તારંગા
તારંગા તીર્થ કે તારંગા ગુજરાત રાજ્યમાં આવેલી એક મોટી ટેકરી છે, જે ભૌગોલિક રીતે અરવલ્લી પર્વતમાળાનો ભાગ છે જ્યારે રાજકીય રીતે મહેસાણા જિલ્લાના સતલાસણા તાલુકામાં આવેલી છે. બારમી સદીમાં અહીં શ્વેતાંબર સોલંકી રાજા કુમારપાળે ભગવાન અજિતનાથના એક ખૂબ સુંદર મંદિરનું નિર્માણ કરાવ્યું હતું.[૧]
તારંગા જૈન તીર્થ | |
---|---|
તારંગામાં આવેલું અજિતનાથ દેરાસર | |
ધર્મ | |
જોડાણ | જૈન |
દેવી-દેવતા | અજિતનાથ |
તહેવારો | મહાવીર જયંતી |
સ્થાન | |
સ્થાન | સતલાસણા, મહેસાણા જિલ્લો, ગુજરાત, ભારત |
અક્ષાંશ-રેખાંશ | 23°57′59″N 72°45′17″E / 23.96639°N 72.75472°E |
સ્થાપત્ય | |
નિર્માણકાર | કુમારપાળ |
સ્થાપના તારીખ | ૧૧૨૧ |
લાક્ષણિકતાઓ | |
મંદિરો | ૧૪ શ્વેતાંબર અને ૫ દિગંબર |
ઊંચાઈ | 45 m (148 ft) (અંદાજિત) |
અમદાવાદ શહેરથી ૧૪૦ કિમી દૂર સ્થિત તારંગા જૈન મંદિરો માટે જાણીતું તીર્થસ્થળ છે. આ પહાડી વિસ્તારને જૈન સિદ્ધ ક્ષેત્ર પણ કહેવાય છે. પહાડી ઉપર ચૌદ દિગંબર અને પાંચ શ્વેતાંબર મંદિર બનાવવામાં આવેલાં છે. એમ માનવામાં આવે છે કે આ પહાડીઓના શિખર પર અનેક સંતોએ મોક્ષ પ્રાપ્ત કર્યો હતો.
ઇતિહાસ અને સ્મારકો
ફેરફાર કરોતારંગા ૧૨મી સદીમાં એક મહત્ત્વનું જૈન તીર્થસ્થળ બની ગયું. સોમપ્રભાચાર્યના કુમારપાલ પ્રતિબોધમાં જણાવ્યા અનુસાર સ્થાનિક બૌદ્ધ રાજા વેણી વત્સરાજા અને જૈન સાધુ ખાપુતાચાર્ય દ્વારા વિક્રમ સંવત ૧૨૪૧માં દેવી તારા માટે મંદિર બનાવ્યું હતું અને આ રીતે આ નગરનું નામ તારાપુર રાખવામાં આવ્યું હતું.[૨]
મુખ્ય મંદિરનું નિર્માણ ચાલુક્ય રાજા કુમારપાલ (૧૧૪૩ - ૧૧૭૪) દ્વારા કરવામાં આવ્યું હતું. રાજા કુમારપાલ આચાર્ય હેમચંદ્રના માર્ગદર્શનમાં જૈન ધર્મના અનુયાયી બન્યા બાદ આ મંદિર દ્વિતીય તીર્થંકર અજિતનાથના સન્માનમાં બંધાવ્યું હતું.[૩]
- અજીતનાથ મંદિર
આ મંદિર ૫૦ ફૂટ (૧૫ મીટર) લાંબું, ૧૦૦ ફૂટ (૩૦ મીટર) પહોળું અને ૧૪૨ ફૂટ (૪૩ મીટર) ઊંચું છે. તેની પરિમિતિ ૬૩૯ ફૂટ (૧૯૫ મીટર) છે. આ મંદિરનું ૯૦૨ ફૂટ (૨૭૫ મીટર) ઊંચું લાકડાનું શિખર સુંદર રીતે કોતરવામાં આવ્યું છે.
