લાલભાઈ દલપતભાઈ સંગ્રહાલય
લાલભાઈ દલપતભાઈ સંગ્રહાલય (સંક્ષિપ્ત: એલ ડી સંગ્રહાલય) અમદાવાદ, ગુજરાત સ્થિત સંગ્રહાલય છે જેમાં ભારતીય મૂર્તિઓ, હસ્તપ્રતો, ચિત્રો, લઘુચિત્ર, કાષ્ટકામની કલાકૃતિઓ તેમજ પ્રાચીન અને સમકાલીન સિક્કાઓ સંગ્રહાયેલા છે.
સ્થાપના | ૧૯૮૪ |
---|---|
સ્થાન | ગુજરાત યુનિવર્સિટીની સામે, નવરંગપુરા, અમદાવાદ ભારત ૩૮૦૦૦૯ |
અક્ષાંશ-રેખાંશ | 23°12′N 72°20′E / 23.2°N 72.33°E |
નિયામક | રતન પરીમૂ |
વસ્તુપાલ | બાબુલાલ હિંગળાજીયા |
વેબસાઇટ | www |
ઇતિહાસ
ફેરફાર કરો૧૯૫૬માં સંગ્રહાલયની સ્થાપના બાદથી એલ ડી ઇન્સ્ટીટ્યુટ ઓફ ઇન્ડોલોજી વિભિન્ન પ્રકારની અલભ્ય હસ્તપ્રતો અને કલાકૃતિઓને એકઠી કરીને સંરક્ષિત કરી રહ્યું છે. આ પૈકીની કેટલીક એલ ડી સંગ્રહાલયને સોંપવામાં આવી છે. આ સંગ્રહાલયની સ્થાપના મુનિ પુણ્યવિજયજી તથા અમદાવાદના જાણીતા ઉદ્યોગપતિ કસ્તુરભાઈ લાલભાઈના અથાગ પ્રયાસોનું પરિણામ છે. શરૂઆતમાં આ સંગ્રહાલય લાલભાઈ દલપતભાઈ ભારતીય વિદ્યામંદિરના પરિસરમાં આવેલું હતું[૧] પરંતુ સંગ્રહમાં કલાકૃતિઓની સંખ્યામાં વધારો થતા તત્કાલીન મકાનની બાજુમાં જ એક નવું મકાન તૈયાર કરવામાં આવ્યું. આ મકાનની ડિઝાઇન આંતરરાષ્ટ્રીય સ્થપતિ બાલકૃષ્ણ દોશી દ્વારા તૈયાર કરવામાં આવી હતી. સંગ્રહાલયના નવા મકાનને ૧૯૮૪માં જાહેર જનતા માટે ખુલ્લું મૂકવામાં આવ્યું તથા તેનું ઔપચારીક ઉદ્ઘાટન ગુજરાતના તત્કાલીન રાજ્યપાલ વ્રજ કુમાર નહેરૂ દ્વારા ૧૯૮૫માં કરવામાં આવ્યું હતું.
સ્થળ
ફેરફાર કરોઆ સંગ્રહાલય અમદાવાદ શહેરના પશ્ચિમ વિસ્તારમાં ગુજરાત યુનિવર્સિટી અને એલ.ડી. એન્જીનિયરીંગ કોલેજ પાસેના લાલભાઈ દલપતભાઈ ભારતીય વિદ્યામંદિરના પરિસરમાં આવેલું છે. તે રેલવે સ્ટેશનથી લગભગ ૭ કિ.મી. અને હવાઈ મથકથી ૧૨ કિ.મી.ના અંતરે આવેલું છે.
સમય
ફેરફાર કરોસંગ્રહાલય સોમવાર તથા જાહેર રજાના દિવસો સિવાય સવારે ૧૦:૩૦ થી સાંજના ૫.૩૦ સુધી ખુલ્લુ હોય છે.
