ભુચર મોરીનું યુદ્ધ

મુઘલ સામ્રાજ્ય અને કાઠિયાવાડની સેનાઓ વચ્ચે થયેલું ઇસ ૧૫૯૧નું યુદ્ધ

ભુચર મોરીનું યુદ્ધ જે ધ્રોલના યુદ્ધ તરીકે પણ ઓળખાય છે, નવાનગર રજવાડાની આગેવાની હેઠળ કાઠિયાવાડની સેના અને મુઘલ સામ્રાજ્યની સેના વચ્ચે ભુચર મોરીના ઉચ્ચપ્રદેશમાં સૌરાષ્ટ્રનાં ધ્રોલમાં લડાયેલું યુદ્ધ હતું. તેનો આશય ગુજરાત સલ્તનતના છેલ્લા સુલ્તાન મુઝફ્ફર શાહ ત્રીજાને બચાવવાનો હતો, જેણે મુઘલ બાદશાહ અકબરથી નાસી જઈને નવાનગરના જામ સતાજી પાસે શરણ લીધું હતું. આ યુદ્ધ જુલાઈ ૧૫૯૧ (વિક્રમ સંવત ૧૬૪૮)માં રાજા જામ સતાજી (કાઠિયાવાડની સેના) અને અકબરના સૂબા મિર્ઝા અઝીઝ કોકા વચ્ચે થયું હતું. કાઠિયાવાડની સેનામાં જૂનાગઢ અને સાવરકુંડલાનો સમાવેશ થતો હતો, જે છેલ્લી ઘડીએ નવાનગરને દગો આપીને મુઘલ સૈન્યમાં જોડાયા હતા. આ યુદ્ધને પરિણામે બંને પક્ષે મોટી સંખ્યામાં ખુવારી થઈ હતી અને અંતે મુઘલ સૈન્યનો વિજય થયો હતો.[][]

ભુચર મોરીનું યુદ્ધ

યદુવંશપ્રકાશ ગ્રંથમાંથી ભુચર મોરીના યુદ્ધનું વર્ણન ચિત્ર
તિથિ જુલાઈ ૧૫૯૧
સ્થાન ભુચર મોરી, ધ્રોલ (તે સમયે ધ્રોલ રજવાડું)ની બાજુમાં, જામનગર જિલ્લો, ગુજરાત, ભારત
22°34′55″N 70°24′00″E / 22.582°N 70.400°E / 22.582; 70.400
પરિણામ મુઘલોની નિર્ણાયક જીત
ક્ષેત્રીય
બદલાવ
કાઠીયાવાડ, મુઘલ સામ્રાજ્ય હેઠળ
સેનાનાયક
મિર્ઝા અજીજ કોકા
  • જામ સતાજી
    • જામ અજાજી 
    • જસા વજીર 
  • દોલત ખાન ઘોરી
  • લોમા ખુમાણ
  • રાવ ભારમલજી ૧
  • સાંગણજી વાઢેર
  • વસાજી પરમાર
શક્તિ/ક્ષમતા
  • ૮૯૦૦-૯૦૦૦
  • ૧૭૦૦૦-૨૧૦૦૦
    • ૮૪ હાથીઓ
મૃત્યુ અને હાની
  • ૧૦૦-૨૦૦ લડવૈયાઓ
  • ૫૦૦ ઘવાયા
  • ૨૦૦૦ લડવૈયાઓ
  • ૭૦૦ ઘોડાઓ ઘાયલ થયા
કેટલાય માધ્યમોની મદદથી આંકડાઓ મેળવેલ છે.

આ લડાઈને સૌરાષ્ટ્રના ઈતિહાસમાં લડવામાં આવેલી સૌથી મોટી લડાઈ ગણવામાં આવે છે. તેને ઘણી વખત સૌરાષ્ટ્રના પાણીપત તરીકે પણ ઓળખવામાં આવે છે.[]

