શ્રી નાથજીદાદા - દાણીધાર

શ્રી નાથજીદાદાની જગ્યા - દાણીધાર માં જે ૧૨ સમાધી આવેલી છે, તેમાનાં એક સંત એટલે શ્રી નાથજીદાદા. તેમણે આ જગ્યામાં ઘણુ તપ કર્યુ અને સિધ્ધ થયા અને અન્નક્ષેત્ર ચાલુ કર્યુ જે આજે પણ ચાલુ છે.

શ્રી નાથજીદાદા - દાણીધાર

સૌરાષ્ટ્ર માં વસતા ગુર્જર રાજપૂત મુળ રાજસ્થાન નાં વતની હતાં. બારમી સદી પછી દિલ્હી ની સતા ગુમાવ્યા બાદ રાજસ્થાનમાં વસતા રાજપૂતોનાં ઘણાં સ્ટેટ ઉપર સતા પલટો થયો હતો, જેથી ત્યાંથી આઝાદી પ્રિય રાજપુતોનાં ઘણા કુંટુમ્બોએ વેદના સાથે પોતાના વતનથી હિજરત કરી હતી. તે સમયે ગુજરાત માં આવ્યા અને ત્યાર પછી થોડા સમય બાદ કચ્છ માં રહીને પરિસ્થિતી અનુકુળ ન આવતા સૌરાષ્ટ્ર માં આવીને અલગ અલગ સ્થળ પસંદ કરીને વસ્યા. આમ કાલાવડ તાલુકાનાં મુળીલા ગામમાં ગુર્જર રાજપૂત કુળના ચૌહાણ શાખનાં શ્રી નાથજીદાદાના પુર્વજો વસ્યા હતા. આ કુળમાં સંઘજીબાપુ થયાં, જે દાનેશ્વરી અને આઝાદીપ્રિય ક્ષત્રિય રાજપૂત હતાં અને ઉચ્ચ રાજપૂતી જીવન જીવતા હતાં તેમજ તે પંથકમાં શૌર્ય, દાનેશ્વર અને અન્નદાતા તરીકે ખુબજ વિખ્યાત હતાં. આ માટે જ સવારથી સાંજ સુધી ગરીબ અને દુ:ખીયાઓની કતારો તેમને ત્યાં જામતી હતી, તે સમયે આ વાતની જાણ રાજકોટ તથા ગોંડલ ના નરેશોને થતાં તેઓએ રૂબરૂ મુલાકાત લઇ ખાત્રી કરેલ હતી અને તેમની પ્રશંસા કરેલ હતી. તેમજ શ્રી નાથજીદાદાના માતાનું નામ સોમબા હતું, તે પણ ગંગા સમાન ઉદાર ચરિત્ર અને ગુણવાન હતાં. જે પોતાના પતિની દૈનિક પ્રવ્રૂતિમાં શાક રોટલા રાંધીને મદદ કરતા હતાં. આમ ભકિતમય જીવન પસાર કરતા કરતા તેમને ત્યાં લગભગ વિક્રમ સંવત ૧૫૭૯ ની આસપાસ ના સમયે શ્રી નાથાજી નો જન્મ થયો હતો.

આમ માતા પિતાના ઉમદા ગુણો નાથાજીમાં જન્મથી જ જડાયેલા. તેમજ નાથાજીને બાળપણ માં જીવુભા તથા ભાવુભા જેવા શુરા અને ટેકીલા રાજપૂતોની મિત્રાચારી થયેલ એટલે સોનામાં સુગંધ મળે તેમ નાથાજીના હદયમાં પડેલ પિતાના ભવ્ય સંસ્કારો અને ઉચ્ચ મિત્રોનાં સંગાથે પોતાનુ બાળપણ ઉજ્જવળ બનેલ. આવા પવિત્ર વાતાવરણમાં નાથાજીમાં દાનેશ્વરીના અને શુરવીરતાના ગુણો કુદરતી જ ઉતરેલા જેથી બાળપણથી જ શુરવીરતાની રમતો રમતા હતા. જેમ જેમ મોટા થતા ગયા તેમ તેમ જીવી જાણવાની ઇચ્છા જાગવા લાગી. નાથાજી બાળપણ થી જ ઘોડેસવારી, તલવારબાજી અને દોડવાની રમતોમાં ખુબજ ચપળ હતા. દરરોજ મિત્રો સાથે બાળપણ ની વાતો, ઘેરથી મળેલી સંતોની અને શુરાની વાતો કરતા અને આમ બાળમિત્રોની ટોળી જામવા લાગી.

યુવાની કાળ

ફેરફાર કરો

આમ મુળીલા ગામમાં પિતા સંઘજીબાપુ ચૌહાણ પાસે ૨૦ સાંતિની જમીન હતી, બધી વાતે સુખ હતું એટલે કે રાજકુંવરની જેમ ઉછરવા લાગ્યા. ઘેર ગવાતા ભજન યાદ રહે તેવા ભજનો તે પોતાના મિત્રોને સંભળાવતા રહેતા. આમ ઘરનાં સંસ્કારો પોતાનામાં ઉતરવા લાગ્યા હતાં. ઘણીવાર પોતાના મિત્રોને કહેતા કે શું કરવું હવે મને હથિયાર વાપરવાનો શોખ છે, પણ પિતા હથિયાર અડવા દેતા નથી અને આવેસમાં લાકડી ને હથીયાર ગણીને લડવા માટે તૈયાર થઈ જતાં. આમ પણ નાનપણથી જ તેમનું શરીર ઘણુંજ ખડતલ અને મજબુત હતું.

આમ સમય જતાં નાથાજીની ઉમંર પંદર સોળ વર્ષની થઈ હતી તે સમયે જ તેમના પિતાએ નાથાજી માટે સારી કન્યાની શોધ કરવા પ્રયત્નો શરૂ કર્યા. પરંતું નાથાજીને પરણવાની ઇચ્છા ન હતી અને બાળબ્રહ્મચારી રહેવું હતું અને કંઇક કરી છુટવાની તમન્ના હતી. પરંતું તેના પિતાની ઇચ્છા કંઇક જુદી જ હતી. આમ છતા એક દિવસ પોતાના પિતાને કહ્યુ કે, પિતાજી હું કયારેય લગ્ન કરવાનો નથી માટે તમે ખોટા પ્રયત્નો ન કરશો. આવા વાકયો સાંભળી પિતાને થોડુ દુ:ખ થયું. પણ પછીથી સંમંતિ આપી કે જેવી તારી ઇચ્છા. આમ એક ઉપાદી માંથી મુકત થયાં પછી તો દરરોજ ઘોડેસવારી, તલવારબાજી વગેરે સાહસિક રમતો રમતા હતાં. હવે નાથાજીને કંઇક જીવી જાણવાના સપના આવવા લાગ્યા અને તેમાંય પોતાના મિત્રો જીવુભા અને ભાવુભાનો સહકાર મળવા લાગ્યો હતો.

એક દિવસ નાથાજીને સૈનિક બનવાની ઇચ્છા થઇ અને પિતાજીની આજ્ઞા લેવા ગયાં પરંતુ પિતાજીએ કહ્યું કે નાથા હાલમાં સૌરાષ્ટ્ર નાં રાજાઓ પાસે જે લશ્કરો આરબ, બ્લોચ અને મકરાણીઓ છે તે બધાં ભાડુતી છે. એ લશ્કરનાં માણસો તો જ્યાં વધારે વેતન મળે ત્યાં જાય છે. આવા ભાડુતી લશ્કરમાં જોડાઇને દેશ સેવા કેવી રીતે કરીશ? અને આપણી આઝાદી ખાતર રણથંભોર, ગુજરાત અને કચ્છ છોડયા અને આ પાછું ગુલામ બનવું. મારી ઇચ્છાતો બેટા તને સંત કે શુરવીર કરવાની છે. આમ પિતાની સલાહ જાણ્યા છતાં પોતે યુવાનોનાં ધખતા લોહીની જેમ વિચારોમાં પુખ્તતા ન હતી અને પોતાનો શોખ પુરો કરવા સૈનિક તરીકે જોડાવા તૈયાર થયાં.

સૈનિક માંથી બહારવટીયા

ફેરફાર કરો

નાથાજી તે સમયે જૂનાગઢ નાં લશ્કરમાં જોડાય છે. તે સમયે જૂનાગઢ માં અમરજી દિવાન એક પછી એક ગામડાં જીતી જૂનાગઢ રાજયને વધારતો જતો હતો. તેમની સાથે નાથાજી જોડાયા હતાં. નાથાજીની આવડત અને બહાદુરીથી તેઓ થોડાજ સમયમાં સામાન્ય સૈનિકમાંથી એક અધિકારીને દરજ્જે પહોંચ્યાં હતાં. હવે લડાઇ ઝગડા તો કાયમી થઈ પડયા હતાં. તે સમયે નાથાજીને બીજા વધારાનાં ગામો જીતીને રાજય વધારવાનું કામ સોપવામાં આવ્યું. નાથાજીની જવાંમર્દી બહાદુરીથી જૂનાગઢ નાં દિવાન અમરજી પણ ખુશ હતાં. પરંતુ આરબ અને મકરાણી સેનાપતીઓને પોતાની નેતાગીરી અને સરદારી ચાલી જવાને ભયે મનમાંને મનમાં ઇર્ષ્યાથી બળતા હતાં.

