શ્રીમદ્ રાજચંદ્ર (૧૧ નવેમ્બર ૧૮૬૭ - ૯ એપ્રિલ ૧૯૦૧) એક જૈન કવિ, અધ્યાત્મમૂર્તિ, તત્ત્વજ્ઞ, વિદ્વાન અને સમાજસુધારક હતા. તેમનો જન્મ મોરબી નજીકના વવાણિયા ગામમાં થયો હતો. માત્ર સાત વર્ષની ઉંમરે પૂર્વ ભવોને સ્મરણમાં લાવવારૂપ જાતિસ્મરણ થયાનો ઉલ્લેખ તેમણે પોતે કર્યો છે. એકી સાથે બનતી અનેક ક્રિયાઓમાં ભાગ લેવો, સતેજ સ્મૃતિ અને પ્રસંગે ક્રમાનુબદ્ધ સ્મરણ થવારૂપ શતાવધાનના પ્રયોગો તેમણે જાહેરમાં સફળતાપૂર્વક કર્યા, જેના પરિણામે તેમને અત્યંત લોકપ્રિયતા મળી, પરંતુ પોતાની આધ્યાત્મિક સાધનામાં અવરોધક જણાતાં, તે અવધાનપ્રયોગોને તેમણે તિલાંજલિ આપી. તેમણે આત્મસિદ્ધિ સહિત અનેક તત્ત્વજ્ઞાનસભર કાવ્યોની રચના કરી છે. તેમણે ઘણા પત્રો અને વિવેચનો લખ્યાં છે તેમજ કેટલાક ધાર્મિક ગ્રંથોનો અનુવાદ પણ કર્યો છે. જૈન ધર્મના મૂળભૂત સિદ્ધાંતો પરના તેમના બોધ માટે તથા મહાત્મા ગાંધીને તેમણે આપેલ આધ્યાત્મિક માર્ગદર્શન માટે તેઓ વિશેષ પ્રસિદ્ધ છે.

શ્રીમદ્

રાજચંદ્ર
પદ્માસન મુદ્રામાં રાજચંદ્ર
અંગત
જન્મ
લક્ષ્મીનંદન રાવજીભાઇ મેહતા

(1867-11-11)11 November 1867
વાવણિયા, મોરબી નજીક, બ્રિટિશ ભારત (હવે, ગુજરાત, ભારતમાં)
મૃત્યુ9 April 1901(1901-04-09) (ઉંમર 33)
રાજકોટ
ધર્મજૈન
જીવનસાથી
ઝબકબેન (લ. 1887)
માતા-પિતારાવજીભાઈ અને દેવબાઈ
નોંધપાત્ર કાર્યોઆત્મસિદ્ધિ
મોક્ષમાળા
અન્ય નામોકવિ
રાયચંદભાઇ
પરમ કૃપાળુ દેવ

શ્રીમદ્ રાજચંદ્ર એ ગુજરાતી કવિ, જૈન ફિલસૂફ અને જ્ઞાતા હતા. તેઓ ગાંધીજીના આઘ્યાત્મિક ગુરુ તરીકે જાણીતા છે. તેમનો જન્મ ૯ નવેમ્બર ૧૮૬૭ અને દેવ દિવાળીને દિવસે મોરબી પાસેનાં વવાણિયા ગામે થયો હતો. દશાશ્રીમાળી વણિક જ્ઞાતિમાં જન્મેલા શ્રીમદ્ રાજચંદ્રના પિતાનું નામ રાવજીભાઈ અને માતાનું નામ દેવબાઈ હતું. તેઓ નાનપણમાં ‘લક્ષ્મીનંદન’, પછીથી ‘રાયચંદ’ અને ત્યારબાદ ‘શ્રીમદ્ રાજચંદ્ર’ તરીકે પ્રસિદ્ધ થયા. શ્રીમદ્ રાજચંદ્રનો આશ્રમ સુરેદ્રનગરના સાયલા તાલુકામાં આવેલો છે. કહેવાય છે રાજચંદ્રને ૭ વર્ષની વયે પૂર્વજન્મનું જ્ઞાન થયું હતું. ૮ વર્ષની ઉંમરે કવિતા લખવાનો આરંભ કર્યો હતો. ૯મા વર્ષે રામાયણ અને મહાભારત સંક્ષેપ્ત પદોમાં લખ્યું. ૧૨થી ૧૬ વર્ષની વયમાં આઘ્યાત્મિક પુસ્તકોનું તેમણે સર્જન કર્યું. તેઓ શતાવધાન અર્થાત એકસાથે સો ક્રિયાઓ એક ઘ્યાને સફળતાપૂર્વક કરી શકતાં હતાં. પત્ની ઝબકબાઈ સાથે સંસારમાં રહી સાધુ જેવું જીવન જીવીને આઘ્યાત્મ ઉન્નતિને પ્રાપ્ત કરી. ૩૩ વર્ષની વયે ૯ એપ્રિલ ૧૯૦૧નાં રોજ ખેડા ખાતે મૃત્યુ પામ્યાં.

પ્રારંભિક જીવન

ફેરફાર કરો
 
વવાણિયામાં આવેલ શ્રીમદ્ રાજચંદ્ર જન્મ ભુવન

શ્રીમદ રાજચંદ્રનો જન્મ ૧૧ નવેમ્બર ૧૮૬૭ (કાર્તિક પૂર્ણિમા, વિક્રમ સંવત 1924)ના રોજ મોરબી (હાલ ગુજરાત, ભારત) નજીકના વવાણિયા બંદરમાં થયો હતો.[૧] તેમનાં માતા દેવબાઈ શ્વેતાંબર સ્થાનકવાસી જૈન હતા અને તેમના પિતા રવજીભાઈ મહેતા અને દાદા પંચાણભાઈ મહેતા વૈષ્ણવ હિંદુ હતા. આમ, તેમને પ્રારંભિક જીવનથી જ જૈન ધર્મ અને હિંદુ ધર્મનો પરિચય થયો હતો.[૨][૩][૪] તેઓ વણિક સમાજ અંતર્ગત દશા શ્રીમાળી જ્ઞાતિના હતા.[૫] સાધુ રામદાસજીના હસ્તે તેમને વૈષ્ણવ ધર્મની કંઠી પહેરાવવામાં આવી હતી.[૨][૩][૬] તેઓશ્રીએ અન્ય ભારતીય ધર્મોનો અભ્યાસ કર્યો, જે દરમ્યાન તેઓશ્રી જૈન ધર્મના અહિંસાના સિદ્ધાંત પ્રત્યે આકર્ષાયા. આગળ જતાં, જૈન ધર્મ "મોક્ષનો શ્રેષ્ઠ માર્ગ" દર્શાવે છે એવી દ્રઢ માન્યતાના ફળસ્વરૂપે, તેઓશ્રીએ જૈન ધર્મ અંગીકાર કર્યો.[૭]

તેમનું જન્મનું નામ લક્ષ્મીનંદન મહેતા હતું. જ્યારે ચાર વર્ષના હતા ત્યારે માતા-પિતાએ તેમનું નામ બદલીને રાયચંદ રાખ્યું હતું. પાછળથી આ નામ તેના સંસ્કૃત અર્થપર્યાય 'રાજચંદ્ર'માં પરિવર્તિત થયું. તેમના મૃત્યુ બાદ, તેમના અનુયાયીઓએ 'શ્રીમદ્' એવો આદરસૂચક શબ્દ તેમના નામની આગળ ઉમેર્યો. તેમના અનુયાયીઓ તેમને 'પરમ કૃપાળુદેવ' તરીકે પણ સંબોધે છે.[૨][૪]

