કાનપુરનો ઘેરો એ ૧૮૫૭ની ભારતીય ક્રાંતિ દરમિયાનની એક મહત્ત્વની ઘટના હતી. કાનપુર ખાતે સ્થિત કંપનીનું અંગ્રેજ સૈન્ય અને અંગ્રેજ નાગરિકો લાંબા ગાળાના ઘેરા માટે તૈયાર નહોતા અને તેમણે અલ્હાબાદ સુધીના સુરક્ષિત માર્ગની શરતે નાના સાહેબ સમક્ષ શરણાગતિ સ્વીકારી હતી. જોકે અસ્પષ્ટ સંજોગોને હેઠળ તેમની અલ્હાબાદ તરફની પીછેહઠ હત્યાકાંડમાં પરિણમી અને મોટાભાગના અંગ્રેજો માર્યા ગયા. અલ્હાબાદથી કાનપુર તરફ રવાના થયેલ ઇસ્ટ ઇન્ડિયા કંપનીનું સૈન્ય કાનપુર પાસે પહોંચતા બળવો પોકારનાર સૈનિકોએ બંદી બનાવેલ ૧૨૦ અંગ્રેજ પુરુષો, મહિલા અને બાળકોને પણ મારી નાખ્યા જે પાછળથી બીબીઘર નરસંહાર તરીકે કુખ્યાત બન્યો. તેના પુરાવા નાબુદ કરવા મૃતદેહોને પાસે આવેલા કુવામાં ફેંકી દેવામાં આવ્યા હતા. કાનપુર પર અંગ્રેજોનો પુનઃકબ્જો થતાં હત્યાકાંડ બહાર આવતાં અંગ્રેજો રોષે ભરાયા હતા અને સ્થાનિક પ્રજા અને બળવાખોર સિપાહીઓ વિરુદ્ધ કાર્યવાહીઓ કરી હતી. આ હત્યાકાંડના કારણે સામાન્ય અંગ્રેજો સિપાહીઓ પણ બળવાખોર સિપાહીઓ વિરુદ્ધ રોષે ભરાયા હતા અને "કાનપુરને યાદ કરો"નો યુદ્ધ ઘોષ પ્રચલિત બન્યો હતો.[][]

કાનપુરનો ઘેરો
૧૮૫૭ની ભારતીય ક્રાંતિ નો ભાગ
તિથિ ૫ - ૨૫ જૂન ૧૮૫૭
સ્થાન કાનપુર, ભારત
પરિણામ ક્રાંતિકારોનો વિજય
કંપનીના સૈન્યની શરણાગતિ અને ત્યારબાદ સૈનિકો સાથે નાગરિકોની પણ હત્યા, પાછળથી અંગ્રેજોનો કાનપુર પર પુનઃ કબ્જો અને બદલાની કાર્યવાહી
યોદ્ધા
ઇસ્ટ ઇન્ડિયા કંપની નાના સાહેબનું સૈન્ય
બળવાખોર ઇસ્ટ ઇન્ડિયા કંપનીના સિપાહીઓ
સેનાનાયક
મેજર જનરલ સર હ્યુ વ્હિલર 
બ્રિગેડિયર એલેક્સાન્ડર જૅક 
મેજર ઍડવર્ડ વિબર્ટ 
કેપ્ટન જ્હોન મુર 
નાના સાહેબ
તાત્યા ટોપે
બાલા રાવ
શક્તિ/ક્ષમતા
આશરે ૯૦૦ જેમાં ૩૦૦ સૈનિકો આશરે ૪,૦૦૦ જેમાં ક્રાંતિકારી સિપાહીઓ અને ભાડૂતી સૈનિકો
મૃત્યુ અને હાની
તમામ, ફક્ત પાંચ પુરુષો અને બે મહિલાઓ જીવિત અજ્ઞાત

પશ્ચાદભૂમિ

ફેરફાર કરો

કાનપુર ઇસ્ટ ઇન્ડિયા કંપનીના સૈન્ય માટે મહત્ત્વનું સૈન્ય મથક હતું. તે ગ્રાન્ટ ટ્રન્ક માર્ગ ઉપર સ્થિત હતું અને સિંધ, પંજાબ અને અવધને જોડતું હતું.

જૂન ૧૮૫૭ સુધીમાં ભારતીય ક્રાંતિ કાનપુર આસપાસના મેરઠ, આગ્રા, મથુરા અને લખનૌ ખાતે ફેલાઈ ચૂકી હતી પણ કાનપુર ખાતે નિયુક્ત ભારતીય સિપાહીઓ અંગ્રેજોને વફાદાર રહ્યા હતા. કાનપુર ખાતેના અંગ્રેજ જનરલ હ્યુ વ્હિલર સ્થાનિક ભાષા જાણતા હતા અને તેમને સ્થાનિક પરંપરાઓની જાણકારી ઉપરાંત તેમણે ઉચ્ચ કુળની ભારતીય મહિલા સાથે લગ્ન કર્યા હતા.[][] તેઓને ખાતરી હતી કે કાનપુર ખાતે સિપાહીઓ તેમને વફાદાર રહેશે. તેમણે લખનૌના ઘેરામાં સહાય કરવા બે અંગ્રેજ કંપનીઓ રવાના કરી હતી.[]

કાનપુર ખાતે અંગ્રેજોની સંખ્યા આશરે ૯૦૦ જેટલી હતી જેમાં ૩૦૦ સૈન્ય સાથે જોડાયેલ પુરુષો, ૩૦૦ સ્ત્રીઓ અને બાળકો, આશરે ૧૫૦ વ્યાપારી, ધંધાર્થીઓ, ઇજનેરો અને અન્યો હતા. આ સિવાયના સ્થાનિક નોકરો હતા જેઓ ઘેરાની શરુઆતમાં જ અંગ્રેજ ટુકડીને છોડી જતા રહ્યા.[]

કાનપુર ખાતે બળવાની સ્થિતિમાં અંગ્રેજો માટે શ્રેષ્ઠ રક્ષણાત્મક સ્થળ શહેરની ઉત્તરમાં આવેલ મેગેઝીન હતું. તેની દીવાલો પહોળી, પુરતો દારુગોળો અને અન્ય જરુરિયાત ધરાવતી અને સ્થાનિક તિજોરી તેમાં જ હતી. જોકે જનરલ વ્હિલરે શહેરની દક્ષિણે સ્થિત માટીની દિવાલો વચ્ચે રહેલા બે સૈનિકનિવાસમાં આશરો લીધો.[] દક્ષિણમાં નવ સૈનિક આવાસનું બાંધકામ ચાલુ હતું, અંગ્રેજોને તેમની આસપાસ ખાઇ ખોદવાનું કાર્ય મુશ્કેલ લાગ્યું કેમ કે ઉનાળાની ગરમીમાં તેઓ કાર્ય કરવા ટેવાયેલ નહોતા. તે સ્થળે એક જ કુઓ હતો જે હુમલો થતાં ગોળીબાર સામે કોઈ રક્ષણ ધરાવતું નહોતું. વધુમાં, આસપાસમાં વધુ ઉંચાઈના મકાનો હતાં જેમાં આડ લઈ હુમલાખોરો આસાનીથી રક્ષણ કરી રહેલા અંગ્રેજોને નિશાન બનાવી શકતા હતા.

જનરલ વ્હિલરની આશરો લેવાના સ્થળનો નિર્ણય વિવાદાસ્પદ માનવામાં આવે છે કેમ કે તેના કરતાં વધુ સુરક્ષિત અને રક્ષણાત્મક દૃષ્ટિએ વ્યૂહાત્મક સ્થળો મોકૂદ હતા.[] તેવું માનવામાં આવે છે કે વ્હિલરને અંદાજ હતો કે બળવો થતાં મદદ શહેરની દક્ષિણ દિશામાંથી આવશે અને બળવાખોર સૈનિકો હથિયાર, દારુગોળો અને પૈસા લઈ અને દિલ્હી તરફ જશે અને શહેરનો ઘેરો નહિ ઘાલે.[]

ફત્તેહગઢ ખાતે બળવો

ફેરફાર કરો

કાનપુર ખાતે બળવાનો પ્રથમ સંકેત ગંગા કિનારે સ્થિત ફત્તેહગઢ ખાતે બળવા દ્વારા મળ્યો. કાનપુર ખાતે બળવાની શક્યતા ઘટાડવા વ્હિલરે ભારતીય સિપાહીઓને વિવિધ કાર્યવાહીઓ પર મોકલી અને શહેરથી દૂર રાખવા નિર્ણય કરવો. આવી જ એક કાર્યવાહી હેઠળ બીજી અવધ સ્થાનિક પલટણના સૈનિકોને ફત્તેહગઢ ખાતે રવાના કર્યા. આ ટુકડી ફ્લેચર હેયઝ્ અને લેફ્ટનન્ટ બાર્બરના નેતૃત્વ હેઠળ હતી અને તેમને વધુ બે અંગ્રેજો ફેરર અને કેરી મળ્યા.

૩૧ મે ૧૮૫૭ની રાત્રિએ હેયઝ્ અને કેરી ગામના ફોજદાર સાથે મંત્રણા કરવા રવાના થયા. તેઓ રવાના થયા બાદ ભારતીય સૈનિકોએ બળવો કર્યો અને ફેરરનો શિરચ્છેદ કર્યો. બાર્બરને પણ તે ભાગવા જતાં મોતને ઘાટ ઉતારાયો. સવારના સમયે જ્યારે હેયઝ્ અને કેરી પાછા છાવણી તરફ આવવા લાગ્યા ત્યારે એક વયસ્ક ભારતીય અધિકારીએ તેમની તરફ ઘોડો દોડાવી ભાગી છૂટવા સલાહ આપી. પરંતુ, ભારતીય અશ્વદળ સિપાહીઓ તેમની તરફ ધસી ગયા અને હેયઝ્ને મારી નાખ્યો જ્યારે કેરી ભાગી છૂટવામાં સફળ રહ્યો.[]

કાનપુર ખાતે બળવો

ફેરફાર કરો

કાનપુર ખાતે ચાર ભારતીય પલટણ તૈનાત હતી જે ૧લી, ૫૩મી અને ૫૬મી સ્થાનિક પાયદળ અને ૨જી બંગાળ અશ્વદળ હતી. કાનપુર ખાતે સિપાહીઓના બળવાની શરુઆત થતાં પહેલાં જ આસપાસના પ્રદેશમાં બળવાની ખબરને કારણે યુરોપી પરિવારો રક્ષણાત્મક મકાનો તરફ જવા લાગ્યા હતા. આ મકાનોને વધુ મજબુત કરવામાં આવ્યા અને હથિયારબંધ ટોળાને અવગણવા ભારતીય સિપાહીઓને એક એક કરીને પગારના પૈસા સ્વીકારવા આદેશ કરવામાં આવ્યો.[]

ભારતીય સિપાહીઓએ મકાનો પર રક્ષણાત્મક કિલ્લેબંધી અને તોપખાનાંને સજ્જ કરવાની કાર્યવાહીને ખતરા રુપે જોઈ. ૨ જૂન ૧૮૫૭ના રોજ લેફ્ટનન્ટ કોક્ષ નામક અંગ્રેજ અધિકારીએ દારુના નશાની હાલતમાં પોતાના ભારતીય અંગરક્ષક પર ગોળીબાર કર્યો. તે નિશાન ચૂકી ગયો અને તેને રાત્રિ પૂરતો જેલમાં પૂરવામાં આવ્યો. બીજા જ દિવસે અંધાધૂંધીમાં એકઠી કરવામાં આવેલ ન્યાયાલયે તેને નિર્દોષ જાહેર કર્યો જેને કારણે ભારતીયોમાં અસંતોષ ફેલાયો હતો. એવી અફવા ફેલાઈ હતી કે ભારતીય સિપાહીઓને એક ઠેકાણે એકઠા થવા આદેશ થવાનો હતો જ્યાં તેમને ઠાર મારવામાં આવશે. આ બધા સ્થાનિક પરિબળોને કારણે સિપાહીઓએ ઇસ્ટ ઇન્ડિયા કંપની વિરુદ્ધ બળવો પોકાર્યો.[]

બીજા બંગાળ અશ્વદળના ક્રાંતિકારી સૈનિકો દ્વારા ત્રણ ગોળીબાર વડે બળવાની શરુઆત ૫ જૂન ૧૮૫૭ની રાત્રિએ દોઢ વાગ્યા આસપાસ થઈ. વયસ્ક રિસાલદાર મેજર ભવાની સિંઘે રેજિમેન્ટનો ધ્વજ ક્રાંતિકારીઓને આપવા ના પાડી, જેમને પાછળથી સિપાહીઓએ મારી નાખ્યા. ૫૩મી અને ૫૬મી સ્થાનિક પાયદળ જે વિસ્તારના સૌથી વફાદાર સૈનિકો ગણાતા તેઓ આ ગોળીબારથી જાગી ગયા. ૫૬મી પાયદળના કેટલાક સૈનિકોએ નાશવા કોશિષ કરી. યુરોપી તોપખાનાંને એવી ગેરસમજ થઈ કે તેઓ પણ બળવો પોકારી રહ્યા છે અને તેમણે ભાગી રહેલ સિપાહીઓ પર ગોલંદાજી કરી. તે ગોલંદાજીમાં ૫૩મી પાયદળના સૈનિકો પણ અટવાઈ ગયા.[]

૬ જૂન ૧૮૫૭ના રોજ વહેલી સવારે ૧લી સ્થાનિક પાયદળના સૈનિકોએ બળવો કર્યો અને તેઓ સ્થળ છોડી ગયા. તેઓ સાથે રેજિમેન્ટનો કિંમતી સામાન અને દારુખાનું લઈ ગયા. આશરે ૧૫૦ સિપાહીઓ જનરલ વ્હિલરને વફાદાર રહ્યા.[]

હથિયાર, દારુગોળો અને પૈસા લઈ અને ક્રાંતિકારી સૈનિકોએ દિલ્હી તરફ બહાદુર શાહ ઝફર પાસેથી આદેશ મેળવવાના આસયથી કૂચ આદરી. બહાદુર શાહને બાદશાહ-એ-હિંદનો ખિતાબ આપવામાં આવ્યો હતો. અંગ્રેજ અધિકારીઓએ લાંબો ઘેરો નહિ સહન કરવો પડે તે વિચારી રાહતનો શ્વાસ લીધો.

નાના સાહેબની સંડોવણી

ફેરફાર કરો

નાના સાહેબ મરાઠા સામ્રાજ્યના ભૂતપૂર્વ પેશવા બાજી રાવ બીજાના દત્તક પુત્ર હતા. દત્તક લીધેલા હોવાને કારણે તેમને પેશવાને મળતા નિવૃત્તિ વેતન અને અન્ય સન્માનો અંગ્રેજોએ આપવા ઇન્કાર કર્યો. આ નિર્ણય વિરુદ્ધ નાના સાહેબે પોતાના દૂત દિવાન અઝીમુલ્લાહ ખાનને લંડન ખાતે રાણીને અપીલ કરવા મોકલ્યા પરંતુ તેમની તરફેણનો નિર્ણય ન મળ્યો.

૧૮૫૭માં કાનપુરમાં અંધાધૂંધીના માહોલ વચ્ચે નાના સાહેબ પોતાની ટુકડી સાથે અંગ્રેજ મેગેઝીનમાં પ્રવેશ્યા. તેની સુરક્ષા કરી રહેલ ૫૩મી સ્થાનિક પાયદળના સૈનિકો બાકીના શહેરમાં પ્રવર્તમાન પરિસ્થિતિથી સંપૂર્ણપણે જાણકાર નહોતા. તેમણે અનુમાન લગાવ્યું કે નાના સાહેબ અંગ્રેજો વતી મેગેઝીનની સુરક્ષા માટે આવ્યા છે કારણ કે અગાઉ નાના સાહેબે પોતાની અંગ્રેજો તરફ વફાદારીની જાહેરાત કરી હતી અને જનરલ વ્હિલરને જરુર પડ્યે સહાય કરવા તૈયારી પણ બતાવી હતી.[] પરંતુ, મેગેઝીનમાં પ્રવેશ્યા બાદ નાના સાહેબે જાહેરાત કરી કે તેઓ અંગ્રેજો વિરુદ્ધની ક્રાંતિના સમર્થક છે અને બહાદુર શાહ ઝફર હેઠળ કાર્યવાહીમાં સામેલ થવા માગતા હતા.

ખજાનો કબ્જે કર્યા બાદ નાના સાહેબ ગ્રાન્ટ ટ્રન્ક માર્ગ પર આગળ વધ્યા. તેમનો ઉદ્દેશ પેશવા પરંપરા અનુસાર મરાઠા સામ્રાજ્યની પુનઃસ્થાપના કરવાનો હતો અને તેમણે કાનપુર કબ્જે કરવા નિર્ણય કર્યો. માર્ગમાં તેમને કલ્યાણપુર ખાતેના ક્રાંતિકારી સિપાહીઓ મળ્યા. તેઓ બહાદુર શાહને મળવા દિલ્હી તરફ આગળ વધી રહ્યા હતા. નાના સાહેબે તેમને કાનપુર તરફ તેમની સાથે આવી અને અંગ્રેજોને હરાવવા મદદ કરવા સમજાવ્યા. સિપાહીઓ શરુઆતમાં અચકાયા પણ પાછળથી નાના સાહેબ સાથે જોડાયા જેમણે અંગ્રેજ છાવણીના નાશના બદલામાં તેમનું વેતન બમણું કરી અને સોના વડે ચૂકવવા વાયદો કર્યો.