એવામાં એક વખત નાથાજી પોતાના સૈનિકો સાથે ગીરનાં જંગલથી ૨૦ માઇલ દુર છાવણી નાખી પડ્યા હતા. અને તેની સામે જ આરબ અને મકરાણીની છાવણી પડી હતી. તે દીવસે સાંજનાં સમયે મકરાણીઓ ખાવા માટે એક ગાય ને કાપવા માટે પકડી, જે નાથાજીએ પોતાની નજર સામે જોયુ અને તેનુ લોહી ઉકળી ઉઠયું. અને તેમાંય નાથાજીતો એક રાજપૂત નો દિકરો હતો. પલનોય વિચાર કર્યા વગર તેને એક મકરાણીનું માથુ ધડથી અલગ કરી નાખ્યું. આ વાતની જાણ અમરજી દિવાન ને થઇ પરંતુ કયાં કારણથી નાથાજીએ આવુ કર્યુ તેની જાણ ન કરી, જેથી અમરજીએ પકડીને લાવવા માટે ફરમાન કર્યુ. જેથી નાથાજી પોતાની નોકરી છોડીને પોતાના મિત્રો એવા ભાવુભા અને જીવુભા ને આવી મળ્યા અને વિખુટી પડેલી મિત્રાચારી પાછી તાજી થઇ અને એક દિવસે નાથાજીએ પોતાના મિત્રોને કહ્યં કે અમરજી દિવાન મને શું પકડવાનો હતો? હવે ભલે અમરજી દિવાન અને જૂનાગઢ નો નવાબ સુખેથી ઊંઘી લે. આમ નોકરી છોડીને નાથાજીએ અને તેનાં મિત્રોએ પંદર સાથીઓનું એક દળ બનાવ્યું અને નવાબ ની સામે બહારવટુ ચાલુ કર્યુ.

સંતશ્રી પ્યારેરામજીબાપુ સાથે મિલન

ફેરફાર કરો

બહારવટુ ખેલતા નાથાજીની એક અમુલ્ય ટેક હતી કે એક પણ ટીપું લોહીનું પડવું જોઇએ નહી, મીંઢોળ બંધાઓને હેરાન કરવા નહી, બહેન દિકરીઓ અને માતાઓને હાથ સુધ્ધાં અડાડવો નહી, ગરીબોનાં લોહી ચુંસી તાગડ ધીના કરનાર પૈસાદાર તવંગરોને ધમકાવીને તેનો માલ ગરીબોને અને સંત, ફકીરોને દાનમાં આપી દેવો. આવી નાથાજીની ટેક હતી અને પોતાનાં સાથીઓને પણ આ ટેક ફરજીયાત પડવતા હતાં. અને જો તેનો ભંગ કોઇ કરે તો તે સલામત રહેતો નહી. આમ ચારે બાજુ નાથાજી બહારવટીયાની હાક બોલતી હતી. અને સમય જતાં નાથાજીનાં શિસ્તથી ટુકડીના સાથીઓ પણ કંટાળી ગયા હતા. નાથાજી અને ભાવુભા રોજ સાંજ થાયને ગુફાની અંદર ચાલ્યા જાય ને માળા ફેરવવા બેસી અને ધ્યાન માં બેસી જાય આવો તેમનો નિયમ હતો.

એક દિવસ સાંજ થવાનો સમય હતો, તેવા સમયે એક સાથીએ ખબર આપ્યા કે માછરડા ડુંગરમાં એક જાન પરણીને ચાલી આવે છે, લુંટવા માટે ચાલો પરંતુ નાથાજી ના પાડે છે અને કહે છે કે, અત્યાર સુધી હું મારી ટેકમાં અડગ રહ્યો છું માટે જાન નથી લુંટવી. પરંતુ સાથીઓ ધરાર ન માન્યા અને નાથાજીને પરાણે જાન લુંટવા લઇ ગયાં. અને બન્યું એવુકે જાન પણ કોઇ રાજપૂત ની જ હતી અને તેની સાથે આવેલ ઓળાવ્યાનાં એક ભાલાનાં ઘા થી નાથાજી ઘાયલ થાય છે. જયાંરથી બહારવટુ ચાલુ કર્યુ ત્યાંરથી અત્યાર સુધી કોઇ દિવસ ઘાયલ ન થનાર અને પોતાની ટેકમાં અડગ રહેનાર નાથાજી આજે ઘાયલ હાલતમાં જાન લુટ્યાં વગર ચાલી નીકળે છે. અને પોતાના મિત્ર ભાવુભાનો ટેકો લઇને ચાલવા માંડે છે. જયાંથી ચાલતા ચાલતા માછરડા ડુંગરમાં જે જગ્યાએ સંતશ્રી પ્યારેરામજીબાપુ નાં સંઘનો પડાવ હતો ત્યાં આવે છે. રાત્રિનો સમય છે,અને ભજન નો ની લેર લાગી હતી. તે સમયે નાથાજીને સાથડમાં જે જગ્યાએ ભાલાનો ઘા લાગેલ તે જગ્યાએ પ્યારેરામજીબાપુ એ ધુણામાંથી ભભુત લઇને ચોપડે છે. અને પછી નાથાજીને વૈષ્ણવ સંપ્રદાય ની દિક્ષા આપી કંઠી બાંધીને પોતાનો શિષ્ય બનાવે છે અને તેનુ નામ ત્યાંથી નાથાજી મટીને નાથજી થાય છે. આમ શ્રી નાથજીદાદા ને પોતાના ગુરૂશ્રી પ્યારેરામજી નો ભેટો થાય છે.

આ પણ જુઓ

ફેરફાર કરો

બાહ્ય કડીઓ

ફેરફાર કરો