પશ્ચાદભૂ

ફેરફાર કરો

ગુજરાત સલ્તનતના સુલતાન મુઝફ્ફર શાહ ત્રીજા, ગુજરાતના નામ માત્રના બાદશાહ હતા અને રાજ્યનો વહીવટ વિવિધ વિભાગોમાં ઉમરાવો જ કરતા હતા, જેઓ સતત ઝઘડ્યા કરતા. મુઝફ્ફરે અન્ય ઉમરાવો સાથે મળીને અમદાવાદની ઘેરાબંધી કરી. અમદાવાદ પર શાસન કરનાર ઉમરાવ ઈતિમાદ ખાને મુઘલ શહેનશાહ અકબરને રાજ્ય પર કબ્જો કરવા નિમંત્રણ આપ્યું. તેમનું સૈન્ય ૧૮ નવેમ્બર ૧૫૭૨ના રોજ અમદાવાદમાં વિના પ્રતિરોધે પ્રવેશ્યું. મુઝફ્ફરને અનાજના ખેતરમાં છુપાયેલી હાલતમાં પકડવામાં આવ્યો. અકબરે વર્ષ ૧૫૭૩ સુધીમાં ધીમે ધીમે રાજ્ય કબ્જે કરી લીધું. તેના સૂબેદારોએ રાજ્ય પર ૧૫૭૩થી ૧૫૮૩ સુધી સતત બળવાઓ અને અશાંતિ વચ્ચે શાસન કર્યું.[]

અકબરે મુઝફ્ફર શાહને આગ્રા ખાતે કારાવાસમાં પૂર્યો પણ તે ૧૫૮૩માં ભાગી અને ગુજરાત પહોચવામાં સફળ રહ્યો. રાજપીપળા ખાતે ટૂંકા રોકાણ બાદ તે કાઠિયાવાડ આવ્યો જ્યાં તેની સાથે ૭૦૦ સૈનિકો જોડાયા. તેને નવાનગરના જામ સતાજીએ[note ૧], જૂનાગઢના દૌલત ખાન અને સોરઠના જાગીરદાર ખેંગારે સહાય કરી. તેણે ૩૦,૦૦૦ અશ્વદળ અને ૨૦,૦૦૦ પાયદળનું સૈન્ય ઊભું કર્યું. તેણે અમદાવાદ નજીકનાં ગામો લૂંટ્યા અને પાછળથી અમદાવાદ, વડોદરા અને ભરુચ કબ્જે કર્યાં. ૨૬ જાન્યુઆરી ૧૫૮૪ના રોજ નવા મુઘલ સૂબેદાર મિર્ઝા ખાને મુઝફ્ફરને અમદાવાદ ખાતે હરાવ્યો. હાર બાદ મુઝફ્ફર મહેમદાવાદ ભાગ્યો અને પછી ખંભાત. ફેબ્રુઆરી ૧૫૮૪માં મિર્ઝા ખાન ખંભાત તરફ આગળ વધ્યો અને માર્ગમાં વડોદરા ખાતે બંનેની સેનાઓમાં ટકરાવ થયો જેમાં ફરી મુઝફ્ફર હાર્યો. તેણે પહાડોમાં શરણ લીધી. પાછળથી ભરુચ પર પણ મુઘલોએ કબ્જો કર્યો અને મુઝફ્ફર વિવિધ સ્થળોએ નાસતો રહ્યો. તે પ્રથમ ઇડર અને પછી કાઠિયાવાડ તરફ ભાગ્યો. તેને આશરો આપવા કોઈ સહમત ન થતાં નવાનગરના જામ સતાજીએ તેને બરડા ડુંગરમાં છુપાવા માટે સહાય કરી.[][][]

અકબરે મુઝફ્ફરને પકડવા ૧૫૮૮-૮૯માં મિર્ઝા ખાનના સ્થાને તેના પાલક ભાઈ મિર્ઝા અઝીઝ કોકાને માળવાથી ગુજરાત મોકલ્યો.[] વિરમગામ ખાતે મોટું સૈન્ય નિયુક્ત કરવામાં આવ્યું. અઝીઝ કોકાએ નવરોઝ ખાન અને સૈયદ કાસીમને મોરબી તરફ મુઝફ્ફરની શોધ ચલાવવા મોકલ્યા. તે દરમિયાનમાં તેણે જામ સતાજી સાથે વાટાઘાટ ચલાવી શરણાગતિ સ્વીકારવા સમજાવ્યા. સતાજીએ આશરો લેનારનું રક્ષણ કરવાના ક્ષત્રિય ધર્મનો કાયદો જણાવી આમ કરવાની ના કહી. જામ સતાજીએ મુઘલ સૈન્યની પુરવઠા હરોળ કાપી, વિખુટા પડેલા સૈનિકોને મારી અને મોકો મળે ત્યારે ઘોડા અને હાથી ઉપાડી જઈ મુઘલોને રંજાડવાની શરુઆત કરી.[][][][][]

