સપ્તેશ્વર મહાદેવ, અરસોડીયા
સપ્તેશ્વર મહાદેવ ત્રેતાયુગનું ઐતિહાસિક તેમ જ ભારતીય ખગોળ વિદ્યા સાથે સંકળાયેલું એક ધાર્મિક સ્થળ છે કે જે ગુજરાત રાજ્યના ઈશાન ભાગમાં આવેલા સાબરકાંઠા જિલ્લામાં આવેલા કુલ ૧૩ (તેર) તાલુકાઓ પૈકીના એક એવા ઇડર તાલુકાનાં અરસોડીયા ગામની નજીક એકાદ બે કિ.મી. જેટલા અંતરે આવેલું છે. અમદાવાદથી આશરે ૧૦૦ કિ.મી. જેટલું દૂર આ મંદિર સાબરકાંઠા જિલ્લા અને મહેસાણા જિલ્લાની સરહદ ઉપર આવેલું છે. આ સ્થળનું કુદરતી સૌંદર્ય પણ માણવાલાયક છે. આ સપ્તેશ્વર મહાદેવનું મંદિર ઇડરથી ૩ર. કિ.મી. જેટલા અંતરે અને હિંમતનગરથી ૩૦ કિ.મી. જેટલા અંતરે તેમ જ સામે કિનારે આવેલા મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના ફુદેડા ગામથી ર. કિ.મી. અંતરે આવેલું છે. અહિં ડેભોલ નદી અને સાબરમતી નદીના સંગમ સ્થાને મહાદેવનું મંદિર છે જેને સંલગ્ન એક કુંડ છે. મંદિરમાં શિવલીંગની ઉપર સતત ગૌમુખમાંથી નદીનાં પાણીની જળાધારી થતી રહે છે, અને આ પાણી વહીને બહારનાં કુંડમાં એકત્ર થાય છે. મંદિરમાં દર્શન માટે જવું હોયતો પણ પાણીમાં અડધા ડુબેલાં રહીને જવું પડે છે.
સપ્તેશ્વર મહાદેવ, અરસોડીયા | |
— ગામ — | |
| |
અક્ષાંશ-રેખાંશ | 23°50′00″N 73°00′00″E / 23.833333°N 73°E |
દેશ | ભારત |
રાજ્ય | ગુજરાત |
જિલ્લો | સાબરકાંઠા |
તાલુકો | ઇડર |
અધિકૃત ભાષા(ઓ) | ગુજરાતી,હિંદી[૧] |
---|---|
સમય ક્ષેત્ર | ભારતીય માનક સમય (+૦૫:૩૦) |
સગવડો | પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી |
મુખ્ય વ્યવસાય | ખેતી, ખેતમજૂરી, પશુપાલન |
મુખ્ય ખેત-ઉત્પાદનો | ઘઉં, જીરુ, બાજરી, કપાસ, દિવેલી શાકભાજી |
સપ્તનાથ (સપ્તેશ્વર) મહાદેવના નામ પરથી જ જાણી શકાય છે કે આ સ્થળે સાત ઋષિમુનિઓએ તપસ્યા કરી હતી. હિંદુ ધર્મના પૌરાણીક ગ્રંથો ઉપરથી જાણવા મળેલ છે કે આ સપ્તઋષિઓ કશ્યપ મુનિ, વશિષ્ટ મુનિ, વિશ્વામિત્ર મુનિ, ભારદ્વાજ મુનિ, અત્રિ મુનિ, જમદગ્નિ મુનિ, અને ગૌતમ ઋષિ હતા. આ ઋષિઓ મહાભારત અને પુરાણોની અનેક ધટનાઓ સાથે સંકળાયેલા છે. શ્રી સપ્તનાથ ( સપ્તેશ્વર) મહાદેવના મંદિરમાં આ સાતે ય શિવલીગો જુદાં - જુદાં એવી રીતે ગોઠવાયેલાં છે કે જાણે આકાશમાં સપ્તર્ષિના તારા ગોઠવાયેલા હોય.
આ સ્થળનાં ધાર્મિક મહત્વની સાથે સાથે પર્યટક મહત્વ પણ ઘણાં છે. વર્ષ દરમ્યાન અમદાવાદ અને આસપાસનાં વિસ્તારની અનેક શાળાઓ વિદ્યાર્થીઓને અહીં પ્રવાસે લઇને આવે છે. આ ઉપરાંત અનેક સમુદાયો પણ અહીં દેવ દર્શન અને સાથે સાથે પ્રવાસની મજા માણવા આવે છે.
સપ્તેશ્વરને સ્થાનિક બોલીમાં "હાતેરા" (સાતેરા) કહે છે અને આકાશમાં આવેલા સપ્તર્ષિના તારાઓને પણ અહિંની બોલીમાં હાતેરા (સાતેરા) કહે છે. લોકબોલીમાં વૃદ્ધ માણસો આજે પણ હાતેરા જ બોલે છે.
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |