રમેશ પારેખ
રમેશ પારેખ ગુજરાતી ભાષાના કવિ અને ગીતકાર હતા. તેઓ આધુનિક ગુજરાતી કવિતાના સૌથી વધુ લોકપ્રિય કવિ હતા.[૨] વ્યવસાયે સરકારી કર્મચારી હોવા છતાં તેમને સાહિત્ય અને સંગીતમાં ઊંડો રસ હતો. ગીત, ગઝલ અને અછાંદસ કાવ્યોમાં તેમણે મહત્વનું યોગદાન આપ્યું હતું. તેમણે વાર્તાઓ અને ગુજરાતી બાળ સાહિત્યનું પણ સર્જન કર્યું હતું.
રમેશ પારેખ | |
---|---|
જન્મ | અમરેલી, ગુજરાત, ભારત | 27 November 1940
મૃત્યુ | 17 May 2006 રાજકોટ, ગુજરાત | (ઉંમર 65)
વ્યવસાય | કવિ, વાર્તા લેખક, બાળ સાહિત્યકાર |
ભાષા | ગુજરાતી |
રાષ્ટ્રીયતા | ભારતીય |
સમયગાળો | આધુનિક ગુજરાતી સાહિત્ય |
નોંધપાત્ર સર્જનો | વિતાન સુદ બીજ (૧૯૮૯) |
નોંધપાત્ર પુરસ્કારો |
|
જીવનસાથી | રસિલાબેન (લ. 1972) |
સંતાનો | નેહા, નિરજ |
સંબંધીઓ | નર્મદાબેન, મોહનલાલ (માતા-પિતા)[૧] |
સહી |
જીવન
ફેરફાર કરોરમેશ પારેખનો જન્મ ૨૭ નવેમ્બર ૧૯૪૦ના રોજ અમરેલી ખાતે કપોળ વણિક કુટુંબમાં મોહનલાલ અને નર્મદાબેનને ત્યાં થયો હતો. તેમણે પારેખ મહેતા વિદ્યાલય ખાતે અભ્યાસ કર્યો હતો. તેમની પ્રથમ વાર્તા પ્રેતની દુનિયા, ચાંદની સામાયિકમાં તેઓ જ્યારે શાળામાં હતા ત્યારે પ્રગટ થઇ હતી. ૧૯૫૮માં પ્રથમ વર્ગ સાથે તેમણે એસ.એસ.સી.ની પરીક્ષા ઉત્તીર્ણ કરી. તેમણે શિષ્યવૃત્તિ મેળવી હતી. તેમને ચિત્રકળામાં રસ હતો અને તેઓ સર જે.જે. સ્કૂલ ઓફ આર્ટસમાં પ્રવેશ મેળવવા ઇચ્છતા હતા પરંતુ નાણાકીય ભીડને કારણે તેમ કરી ન શક્યા. ૧૯૬૦માં તેઓ અમરેલી જિલ્લા પંચાયત કચેરીમાં જોડાયા. ચિત્રકળા અને સંગીતનો શોખ તેમણે જાળવી રાખ્યો. ૧૯૬૨ સુધી તેમણે વાર્તાઓ લખવાનું ચાલુ રાખ્યું અને સંગીત ક્લબની સ્થાપના કરી. ૧૯૬૭માં તેમણે કવિતા લખવાની શરૂઆત કરી. ૧૯૬૮માં તેમની મુલાકાત અનિલ જોશી સાથે થઇ અને તેમણે વધુ કવિતાઓ લખવાની પ્રેરણા આપી. તેમની કવિતાઓ સાહિત્યના વિવિધ સામાયિકોમાં પ્રગટ થવાની શરૂઆત થઇ.[૩][૪][૫] ૧૯૮૮માં તેઓ સરકારી નોકરીમાંથી નિવૃત્ત થયા અને સમગ્ર જીવન સાહિત્યિક કારકિર્દી પર કેન્દ્રિત કર્યું. ૧૯૯૭માં તેઓ અમરેલીથી રાજકોટ સ્થાયી થયા.