વ્હિલરની છાવણી પર હુમલો

ફેરફાર કરો
 
જનરલ વ્હિલરની છાવણીનું દવાખાનું (૧૮૫૮). આ સ્થળ પર કાનપુર ખાતે સૌપ્રથમ અંગ્રેજો મોટી જાનહાનિ વેઠી

૫ જૂન ૧૮૫૭ના રોજ નાના સાહેબે જનરલ વ્હિલરને એક નમ્રતાભરી ચિઠ્ઠી દ્વારા જાણ કરી કે તેઓ આગામી સવારે ૧૦ વાગ્યે હુમલો કરવા ધારતા હતા. ૬ જૂન ૧૮૫૭ના રોજ નાના સાહેબના નેતૃત્વ હેઠળ આશરે ૧૦.૩૦ વાગ્યે સવારે હુમલો કર્યો. અંગ્રેજો હુમલા માટે પૂરતા તૈયાર નહોતા પણ તેઓ લાંબા સમય સુધી આત્મરક્ષણ કરવામાં સમર્થ રહ્યા. વધુમાં, હુમલો કરનાર સિપાહીઓ છાવણીમાં પ્રવેશવા નહોતા ઇચ્છતા. નાના સાહેબના સૈન્યને એવી ગેરસમજ હતી કે છાવણીમાં ખાઇઓ દારુગોળા વડે ભરી હતી અને તેઓ જો નજીક પહોંચ્યા તો તેમાં વિસ્ફોટ થશે.[]

નાના સાહેબની અંગ્રેજ વિરુદ્ધની આગેકૂચના ખબર પ્રસરતાં વધુ ક્રાંતિકારી સૈનિકો તેમની સાથે જોડાયા. ૧૦ જૂન સુધીમાં આશરે ૧૨ થી ૧૫ હજાર સૈનિકો તેમની સાથે જોડાયા હોવાનું માનવામાં આવે છે.[]

 
આશરે ૧૦૦૦ અંગ્રેજ સૈનિકો, તેમના પરિવારો અને વફાદાર સિપાહીઓ જનરલ વ્હિલરની છાવણીમાં ત્રણ અઠવાડિયાં સુધી છુપાયેલા રહ્યા.

પાણી અને ખાધાખોરાકીના ઓછા પુરવઠા છતાં અંગ્રેજોએ ત્રણ અઠવાડિયા સુધી હંગામી છાવણીને જાળવી રાખી. ઘણાના મૃત્યુ પાણીના અભાવે અને લૂ લાગવાને કારણે થયાં. જમીન સખત હોવાને કારણે અંગ્રેજો મૃતદેહોને છાવણીના મકાનોની બહાર રાખતા અને રાત્રિ દરમિયાન તેને સુકાઈ ગયેલા કુવામાં ફેંકી દેતા. સ્વચ્છતાના અભાવે કોલેરા અને મરડાનો રોગચાળો ફેલાયો જેને કારણે અંગ્રેજ રક્ષકો વધુ નબળા પડ્યા.[] શીતળાનો પણ નાનો રોગચાળો ફેલાયો જે સિમીત રહ્યો.

ઘેરાના પ્રથમ અઠવાડિયામાં નાના સાહેબના સૈનિકોએ  છાવણીને ઘેરી અને છીંડા તૈયાર કર્યા. તેમણે આસપાસના મકાનોમાં પણ ગોળીબાર માટે યોગ્ય સ્થળો તૈયાર કર્યાં. ૩૨મી (કોર્નવોલ) હળવા અશ્વદળના અધિકારી કેપ્ટન જ્હોને મુરે તેના પ્રતિકારમાં રાત્રિ દરમિયાન હુમલાઓ દ્વારા કર્યો. નાના સાહેબે પોતાનું મુખ્યાલય લડાઈના સ્થળથી આશરે ૩ કિમી દૂર સવાડા કોઠી ખાતે સ્થાપ્યું. રાત્રિ દરમિયાનના હુમલાઓના વિરોધમાં નાના સાહેબે છાવણી પર સીધો હુમલો કરવા સૂચવ્યું પણ સિપાહીઓએ આમ કરવા તૈયારી ન બતાવી.[]

૧૧ જૂને નાના સાહેબના સૈન્યએ વ્યૂહરચના બદલી. તેમણે ચોક્કસ મકાનો પર ગોલંદાજીને કેન્દ્રિત કરી અને રક્ષણાત્મક કિલ્લેબંધીને નિશાન બનાવી. તેને કારણે કેટલાક મકાનોને નુક્શાન પહોંચાડવામાં સફળતા મળી અને નાના સૈનિક આવાસ પડી ભાંગ્યા અને તેમને આગચંપીની પણ કોશિષ કરી.

૧૨ જૂનની સાંજે નાના સાહેબ પક્ષે પ્રથમ મોટો હુમલો કર્યો. પરંતુ, હુમલો કરનાર સિપાહીઓને હજુ પણ શંકા હતી કે અંગ્રેજોએ ખાઇઓમાં દારુગોળો ભર્યો છે અને છાવણી વિસ્તારમાં ન પ્રવેશ્યા. ૧૩ જૂનના રોજ અંગ્રેજોએ તેમનું દવાખાનું એક આગમાં ગુમાવ્યું તેમાં મોટા ભાગનો દવાદારુ નાશ પામ્યો અને સંખ્યાબંધ ઘાયલ અને બીમાર તોપચીઓ આગમાં જીવતા બળી મર્યા. રક્ષણકર્તા અંગ્રેજો માટે આ મોટો આંચકો હતો. નાના સાહેબના સૈન્યએ હુમલાની કોશિષ કરી પણ લેફ્ટનન્ટ જ્યોર્જ આશેના નેતૃત્વ હેઠળ તોપખાનાંએ તેને નિષ્ફળ બનાવ્યો. ૨૧ જૂન સુધીમાં અંગ્રેજોએ તેમના ત્રીજા ભાગના સંખ્યાબળને ગુમાવ્યું હતું.[]

વ્હિલરના લખનૌમાં અંગ્રેજ સૈન્યનું નેતૃત્વ કરી રહેલ હેન્રી લૉરેન્સને મોકલાયેલા વારંવાર સંદેશના જવાબ ન આપી શકાયા કેમ કે તેઓ પણ ઘેરાબંધીમાં હતા.

૨૩ જૂનનો હુમલો

ફેરફાર કરો
 
૨૩ જૂન ૧૮૫૭નો હુમલો

૨૩ જૂન ૧૮૫૭ સુધી ગોળીબાર અને ગોલંદાજી ચાલતા રહ્યા. તે દિવસે અંગ્રેજોના ભારતમાં વિસ્તરણની મહત્ત્વપૂર્ણ ઘટના પ્લાસીની લડાઈની ૧૦૦મી તિથિ હતી.[] ૧૮૫૭ની ક્રાંતિનું એક કારણ એ ભવિષ્યવાણી પણ હતી જેને અનુસાર પ્લાસીની લડાઈના ૧૦૦ વર્ષ બાદ ભારતમાં તેમની સત્તાનો અંત આવશે. તેને કારણે આ દિવસે ક્રાંતિકારી સૈનિકોએ અંગ્રેજ છાવણી પર મોટો હુમલો કર્યો.

હુમલાનું નેતૃત્વ ૨જી બંગાળ અશ્વદળના સિપાહીઓએ કર્યું જેને અંગ્રેજ છાવણીની ૪૦ મિટર દૂર તોપખાનાએ પીછેહઠ કરવા ફરજ પાડી. અશ્વદળના હુમલા બાદ ૧લી સ્થાનિક પાયદળના સૈનિકોએ કપાસની ગાંસડીઓ અને દિવાલોની આડ લઈ આગળ વધી હુમલો કર્યો. અંગ્રેજો દ્વારા ગોળીબારની શરુઆતે જ તેમનું નેતૃત્વ કરી રહેલ રાધે સિંઘ શહીદ થયા. તેમણે કપાસની ગાંસડીથી રક્ષણની અપેક્ષા રાખી હતી પણ ગોળીબારમાં તેમાં આગ લાગી અને તે હુમલાખોર સૈનિકો માટે ખતરારુપ બન્યા. લેફ્ટનન્ટ મોબ્રે થૉમસનના નેતૃત્વ હેઠળના અંગ્રેજ સૈનિકોએ બીજી તરફ ભારતીય સિપાહીઓ સાથે હાથોહાથની લડાઈ લડી.

અંગ્રેજ દળોની શરણાગતિ

ફેરફાર કરો

ઘેરાબંધી, ગોળીબાર, ગોલંદાજી અને વારંવારના હુમલાઓને કારણે અંગ્રેજ છાવણીએ મોટા પ્રમાણમાં જાનહાનિ વેઠી. તેઓ રોગચાળો, ખાધા ખોરાકીની અછત, પાણી અને દવાની અછતથી ગ્રસ્ત હતા. જનરલ વ્હિલરના પુત્ર લેફ્ટનન્ટ ગોર્ડન વ્હિલરના શિરચ્છેદ થવાને કારણે સેનાપતિનું મનોબળ ભાંગી ગયું હતું.[] જનરલના આદેશથી નાના સાહેબના સૈન્યની જાશુસી કરવા વેશપલટો કરી નીકળેલ જોનાહ શેપર્ડને સિપાહીઓએ બંદી બનાવ્યો.

૨૪ જૂનના રોજ નાના સાહેબે મંડાગાંઠ ઉકેલવા અંગ્રેજ સ્ત્રી યુદ્ધકેદી રૉઝ ગ્રીનવૅને છાવણીમાં સંદેશ સાથે મોકલ્યા. શરણાગતિના બદલામાં નાના સાહેબે અંગ્રેજોને સતિચુરા ઘાટ સુધી સલામત માર્ગ આપવા ખાતરી આપી અને ત્યાંથી તેમને ગંગા વાટે અલ્હાબાદ તરફ આગળ વધવા પણ અનુમતી આપી.[] વ્હિલરે આ પ્રસ્તાવ નકાર્યો કેમ કે તેના પર નાના સાહેબના હસ્તાક્ષર નહોતા અને કોઈ ખાતરી નહોતી કે આ પ્રસ્તાવ તેમના તરફથી જ છે.

આગામી દિવસ ૨૫ જૂને નાના સાહેબે અન્ય અંગ્રેજ બંદી શ્રીમતી જાકોબીના હસ્તે બીજી ચિઠ્ઠી મોકલી જેના પર તેમના હસ્તાક્ષર હતા. અંગ્રેજ છાવણીમાં બે ભાગલા પડી ગયા - એક રક્ષણ ચાલુ રાખવા માગતો હતો અને બીજો નાના સાહેબ પર વિશ્વાસ કરવા ધારતો હતો. આગામી ૨૪ કલાક સુધી નાના સાહેબના સૈનિકોએ અંગ્રેજો તરફ ગોળીબાર ન કર્યો. આખરે, જનરલ વ્હિલર શરણાગતિ કરવા તૈયાર થયા અને બદલામાં તેમણે અલ્હાબાદ સુધીનો સલામત માર્ગ માગ્યો. અંગ્રેજો એવી શરતે તૈયાર થઇ ગયા કે તેમને નાના શસ્ત્રો રાખવાની છુટ મળવી જોઇએ અને છુટકારાની કામગીરી ૨૭મીની સવારે દિવસે થવી જોઇએ. (નાના સાહેબ ઇચ્છતા હતા કે ૨૬મીની રાતે છુટકારાની કામગીરી થવી જોઇએ) ૨૭ જૂનની સવારે યુરોપીયન ટુકડી કિલ્લેબંધીમાંથી નીકળીને નદી તરફ ગઈ.

સતીચૌરા ઘાટ હત્યાકાંડ

ફેરફાર કરો
 
અંગ્રેજો કાંઠા પર હતા અને અંધાધૂંધીમાં નાના સાહેબના સિપાહીઓએ તેમને ઠાર માર્યા અથવા જીવિત પકડ્યા
 
સતી ચૌરા ઘાટનું ૧૮૫૮નું ચિત્ર

૨૭ જૂન સવારમાં જનરલ વ્હિલરના નેતૃત્વ હેઠળ અંગ્રેજ ટુકડી નદી તરફ રવાના થઈ, નાના સાહેબે ગાડાં, ડોળીઓ અને હાથીઓ મોકલી સ્ત્રી, બાળકો અને ઘાયલોને ખસેડવા સહાય કરી. અંગ્રેજ સૈનિકોને તેમના હથિયારો તેમજ દારુગોળો સાથે રાખવા પરવાનગી અપાઈ. તેમની પાછળ પાછળ ભારતીય સિપાહીઓનું લગભગ આખું સૈન્ય હતું.[] અંગ્રેજો સતી ચૌરા ઘાટ પર આશરે સવારમાં આઠ વાગ્યે પહોંચ્યા. નાના સાહેબે આશરે ૪૦ નાવોનો બંદોબસ્ત કર્યો હતો જેની જવાબદારી અંગ્રેજોને અલ્હાબાદ પહોંચાડવાની હતી. તે નાવો હરદેવ મલ્લા નામના નાવિકની હતી.[]

નદીમાં ઘાટ પાસે પાણી સામાન્ય કરતાં ઓછું હતું અને અંગ્રેજોને નૌકાઓને વહાવવામાં મુશ્કેલી પડી. વ્હિલર અને તેમની ટુકડી નાવ પર ચડવામાં પ્રથમ હતા અને તેમની નાવ સૌપ્રથમ તરવામાં સફળ થઈ. આ ક્ષણે કેટલીક ગેરસમજ ઉભી થઈ અને ભારતીય નાવિકો કાંઠા પર યુદ્ધઘોષ સાંભળી અને નદીમાં કૂદી કાંઠા પર જવા લાગ્યા. તેમાં નાવમાં રહેલ સળગતા કોલસા નીચે પડતાં કેટલીક નાવોમાં આગ લાગી ગઈ.

આગામી કેટલીક ક્ષણો દરમિયાનની ઘટનાઓ[] અને પ્રથમ ગોળીબાર કોના દ્વારા થયો તે બાબત વિવાદાસ્પદ છે.[] પણ ટૂંક સમયમાં જ અંગ્રેજો પર ભારતીય સૈનિકોએ હુમલો કર્યો અને તેમને મારી નાંખ્યા અથવા બંદી બનાવ્યા.

કેટલાક અંગ્રેજોએ પાછળથી દાવો કર્યો કે સિપાહીઓએ નાવો કાદવમાં શક્ય તેટલી ઉંચી જગ્યાએ ગોઠવી હતી. એવો પણ દાવો કરાયો કે નાના સાહેબના સૈન્યએ બળવાખોર સૈનિકો અંગ્રેજો પર ગોળીબાર કરે તે પ્રકારે પુનઃનિયોજીત ગોઠવણી કરી હતી. ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ નાના સાહેબ ઉપર દગો કરવાનો અને નિર્દોષ લોકોને મારવાનો આરોપ મૂક્યો પણ નાના સાહેબ વિરુદ્ધ આ પ્રકારનું ષડયંત્ર રચવાનો અથવા આદેશ આપવાનો કોઈપણ પુરાવો ક્યારેય ન મળ્યો.[] કેટલાક ઈતિહાસકારોના મતે આ હત્યાકાંડ ગેરસમજને કારણે થયો હતો અને નાના સાહેબ તરફથી કોઈ આયોજન અથવા આદેશના કારણે નહિ.[૧૦] ચાર જીવિત પુરુષમાંના એક લેફ્ટનન્ટ મોબ્રે થૉમસન અનુસાર તેમની સાથે ચર્ચા કરનાર ભારતીય સિપાહીઓને આ પ્રકારની કોઈ ઘટના વિશે અંદેશો નહોતો.[૧૧]

ગોળીબારની શરુઆત બાદ નાના સાહેબના સેનાપતિ તાત્યા ટોપે એ કથિત રીતે ૨જી બંગાળ અશ્વદળના સૈનિકો અને કેટલાક તોપચીઓને અંગ્રેજો પર ગોળીબાર કરવા આદેશ આપ્યો હતો.[] અશ્વદળના સૈનિકો પાણીમાં ધસી ગયા અને બાકી બચેલા અંગ્રેજો પર તલવારો અને પિસ્તોલ વડે હુમલો કર્યો. બાકી બચેલા પુરુષોને મારી નાખવામાં આવ્યા અને સ્ત્રી તેમજ બાળકોને બંદી બનાવાયા કેમ કે નાના સાહેબે તેમને મારવા સહમતી ન આપી.[૧૨] આશરે ૧૨૦ સ્ત્રીઓ અને બાળકોને બંદી બનાવાયા અને સવાડા કોઠી તરફ લઈ જવાયા.

આ દરમિયાન બે નાવો ભાગવામાં સફળ થઈ હતી જેમાં એક જનરલ વ્હિલરની હતી અને બીજી જેમાં જળસ્તરથી નીચેના ભાગમાં ગોળીબારમાં છિદ્ર પડ્યું હતું. આ નાવમાં રહેલ અંગ્રેજો ડરના માર્યા જનરલ વ્હિલરની નાવ તરફ આગળ વધ્યા જે ધીમે ધીમે સલામતી તરફ આગળ વધી રહી હતી.

જનરલ વ્હિલરની નાવમાં આશરે ૬૦ લોકો સવાર હતા અને તેનો પીછો કાંઠા પર રહી અને સિપાહીઓ કરી રહ્યા હતા. નાવ વારંવાર રેતી અને કીચડમાં ફસાતી હતી. આવા જ એક સ્થળે લેફ્ટનન્ટ થૉમસને બળવાખોર સૈનિકો પર વળતો હુમલો કર્યો અને કેટલોક દારુગોળો કબ્જે કરવામાં તે સફળ રહ્યો. બીજી સવારે નાવ ફરી રેતીમાં ફસાઈ જેને પરિણામે થૉમસને ૧૧ સૈનિકોને સાથે રાખી હુમલો કર્યો. કાંઠા પર ભીષણ લડાઈ બાદ તેમણે પાછા નાવ તરફ જવા નક્કી કર્યું પણ પાછા ફરતાં નાવને નિશ્વિત સ્થાન પર ન જોઈ.[]

તે દરમિયાન સામા કાંઠેથી સિપાહીઓએ નાવ પર હુમલો કર્યો હતો અને કેટલાક ગોળીબાર બાદ નાવ પર રહેલા અંગ્રેજોએ શરણાગતિનો સફેદ ધ્વજ લહેરાવ્યો. નાવને ફરી કાનપુર લઈ જવાઈ અને તમામને સવાડા કોઠી પર લઈ જવાયા. જીવિત બચેલા અંગ્રેજોને જમીન પર બેસાડવામાં આવ્યા અને નાના સાહેબના સૈનિકો તેમને ઠાર મારવા તૈયાર થયા. તેમની પત્નીઓએ પતિઓ સાથે મરવા તૈયારી બતાવી પણ આમ ન કરવા નાના સાહેબે આદેશ કર્યો. નાના સાહેબે અંગ્રેજ પાદરી મોંક્રીફને આખરી પ્રાર્થના કરવા પરવાનગી આપી.[૧૩] અંગ્રેજોને ત્યારબાદ ઠાર મારવામાં આવ્યા.[] સ્ત્રીઓ અને બાળકોને સવાડા કોઠીમાં બંદી બનાવવામાં આવ્યા.

નાવ ન મળતાં થૉમસનની ટુકડીએ સિપાહીઓથી બચવા પગપાળા ભાગવા નક્કી કર્યું. આ ટુકડીએ એક દેવસ્થાનમાં આસરો લીધો અને ત્યાં થૉમસને આખરી પ્રતિકારક હુમલાનું નેતૃત્વ કર્યું જેમાં છ અંગ્રેજ સૈનિકો માર્યા ગયા, જ્યારે બાકીના બચવામાં સફળ રહ્યા અને નદી તરફ ભાગ્યા. તેમણે તરી અને સલામત સ્થળે પહોંચવા નિર્ધાર કર્યો. પરંતુ નજીકના ગામના બળવાખોર સિપાહીઓએ તેમના પર હુમલો કર્યો જેમાં એક અંગ્રેજ સૈનિક મૃત્યુ પામ્યો જ્યારે બાકીના ચાર નદીમાં કૂદીને મધ્યમાં પહોંચી ગયા. કેટલાક કિમી સુધી તેઓ તરતા રહ્યા અને બાદમાં તેઓ કાંઠા પર પહોંચ્યા જ્યાં તેમને કેટલાક રાજપૂત વેપારીઓએ શોધી કાઢ્યા જેઓ રાજા ડિરીગિબિજાહ સિંઘ માટે કાર્ય કરતા હતા જે અંગ્રેજોને વફાદાર રહ્યો હતો. તેઓ અંગ્રેજ સૈનિકોને રાજાના મહેલ પર લઈ ગયા. આ ચાર અંગ્રેજ સૈનિકો અંગ્રેજ પક્ષે જીવિત બચનાર માત્ર ચાર પુરુષો હતા અને તે સિવાય અન્ય એક જોનાહ શેપર્ડ હતો જેને સિપાહીઓએ ઘેરાબંધી દરમિયાન જ બંદી બનાવ્યો હતો. ચાર પુરુષોમાં બે સૈનિકો મર્ફિ અને સુલિવાન હતા, લેફ્ટનન્ટ ડેલાફોસ્સે અને લેફ્ટનન્ટ (પાછળથી કેપ્ટન) મોબ્રે થૉમસન હતા. તેઓ ઘણા અઠવાડિયાં સુધી રાજાના આશ્રયે રહ્યા અને પછી કાનપુર તરફ ગયા જે ફરી અંગ્રેજોના કબ્જામાં હતું. મર્ફિ અને સુલિવાન ટૂંક સમયમાં કૉલેરાનો ભોગ બન્યા અને મૃત્યુ પામ્યા જ્યારે લેફ્ટ ડેલાફોસ્સે લખનૌનો ઘેરોની કાર્યવાહીમાં જોડાયા જ્યારે લેફ્ટ થૉમસનને કાનપુરની છાવણીના સમારકામની જવાબદારી સોંપાઈ જ્યાં રહી તેમણે બીજી વખત જનરલ વિન્ડહમના નેતૃત્વ હેઠળ રક્ષણ કર્યું.

આ હત્યાકાંડમાં અન્ય એક જીવિત બચનાર ૧૭ વર્ષીત તરુણી ઍમી હોર્ન હતી. તે ગોળીબારની શરુઆતે જ નાવમાંથી નદીમાં પડી ગઈ અને તણાઈ ગઈ હતી. તે કેટલાક હેઠવાસમાં નદીની બહાર નીકળવામાં સફળ રહી હતી જ્યાં તે વ્હિલરની સૌથી નાની દીકરી માર્ગારેટને મળી. બંને છોકરીઓ ઝાડીઓમાં કેટલાક કલાકો સુધી છુપાયેલી રહી ત્યારબાદ તેમને બળવાખોર સિપાહીઓએ ખોળી કાઢી. માર્ગારેટને ઘોડા પર અપહરણ કરી લઈ જવામાં આવી અને ત્યારબાદ તેની કોઈ ભાળ ન મળી. પાછળથી એવી અફવા ફેલાઈ હતી કે તેના નિકાહ કોઈ મુસ્લિમ સૈનિક સાથે કરી દેવાયા હતા. ઍમીને નજીકના ગામમાં લઈ જવાઇ જ્યાં તેને ઇસ્લામ સ્વીકારવાની શરત હેઠળ એક મુસ્લિમ બળવાખોર સરદારના રક્ષણ હેઠળ રાખવામાં આવી. આશરે છ મહિના બાદ સર કૉલીન કેમ્પબેલના નેતૃત્વ હેઠળની હાઇલેન્ડર્સ ટુકડીએ શોધી કાઢી અને બચાવી હતી.

બીબીઘર હત્યાકાંડ

ફેરફાર કરો
 
બીબીઘર કોઠી જ્યાં અંગ્રેજ સ્ત્રીઓ અને બાળકોને મારી તેમના મૃતદેહોને કુવામાં નાંખી દેવાયા હતા જે પાછળથી મળી આવ્યા
 
ગુંગો મેહતર જેના પર કાનપુર ખાતે ખટલો ચલાવી હત્યાકાંડનો દોષિત જાહેર કરાયા અને કાનપુર ખાતે ૮ સપ્ટેમ્બર ૧૮૫૯ના રોજ ફાંસી પર ચડાવાયા
 
બીબીઘર, ૧૮૬૦

જીવિત અંગ્રેજ અને બાળકો અને સ્ત્રીઓને સવાડા કોઠી ખાતેથી બીબીઘર ખાતે ખસેડવામાં આવ્યા. તેમાં ત્રણ અલગ સ્થળેથી પકડાયેલ બંદીઓ હતા જેમાં સતી ચૌરા ઘાટના, જનરલ વ્હિલરની નૌકાના અને ફતેહગઢના બંદી સ્ત્રીઓ અને બાળકોનો સમાવેશ થતો હતો. કુલ આશરે ૨૦૦ સ્ત્રીઓ અને બાળકો બંદી હતા.[૧૪]

નાના સાહેબે તેમની દેખરેખની જવાબદારી હુસૈની બેગમના હસ્તક સોંપી હતી. તેણીએ બંદીઓને મકાઈને પીસી અને રોટલા બનાવવાનું કાર્ય કરાવતી હતી. સ્વચ્છતાના અભાવે કૉલેરા અને મરડાને કારણે મૃત્યુ થયા.[]

