લકુલીશ યોગ યુનિવર્સિટી

ગુજરાતની ખાનગી યુનિવર્સિટી

લકુલીશ યોગ યુનિવર્સિટી એક ખાનગી યુનિવર્સિટી છે[૨], જે અમદાવાદ, ગુજરાત, ભારત ખાતે નિરમા યુનિવર્સિટીની સામે તરફ અને છારોડી નજીક આવેલ છે.[૩] આ યુનિવર્સિટીની સ્થાપના વર્ષ ૨૦૧૩માં લકુલીશ આંતરરાષ્ટ્રીય ફેલોશિપ્સ એન્લાઇટનમેન્ટ મિશન (લાઇફ મિશન) દ્વારા ગુજરાત ખાનગી યુનિવર્સિટી (સુધારા) અધિનિયમ, ૨૦૧૩ અંતર્ગત કરવામાં આવી હતી.[૪]  તે યોગ ક્ષેત્રમાં ઉચ્ચ શિક્ષણ અભ્યાસક્રમોનું શિક્ષણ પૂરું પાડે છે.

લકુલીશ યોગ યુનિવર્સિટી
પ્રકારખાનગી
સ્થાપના૨૩ મે ૨૦૧૩
પ્રમુખદિનેશ અમીન[૧]
સ્થાનઅમદાવાદ, ગુજરાત, ભારત
23°07′37″N 72°32′20″E / 23.126908°N 72.538947°E / 23.126908; 72.538947
જોડાણોયુજીસી
વેબસાઇટwww.lyu.ac.in

પૃષ્ઠભૂમિ ફેરફાર કરો

લકુલીશ યોગ યુનિવર્સિટી એ ગુજરાતની પ્રથમ ખાનગી યુનિવર્સિટી છે, જે સંપૂર્ણ રીતે યોગ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. યુનિવર્સિટી ની સ્થાપના રાજર્ષિ મુનિ દ્વારા થઈ અને તેનું ઉદ્ઘાટન ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ કર્યું હતું.

પરંપરાગત યોગનું વિજ્ઞાન સાથે તાદાત્મ્ય સ્થાપી પ્રાચીન યોગજ્ઞાનને વિશ્વ માટે સુસંગત અને સુલભ રીતે ઉપલબ્ધ કરાવવા માટે યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી છે. યોગ યુનિવર્સિટી યોગમાં ઉચ્ચ શિક્ષણ અને સંશોધનને પ્રોત્સાહન આપવા, પ્રાચીન ભારતીય પરંપરાગત યોગ, તેની સંસ્કૃતિ અને પુરાવા-આધારિત યૌગિક વિજ્ઞાન શીખવાની સુવિધા પૂરી પાડવા કાર્યરત છે.

વર્ષ ૧૯૭૬માં, કૃપાલ્વાનંદજીએ લકુલીશ યોગ સંસ્થાનું ઉદ્ઘાટન કરતી વખતે તેમના વક્તવ્યમાં લકુલીશ યોગ યુનિવર્સિટી બનશે તેવી ઇચ્છા વ્યક્ત કરી હતી.

માતૃસંસ્થા ફેરફાર કરો

લકુલીશ ઇન્ટરનેશનલ ફેલોશિપનું એન્લાઇન્ટન્મેન્ટ મિશન (Lakulish International Fellowship’s Enlightenment Mission), જે લાઇફ મિશન નામે પ્રસિદ્ધ છે, એ ગુજરાત (ભારત) સ્થિત રજિસ્ટર્ડ પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટ છે. તેની સ્થાપના ૧૯૯૩માં સ્વામી રાજર્ષિ મુનિ દ્વારા કરવામાં આવી હતી. મિશનની નોંધણી ૨૬ માર્ચ ૧૯૯૬ના રોજ મદદનીશ ચેરિટી કમિશનર ભાવનગર, ગુજરાત દ્વારા કરવામાં આવી છે અને તેમાં નોંધણી નંબર E/643/સુરેન્દ્રનગર છે.