ઈ.સ. ૧૧૬૧માં પૂર્ણ થયેલ આ મંદિર મરુ-ગુર્જર સ્થાપત્યશૈલીનું ઉત્કૃષ્ઠ ઉદાહરણ છે. મંદિરનો ઢાંચો વર્તમાનમાં પણ અકબંધ છે અને ધાર્મિક ઉપયોગમાં છે. શિખર અને મંડપની અધિરચના બંને શૈલીમાં "સૌથી જટિલ" છે. મંદિરની રચનાશૈલીની શરૂઆત ભૂમિજા (મંદિર સ્થાપત્યની એક શૈલી) શૈલીના લઘુ મિનારાઓની ત્રણ હરોળથી શરૂ થાય છે, આગળા વધતાં તે સેખરી શૈલી તરફ વળે છે, જ્યાં નાના મિનારાઓ જુદી જુદી લંબાઈના હોય છે અને એકબીજા પર આધ્યારોપિત થાય છે. મંડપની ઉપર, સૌથી નીચલા સ્તરમાં લઘુ કદના મિનારાઓની હારમાળા ચાલુ રહે છે, જેની ઉપર છતનું છીછરું સમતલ, નાના મિનારાઓ અને કળશની કિનારી સાથે જોડાયેલું હોય છે. સપાટીને ગવાક્ષ શૈલીથી (ઘોડના નાળ આકારની સંરચના શૈલી) આકૃતિઓ અને મધુકોશથી સજાવવામાં આવી છે, આ આકૃતિઓ "જીવંત મુદ્રાઓ, મુખાકૃતિઓ અને વસ્ત્રો"થી સજાવવામાં આવેલી છે.[૪]
મંદિરની આંતરિક સજાવટમાં દ્વિતીય તીર્થંકર અજિતનાથની ૨.૭૫ મીટર ઊંચી સફેદ આરસપહાણની બનેલી પ્રતિમા આવેલી છે. મંદિરની જમણી બાજુએ ઋષભ દેવ અને ૨૦ તીર્થંકરોના પગના નિશાન છે અને ડાબી બાજુ ગૌમુખાનું મંદિર, સમવશરણ અને જાંબુદ્વિપ ચિત્ર છે. મુખ્ય મંદિરના બાહ્ય મંચ પર પદ્માવતી અને કુમારપાલની મૂર્તિઓ છે.[૩]
કારતક અને ચૈત્ર માસની પૂર્ણિમા દરમિયાન મંદિરની યાત્રા કરવાનું વિશેષ ધાર્મિક મહત્ત્વ છે. આસપાસના મંદિરોમાં વિવિધ મૂર્તિઓ છે. એકમાં તીર્થંકરોના ૨૦૮ નિરૂપણો સાથેનો આરસપહાણની સળંગ શિલા છે.[૩]
વાહન વ્યવહાર
ફેરફાર કરોતારંગા હિલ રેલ્વે સ્ટેશન અહિં તળેટીમાં આવેલું સૌથી નજીકનું રેલ્વે સ્ટેશન છે જે મહેસાણા જંક્શન સાથે સીધી મીટરગેજ ટ્રેન વડે જોડાએલું છે[૫]. મહેસાણા-તારંગા હિલ રેલ્વે માર્ગમાં વિસનગર, વડનગર અને ખેરાલુ જેવા મહત્વના ગામો/નગરો આવે છે. સડક માર્ગે તારંગા હિલ, મહેસાણા-વિસનગર-અંબાજી ધોરીમાર્ગ રાજ્ય ધોરીમાર્ગ ૫૬ પર મહેસાણાથી ૭૫ કિ.મી., વિસનગરથી ૫૧ કિમી અને અંબાજીથી ૫૪ કિ.મી.ના અંતરે આવેલું છે[૬].
ચિત્રો
ફેરફાર કરો-
નજીકનું તળાવ અને દેરાસર
-
તીર્થંકર દેરાસરો
-
તારંગા તીર્થ, ઇ.સ. ૧૮૯૦
-
તારંગા જૈન દેરાસર, આગળની બાજુથી
-
મુખ્ય પ્રવેશદ્વાર
-
મંદિરનો પાછળની બાજુથી દેખાવ
-
દિવાલો પરની કોતરણી
-
મંદિરની અંદરની છત
સંદર્ભ
ફેરફાર કરો- ↑ Gazetteer of the Bombay Presidency: Cutch, Palanpur, and Mahi Kantha 2015, p. ૪૪૨.
- ↑ Susan Verma Mishra; Himanshu Prabha Ray (5 August 2016). The Archaeology of Sacred Spaces: The temple in western India, 2nd century BCE–8th century CE. Taylor & Francis. પૃષ્ઠ 66. ISBN 978-1-317-19413-2.
- ↑ ૩.૦ ૩.૧ ૩.૨ Gazetteer of the Bombay Presidency: Cutch, Palanpur, and Mahi Kantha 2015, p. 442.
- ↑ Michell (1990), 310-311, 311 quoted
- ↑ "મહેસાણા - તારંગા હિલ મીટરગેજ ડીએમયુ". indiarailinfo.com. મેળવેલ ૧૬ માર્ચ ૨૦૧૭.
- ↑ "મહેસાણાથી તારંગા હિલનું અંતર - ગુગલ". વેબ સર્ચ. www.google.com. મેળવેલ ૧૬ માર્ચ ૨૦૧૭.
ગ્રંથસૂચિ
ફેરફાર કરો- Gazetteer of the Bombay Presidency: Cutch, Palanpur, and Mahi Kantha. Government Central Press. ૧૮૮૦. પૃષ્ઠ ૪૪૨.
બાહ્ય કડીઓ
ફેરફાર કરો- ગુજરાતી વિશ્વકોશમાં તારંગા.
- તારંગા, ગુજરાતટુરિઝમ.કોમ પર સંગ્રહિત ૨૦૧૦-૧૨-૧૨ ના રોજ વેબેક મશિન
- તારંગા તીર્થ[હંમેશ માટે મૃત કડી]
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |