સુમન કલ્યાણપુર
સુમન કલ્યાણપુર (Suman Kalyanpur) (જન્મ: જાન્યુઆરી ૨૮, ૧૯૩૭) એક ભારતીય ગાયિકા છે. તેણી ભારત દેશના સૌથી આદરણીય અને શ્રેષ્ઠ પાર્શ્ચ ગાયકો પૈકીના એક તરીકે પ્રસિદ્ધ છે. તેણીએ પાર્શ્ચગાયિકા તરીકેના લતા મંગેશકરના એકચક્રી ઈજારાવાળા સમયગાળા દરમિયાન મંગેશકર સફળતાપૂર્વક માન્યતા હાંસલ કરી અને લગભગ તે સમયના બધા ટોચના સંગીતકારો માટે ગીત ગાયાં હતાં. ઘણા લોકો માને છે કે તેણી પોતાની સંગીત પ્રતિભા પ્રમાણેનું કામ મેળવી શકી ન હતી અને આથી તેણી પાર્શ્ચગાયન ક્ષેત્રમાં યોગ્ય ઊંચાઈ મેળવવા જરૂરી બધાં જ લક્ષણો જેમ કે શાસ્ત્રીય સંગીત વિષયક બહોળું જ્ઞાન, સુરીલો મધુર અવાજ અને વિશાળ ક્ષમતા હોવા છતાં યોગ્ય મુકામ પર પહોંચી શકી ન હતી.
સુમન કલ્યાણપુર | |
---|---|
સુમન કલ્યાણપુર, ૨૦૨૩માં | |
જન્મની વિગત | સુમન હેમાડી January 28, 1937 |
વ્યવસાય | પાર્શ્ચગાયિકા |
સક્રિય વર્ષો | ૧૯૫૪–૧૯૮૮ |
શૈલી | ભારતીય શાસ્ત્રીય સંગીત, પાર્શ્ચગાયિકા |
તેણીનો અવાજ સાંભળતી વેળા ઘણીવાર ભૂલથી એમ લાગતું કે લતા મંગેશકર ગાય છે.[૧] સુમન કલ્યાણપુરની કારકિર્દીની શરૂઆત વર્ષ ૧૯૫૪માં થઈ હતી અને તેણીએ ગાયિકા તરીકે વર્ષ ૧૯૬૦-૧૯૭૦ દરમિયાન ખૂબ જ લોકપ્રિયતા મેળવી હતી. તેણીએ હિન્દી ઉપરાંત મરાઠી, આસામી, ગુજરાતી, કન્નડ, ભોજપુરી, રાજસ્થાની, બંગાળી, અંગ્રેજી અને પંજાબી જેવી ઘણી ભાષાઓનાં ચલચિત્રો માટે ગીતો ગાયાં છે.[૨] તેણીને તે સમયની લોકપ્રિય ગાયિકા તરીકે માન્યતા આપવામાં આવી હતી. તેણીએ કુલ ૮૫૭ હિન્દી ગીતો ગાયેલાં છે.
પ્રારંભિક જીવન
ફેરફાર કરોસુમન કલ્યાણપુરનો જન્મ ૨૮ જાન્યુઆરી, ૧૯૩૭ના દિવસે ઢાકા ખાતે થયો હતો. સુમન કલ્યાણપુરના પિતા શંકર રાવ હેમાડી મેંગલોર, કર્ણાટક ખાતેના એક સંભ્રાંત સારસ્વત બ્રાહ્મણ પરિવાર સાથે જોડાયેલા હતા. હેમાડી (Hemmady) કર્ણાટક રાજ્યના ઉડિપી જિલ્લાના કુંદાપુર તાલુકાનું એક ગામ છે. શંકર રાવે સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયામાં એક ઉચ્ચ પદ પર સેવા આપી હતી અને તેમને ખૂબ જ લાંબા સમય માટે હાલ બાંગ્લાદેશના ઢાકા ખાતે નિયુક્ત કરવામાં આવ્યા હતા. પિતા અને માતા સીતા હેમાડીને ત્યાં ૫ પુત્રીઓ અને એક પુત્રના પરિવારમાં સુમનનો ઉછેર થયો હતો, જેમાં સુમન કલ્યાણપુર સૌથી મોટા હતાં. તેણી એક પ્રતિષ્ઠિત ભારતીય ગાયિકા છે. વર્ષ ૧૯૪૩માં તેમનું કુટુંબ મુંબઈ ખાતે રહેવા આવ્યું, જ્યાં તેમને સંગીતની તાલીમ પ્રાપ્ત થઈ.
સુમન કલ્યાણપુર હંમેશા ચિત્રકલા અને સંગીતમાં રસ લેતા હતાં. મુંબઇ ખાતેની પ્રખ્યાત કોલમ્બિયા હાઇ સ્કૂલમાં શાળાકીય અભ્યાસ સમાપ્ત કર્યા પછી, તેણીને પ્રતિષ્ઠિત સર જે. જે. સ્કૂલ ઓફ આર્ટસ ખાતે ચિત્રકામના વિષય સાથે વધુ અભ્યાસ માટે પ્રવેશ મળ્યો. આ સાથે તેણીએ શાસ્ત્રીય ગાયકનું શિક્ષણ પુણેના પ્રભાત ફિલ્મના સંગીત દિગ્દર્શક અને કુટુંબના અંગત મિત્ર એવા 'પંડિત કેશવ રાવ ભોલે' પાસે શીખવા શરૂ કર્યું હતું. સુમન કલ્યાણપુરના કહેવા મુજબ, શરૂઆતમાં તેણી માત્ર શોખ માટે ગાતી હતી, પરંતુ ધીમે ધીમે સંગીતમાં તેણીને રસ પડવા લાગ્યો અને તેણીએ વ્યવસાયિક ધોરણે 'ઉસ્તાદ ખાન અબ્દુલ રહેમાન ખાન' અને 'ગુરુજી માસ્ટર નવરંગ' પાસે શીખવાનું શરૂ કર્યું હતું.[૩] [૪]
કારકિર્દી
ફેરફાર કરોસુમન કલ્યાણપુરના કહ્યા મુજબ, "દરેક ઘરમાં એક તરફ કલા અને સંગીત તરફ ઝોક હોવા છતાં પણ જાહેર પ્રદર્શન માટે કડક પ્રતિબંધ હતો. તેમ છતાં, હું વર્ષ ૧૯૫૨માં ગાવા માટે ઓલ ઇન્ડિયા રેડિયો તરફથી મળેલી તક માટે ના પાડી શકી ન હતી. આ મારો પ્રથમ જાહેર કાર્યક્રમ હતો, જેના પછી મને વર્ષ ૧૯૫૩માં પ્રકાશિત મરાઠી ફિલ્મ માં ગાવા માટે એક તક મળી હતી. તે સમયે શેખ મુખ્તાર દ્વારા ફિલ્મ 'મંગુ' બનાવી રહ્યા હતા, જેની રચયિતા હતા 'મોહમ્મદ શફી'. શેખ મુખ્તાર ''શુક્રાચી ચાંદની'નાં ગીતોમાં મારા અવાજથી એટલા પ્રભાવિત થયા કે તેમણે ફિલ્મ 'મંગુ'માં મને ગાવા માટે ૩ ગીતો માટે પસંદ કરી. જો કે કેટલાક અજ્ઞાત કારણોસર પછી 'ઓ. પી. નૈયર' દ્વારા 'મોહમ્મદ શફી'ને બદલવામાં આવ્યા અને મારા ૩ ગીતોમાંથી માત્ર એક જ ગીત (હાલરડું) "કોઈ પુકારે ધીરે સે તુઝે" જાળવી રાખ્યું હતું. આમ, હું હિન્દી સિનેમા સાથે વર્ષ ૧૯૫૪માં પ્રદર્શિત 'મંગુ'થી જોડાઈ હતી."
આ ફિલ્મ 'મંગુ' પછી તરત જ, સુમન કલ્યાણપુરે સંગીત નિર્દેશક 'નૌશાદ'ના નિર્દેશન હેઠળ 'દરવાજા' ફિલ્મ માટે પ ગીતો ગાયાં હતાં, જે ઇસ્મત ચુગતાઇ દ્વારા નિર્દેશિત અને શાહિદ લતીફ દ્વારા દિગ્દર્શિત કરવામાં આવી હતી. 'દરવાજા' ફિલ્મ પ્રથમ પ્રસારિત થવાને કારણે સામાન્ય રીતે માનવામાં આવે છે કે સુમન કલ્યાણપુરની તે પ્રથમ હિન્દી ફિલ્મ છે. આ જ વર્ષે (૧૯૫૪), સુમન કલ્યાણપુરે સંગીતકાર ઓ.પી. નૈયરના નિર્દેશનમાં રફી અને ગીતા દત્ત દ્વારા ગવાયેલા ફિલ્મ 'આરપાર'ના લોકપ્રિય ગીત 'મોહબ્બત કર લો જી ભર લો અજી કિસને રોકા હૈ'ની આવૃત્તિનું સ્વરાંકન કર્યું હતું. સુમન કલ્યાણપુરના કહેવા મુજબ, આ યુગલગીતમાં તેને કેટલીક કડીઓ ગાવા મળી હતી અને કોરસ ગાયક તરીકે આ ગીત માટે તેની વધુ સેવાઓ લેવામાં આવી હતી. આ ગીત તેમણે ઓ. પી. નૈયર માટે ગાયેલું એકમાત્ર ગીત સાબિત થયું.
સુમન કલ્યાણપુરે સૌ પ્રથમ ફિલ્મી ગીત (યુગલગીત) તલત મહમૂદ સાથે ફિલ્મ દરવાજા (૧૯૫૪) માટે ગાયું હતું. તલત મહમૂદે સુમન કલ્યાણપુરને સંગીત સમારોહમાં સાંભળ્યા હતાં અને તેમની ગાયકીથી અત્યંત પ્રભાવિત થયા હતા. તલત એક નવોદિત ગાયિકા સાથે આ યુગલગીત ગાવા માટે સંમત થયા, આ વાતને કારણે સુમન કલ્યાણપુરની કારકિર્દીને વેગ મળ્યો. તેણીને ફિલ્મ ઉદ્યોગમાં સ્થાપિત થવામાં અને તેણીની સંગીત પ્રતિભાની નોંધ લેવામાં આવી હતી.
તેમણે મંગુ (૧૯૫૪) ફિલ્મ માટે કોઈ પુકારે ધીરે સે તુઝે ગીત ગાયું હતું. સુમન કલ્યાણપુરે ફિલ્મ મીયાંબીબી રાજી (૧૯૬૦), બાત એક રાત કી (૧૯૬૨), દિલ એક મંદિર (૧૯૬૩), દિલ હી તો હૈ (૧૯૬૩), શગૂન (૧૯૬૪), જહાં આરા (૧૯૬૪), સાંઝ ઔર સવેરા (૧૯૬૪), નૂર જહાં (૧૯૬૭), સાથી (૧૯૬૮) અને પાકીઝા (૧૯૭૧) ફિલ્મો માટે સ્વરાંકન કર્યું હતું. તેમણે સંગીતકાર શંકર જયકિશન, રોશન, મદન મોહન, એસ. ડી. બર્મન, હેમન્ત કુમાર, ચિત્રગુપ્ત, નૌશાદ, એસ. એન. ત્રિપાઠી, ગુલામ મોહમ્મદ, કલ્યાણજી આણંદજી અને લક્ષ્મીકાંત-પ્યારેલાલ માટે કાર્ય કર્યું, જેમાં સૌથી વધુ ગીતો પ્રથમ બે સંગીતકારો માટે ગાયાં છે. તેમણે ૭૪૦ ફિલ્મી અને ગેર-ફિલ્મી ગીતો ગાયાં છે. તેમણે ૧૯૬૦ના દાયકામાં મહંમદ રફી સાથે ૧૪૦ યુગલ ગીતો ગાયાં છે.
સુમન કલ્યાણપુરનું પ્રથમ ફિલ્મી ગીત"ભાટુકલીચા ખેલ માંડીલા" વસંત પ્રભુની ફિલ્મ "પસંત આહે મુલગી" માટે મરાઠી ભાષામાં હતું, જે સુપર-હિટ થયું હતું. ત્યાર પછી ૨૦ વર્ષ સુધી તેમણે ક્યારેય પાછા વળી જોયું નથી. પુત્ર વહાવા ઐસા, એકતી, માનીની અને અન્નપૂર્ણા તેમની કેટલીક યાદગાર ફિલ્મો પૈકીની છે. આ ઉપરાંત ફિલ્મો સિવાય તેમના ગાયેલાં ૫૦થી વધુ ભાવગીતો અને ભક્તિગીતો લોકપ્રિય નીવડ્યાં છે.
સુમન કલ્યાણપુરે લતા મંગેશકર સાથે યુગલગીત "કભી આજ, કભી કલ, કભી પરસોં" હેમંતકુમારના સંગીતનિર્દેશન હેઠળ ગાયું હતું. તેણીએ કેટલાક લોકપ્રિય યુગલ ગીતો પુરુષ ગાયકો મોહમ્મદ રફી, મન્ના ડે, મુકેશ, તલત મહમૂદ અને હેમંતકુમાર સાથે ગાયાં હતાં. તેના રફી સાથેનાં કેટલાક યાદગાર યુગલ ગીતો "આજકલ તેરે મેરે પ્યાર કે ચર્ચે", "ના ના કરતે પ્યાર", "તુમસે ઓ હસીના", "રહેં ના રહેં હમ", "પર્બતોં કે પેડોં પર શામ કા બસેરા હૈ", "યે પર્બતોં કે દાયરે", "અજહું ના આયે બાલમા", "તુમને પુકારા ઔર હમ ચલે આયે", "બાદ મુદ્દત કે યે ઘડી આયી", "મુઝે યે ભૂલ ના", "દિલ ને ફિર યાદ કીયા", "તુઝકો દિલબરી કી કસમ" અને "ચાંદ તકતા હૈ ઈધર" વગેરે ગાયાં હતાં. મન્ના ડે સાથે તેમણે ગાયેલ લોકપ્રિય યુગલગીત "ના જાને કહાં હમ" સંગીતકાર દત્તારામના નિર્દેશન હેઠળ બન્યું હતું. મુકેશ સાથે તેમણે ઘણા લોકપ્રિય યુગલ ગીતો ગાયાં છે, જેમ `યે કીસને ગીત છેડા', "અખિયોં કા નૂર હૈ તુ", "મેરા પ્યાર ભી તુ હૈ", "દિલ ને ફિર યાદ કીયા", "શમા સે કોઈ કહ દે" વગેરે.
સુમન કલ્યાણપુર શાસ્ત્રીય રાગો પર આધારિત કેટલાક યાદગાર ગીતો ગાયાં છે, જેમ કે "મનમોહન મન મેં હો તુમ્હી", "મેરે સંગ ગા ગુનગુના" અને "ગીર ગયી રે મેરે માથે કી બિંદિયા".
લતા મંગેશકરના અવાજ સાથે સમાનતા
ફેરફાર કરોકલ્યાણપુરનો અવાજ મહાન ગાયિકા લતા મંગેશકરના અવાજ સમાન જ હતો. તેણીનાં ઘણાં ગીતો વિશે લતા શૈલીને કારણે લતા મંગેશકરે ગાયું હશે એમ અસ્પષ્ટતા થાય છે, તેનું કારણ તેણી લતા મંગેશકરના અવાજ સમાન ગુણવત્તા સાથે ગાતાં. સુમન કલ્યાણપુરે બ્રહ્મચારી ફિલ્મનાં ગીતો માટેના સન્માન સમારંભમાં લતા મંગેશકર સાથેના અવાજની સરખામણી બાબતે પૂછાયેલા પ્રશ્નનો જવાબ આપ્યો હતો કે "હું લતા મંગેશકરથી અત્યંત પ્રભાવિત છું. મારા કોલેજ દિવસોમાં તેણીનાં ગીતો હું ગાવા માટે પસંદ કરતી હતી. મારો અવાજ નાજુક અને પાતળો હતો. તો હું શું કરું? જ્યારે રેડિયો સિલોન દ્વારા મારા ગીતો પ્રસારીત કરવામાં આવ્યાં, ક્યારેય નામની જાહેરાત કરી નથી. પણ ક્યારેક ખોટું નામ પણ જણાવવામાં આવ્યું હતું. કદાચ આ કારણે જ વધુ મૂંઝવણ ઊભી થઈ છે."[૫] ૧૯૫૦ અને ૧૯૬૦ના દાયકાને હિન્દી ફિલ્મ સંગીતના સોનેરી કાળ તરીકે ઓળખવામાં આવે છે, આ સમયગાળા દરમિયાન સ્ત્રી પાર્શ્ચગાયિકા તરીકે મંગેશકર બહેનો લતા અને આશા ભોંસલેનું આધિપત્ય હતું. જ્યારે લતા સ્વરાંકન માટે ઉપલબ્ધ ન હોય, અથવા તો નિર્માતાઓને તેના દર (રૂ. ૧૦૦ ગીત દીઠ) પરવડી શકે તેમ ન હોય તો જ તે ગીત સુમન કલ્યાણપુરને ગીત ગાવા મળી શકતાં. દરમિયાન આ જ સમયગાળામાં, લતા મંગેશકરે મહંમદ રફી સાથે ગાવા માટે રોયલ્ટીના મુદ્દાને કારણે ઇનકાર કર્યો હતો અને તે ગીતોનું સ્વરાંકન રફી સાથે સુમન કલ્યાણપુર દ્વારા કરવામાં આવ્યું હતું. આ સમયગાળામાં તેમણે રફી સાથે ૧૪૦ યુગલ ગીતોનું સ્વરાંકન કર્યું હતું.
અંગત જીવન
ફેરફાર કરોસુમન કલ્યાણપુરે મુંબઈના ઉદ્યોગપતિ રામાનંદ કલ્યાણપુર સાથે વર્ષ ૧૯૫૮માં કર્યાં હતાં અને આમ, તેણી સુમન હેમાડીને બદલે સુમન કલ્યાણપુર બન્યા. રામાનંદે લગ્ન પછી તેણી માટે દરેક સ્વરાંકન સત્ર દરમિયાન હાજરી આપી હતી. તેણીએ એક પુત્રીને જન્મ આપ્યો હતો, જેનું નામ નામના ચારુલ અગ્નિ છે, જે લગ્ન પછી યુનાઇટેડ સ્ટેટ્સ ખાતે સ્થાયી છે.
સુમન કલ્યાણપુરનાં લોકપ્રિય ગીતો
ફેરફાર કરો- "સાથી મેરે સાથી" (વિરાના)
- "ના તુમ હમેં જાનો" (બાત એક રાત કી)
- "છોડો છોડો મોરી બૈયાં" (મીયાં બીવી રાજી)
- "દિલ ગમ સે જલ રહા" (શમા)
- "યું હી દિલ ને ચાહા થા" (દિલ હી તો હૈ)
- "બુઝા દિયે હૈ" (શગૂન)
- "મેરે સંગ ગા" (જાનવર)
- "મેરે મેહબૂબ ન જા" (નૂર મહલ)
- "તુમ અગર આ સકો તો"' અને "ઝીંદગી ડૂબ ગઈ દર્દ કે તૂફાનો મેં" (એક સાલ પેહલે)
- "ઝીંદગી ઈમ્તિહાન લેતી હૈ" (ફિલ્મ નસીબ)
- "જો હમ પે ગુઝરતી હૈ" (મોહબ્બત ઇસકો કહેતે હૈ)
- "શરાબી શરાબી યે સાવન કા મોસમ" (નૂર જહાં)
- "બહેના ને ભાઈ કી કલાઇ મેં" (રેશમ કી ડોરી), જે ગીતને વર્ષ ૧૯૭૫ના ફિલ્મફેર શ્રેષ્ઠ પાર્શ્ચગાયિકા પુરસ્કાર માટે નામાંકિત કરવામાં આવ્યું હતું.
- "આજકલ તેરે મેરે પ્યાર કે ચર્ચે" (બ્રહ્મચારી ફિલ્મ), આ ફિલ્મના ગીતો તેણીનાં સૌથી પ્રસિદ્ધ ગીતો પૈકી ગણાય છે તેમ જ સામાન્ય રીતે લતા મંગેશકર દ્વારા ગાવામાં]] આવ્યું છે એમ માનવામાં આવે છે, પરંતુ હકીકતમાં આ ગીતો સુમન કલ્યાણપુર દ્વારા ગાવામાં આવ્યાં હતાં. (આ મૂંઝવણનાં પરિણામોમાંથી એ હકીકત સામે આવી કે તેના અવાજની ગુણવત્તા તે સમયમાં લતા મંગેશકરના અવાજ સમાન હતી).
- "આંસુ કી એક બૂંદ હું મૈં" એક પહેલી (૧૯૭૧). આ ગીતનું છાયાંકન તનુજા અને ફિરોઝખાન માટે બે વાર કરવામાં આવ્યું હતું. ગીતની બંને આવૃત્તિઓ સુંદર રીતે ગવાઈ છે.
- "મેરા પ્યાર ભી તુ હૈ યે બહાર ભી તુ હૈ" - મુકેશ સાથે યુગલગીત- સાથી (૧૯૬૮)
સન્માન
ફેરફાર કરોઅન્ય ભાષાઓમાં ગીતો
ફેરફાર કરોતેણી ગાયેલા ગીતોમાં ભક્તિ ગીતો, ગઝલો અને ઠુમરીનો પણ સમાવેશ થાય છે.
મરાઠી ભાષામાં, સુમન કલ્યાણપુરે સંગીતકાર સુધીર ફડકે, દશરથ પુજારી, કમલાકર ભાગવત અને અશોક પાટકી માટે ગીતો ગાયાં છે.
જાણીતા મરાઠી ગીતો
ફેરફાર કરો- "રીમઝીમ ઝરતી શ્રાવન ધારા"
- "શબ્દ શબ્દ જપુન થેવા"
- "રે ક્ષાનીચ્યા સાંગતીને મી અશી ભારાવલે"
- "કેશવા માધવા તુઝ્યા નામત રે ગોડાવા"
- "ઓમકાર પ્રધાન રૂપ ગણેશાચે"
- "જેથે સાગર ધારાણી મીળાતે"
- "ભક્તિચ્યા ફુલાંચા ગોડ તુ સુવાસ"
- "નાવિકા રે વારા વાહે રે"
- "કેતકીચ્યા બની તેથે નાચલા ગા મોર"
- "યા લાડ્ક્યા મુળીનો".
- "સમાધિ ઘેઉં જાયે ધ્યાનદેવ".
- "મૃદુલ કરાની છેદીત તારા"
- "સાવલ્યા વિઠ્ઠલા તુઝ્યા દરી આલે".
લોકપ્રિય બંગાળી ગીતો
ફેરફાર કરો- રોંગેર બસોરે
- એઇ ચદ્રોમોલ્લીકાટે
- દુરાશર બાલુચારે
- મોને કારો આમી નેઇ
- સુધુ સ્વપ્નો નીયે
- કાંદે કેનો મોન
- તોમર આકાશ ઠેકે
- બાદોલેર માડોલ બાજે ગુરુગુરુ
- આમાર સ્વપ્નો દેખાર દુતી નયોં
- આકાશ અજાના તોબુ
- પાયેર ચિન્હો નીયે
- દુલચેરે મોન
- બ્યાથા હોયે કેનો ફીરે એલે બોંધુઆ
- ભાબીસ ને રે કાંધ્ચી બોસે
- એખાને ઓખાને જેખાને સેખાને
સંદર્ભો
ફેરફાર કરો- ↑ The Other Lata
- ↑ "Suma Kalyapur". મૂળ માંથી 2015-04-18 પર સંગ્રહિત. મેળવેલ 2018-04-25. સંગ્રહિત ૨૦૧૫-૦૪-૧૮ ના રોજ વેબેક મશિન
- ↑ "Suman Kalyapur". મૂળ માંથી 2013-09-03 પર સંગ્રહિત. મેળવેલ 2018-04-25. સંગ્રહિત ૨૦૧૩-૦૯-૦૩ ના રોજ વેબેક મશિન
- ↑ http://beetehuedin.blogspot.in/2013/09/na-tum-hamein-jaano-suman-kalyanpur.html Meeting with Suman Kalyanpur
- ↑ The other Lata
- ↑ Singer Suman Kalyanpur to be feted
- ↑ सुमन कल्याणपूर यांना ‘गदिमा पुरस्कार’ जाहीर