અંતિમ વર્ષો

ફેરફાર કરો

1888માં (મહા સુદ 12, વિ.સં. 1944), શ્રીમદ્ રાજચંદ્રજીના લગ્ન ઝવેરી રેવાશંકરભાઈ જગજીવનદાસ મહેતાના મોટાભાઈ પોપટલાલના પુત્રી ઝબકબાઈ સાથે થયા હતા. ત્યારપછી તેઓ ઝવેરાતના વ્યાપારમાં જોડાયા.[૩][૮][૯] તેમને બે પુત્ર અને બે પુત્રી એમ કુલ ચાર સંતાન થયાં હતાં.[૯] તેમના સાસરિયાં તેઓ મુંબઈ આવી ધંધો કરે તેમ ઈચ્છતા હતા પણ તેમને અધ્યાત્મમાં રસ હતો.[૨]

1890 (વિ. સં .1947)માં ઉત્તરસંડા ખાતે તેમને તળાવની નજીક આંબાના ઝાડ નીચે ધ્યાન કરી રહ્યા હતા ત્યારે પ્રથમ વખત તેમને આત્મસાક્ષાત્કારનો અનુભવ કર્યો. હાલમાં આ વૃક્ષ ત્યાં અસ્તિત્વમાં નથી, પરંતુ ઘટનાના સાક્ષીરૂપ એક સ્મારક મંદિર ત્યાં બનાવવામાં આવ્યું છે.[૯] છ વર્ષ કરતાં વધુ સમય સુધી તેઓશ્રી ગૃહસ્થાવસ્થામાં રહ્યા અને વ્યવસાયમાં પણ સફળતા પ્રાપ્ત કરી.[૧૦]

તેઓ મહાત્મા ગાંધીના આધ્યાત્મિક માર્ગદર્શક તરીકે જાણીતા છે.[૧૧] તેઓ બન્નેનો પરસ્પર પરિચય વર્ષ 1891માં મુંબઈમાં થયો હતો અને ગાંધીજી દક્ષિણ આફ્રિકા ગયા ત્યાર પછી પણ તેઓ બન્ને વચ્ચે પત્રવ્યવહાર ચાલુ જ રહ્યો હતો. તેમની આત્મકથા મારા સત્યના પ્રયોગોમાં શ્રીમદ્ રાજચંદ્રની તેમના જીવન પર પડેલી છાપની નોંધ કરતાં, મહાત્મા ગાંધીજીએ તેમને "માર્ગદર્શક અને સહાયક" તેમજ "આધ્યાત્મિક ભીડમાં આશ્રયરૂપ" ગણાવ્યા છે. તેમણે ગાંધીજીને ધીરજ રાખવાની અને હિંદુ ધર્મનો ઊંડો અભ્યાસ કરવાની સલાહ આપી હતી. તેમના આ બોધથી ગાંધીજીની અહિંસા અંગેની વિચારસરણી પ્રભાવિત થઈ હતી.[૨][૧૨][૧૧]

 
ઇડરમાં ડુંગર પર આવેલ શ્રીમદ્ રાજચંદ્ર વિહાર જ્યાં તેઓએ પ્રવચનો આપ્યા હતા.

તેઓ મુંબઈ ન ગયા અને તેમના અનુયાયીઓ સાથે રહ્યા. ત્રીસ વર્ષની વયે તેઓ ગૃહસ્થજીવન અને વ્યવસાયમાંથી નિવૃત્ત થયા. ઇડરમાં તેમણે ત્રણ મહિના ગાળ્યા હતા જ્યાં પુઢવી શિલા તેમજ સિદ્ધશિલા ઉપર બેસીને તેમણે સાત મુનિઓને ધર્મોપદેશ આપ્યો હતો. પાછળથી ત્યાં સ્મારક મંદિર અને વિહાર ભવન બનાવવામાં આવ્યાં છે.[૧૩][૨]

