શબવાહિની ગંગા

પારૂલ ખખ્ખર લિખિત કાવ્ય

"શબ વાહિની ગંગા" એ ભારતીય કવયિત્રી પારુલ ખખ્ખર દ્વારા લખાયેલી ૨૦૨૧ની ગુજરાતી ભાષાની કવિતા છે. આ કવિતામાં ભારત સરકાર દ્વારા કોવિડ-૧૯ રોગચાળાના સંચાલનની ટીકા કરવામાં આવી છે. તેણીએ ફેસબુક પર કવિતા પોસ્ટ કર્યા બાદ, ખાસ કરીને સોશિયલ મીડિયા પર, લોકોનું વ્યાપક ધ્યાન આકર્ષિત કર્યું હતું. આ કવિતાનું અનેક ભાષાઓમાં ભાષાંતર કરવામાં આવ્યું છે.

"શબવાહિની ગંગા" 
રચનાર: પારુલ ખખ્ખર
મૂળ શીર્ષકશબવાહિની ગંગા
રચના સાલમે ૨૦૨૧
દેશભારત
ભાષાગુજરાતી
છંદઅષ્ટકલ
પ્રકાશન તારીખ11 May 2021 (2021-05-11)
પંક્તિ સંખ્યા૧૪

પૃષ્ઠભૂમિ

ફેરફાર કરો

પારુલ ખખર ગુજરાતના અમરેલીના ગુજરાતી ભાષાના કવયિત્રી છે.[]

કોવિડ-૧૯ રોગચાળાની બીજી લહેર ભારતમાં ફરી વળી ત્યારે અખબારોએ તેમના પ્રથમ પૃષ્ઠ પર ખલેલ પહોંચાડતી છબીઓ છાપીને મહામારીની કટોકટીને આવરી લેવાનું શરૂ કર્યું હતું, જેમાં ગંગા નદીમાં કોવિડ-૧૯થી મૃત્યુ પામેલા લોકોના વહેતા મૃતદેહોએ ખાસી ચકચાર મચાવી હતી. મૃતદેહોના એકસામટા ખડકલાઓથી અંતિમ સંસ્કાર માટે સ્મશાનની સુવિધાઓ ખોરવાઈ ગઈ હતી. પરિણામે લોકોએ મૃતદેહોને ગંગા નદીમાં વહેવડાવી દીધા હતા. આ મીડિયા અહેવાલોથી પ્રભાવિત થઈને પારુલ ખખ્ખરે ગુજરાતીમાં "શબવાહિની ગંગા" નામની એક કવિતા લખી હતી.[] ૧૧ મે, ૨૦૨૧ના રોજ કવયિત્રીએ આ કવિતા ફેસબુક પર પોસ્ટ કરી હતી. આ કવિતાએ સોશિયલ મિડિયા પર ખાસ્સી ચર્ચા જગાવી હતી અને ટૂંક સમયમાં ઘણી ભાષાઓમાં અનુવાદિત કરવામાં આવી હતી.[][] અનુવાદો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા.[]

"શબવાહિની ગંગા" એ ૧૪ પંક્તિની કવિતા છે જે મરસિયા શૈલીમાં લખાયેલી છે.[]

સમગ્ર ભારતમાં પવિત્રતાના પ્રતિક તરીકે વિખ્યાત ગંગા નદી કવિતામાં કેન્દ્રબિંદુ બની છે.[] આ કવિતા કોવિડ-૧૯ રોગચાળાના સંચાલનમાં સરકાર તરફથી દાખવવામાં આવેલી ઉદાસીનતા પ્રત્યે ગુસ્સો ઠાલવે છે. સ્મશાનોમાં વધી પડેલા મૃતદેહોને કારણે ઘણા મૃતદેહો અંતિમસંસ્કારથી વંચિત રહ્યા જેથી સ્વજનો તેમને પવિત્ર ગણાતી ગંગા નદીમાં વહાવી દેવા મજબૂર બન્યા હતા. મૃતકો માટે વિલાપ કરતા શોકસંતપ્ત લોકો આ વિભિષિકાની અસર દર્શાવે છે. કવિયિત્રી વર્ણવે છે કે ડાઘુઓ અને વિલાપ કરનારા પણ દુર્લભ બન્યા હતા, આંસુઓનો પ્રવાહ જાણે સૂકાઈ ગયો હતો.[]