૧૭ મે ૨૦૦૬ના રોજ રાજકોટ ખાતે હૃદયરોગના હુમલાથી તેમનું અવસાન થયું હતું.[૬][૨][૧]
સર્જન
ફેરફાર કરોરમેશ પારેખ તેમના ગીતો માટે જાણીતા છે પણ તેમણે અછાંદસ કવિતાઓ અને ગઝલોમાં પણ મોટું યોગદાન આપ્યું છે. સોનલ અને મીરાંબાઇને સંબોધીને લખાયેલ તેમની કવિતાઓ અને ગીતો સોનલ સૌથી વધુ જાણીતા છે. તેમનો પ્રથમ કાવ્ય સંગ્રહ ક્યાં (૧૯૭૦) ની પ્રશંસા થઇ હતી. ખડિંગ (૧૯૭૯) તેમનો બીજો કાવ્ય સંગ્રહ છે જેણે અનેક પુરસ્કારો મળ્યા હતા. તેમના અન્ય કાવ્ય સંગ્રહો; ત્વ (૧૯૮૦), સનનન (૧૯૮૧), ખમ્મા, આલા બાપુને! (૧૯૮૫), મીરાં સામે પાર (૧૯૮૬) અને વિતાન સુદ બીજ (૧૯૮૯) છે. તેમની બધી કવિતાઓ છ અક્ષરનું નામ સંગ્રહમાં ૧૯૯૧માં પ્રગટ થઇ હતી. આ સંગ્રહ અત્યંત લોકપ્રિય બન્યો હતો અને પાંચ વર્ષમાં તેની ચાર આવૃત્તિઓ પ્રગટ થઇ હતી. લે, તિમિર! સૂર્ય (૧૯૯૫), છાતીમાં બારસાખ (૧૯૯૮), ચશ્માંના કાચ પર (૧૯૯૯) અને સ્વગતપર્વ (૨૦૦૨) સંગ્રહો ત્યાર પછી પ્રગટ થયા હતા. કાલ સાચવે પગલા (૨૦૦૯) તેમના મિત્ર નિતિન વડગામા વડે સંપાદિત અને પ્રકાશિત મરણોત્તર કાવ્ય સંગ્રહ છે.[૨][૧]
સ્તનપૂર્વક (૧૯૮૩) તેમનો વાર્તા સંગ્રહ છે. તેમણે ત્રિ-અંકી નાટકો પણ લખ્યા છે, જેમાં સગપણ એક ઉખાણું (૧૯૯૨), સૂરજને પડછાયો હોય (૨૦૦૨) અને રમૂજી નાટક તરખાટનો સમાવેશ થાય છે. તેમના નિબંધ સંગ્રહો હોંકારો આપો તો કહું (૧૯૯૪), ચાલો એકબીજાને ગમીએ (૨૦૦૧), સર્જકના શબ્દને સલામ (૨૦૦૨) છે. તેમણે ગિરા નદીને તીર (૧૯૮૯) કાવ્ય સંગ્રહ અને આ પડખું ફર્યો લે! (૧૯૮૯) ગઝલ સંગ્રહનું સંપાદન કર્યું હતું.[૨][૧]
બાળ સાહિત્યમાં તેમણે નોંધપાત્ર પ્રદાન કર્યું છે. તેમના બાળ કવિતા સંગ્રહો હાઉક (૧૯૭૯), ચીં (૧૯૮૦), દરિયો ઝુલ્લમ ઝુલ્લા, હસીએ ખુલ્લમ ખુલ્લા (૧૯૮૮, સચિત્ર), ચપટી વગાડતા આવડી ગઇ (૧૯૯૭) છે. તેમના બાળ વાર્તા સંગ્રહો હફરફ લફરફ (૧૯૮૬), દે તાલ્લી (૧૯૭૯), ગોર અને ચોર (૧૯૮૦), કુવામા પાણીનું ઝાડ (૧૯૮૬) અને જંતર મંતર છુ (૧૯૯૦) છે. તેમની બાળ નવલકથાઓ જાદુઇ દીવો અને અજબ ગજબનો ખજાનો છે.[૨][૧]
પારિતોષિકો
ફેરફાર કરો૧૯૭૦માં તેમને કુમાર સુવર્ણ ચંદ્રક, ૧૯૮૩માં ધનજી કાનજી ગાંધી સુવર્ણ ચંદ્રક, ૧૯૮૬માં રણજિતરામ સુવર્ણ ચંદ્રક અને ૧૯૮૯માં કલા ગૌરવ પુરસ્કાર પ્રાપ્ત થયો હતો. ખડિંગ પુસ્તક માટે તેમને ૧૯૭૮માં નર્મદ સુવર્ણ ચંદ્રક અને ૧૯૭૮-૭૯નો ઉમા-સ્નેહરશ્મિ પુરસ્કાર પ્રાપ્ત થયો હતો.[૭][૮] મીરા સામે પાર માટે તેમને ગિજુભાઇ બધેકા સુવર્ણ ચંદ્રક (૧૯૮૮) અને શ્રી અરવિંદ સુવર્ણ ચંદ્રક, રાજ્ય ક્ક્ષાનો ગુજરાતી સાહિત્ય અકાદમી પુરસ્કાર (૧૯૭૯) મળ્યો હતો. તેમના કાવ્ય સંગ્રહ વિતાન સુદ બીજ માટે ૧૯૯૪માં તેમને સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો હતો. આ જ પુસ્તક માટે તેમને રાજકુમાર ભુવલ્કા પુરસ્કાર પણ મળ્યો હતો. તેમના સમગ્ર સર્જન તેમને ૧૯૮૮માં સંસ્કાર પુરસ્કાર અને અમરેલી જિલ્લા પંચાયત કચેરી તરફથી કલાગૌરવ સુવર્ણ ચંદ્રક (૧૯૮૯) મળ્યો હતો. ૨૦૦૪માં તેમને નરસિંહ મહેતા પુરસ્કાર એનાયત થયો હતો.[૬][૨][૧]
૧૯૮૨-૮૩માં નસીબની બલિહારી ચલચિત્ર અને ૧૯૯૩-૯૪માં માનવીની ભવાઇ ચલચિત્ર માટે તેમને શ્રેષ્ઠ ગીતરચનાકારનો પુરસ્કાર ગુજરાત સ્ટેટ ફિલ્મ એવોર્ડમાં મળ્યો હતો.[૨]
અંગત જીવન
ફેરફાર કરો૧૯૭૨માં તેમના લગ્ન રસિલાબેન સાથે થયા હતા. તેમની પુત્રી નેહાનો જન્મ ૧૯૭૪માં અને પુત્ર નિરજનો જન્મ ૧૯૭૫માં થયો હતો.[૧]
સંદર્ભ
ફેરફાર કરો- ↑ ૧.૦ ૧.૧ ૧.૨ ૧.૩ ૧.૪ ૧.૫ ૧.૬ "Ramesh Parekh - Biography". Internet Archive. ૨૭ નવેમ્બર ૨૦૧૧. મૂળમાંથી અહીં સંગ્રહિત 2011-11-27. મેળવેલ ૧૯ નવેમ્બર ૨૦૧૬.CS1 maint: bot: original URL status unknown (link)
- ↑ ૨.૦ ૨.૧ ૨.૨ ૨.૩ ૨.૪ ૨.૫ ૨.૬ બ્રહ્મભટ્ટ, પ્રસાદ (૨૦૧૦). અર્વાચીન ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ - આધુનિક અને અનુઆધુનિક યુગ. અમદાવાદ: પાર્શ્વ પબ્લિકેશન. પૃષ્ઠ ૭૭–૮૪. ISBN 978-93-5108-247-7.
- ↑ "Ramesh Parekh". www.gujaratisahityaparishad.com. ગુજરાતી સાહિત્ય પરિષદ. મેળવેલ ૯ એપ્રિલ ૨૦૧૪.
- ↑ Dave, Kapil (૨૫ જાન્યુઆરી ૨૦૧૩). "Poet Ramesh Parekh's birth anniversary to be celebrated in hometown Amreli". The Times of India. મેળવેલ ૯ એપ્રિલ ૨૦૧૪.
- ↑ George, K. M. (૧૯૯૨). Modern Indian Literature, an Anthology: Surveys and poems. ૧. Sahitya Akademi. પૃષ્ઠ ૫૭૮. ISBN 9788172013240. મેળવેલ ૯ એપ્રિલ ૨૦૧૪.
- ↑ ૬.૦ ૬.૧ "Noted Gujarati Poet Ramesh Parekh passes away". One India News. ૧૭ મે ૨૦૦૬. મૂળ માંથી 2021-07-21 પર સંગ્રહિત. મેળવેલ ૮ એપ્રિલ ૨૦૧૪.
- ↑ "Gujarati poet Ramesh Parekh dead". The Times of India. Press Trust of India. ૧૮ મે ૨૦૦૬. મેળવેલ ૯ એપ્રિલ ૨૦૧૪.
- ↑ Pathak Dave, Dhwani (૭ જાન્યુઆરી ૨૦૧૪). "Ramesh Parekh poems to be 'played' for audience". Ahmedabad Mirror. મૂળ માંથી 2014-01-07 પર સંગ્રહિત. મેળવેલ ૯ એપ્રિલ ૨૦૧૪.
પૂરક વાચન
ફેરફાર કરો- વણકર, રાજેશ (સંપાદક). રમેશ પારેખ કૃત ક્યાં: અભ્યાસલેખો અને કાવ્યાસ્વાદો. અમદાવાદ: પાર્શ્વ પબ્લિકેશન. ISBN 978-93-5108-439-6.