવર્સિટીમાંથી સિવિલ એન્જિનિયરિંગમાં સ્નાતક થયા અને ૧૯૩૩માં કોર્નેલ યુનિવર્સિટી,[] સેનિટરી એન્જિનિયરિંગમાં અનુસ્નાતકની પદવી મેળવી.

તેમણે ૧૯૪૦માં પુષ્પા ભટ્ટ સાથે લગ્ન કર્યા હતા.[]

કારકિર્દી

ફેરફાર કરો

તેઓ ૧૯૩૩માં ભારત પરત ફર્યા અને સેનિટરી એન્જિનિયર તરીકે ડંકન સ્ટ્રેટન નામની કંપનીમાં જોડાયા. ૧૯૩૬માં, ભાવનગર રાજ્ય દ્વારા તેમને વોટરવર્કસ એન્જિનિયર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા જ્યાં તેમણે પાણી સંગ્રહ અને શુદ્ધિકરણ પ્રોજેક્ટ અમલમાં મૂક્યો હતો. ૧૯૪૫માં, તેમને ઇમ્પ્રૂવમેન્ટ ટ્રસ્ટ દ્વારા નાગપુરમાં મુખ્ય સેનેટરી એન્જિનિયર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા, જ્યાં તેમણે પાણી પુરવઠા અને નિકાલ પદ્ધતિ અમલમાં મૂકી હતી.[]

૧૯૪૭માં ભારતની સ્વતંત્રતા પછી, તેઓ ભારતના ગૃહ પ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલના આમંત્રણ પર એન્જિનિયર, સચિવ અને સલાહકાર તરીકે વોટર સીવેજ બોર્ડ, નવી દિલ્હીમાં જોડાયા હતા. તેમણે વિવિધ જાહેર આરોગ્ય ઇજનેરી પ્રકલ્પોમાં સરકાર દ્વારા નિયુક્ત સલાહકાર તરીકે પણ સેવા આપી હતી. ૧૯૫૮માં, તેઓ દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ચીફ એન્જિનિયર તરીકે જોડાયા અને ભારતમાં સૌથી મોટી મ્યુનિસિપલ ડ્રેનેજ સિસ્ટમ અમલમાં મૂકી.[] તેઓ ભારત સરકાર અને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) દ્વારા નિયુક્ત પ્રદૂષણ નિયંત્રણ અને જળ વ્યવસ્થાપન પરની નિષ્ણાત સમિતિના સભ્ય હતા.[]

૧૯૬૧માં, તેઓ કાઉન્સિલ ઓફ સાયન્ટિફિક એન્ડ ઈન્ડસ્ટ્રીયલ રિસર્ચ (CSIR)ની નેશનલ એન્વાયર્નમેન્ટલ એન્જિનિયરિંગ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ (NEERI)ના પ્રથમ ડિરેક્ટર તરીકે નિયુક્ત થયા. સરકારી સેવામાંથી નિવૃત્તિ પછી, WHO તરફથી નૈરોબી, કેન્યામાં પર્યાવરણીય એન્જિનિયરિંગના પ્રોફેસર તરીકે સેવા આપી હતી.[] તેમણે ૧૯૭૦થી ૧૯૭૪ દરમિયાન ગુજરાતમાં સરદાર પટેલ યુનિવર્સિટીના કુલપતિ તરીકે સેવા આપી હતી.[][] તેઓ બિરલા વિશ્વકર્મા મહાવિદ્યાલય, વલ્લભ વિદ્યાનગરના પર્યાવરણ ઈજનેરી વિભાગ સાથે પણ સંકળાયેલા હતા. તેમણે બાંગ્લાદેશમાં પર્યાવરણ સલાહકાર તરીકે પણ સેવા આપી હતી.[]

૧૯૭૫માં, તેઓ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના પ્રથમ અધ્યક્ષ તરીકે નિયુક્ત થયા.[] તેમણે તેમના કાર્યકાળ દરમિયાન વડોદરા, ભરૂચ, રાજકોટ અને વાપીમાં સંશોધન પ્રયોગશાળાઓની સ્થાપના કરી, ઘન કચરા વ્યવસ્થાપન અને રિસાયક્લિંગમાં તકનીકોની શોધ કરી અને ઘણા સંશોધન પત્રો લખ્યા. તેમને ઈન્ડિયન વોટર વર્કસ એસોસિએશનના પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.[]

તેઓ સાબરમતી આશ્રમના સફાઈ વિદ્યાલય સાથે પણ સંકળાયેલા હતા, જે સ્વચ્છતા શિક્ષણના ક્ષેત્રમાં સક્રિય છે. તેમણે અમદાવાદમાં શેઠ સી. એન. વિદ્યાલય અને અન્ય શૈક્ષણિક સંસ્થાઓનું સંચાલન કરતા ટ્રસ્ટના અધ્યક્ષ તરીકે પણ સેવા આપી હતી.[]

ઇ.સ. ૧૯૯૮માં તેમનું અવસાન થયું હતું.[]

  1. ૧.૦૦ ૧.૦૧ ૧.૦૨ ૧.૦૩ ૧.૦૪ ૧.૦૫ ૧.૦૬ ૧.૦૭ ૧.૦૮ ૧.૦૯ ૧.૧૦ ૧.૧૧ ૧.૧૨ પરીખ, દિનેશ (જાન્યુઆરી ૨૦૦૨). ઠાકર, ધીરુભાઈ (સંપાદક). ગુજરાતી વિશ્વકોશ. XV (૧લી આવૃત્તિ). અમદાવાદ: ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ. પૃષ્ઠ ૫૨૭–૫૨૮. OCLC 248968453.
  2. "Honorable Vice Chancellors of the Sardar Patel University". www.spuvvn.edu. મૂળ માંથી 2018-06-17 પર સંગ્રહિત. મેળવેલ 2019-02-23.

બાહ્ય કડીઓ

ફેરફાર કરો