આ કવિતામાં નરેન્દ્ર મોદી સરકારની સ્પષ્ટ ટીકા કરવામાં આવી છે અને કોવિડ-૧૯ રોગચાળાની બીજી લહેર દરમિયાન સરકારની નિષ્ક્રિયતાને દુર્ઘટનાનું કારણ ગણવામાં આવી છે.[][] આ કવિતા ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીને 'રામ રાજ્ય' પર શાસન કરતા 'નગ્ન રાજા' તરીકે વર્ણવે છે જ્યાં પવિત્ર ગંગા નદી લાશોના વહન માટે કામ કરે છે.[] આખી પરિસ્થિતિને રોમ ભડકે બળતું હતું ત્યારે રોમન સમ્રાટ નીરો ફિડલ વગાડવામાં લીન હતો એ ઘટના સાથે સરખાવીને વડા પ્રધાનનું સીધું નામ આપ્યા વિના રાષ્ટ્રના વડાને સંબોધિત કરવામાં આવ્યા છે:

એક અવાજે મડદા બોલ્યાં 'સબ કુછ ચંગા-ચંગા.'
રાજ, તમારા રામરાજ્યમાં શબવાહિની ગંગા.[]

ભારતના નાગરિકોને આહ્‌વાન કરતાં કવયિત્રી લખે છે કે,

હોય મરદ તે આવી બોલો ‘રાજા મેરા નંગા’
રાજ, તમારા રામરાજ્યમાં શબવાહિની ગંગા.[]

આવકાર અને આલોચના

ફેરફાર કરો

આ કવિતાની પ્રશંસાની સાથે ટીકા પણ કરવામાં હતી. આ કવિતા તરત જ લોકપ્રિય બની ગઈ હતી અને સોશિયલ મીડિયા પરની ટિપ્પણીઓએ તેને ઝડપથી લોકપ્રિય બનાવી દીધી હતી.[] આસામી, બંગાળી, હિન્દી, અંગ્રેજી, મલયાલમ, મરાઠી, પંજાબી અને તમિલ સહિત અનેક ભાષાઓમાં તેનું ભાષાંતર કરવામાં આવ્યું હતું.[][] ગુજરાતી અને પંજાબી સંસ્કરણો માટે સંગીતરચનાઓ બહાર પાડવામાં આવી હતી.[] શાલિની રાંદેરિયા અને ઇલિજા ટ્રોજનોએ ૨૧ મે, ૨૦૨૧ના રોજ જર્મન સમાચારપત્ર ફ્રાન્કફર્ટર એલ્ગેમાઇન ઝેઇટુંગમાં કવિતા પર તેમની ટિપ્પણી સાથે તેનું જર્મન ભાષાંતર પ્રકાશિત કર્યું હતું.[][] કવિતાનો હિન્દી અનુવાદ ઇલિયાસ શેખ દ્વારા કરવામાં આવ્યો હતો.[]

ખખ્ખર 'આટલી શક્તિશાળી અને સાહસિક કવિતા' લખવા બદલ પ્રશંસા પામ્યા હતા સાથોસાથ સોશિયલ મીડિયામાં 'અપમાનજનક ટીકાઓ' પણ કરવામાં આવી હતી.[૧૦] સલિલ ત્રિપાઠીએ ધ ગાર્ડિયન માટે લખતા નોંધ્યું હતું કે સોશિયલ મીડિયા પર વપરાશકર્તાઓએ ભારત સરકારની જવાબદારી અંગેના સંકેત પર પ્રતિક્રિયા આપતા ૨૮,૦૦૦ થી પણ વધુ અપમાનજનક ટિપ્પણીઓ પોસ્ટ કરી હતી.[][]

પ્રકાશ ન. શાહ અને સલિલ ત્રિપાઠીએ આ કવિતાની તુલના હાન્સ ક્રિશ્ચિયન એન્ડરસનની ધ એમ્પરર્સ ન્યૂ ક્લોથ્સ સાથે કરી હતી, જેમાં રાજ્યના શાસકોના દેખીતા સત્યને ઉજાગર કરવાની શક્તિ પર ભાર મૂકવામાં આવ્યો હતો.[૧૧][] બાબુ સુથાર દલીલ કરે છે કે આ કવિતાને એક વિરોધ કવિતા તરીકે જોવી જોઈએ જેમાં બે પરંપરાગત અને પ્રભાવશાળી ગુજરાતી કાવ્યશાસ્ત્ર, પ્રતિનિધિત્વના કાવ્યશાસ્ત્ર અને પરિવર્તનના કાવ્યશાસ્ત્રને બાજુ પર મૂકવામાં આવે છે અને ભાષાનો ઉપયોગ રાજ્ય સામે શસ્ત્ર તરીકે કરવામાં આવે છે.[૧૨]