લાઇફ મિશનનાં કેટલાક ઉદ્દેશ્યો નિર્ધારિત છે, જેને પૂર્ણ કરવા સંસ્થા કાર્યરત છે. જેમાં મુખ્ય નીચે મુજબ છે:

  • આધ્યાત્મિક અને સાંસ્કૃતિક જાગૃતિ માટે વિશ્વવ્યાપી અભિયાન ચલાવવું.
  • યોગના પ્રાચીન વિજ્ઞાનના જ્ઞાન અને અભ્યાસનો પ્રચાર અને પ્રચાર કરવો.
  • સાંસ્કૃતિક, નૈતિક, સૈદ્ધાન્તિક અને આધ્યાત્મિક મૂલ્યો તરફ લોકોના વિચારોને પ્રેરિત કરવા.
  • જાતિ, ધર્મ, રાષ્ટ્રીયતા, જાતિ અથવા લિંગના આધારે ભેદભાવ વિના નિઃસ્વાર્થ સેવા દ્વારા માનવતાની સેવા કરવી.

લાઇફ મિશનનાં ઉક્ત ઉદ્દેશોની પૂર્તિ સંસ્થા કેટલાક ક્રિયાકલાપો દ્વારા કરી રહી છે. જેમ કે,

  • નૈતિક, સૈદ્ધાંતિક, આધ્યાત્મિક અને સાંસ્કૃતિક મૂલ્યોના પ્રસાર માટે વૈશ્વિક ઝુંબેશ ચલાવવા માટે સંન્યાસીઓ અને બિન-સંન્યાસી દીક્ષિત શિષ્યોના વિવિધ વર્ગોના કાર્યકર્તાઓની કેડર બનાવીને સમગ્ર વિશ્વમાં મિશન સંસ્કાર કેન્દ્રો (સંસ્કૃતિ કેન્દ્રો) ની સ્થાપના કરવી.
  • યોગનું વૈજ્ઞાનિક શિક્ષણ, પ્રશિક્ષણ અને વિસ્તરણ હાથ ધરીને એ માટે સંસ્થાકીય ક્ષમતાનું નિર્માણ કરવું.
  • લોકોને સાંસ્કૃતિક, સૈદ્ધાંતિક, આધ્યાત્મિક અને નૈતિક મૂલ્યો પ્રત્યે સંવેદનશીલ અને જાગૃત કરવા માટે દાર્શનિક, સાંસ્કૃતિક અને આધ્યાત્મિક બાબતો પર પ્રખ્યાત આધ્યાત્મિક વ્યક્તિઓના જાહેર અને ખાનગી પ્રવચનો ગોઠવા.
  • યોગ્ય સાહિત્ય અને આવા અન્ય માધ્યમોના ઉત્પાદન અને પ્રસાર દ્વારા સાંસ્કૃતિક, સામાજિક અને આધ્યાત્મિક જ્ઞાનનો ફેલાવો કરવો.
  • જનહિત માટે સામુદાયિક સેવા અને વિકાસ કાર્યો હાથ ધરવા.

સંસ્થાએ પોતાનું એક સિદ્ધાન્ત વાક્ય પણ નિર્ધારિત કરેલ છે:

ભારતીય સંસ્કૃતિ આજે પણ આદર મેળવી શકે છે અને દરેક જગ્યાએ આવકાર અનુભવી શકે છે અને સમગ્ર વિશ્વને માર્ગદર્શન આપી શકે છે કારણ કે તે એ મૂળભૂત સિદ્ધાંતો પર આધારિત છે, જે સમગ્ર માનવજાતને સ્વીકાર્ય છે. આ રીતે ભારતીય સંસ્કૃતિમાં માનવજાતની સંસ્કૃતિ બનવાની ક્ષમતા છે.