નાના સાહેબે આ બંદીઓનો ઉપયોગ ઇસ્ટ ઇન્ડિયા કંપની સાથે વાટાઘાટમાં કર્યો.[] જનરલ હેન્રી હેવલોકને કાનપુર અને લખનૌ કબ્જે કરવા જવાબદારી સોંપાઈ અને તેમના નેતૃત્વ હેઠળ ૧૦૦૦ અંગ્રેજ, ૧૫૦ શીખ અને ૩૦ સ્થાનિક અશ્વદળના સૈનિકોની ટુકડી અલ્હાબાદ ખાતેથી રવાના થઈ.[૧૩] તેમાં ૬૪મી પાયદળ રેજિમેન્ટ અને ૭૮મી હાઇલેન્ડર્સ (જે આંગ્લ-પર્શિયન યુદ્ધમાંથી મોકલાઈ હતી), ચીન અભિયાનમાંથી વાળેલી, ૫મી ફ્યુઝિલર્સ, ૯૦મું હળવું પાયદળ, ૮૪મી પાયદળ રેજિમેન્ટ અને મદ્રાસ યુરોપી ફ્યુઝિલર્સ સામેલ હતા. તેઓ કલકત્તા અને મદ્રાસ ખાતેથી લવાયા હતા.[૧૫] તેમને પાછળથી મેજર રેનૌડ અને કર્નલ જેમ્સ નિલના સૈનિકોની સહાય મળી. નાના સાહેબે અંગ્રેજ સૈન્યને પાછું ખેંચવા માંગણી કરી પણ તેઓ આગળ વધતા રહ્યા. તેના જવાબમાં નાના સાહેબે સિપાહીઓને ફત્તેહગઢ ખાતે રક્ષણ માટે મોકલ્યા જ્યાં તેઓ અંગ્રેજ સૈન્ય સાથે લડાઈમાં ઉતર્યા. જનરલ હેવલોકનું સૈન્ય વિજયી નીવડ્યું અને ગામ પર તેણે કબ્જો કર્યો.

નાના સાહેબે તેમના ભાઈ બાલા રાવના નેતૃત્વ હેઠળ બીજું સૈન્ય રવાના કર્યું. જુલાઈ ૧૫ ના રોજ હેવલોકે બાલા રાવના સૈન્યને અંગની લડાઈમાં હાર આપી.[] આ લડાઈમાં કેટલાક સિપાહીઓ જીવિત પકડાયા જેમણે બાતમી આપી કે આગળ માર્ગમાં ૫,૦૦૦ બળવાખોર સૈનિકો અને આઠ તોપો ધરાવતું સૈન્ય હતું. હેવલોકે પડખેથી હુમલો કરવા નિર્ણય કર્યો પણ ક્રાંતિકારી સૈનિકોએ તેમને જોઈ લીધા અને ગોળીબારની શરુઆત કરી. બંને પક્ષે મોટા પાયે ખુવારી થઈ પણ કાનપુરનો માર્ગ અંગ્રેજો માટે ખુલ્લો થયો.

આ દરમિયાન એ સ્પષ્ટ થયું કે નાના સાહેબના વાટાઘાટના પ્રયત્નો નિષ્ફળ રહ્યા હતા અને કંપનીનું સૈન્ય કાનપુર પાસે આવી રહ્યું હતું. નાના સાહેબને ખબર મળ્યા કે મદ્રાસ ફ્યુઝિલર્સનના લેફ્ટનન્ટ કર્નલ જેમ્સ જ્યોર્જ સ્મિથ નિલ દ્વારા અવ્યવસ્થિત શિક્ષાત્મક પગલાં લેવામાં આવ્યા હતા.[] નજીકના ફતેહગઢ શહેરમાં એક ટોળાએ સ્થાનિક યુરોપીયન લોકો પર હુમલો કરીને તેમની હત્યા કરી હતી. આ કારણોસર નિલે ગ્રાન્ટ ટ્રન્ક માર્ગ આસપાસના તમામ ગામડાઓને સળગાવી દેવાનો અને તેના વસાહતીઓને ફાંસીએ ચઢાવી દેવાનો આદેશ આપ્યો હતો. નિલની પદ્ધતિ "ઘાતકી અને ભયાનક" હતી. કેટલાક ઈતિહાસકારોના મતે તેના બદલા સ્વરુપે બીબીઘર હત્યાકાંડ કરવામાં આવ્યો.[૧૦]

નાના સાહેબ, તાત્યા ટોપે અને અઝીમુલ્લાહ ખાન વચ્ચે બંદીઓ વિશે વિસ્તારમાં ચર્ચા થઈ. કેટલાક સલાહકારોએ આગેકૂચ કરી રહેલ અંગ્રેજો દ્વારા કરાયેલ હિંસાના બદલા રુપે બંદીઓને મારી નાખવા નિર્ધાર કર્યો હતો.[] નાના સાહેબના ઘરની સ્ત્રીઓએ તેના વિરોધમાં અન્નનો ત્યાગ કર્યો પણ તેઓ નિષ્ફળ ગયા.[]

આખરે ૧૫ જુલાઈના રોજ બંદીઓને મારી નાંખવા આદેશ અપાયો. આ નિર્ણય કોનો હતો તે અસ્પષ્ટ છે.[૧૪][૧૬]

બળવાખોર સિપાહીઓએ ફત્તેહગઢના ચાર પુરુષ બંદીઓને મારી નાખ્યા જેમાં ૧૪ વર્ષનો એક તરુણ હતો. તેમણે સ્ત્રીઓ અને અન્ય બાળકોને મારવા ના પાડી.[] કેટલાક સૈનિકોને તાત્યા ટોપે એ ફરજ પરથી પાછા હટવા માટે ઠાર મારવા ચેતવણી આપતાં તેમણે બંદીઓને કોઠીમાંથી હટાવવા તૈયારી બતાવી. નાના સાહેબ આ ક્ષણે સ્થળ છોડી જતા રહ્યા.

શરુઆતમાં સિપાહીઓએ ગોળીબાર કર્યો પણ સ્ત્રીઓના ચિત્કાર સાંભળી તેમણે વધુ ગોળીબાર કરવા ઇન્કાર કર્યો.

બેગમ હુસૈનીએ સિપાહીઓને કાયર ગણાવ્યા અને તેના પ્રેમીને કાર્યવાહી પૂર્ણ કરવા આદેશ આપ્યો જેણે ભાડૂતી હત્યારાઓ સાથે મળી અને માંસ કાપવાની છૂરી વડે બાકીના બંદીઓને મારી નાખ્યા.[] એવું કહેવાય છે કે કેટલાક બંદીઓ જીવિત બચ્યા હતા પણ તેમને પણ અન્ય મૃતદેહો સાથે કુવામાં ફેંકી દેવામાં આવ્યા. અંતે કોઈપણ જીવિત ન બચ્યું.[][]

અંગ્રેજોનો પુનઃકબ્જો અને બદલો

ફેરફાર કરો

કંપનીના સૈન્યએ ૧૬ જુલાઈના રોજ કાનપુર પર પુનઃકબ્જો કર્યો. કેટલાક અંગ્રેજ સૈનિકો અને અધિકારીઓ બીબીઘર તરફ બંદીઓને બચાવવાના આસયથી ધસી ગયા. તેમને બીબીઘર ખાલી મળ્યું અને કોઈ મૃતદેહ પણ ન મળ્યો. પરંતુ, લોહીના ધાબાં, સ્ત્રીઓ અને બાળકોનાં કપડાં વગેરે મળ્યું.[૧૭]

અંગ્રેજ સૈનિકો આવેશમાં આવી ગયા અને કાનપુરના સ્થાનિક પ્રજાજનો વિરુદ્ધ હિંસા આચરવા લાગ્યા. તેમણે ઘરો લૂંટવા અને આગચંપી કરવા લાગ્યા એમ કહેતાં કે સ્થાનિકોએ હત્યાકાંડ અટકાવ્યો નહોતો. બ્રિગેડિયર નિલે સ્થળ પર જ સજા સંભળાવવાનો ભયંકર કાર્યવાહીની શરુઆત કરી.[૧૮] શહેરમાંથી પકડાતો કોઈપણ સિપાહી જે એમ સાબિત ન કરી શકે કે પોતે હત્યાકાંડમાં સામેલ નહોતો તેને મૃત્યુદંડ આપવામાં આવ્યો. કેટલાક સિપાહીઓ જેમના પર બીબીઘર હત્યાકાંડમાં સામેલ હોવાનો સંશય હતો તેમને બીબીઘરની ફરસ ચાટવા ફરજ પાડવામાં આવી.[૧૯] સિપાહીઓને ધાર્મિક રીતે અપમાનિત કરવામાં આવ્યા અને જો તે હિંદુ હોય તો ગૌમાંસ અને મુસ્લિમ હોય તો ડુક્કરનું માંસ ખાવા ફરજ પાડવામાં આવી. ફાંસી આપતા સમયે મુસ્લિમ સિપાહીને ડુક્કરના ચામડાં સાથે બાંધવામાં આવ્યા અને હિંદુ સિપાહીઓને દલિતોના હાથે ફાંસી આપવામાં આવી.[૧૯][૨૦]