અંતિમ વર્ષો દરમિયાન તેમને પાચનતંત્રનો સંગ્રહણીનો રોગ થયો હતો. અત્યંત નબળાઈ સિવાય કોઈ ચોક્કસ કારણ તેમના મૃત્યુ પાછળ દર્શાવાયું નથી. વર્ષ 1900માં તેમના શરીરનું વજન ખૂબ ઘટી ગયું. તબીબોની દેખરેખ હેઠળ તેમને આરોગ્યસુધારણા માટે ગુજરાતના દરિયાકાંઠાના પ્રદેશોમાં જવાની સલાહ આપવામાં આવી હતી. ધરમપુરના રોકાણ દરમિયાન તેમને અસાધ્ય રોગ લાગુ પડ્યો જેમાંથી તેઓ ક્યારેય સાજા ના થયા. વર્ષ 1901માં માતા અને પત્ની સહિત વઢવાણ કેમ્પ જતાં પહેલાં તેઓ અમદાવાદમાં આગાખાનના બંગલામાં રોકાયા હતા. 9 એપ્રિલ 1901 (ચૈત્ર વદ 5, વિ.સં. 1957)ના રોજ રાજકોટમાં પરિવારજનો, મિત્રો અને અનુયાયીઓની હાજરીમાં તેઓ મૃત્યુ પામ્યા.[૧૪][૨][૮] તેમના મૃત્યુ બાદનો લેવાયેલો એક નાનો ફોટો તેમણે ખંભાતમાં સ્થાપેલ સુબોધક પુસ્તકાલયમાં મુકવામાં આવેલ છે. રાજકોટ ખાતે જ્યાં તેઓ મૃત્યુ પામ્યા હતા તે નર્મદા મેન્શન હવે શ્રીમદ્ રાજચંદ્ર સમાધિ ભવનરૂપે જાળવવામાં આવ્યું છે.[૧૫]

શ્રીમદ્ રાજચંદ્રએ સ્ત્રીનીતિબોધક (1884) લખ્યું હતું જેમાં તેમણે દેશની આઝાદી માટે સ્ત્રીકેળવણીની આવશ્યકતા ઉપર ભાર મૂક્યો છે. સદ્બોધ શતક (1884) તેમની નીતિવિષયક વિચારધારા આલેખે છે. મોક્ષમાળા (1884)માં તરુણવર્ગને સમજાય તેવી સરળ શૈલીમાં જૈન ધર્મ અને મોક્ષનું નિરૂપણ છે.[૨] મોક્ષમાળાના પ્રકાશનમાં થયેલ વિલંબને કારણે, તેમણે વાચકો માટે ભાવનાબોધની રચના કરી. પચાસ પાનાના આ નાનકડા પુસ્તકમાં તેમણે વૈરાગ્યમય જીવન જીવવા માટે બાર ભાવનાઓ કેળવવાની સમજ આપી છે. તેમણે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ ચાર પુરુષાર્થનું સ્વરૂપ સમજાવતી પાંચ હજાર શ્લોકપ્રમાણ નમિરાજની રચના કરી હતી. શૂરવીર સ્મરણ (1885)માં તેમણે ભૂતકાળના બહાદુર યોદ્ધાઓનું વર્ણન કર્યું છે અને તેમની સરખામણી તેમના તે વખતના વંશજો સાથે કરી છે કે જેઓ ભારતને બ્રિટિશ આધિપત્યમાંથી મુક્ત કરાવવામાં અસમર્થ હતા.[૩]

 
નડિયાદના જે ખંડમાં આત્મસિદ્ધિની રચના થઈ હતી ત્યાં રાજચંદ્ર અને તેમના અનુયાયી અંબાલાલની પ્રતિમાઓ મુકવામાં આવી છે.