ત્યાર પછીના મહિને ગુજરાત સાહિત્ય અકાદમીના મુખપત્ર શબ્દસૃષ્ટિના જૂન અંકમાં એક સંપાદકીય પ્રકાશિત થયું હતું.[૧૩] સંપાદકીયમાં ખખ્ખરની કવિતાનો સ્પષ્ટ ઉલ્લેખ કર્યા વિના તેને "આંદોલનની સ્થિતિમાં વ્યક્ત કરવામાં આવેલા અર્થહીન ગુસ્સા" તરીકે ફગાવી દેવામાં આવી હતી.[] તંત્રીલેખમાં કવિતાની ચર્ચા કરનારા કે સોશિયલ મીડિયામાં પ્રસાર કરનારાઓને 'સાહિત્યિક નક્સલવાદી' ગણાવામાં આવ્યા હતા.[૧૩][૧૪]

શબ્દસૃષ્ટિના સંપાદક વિષ્ણુ પંડ્યાએ ધ ઇન્ડિયન એક્સપ્રેસમાં આ અભિપ્રાય વિશે વિસ્તૃત માહિતી આપી હતી: તેમણે જણાવ્યું હતું કે " આ કવિતામાં કવિતાનો કોઈ સાર નથી અને કવિતાને લખવાનો તે યોગ્ય માર્ગ પણ નથી. આ માત્ર પોતાનો ગુસ્સો અથવા હતાશાને બહાર કાઢી શકે છે, અને ઉદારવાદીઓ, મોદી વિરોધી, ભાજપ વિરોધી અને સંઘ વિરોધી તત્વો દ્વારા તેનો દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે."[૧૩] જાણીતા ગુજરાતી લેખિકા કાજલ ઓઝા-વૈદ્યએ ૧૬ મે, ૨૦૨૧ના રોજ દિવ્ય ભાસ્કરમાં કવિતા વિશે એક લેખ પ્રકાશિત કર્યો હતો.[૧૫] રોગચાળાના સંચાલન બાબતે સરકારની ટીકાને "ફેશનેબલ" ગણાવતા તેમણે કોવિડ-૧૯ સંબંધિત માર્ગદર્શિકાનું પાલન ન કરવા બદલ લોકોને જવાબદાર ઠેરવ્યા હતા.[]

ગુજરાતી સાહિત્ય અકાદમીની ટીકાનો જવાબ

કેન્દ્ર સરકારની બચાવ ભૂમિકા રજૂ કરતો આ સંપાદકીય લેખ પ્રકાશિત થયા બાદ લગભગ ૧૬૯ ગુજરાતી લેખકોએ એક નિવેદન બહાર પાડીને લેખ પાછો ખેંચવાની માંગ કરી હતી.[૧૪] નિવેદન પર હસ્તાક્ષર કરનારાઓમાં અમૃત ગાંગર, અનિલ જોશી, બાબુ સુથાર, ભરત મહેતા, ગુલામમોહમ્મદ શેખ, હિમાંશી શેલત, જિજ્ઞેશ મેવાણી, કમલ વોરા, મલ્લિકા સારાભાઈ, પન્ના નાયક, પ્રફુલ્લ રાવલ, પ્રકાશ ન. શાહ, પ્રવીણ પંડ્યા, પ્રીતિ સેનગુપ્તા, રમણ સોની, સલિલ ત્રિપાઠી, સંજય છેલ, શરીફા વીજળીવાળા, સુમન શાહ, યોસેફ મેકવાન, ઝાકીયા સોમન વગેરેનો સમાવેશ થાય છે.[૧૬]

થોડા સમય બાદ, ખખ્ખરે પ્રકાશ ન. શાહ દ્વારા સંપાદિત પાક્ષિક નિરીક્ષકમાં "તારે બોલવાનું નહીં" નામની કવિતા પ્રકાશિત કરી હતી. પાક્ષિકના કુલ ૧૬માંથી લગભગ અડધા લેખ નિવેદન પર હસ્તાક્ષર કરનારાઓ દ્વારા લખવામાં આવ્યા હતા અને તેમાં શબ્દસૃષ્ટિના સંપાદકીય લેખમાં વ્યક્ત કરવામાં આવેલા વિચારોને પડકારતા સાહિત્યિક વિરોધનો સમાવેશ થતો હતો.[૧૪]