મોટાભાગના બંદી સૈનિકોને બીબીઘરના કુવા પાસે જ ફાંસી પર ચડાવવામાં આવ્યા અને માર્ગની આસપાસ દફનાવવામાં આવ્યા. અન્યોને ઠાર મારવામાં આવ્યા અને સંગીન વડે મારવામાં આવ્યા. કેટલાકને તોપના મોઢે બાંધવામાં આવ્યા.[૧૪]

હત્યાકાંડના પરિણામે ભારતના અંગ્રેજ સૈનિકોમાં બદલાની ભાવના આવી અને બાકીની ક્રાંતિ દરમિયાન "કાનપુરને યાદ કરો!"નો યુદ્ધ ઘોષ પ્રચલિત બન્યો. તેના કારણે બળવાની શક્યતા પણ ધરાવતા ગામ અને શહેરોમાં મોટા પ્રમાણમાં હિસા કરવા લાગ્યા.[૨૧] એક ગામમાં હાઇલેન્ડર્સે ૧૪૦ ગામજનોને એકઠા કરી દસને કોઈ પુરાવા વિના ફાંસી આપી અને બાકીનાને કોરડા વડે માર માર્યો. અન્ય એક ગામમાં આશરે ૨,૦૦૦ ગામલોકો લાઠી લઈ અને વિરોધ કરવા બહાર નીકળ્યા તો અંગ્રેજોએ ગામને આગચંપી કરી અને આગથી બચવા ભાગી રહેલા ગામલોકોને ઠાર મારવામાં આવ્યા.[]

પ્રત્યાઘાત

ફેરફાર કરો

૧૯ જુલાઇના રોજ જનરલ હેવલોકે બિથુર ખાતે કાર્યવાહી સંભાળી લીધી. મેજર સ્ટિવનસન મદ્રાસ ફ્યુઝિલર્સ અને શીખ સૈનિકોને લઈ બિથુર લઈ ગયા અને નાના સાહેબના મહેલ પર કોઈ પ્રતિરોધ વિના કબ્જો મેળવ્યો.[૨૨] અંગ્રેજ સૈનિકોએ બંદૂકો, હાથી અને ઊંટો કબ્જે કર્યા અને નાના સાહેબના મહેલને આગચંપી કરી.

નવેમ્બર ૧૮૫૭માં તાત્યા ટોપે એ કાનપુર પર પુનઃકબ્જો કરવા ગ્વાલિયર વિસ્તારના ક્રાંતિકારી સિપાહીઓને એકઠા કર્યા. નવેમ્બર ૧૯ સુધીમાં તેમના સૈન્યમાં આશરે ૬,૦૦૦ સિપાહીઓ જોડાયા જેમણે કાનપુરથી પશ્ચિમ અને ઉત્તર પશ્ચિમ તરફ જતા તમામ માર્ગો કબ્જે કર્યા.[૨૩] જોકે તે સૈન્યને કાનપુરની બીજી લડાઈમાં કોલીન કેમ્પબેલના સૈન્યએ હાર આપી અને તેને પરિણામે કાનપુર વિસ્તારમાં ક્રાંતિનો અંત આવ્યો.[૨૪] તાત્યા ટોપે ત્યારબાદ રાણી લક્ષ્મીબાઈ સાથે જોડાયા.

નાના સાહેબ અદૃશ્ય થયા અને ૧૮૫૯માં તેઓ કથિત રીતે નેપાલ ભાગી ગયા.[૨૫] તેમનો આખરી અંજામ ક્યારેય નક્કી ન થઈ શક્યો. ૧૮૮૮ ની સાલ સુધી અફવાઓ ફેલાતી રહી કે નાના સાહેબ પકડાઈ ગયા અને ઘણા લોકો પોતાને વૃદ્ધ નાના સાહેબ ઓળખાવી અને અંગ્રેજો સમક્ષ હાજર થતા રહ્યા પણ તમામ ખબર ખોટી સાબિત થઈ. અંતે નાના સાહેબને પકડવાના પ્રયાસો અટકાવી દેવામાં આવ્યા.

અંગ્રેજ જોનાહ શેપર્ડ જેમને હેવલોકના સૈન્યએ બચાવ્યા હતા તેમણે અનેક વર્ષો સુધી કાનપુરના ઘેરા દરમિયાન માર્યા ગયેલા અંગ્રેજોની યાદી બનાવી. તેમનો સમગ્ર પરિવાર આ ઘેરામાં માર્યો ગયો હતો. પાછળથી ૧૮૬૦ના દાયકાના અંતમાં તેઓ કાનપુરની ઉત્તરમાં એક નાના ખેતરમાં સ્થાયી થઈ ગયા હતા.

સ્મારકો

ફેરફાર કરો
 
૧૮૬૦માં અંગ્રેજો દ્વારા ઉભું કરાયેલ સ્મારક ભારતની સ્વતંત્રતા બાદ તેને કાનપુર મેમોરીયલ ચર્ચ ખાતે ખસેડવામાં આવ્યું

ક્રાંતિને દબાવી દીધા બાદ અંગ્રેજોએ બીબીઘરને પાડી નાખ્યું અને તેના સ્થાન પર સ્મારક ઉભું કર્યું. તે દરમિયાનમાં અંગ્રેજ જનરલ ઑટ્રમના નેતૃત્વ હેઠળ અંગ્રેજોએ નાના સાહેબના બિથુર ખાતેના મહેલને તોપ વડે ગોલંદાજી કરી અને ઉડાવી દીધો જેમાં સંખ્યાબંધ ભારતીય સ્ત્રીઓ અને બાળકોના મૃત્યુ થયાં. જીવતા બળી મરનારમાં નાના સાહેબ બાળકી મૈનાવતી પણ હતા.[૨૬] વધુમાં, અંગ્રેજોની મદદે ન આવવાની સજા રુપે કાનપુરના સ્થાનિકોને સ્મારકનો ૩૦,૦૦૦ પાઉન્ડ ખર્ચ આપવા સજા કરાઈ.[૨૭] સ્વતંત્રતા સમયે સ્મારકના રક્ષણની ખાતરી આપવા છતાં તેને કેટલુંક નુક્શાન પહોંચ્યું જેથી તેને ત્યારબાદ કાનપુર મેમોરીયલ ચર્ચ ખાતે ખસેડવામાં આવ્યું.[૨૮]

કુવાનો કાંઠો હજુ પણ નાના રાવ બાગ ખાતે જોઈ શકાય છે. સ્મારકના સ્થળ પર સ્વતંત્રતા બાદ તાત્યા ટોપેનું બાવલું ઉભું કરવામાં આવ્યું.[૨૯]

સાહિત્યિક સંદર્ભો

ફેરફાર કરો

જુલિયન રથબોન દ્વારા તેમની નવલકથા ધ મ્યુટિનિમાં કાનપુરના ઘેરા દરમિયાન અંગ્રેજ અને ભારતીય બંને પક્ષોની ક્રુરતાનું વર્ણન કરવામાં આવ્યું છે. તેમાં સતી ચૌરા ઘાટના હત્યાકાંડ દરમિયાન ભારતીય પરિચારિકા લાવણ્યા અંગ્રેજ બાળક સ્ટિફનને બચાવે છે.[૩૦] વી એ સ્ટુઅર્ટની નવલકથા માસાકર એટ કાનપુરમાં અંગ્રેજ પાત્ર શેરીડન અને તેની પત્ની એમીની દૃષ્ટિએ ઘેરો અને હત્યાકાંડનું વર્ણન છે.[૩૧] આ સિવાય અંગ્રેજ સાહિત્યકારોએ સંખ્યાબંધ વાર્તાઓ લખી છે જેની પશ્ચાદભૂમાં કાનપુરની ઘટનાઓ છે.[૩૨] સમકાલીન ભારતીય લેખક કલપી દેવીએ સ્થાનિક સામયિક હિંદુપંચમાં અંગ્રેજ દ્વારા વળતી કાર્યવાહીઓનું વર્ણન કર્યું છે જેમાં નાના સાહેબના મહેલમાં તેમની પુત્રીને જીવતી સળગાવી હોવાનો પણ લેખ છે.[૩૩][૩૪]

  1. Mukherjee, Rudrangshu (1998) [2003]. Spectre of Violence: The 1857 Kanpur Massacre. Penguin Books, India. ISBN 978-0-670-88359-2. CS1 maint: discouraged parameter (link)
  2. Ward, Andrew (1996) [1996]. Our Bones Are Scattered: The Cawnpore Massacres and The Indian Mutiny Of 1857. Henry Holt and Co. ISBN 978-0-8050-2437-1. CS1 maint: discouraged parameter (link)
  3. ૩.૦ ૩.૧ ૩.૨ ૩.૩ ૩.૪ ૩.૫ ૩.૬ ૩.૭ V. S. "Amod" Saxena (17 February 2003). "Revolt and Revenge; a Double Tragedy (delivered to The Chicago Literary Club)". મૂળ માંથી 5 August 2007 પર સંગ્રહિત. મેળવેલ 11 July 2007.
  4. David R. Moody. "History of the Cawnpore Cup". મૂળ માંથી 28 September 2007 પર સંગ્રહિત. મેળવેલ 11 July 2007.
  5. ૫.૦૦ ૫.૦૧ ૫.૦૨ ૫.૦૩ ૫.૦૪ ૫.૦૫ ૫.૦૬ ૫.૦૭ ૫.૦૮ ૫.૦૯ ૫.૧૦ ૫.૧૧ ૫.૧૨ ૫.૧૩ ૫.૧૪ ૫.૧૫ ૫.૧૬ ૫.૧૭ "The Indian Mutiny: The Siege of Cawnpore". મૂળ માંથી 7 ઑક્ટોબર 2012 પર સંગ્રહિત. મેળવેલ 11 July 2007. Check date values in: |archive-date= (મદદ) સંદર્ભ ત્રુટિ: અયોગ્ય <ref> ટેગ; નામ "britishempire_cawnpore" અલગ માહિતી સાથે એકથી વધુ વખત વ્યાખ્યાયિત થયું છે
  6. ૬.૦ ૬.૧ ૬.૨ ૬.૩ ૬.૪ ૬.૫ ૬.૬ ૬.૭ ૬.૮ Wright, Caleb (1863) [1863]. Historic Incidents and Life in India. J. A. Brainerd. પૃષ્ઠ 239. ISBN 978-1-135-72312-5. CS1 maint: discouraged parameter (link)
  7. Mukherjee, Rudrangshu (August 1990). "'Satan Let Loose upon Earth': The Kanpur Massacres in India in the Revolt of 1857". Past & Present. Oxford University Press. 128: 92–116. doi:10.1093/past/128.1.92. JSTOR 651010.
  8. ૮.૦ ૮.૧ "Echoes of a Distant war". The Financial Express. 8 April 2007. મૂળ માંથી 7 ઑક્ટોબર 2012 પર સંગ્રહિત. મેળવેલ 11 July 2007. Check date values in: |archive-date= (મદદ) સંદર્ભ ત્રુટિ: અયોગ્ય <ref> ટેગ; નામ "financialexpress_echoes" અલગ માહિતી સાથે એકથી વધુ વખત વ્યાખ્યાયિત થયું છે
  9. Hibbert, Christopher (1978). The Great Mutiny: India, 1857. Viking Press. પૃષ્ઠ 194. ISBN 0-670-34983-6.
  10. ૧૦.૦ ૧૦.૧ Nayar, Pramod K. (2007). The Great Uprising. Penguin Books, India. ISBN 978-0-14-310238-0.
  11. Sen, Surendra Nath (1995) [1957]. Eighteen Fifty-seven. Publications Division, Ministry of Information & Broadcasting, Government of India. પૃષ્ઠ 145. ISBN 81-230-0093-6. CS1 maint: discouraged parameter (link)
  12. G. W. Williams, "Memorandum", printed with Narrative of the Events in the NWP in 1857–58 (Calcutta, n.d.), section on Kanpur (hereafter Narrative Kanpur), p. 20: "A man of great influence in the city, and a government official, has related a circumstance that is strange, if true, viz. that whilst the massacre was being carried on at the ghat, a trooper of the 2nd Cavalry, reported to the Nana, then at Savada house, that his enemies, their wives and children were exterminated ... On hearing which, the Nana replied, that |for the destruction of women and children, there was no necessity' and directed the sowar to return with an order to stay their slaughter". See also J. W. Kaye, History of the Sepoy War in India, 1857–58, 3 vols. (Westport, 1971 repr.), ii, p. 258. (This reprint of Kaye's work carries the title History of the Indian Mutiny of 1857–58.)
  13. ૧૩.૦ ૧૩.૧ Brock, William (1858) [1858]. A Biographical Sketch of Sir Henry Havelock, K. C. B. Tauchnitz. પૃષ્ઠ 150–152. મેળવેલ 12 July 2007. CS1 maint: discouraged parameter (link)
  14. ૧૪.૦ ૧૪.૧ ૧૪.૨ English, Barbara (February 1994). "The Kanpur Massacres in India in the Revolt of 1857". Past & Present. Oxford University Press (142): 169–178. doi:10.1093/past/142.1.169. JSTOR 651200.
  15. Barthorp, Michael (1994) [1994]. The British Troops in the Indian Mutiny 1857–59. Osprey Publishing. પૃષ્ઠ 22–23. ISBN 1-85532-369-9. CS1 maint: discouraged parameter (link)
  16. Mukherjee, Rudrangshu (February 1994). "The Kanpur Massacres in India in the Revolt of 1857: Reply". Past & Present. Oxford University Press. 142: 178–189. doi:10.1093/past/142.1.178. JSTOR 651201.
  17. Hibbert, Christopher. The Great Mutiny: India, 1857. Penguin, 1980, p. 212. 0140047522.
  18. "India Rising: Horrors & atrocities". National Army Museum, Chelsea. મૂળ માંથી 18 July 2007 પર સંગ્રહિત. મેળવેલ 11 July 2007.
  19. ૧૯.૦ ૧૯.૧ Raugh, Harold E. The Victorians at War, 1815–1914: An Encyclopedia of British Military History. ABC-CLIO, 2004, p. 89. 1576079252.
  20. Nikki Christie, Brendan Christie and Adam Kidson. Britain: losing and gaining an empire, 1763-1914. પૃષ્ઠ 150. ISBN 978-1-447-985341.
  21. Ernst, Waltraud (January 1997). "Idioms of Madness and Colonial Boundaries: The Case of the European and "Native" Mentally Ill in Early Nineteenth-Century British India". Comparative Studies in Society and History. 39 (1): 153–181.
  22. Pratul Chandra Gupta (1963). Nana Sahib and the rising at Cawnpore. Clarendon Press. પૃષ્ઠ 145. OCLC 1077615.
  23. Shyam Singh Shashi, સંપાદક (1996). Encyclopaedia Indica: India, Pakistan, Bangladesh, Volume 100. Anmol. પૃષ્ઠ 101. ISBN 978-81-7041-859-7.
  24. Hibbert, Christopher (1980). The Great Mutiny – India 1857. Penguin. પૃષ્ઠ 353. ISBN 0-14-004752-2. CS1 maint: discouraged parameter (link)
  25. Wright, Daniel (1993). History of Nepal: With an Introductory Sketch of the Country and People of Nepal. Asian Educational Services. પૃષ્ઠ 64. ISBN 81-206-0552-7.
  26. Kalpi Devi, "Nana Sahib's daughter Maina was burnt alive by Britishers", Vol. "Balindan", Hindupanch news report, 1858. (Hindi) http://www.philoid.com/epub/ncert/9/119/ihks105
  27. "Angel of Cawnpore". મેળવેલ 11 July 2007.
  28. Steggles, Mary Ann; Barnes, Richard (2011). British Sculpture in India: New Views and Old Memories. Norfolk: Frontier. પૃષ્ઠ 260–261. ISBN 978-1-872914-41-1.
  29. "Indian Mutiny". Indian Battlefield & Saga Tours. મૂળ માંથી 28 September 2007 પર સંગ્રહિત. મેળવેલ 11 July 2007.
  30. Rathbone, Julian (2007) [2007]. The Mutiny. Little, Brown. ISBN 0-316-73113-7. CS1 maint: discouraged parameter (link)
  31. Stuart, V. A. (2002) [2003]. Massacre at Cawnpore. Alexander Sheridan Adventures: Vol 3. McBooks Press. ISBN 978-1-59013-019-3. CS1 maint: discouraged parameter (link)
  32. Williams, T.C. (2012) [2012]. Cawnpore. JMS Books. ISBN 978-1-61152-270-9. CS1 maint: discouraged parameter (link)
  33. Kalpi Devi, "Nana Sahib's daughter Maina was burnt alive by Britishers", Vol. "Balindan", Hindupanch news report, 1858. (Hindi) http://www.philoid.com/epub/ncert/9/119/ihks105
  34. Henry Scherren (1905). The Zoological Society of London: A Sketch of Its Foundation and Development and the Story of Its Farm, Museum, Gardens, Menagerie and Library. Cassell. પૃષ્ઠ 167. મેળવેલ 20 April 2013.

બાહ્ય કડીઓ

ફેરફાર કરો