સરળ ગુજરાતી ભાષામાં, દોહરા છંદમાં રચાયેલ 142 ગાથાના આત્મસિદ્ધિમાં તેમણે આત્માનાં ષટપદ - છ મૂળભૂત સત્યો - પ્રકાશિત કર્યાં છે. આ કૃતિમાં તેમણે સમ્યક્ત્વ, પુરુષાર્થ તથા આત્મસાક્ષાત્કારના રસ્તે સદગુરુના માર્ગદર્શનની અનિવાર્યતા પર વિશેષ ભાર મૂક્યો છે. આત્મસિદ્ધિ એ જૈન ધર્મના સિદ્ધાંતોના તેમના દ્વારા થયેલ અર્થઘટનનો સારાંશ છે.[૩] શેફાલી શાહ દ્વારા આત્મસિદ્ધિ સંગીતમય ભજન સ્વરૂપમાં રૂપાંતરિત કરવામાં આવ્યું છે. અંગ્રેજી ભાષામાં આ કાવ્યનાં અનેક ભાષાંતર થયાં છે, જે પૈકી પ્રથમ અનુવાદ જે. એલ. જૈની દ્વારા વર્ષ 1923માં થયો હતો. તેનો જાણીતો અનુવાદ બ્રહ્મચારી ગોવર્ધનદાસ દ્વારા વર્ષ 1957માં પ્રકાશિત કરવામાં આવ્યો હતો.[૨]

તેમણે લખેલ ૯૦૦થી વધુ પત્રોમાં તેમની આધ્યાત્મિક યાત્રા તેમજ તેમણે તેમના અનુયાયીઓને આપેલ બોધનો સમાવેશ થાય છે.[૮] તેમણે વૈરાગ્ય વિલાસ નામના સમાચારપત્રનું સંપાદન પણ કરેલું.[૩]

 
શ્રીમદ્ રાજચંદ્રને દર્શાવતી ભારતીય ટપાલ વિભાગની વર્ષ ૨૦૧૭ની ટપાલ ટિકિટ

ભારત સરકારે શ્રીમદ્ રાજચંદ્રની ૧૫૦મી જન્મજયંતિની સ્મૃતિમાં ૨૯ જૂન, ૨૦૧૭ના રોજ અમદાવાદના સાબરમતી આશ્રમ ખાતે ૧૦ના સિક્કાઓ, રૂ. ૧૫૦ના સ્મારક સિક્કાઓ અને ટપાલ ટિકિટ બહાર પાડ્યાં હતા.[૧૬]

સંદર્ભ નોંધ

ફેરફાર કરો

સંદર્ભો

ફેરફાર કરો
 1. Flügel 2006, p. 241.
 2. ૨.૦ ૨.૧ ૨.૨ ૨.૩ ૨.૪ ૨.૫ ૨.૬ ૨.૭ ૨.૮ Petit, Jérôme (2016). "Rājacandra". Jainpedia. મેળવેલ 9 January 2017.
 3. ૩.૦ ૩.૧ ૩.૨ ૩.૩ ૩.૪ ૩.૫ "Life of Shrimad Rajchandra". Computer Science Department, Colorado State University. મેળવેલ 8 January 2017.
 4. ૪.૦ ૪.૧ Salter 2002, p. 126.
 5. Salter 2002, p. 125.
 6. Salter 2002, p. 126—127.
 7. Salter 2002, p. 127.
 8. ૮.૦ ૮.૧ ૮.૨ Shrimad Rajchandra; Jagmandar Lal Jaini (rai bahadur) (1964). The Atma-Siddhi: (or the Self-Realization) of Shrimad Rajchandra. Shrimad Rajchandra Gyan Pracharak Trust.
 9. ૯.૦ ૯.૧ ૯.૨ Salter 2002, p. 135.
 10. Salter 2002, p. 137.
 11. ૧૧.૦ ૧૧.૧ Salter 2002, p. 145.
 12. Thomas Weber (2 December 2004). Gandhi as Disciple and Mentor. Cambridge University Press. પૃષ્ઠ 34–36. ISBN 978-1-139-45657-9.
 13. Salter 2002, p. 147–148.
 14. Salter 2002, p. 149.
 15. Salter 2002, p. 150.
 16. "Narendra Modi releases stamps, coins to mark 150th birth anniversary of Jain scholar Shrimad Rajchandra". First Post. First Post. 30 June 2017. મેળવેલ 3 July 2017.

સંદર્ભસૂચિ

ફેરફાર કરો