  1. ૧.૦ ૧.૧ ૧.૨ Tripathi, Salil (27 May 2021). "The Pandemic Poetry of Indians Has Roused Readers Far and Wide". Mint. મૂળ સંગ્રહિત માંથી 6 October 2021 પર સંગ્રહિત. મેળવેલ 6 October 2021.
  2. ૨.૦ ૨.૧ Biswas, Soutik (20 June 2021). "Parul Khakhar: The Indian Stay-at-home Mum Trolled For Poem on Covid Dead". BBC News. મૂળ સંગ્રહિત માંથી 6 October 2021 પર સંગ્રહિત. મેળવેલ 6 October 2021.
  3. ૩.૦ ૩.૧ ૩.૨ ૩.૩ ૩.૪ ૩.૫ Trivedi, Deepal (15 May 2021). "BJP Furious as Top Gujarati Poet Blames 'Naked King' Modi for Corpses Floating in the Ganga". The Wire. મૂળ સંગ્રહિત માંથી 7 October 2021 પર સંગ્રહિત. મેળવેલ 29 Sep 2021.
  4. ૪.૦ ૪.૧ ૪.૨ Susan, Nisha (25 Jun 2021). "The Uncertainty of the Artist". Mintlounge. મૂળ સંગ્રહિત માંથી 29 September 2021 પર સંગ્રહિત. મેળવેલ 29 Sep 2021.
  5. ૫.૦ ૫.૧ ૫.૨ ૫.૩ ૫.૪ Tripathi, Salil (28 May 2021). "The Poem That's Channelling India's Anger About the Pandemic". the Guardian. મૂળ સંગ્રહિત માંથી 9 October 2021 પર સંગ્રહિત. મેળવેલ 29 Sep 2021.
  6. ૬.૦ ૬.૧ ૬.૨ Doshi, Tishani (5 July 2021). "Flogged, Imprisoned, Murdered: Today, Being a Poet Is a Dangerous Job". The Guardian. મૂળ સંગ્રહિત માંથી 4 August 2021 પર સંગ્રહિત. મેળવેલ 21 September 2021.
  7. "'Conspiracy' by 'Literary Naxals': Gujarat Sahitya Akademi Criticises Poem on Corpses Found in Ganga". Scroll.in. 10 Jun 2021. મૂળ સંગ્રહિત માંથી 8 October 2021 પર સંગ્રહિત. મેળવેલ 8 Oct 2021.
  8. "Gujarati Writers, Readers Condemn Sahitya Akademi's Vilification of Poem on Ganga Corpses". The Wire. 18 June 2021. મૂળ સંગ્રહિત માંથી 8 October 2021 પર સંગ્રહિત. મેળવેલ 8 Oct 2021.
  9. "Ein Gedicht erschüttert Indien: Im Ganges fließt nur der Tod". Frankfurter Allgemeine Zeitung (જર્મનમાં). 21 May 2021. મૂળ સંગ્રહિત માંથી 8 October 2021 પર સંગ્રહિત. મેળવેલ 8 Oct 2021.
  10. Devkala, Mehul (20 May 2021). "Gujarati Poem Criticises Govt's Handling of Covid Resurgence". Telegraph India. મૂળ સંગ્રહિત માંથી 6 October 2021 પર સંગ્રહિત. મેળવેલ 6 October 2021.
  11. Shah, Prakash N. "'શબવાહિની ગંગા'ની સાખે". મૂળ સંગ્રહિત માંથી 2021-06-28 પર સંગ્રહિત. મેળવેલ 2021-09-29.
  12. Suthar, Babu. પ્રતિકારની કવિતા [Poetry of Resistance]. મૂળ સંગ્રહિત માંથી 2021-06-28 પર સંગ્રહિત. મેળવેલ 2021-09-29.
  13. ૧૩.૦ ૧૩.૧ ૧૩.૨ Sharma, Ritu (10 Jun 2021). "Poem on Bodies in Ganga: Gujarat Sahitya Akademi Sees 'Anarchy', 'Literary Naxals'". The Indian Express. મૂળ સંગ્રહિત માંથી 8 October 2021 પર સંગ્રહિત. મેળવેલ 8 Oct 2021.
  14. ૧૪.૦ ૧૪.૧ ૧૪.૨ Sharma, Ritu (18 Jun 2021). "Litterateurs Demand Withdrawal of Gujarat Sahitya Akademi Editorial". The Indian Express. મૂળ સંગ્રહિત માંથી 29 September 2021 પર સંગ્રહિત. મેળવેલ 29 Sep 2021.
  15. Vaidya, Kaajal Oza (16 May 2021). "માય સ્પેસ: દુઃખ પારાવાર... મૂઈ આ સરકાર !". Divya Bhaskar. મૂળ સંગ્રહિત માંથી 18 May 2021 પર સંગ્રહિત. મેળવેલ 5 December 2021.
  16. Desai, Nachiketa (18 Jun 2021). "Gujarati Writers, Poets and Artists Condemn State Sahitya Academy For Maligning Poet Parul Khakkar". National Herald. મૂળ સંગ્રહિત માંથી 8 October 2021 પર સંગ્રહિત. મેળવેલ 8 Oct 2021.

બાહ્ય કડીઓ

ફેરફાર કરો