વિભાગ
ફેરફાર કરોજુદા જુદા દાતા સમૂહો દ્વારા સ્થાયીરૂપે દાન કરવામાં આવેલ વિવિધ કલાકૃતિઓથી સંગ્રહાલય સમૃદ્ધ છે. આ યોગદાનકર્તાઓની સ્મૃતિમાં શ્રદ્ધાંજલિરૂપે સંગ્રહાલયને (૧) મુનિ પુણ્યવિજયજી ગેલેરી (૨) માધુરી ડી. દેસાઈ ગેલેરી (૩) કસ્તુરભાઈ લાલભાઈ ભારતીય ચિત્ર સંગ્રહ (૪) લીલાવતી લાલભાઈ કાષ્ઠકામ સંગ્રહ (૫) અરવિંદ લાલભાઈ સંગ્રહ (૬) પ્રિયકાન્ત ટી મુન્શા સિક્કા સંગ્રહ (૭) ગોપી–આનંદ મણકા સંગ્રહ જેવી વિવિધ ગેલેરી (દીર્ઘા) અને વિભાગોમાં વહેંચવામાં આવ્યું છે.[૧]
સંગ્રહ
ફેરફાર કરોસંગ્રહાલયના ભોંયતળીયે માધુરી ડી. દેસાઈ ગેલેરીમાં ભારતીય ઉપખંડની પ્રમુખ ક્ષેત્રીય શિલ્પશૈલીની મૂર્તિઓનો વ્યાપક સંગ્રહ જોવા મળે છે. આ ગેલેરીમાં ગાંધારથી મળી આવેલ ગૌતમ બુદ્ધની પૂર્ણ કદની વિશાળ પ્રતિમા (ઇ.સ. ૫મી સદી), દેવગઢ મધ્ય પ્રદેશથી ગુપ્ત કાળ દરમિયાન મળી આવેલી ભગવાન રામની સૌથી પુરાણી મૂર્તિ, શામળાજીથી મળી આવેલ ૬ઠ્ઠી શતાબ્દીનું માતૃકા ઇંદ્રાણીનું દુર્લભ શિલ્પ, મહારાષ્ટ્રના નંદુરબાર પાસે સિરપુરથી મળી આવેલી ભગવાન આદિનાથની કાંસ્ય મૂર્તિ (૭-૮મી સદી), ગુજરાતના ભાવનગર જિલ્લાના ગોગામાંથી મળી આવેલ જૈન કાંસ્ય મૂર્તિઓ તથા મથુરા, નાલંદા, નેપાળ, તિબેટ વગેરે સ્થળોએથી મળી આવેલ બૌદ્ધ પ્રતિમાઓનો સમાવેશ થાય છે.[૧]
ગુજરાતમાંથી મળી આવેલ મૂર્તિઓમાં સિદ્ધરાજ જયસિંહનું શિલ્પ મુખ્ય છે. તેરમી સદીનું આ શિલ્પ ઠક્કર વિલ્હન નામના શિલ્પીએ તૈયાર કરેલું છે. પાલનપુરથી મળી આવેલ વિષ્ણુની બારમી સદીની મૂર્તિ તેમજ અમદાવાદમાંથી ૧૬૩૬માં મળી આવેલી પદમાવતીની ૨૪ હાથવાળી કાંસ્ય મૂર્તિ પણ અહીં સચવાયેલી છે.[૧]
સંગ્રહાલયના પ્રથમ માળે મુનિ પુણ્યવિજયજી વિભાગ આવેલો છે. આ વિભાગમાં મુનિ પુણ્યવિજયજીના અંગત કલાસંગ્રહમાંથી દાનમાં મળેલા ચિત્રો રાખવામાં આવેલા છે. ૧૯૪૦ના દશક દરમિયાન પુણ્યવિજયજી દ્વારા એકઠા કરવામાં આવેલા આ સંગ્રહમાં ગુજરાતી, દખ્ખણી, રાજસ્થાની અને મોઘલ ચિત્રો છે. દખ્ખણી ચિત્રોમાં ઔરંગાબાદ અને પૈઠણ શૈલીના ચિત્રો તથા રાજસ્થાની ચિત્રોમાં જયપુર, જોધપુર, મારવાડ, સિરોહી ઉપશૈલીના ચિત્રો છે. તાડપત્રો પર હસ્તપ્રતો માટે તૈયાર કરાયેલા દુર્લભ ચિત્રો પણ અહીં સચવાયેલા છે. ચાંપાનેર (ગુજરાત)માં ૧૪૩૩માં ચિત્રિત પંચતીર્થ પટચિત્ર ખૂબ જ નોંધપાત્ર છે જે કાપડના લાંબા તાકા પર ચિતરવામાં આવેલ છે.[૧]
પી. ટી. મુનશા સિક્કા સંગ્રહ વિભાગમાં ગાંધાર, ગુપ્ત, મૌર્ય, શક, કુષાણ, ગ્રીક, રોમન, ગુજરાત સલ્તનત અને મુઘલ કાળના સિક્કાઓ સંગ્રહાયેલા છે.[૧]
કસ્તુરભાઇ વિભાગમાં અષ્ટદ્વીપ પટ અને સીસમના લાકડામાંથી કોતરાયેલું ઘર-દેરાસર આવેલું છે.[૧]
પ્રયોગશાળા
ફેરફાર કરોસંગ્રહાલયમાં એક સંરક્ષક પ્રયોગશાળા આવેલી છે જે કાગળના લઘુચિત્રોની જાળવણીનું કામ કરે છે. ઉપરાંત પથ્થરની મૂર્તિઓ અને ધાતુની વસ્તુઓની પ્રાથમિક સાફ સફાઈ અને જાળવણીનું કામ પણ આ પ્રયોગશાળા દ્વારા કરવામાં આવે છે.
પુસ્તકાલય
ફેરફાર કરોસંગ્રહાલયના ભોંયરામાં કલા સંદર્ભ પુસ્તકાલય આવેલું છે જેમાં કલાના દુર્લભ પુસ્તકો સચવાયેલાં છે. આ પુસ્તકાલયને ૨૦૧૨-૧૩માં સંસ્કૃતિ મંત્રાલય, ભારત સરકાર દ્વારા આર્થિક અનુદાન પ્રાપ્ત થયેલ છે.