નામકરણ ફેરફાર કરો

શિવ પુરાણમાં આ પ્રમાણે કહેવાયું છે: “અઠ્ઠાવીસમા દ્વાપરયુગમાં જ્યારે પરાશરના પુત્ર દ્વૈપાયન વ્યાસ થશે અને ભગવાન વિષ્ણુ વસુદેવના પુત્ર ભગવાન કૃષ્ણના રૂપમાં અવતરશે, ત્યારે હું પણ એક વ્યક્તિના શરીરમાં અવતાર લઈશ. બ્રહ્મચારી અને લકુલીશ તરીકે ઓળખાઈશ. મારા અવતારનું સ્થાન સિદ્ધક્ષેત્ર હશે અને તે પૃથ્વી પર ટકશે ત્યાં સુધી લોકોમાં પ્રસિદ્ધ રહેશે.”

આ ભવિષ્યવાણી લગભગ 4500 વર્ષ પહેલાં ત્યારે થઈ જ્યારે ભગવાન લકુલીશ કાયાવરોહણ (ગુજરાતમાં વડોદરા શહેર નજીક) ખાતે પૃથ્વી પર અવતર્યા, જેમ કે તેમના દ્વારા કહેવામાં આવ્યું હતું. તેમણે સનાતન ધર્મના સિદ્ધાંતો અને દૈવી યોગના વિજ્ઞાનનો ઉપદેશ આપ્યો. તેઓ પોતે નિયત સમયે પૃથ્વી છોડી ગયા, પરંતુ તેમના અવતારના હેતુરૂપ ચાર પારંગત યોગી શિષ્યો ક્રમશઃ કુશિક, ગર્ગ, મિત્ર અને કૌરુષ દ્વારા સેવા આપવાનું ચાલુ રાખ્યું. આ પરંપરા લગભગ ત્રણ હજાર વર્ષોથી ખીલી હોવાનું માનવામાં આવે છે. જોકે, સમય જતાં, આ પરંપરાના ઉપદેશો બંધ થઈ ગયા હતા.

માનવામાં આવે છે કે 1913 માં ભગવાન લકુલીશ પોતે ફરી એકવાર સ્વામી પ્રણવાનંદને દીક્ષા આપી અને તેમને દૈવી યોગના રહસ્યો આપીને માનવજાતના હિત માટેની કેટલીક ઉચ્ચ અને ઉમદા યોજનાઓના અમલીકરણ માટે તેમના આધ્યાત્મિક વંશને પુનર્જીવિત કર્યા. ભગવાન લકુલીશની શિષ્ય પરંપરા આજ સુધી ટકી રહી છે. આમ સંસ્થા એ લકુલીશ યોગ વિદ્યાલય અને લકુલીશ યોગ વિશ્વવિદ્યાલય એમ નામકરણ કર્યું છે.

સંદર્ભો ફેરફાર કરો

  1. "Message From The President". www.lyu.ac.in. Lakulish – Yoga University, Ahmedabad. મૂળ માંથી 26 સપ્ટેમ્બર 2017 પર સંગ્રહિત. મેળવેલ 25 September 2017.
  2. "State -wise List of Private Universities as on 29.06.2017" (PDF). ugc.ac.in. University Grants Commission (India). ૨૯ જૂન ૨૦૧૭. મેળવેલ ૧ સપ્ટેમ્બર ૨૦૧૭.
  3. "Contact". lyu.ac.in (અંગ્રેજીમાં). મૂળ માંથી 2018-08-01 પર સંગ્રહિત. મેળવેલ ૨૫ સપ્ટેમ્બર ૨૦૧૭.
  4. "The Gujarat Private Universities (Amendment) Act, 2013" (PDF). Gujarat Gazette. Government of Gujarat. ૧૬ એપ્રિલ ૨૦૧૩. મૂળ (PDF) માંથી 2017-06-10 પર સંગ્રહિત. મેળવેલ ૧ સપ્ટેમ્બર ૨૦૧૭.

બાહ્ય કડીઓ ફેરફાર કરો