 
જામ સતાજી
 
જામ અજાજી, જેનું લડાઈમાં મૃત્યુ થયું

મિર્ઝા અઝીઝ કોકાએ ધ્રોળ નજીક આશરે ૯,૦૦૦ સૈનિકોનું સૈન્ય એકઠું કર્યું. સૈન્યમાં રોમન, આરબ, રશિયન, તુર્ક, ફિર્કાની, હબસી, મિર્કાની, મકરાણી, સિંધી, કંદહાર, કાબુલ અને ઈરાન વિસ્તાર અને મૂળના સૈનિકો હતા.[][][note ૨]

ધ્રોળ નજીકના કાઠિયાવાડના સૈન્યમાં ૧૭,૦૦૦ થી ૨૧,૦૦૦ સૈનિકો હોવાનો અંદાજ છે. નવાનગરના સૈન્યમાં હાપા, કાના, જિયા, કાબર, ડાળ, મોઢ અને રાવ વંશના જાડેજા, સોઢા, આહીર, તુંબેલ, ચારણ, ધુંધણ, ધામણ, સુમરા, સિંધી, રાજગોર અને બારોટ જ્ઞાતિના સૈનિકો હતા. જામ સતાજિ સાથે જુનાગઢના નવાબ દોલત ખાન ઘોરી અને જાગીરદાર રા ખેંગારના સૈન્યો, ખેરડી-સાવરકુંડલાના લોમા ખુમાણ અને કચ્છના રાવ ભારમલજી પ્રથમના સૈનિકો જોડાયાં હતા. ઓખાના વાઢેર અને મૂળીના વસાજી પરમાર પણ સૈન્યનો ભાગ હતા. ભદ્રેસરના મહેરામણ અજાણી પોતાના ચૌદ પુત્રો સાથે સૈન્યમાં જોડાયા હતા. આ સિવાય દ્વારકાની જાત્રાએ થી પરત ફરી હિંગળાજ દેવીના દર્શને જઈ રહેલ નાગા સાધુઓની જમાત પણ જોડાઈ હતી. સૈન્યમાં તોપખાનું, અશ્વદળ, હાથી અને ઊંટ પણ હતા.[][][][note ૩][note ૪]

જ્યારે મુઘલ સૈન્ય ભુચર મોરી પહોંચ્યું ત્યારે જ જામે કચ્છના અનામત સૈન્ય વડે તેમના પર હુમલો કર્યો.[][] મુઘલ દળો દ્વારા પણ રાત્રિ દરમિયાન પણ બે હુમલા કરાયા અને સખત વરસાદને કારણે લડાઈ બે દિવસ સુધી ટાળવામાં આવી.[] બંને પક્ષો વચ્ચે સંખ્યાબંધ અથડામણો થઈ અને દરેકમાં કાઠિયાવાડનું સૈન્ય વિજયી નીવડ્યું. ચોમાસાંને કારણે યુદ્ધક્ષેત્ર યોગ્ય નહોતું અને જામ સતાજીની વ્યૂહરચનાને કારણે તેઓ વારંવાર વિજયી નીવડ્યા. ત્રણ મહિનાના લાંબા ગાળા બાદ,[] હળવદના ચંદ્રસિંહની મધ્યસ્થતામાં મિર્ઝા અઝીઝ કોકાએ શાંતિમંત્રણાની શરુઆત કરી. જો શાંતિમંત્રણા સફળ થાય તો તેણે જામ સતાજીને બે લાખ ચૂકવવા અને ચંદ્રસિંહને ગુપ્ત રીતે એક લાખ ચૂકવવા વચન આપ્યું. કુંડલાના કાઠી લોમા ખુમાણે અગાઉના જૂનાગઢના અભિયાન સમયે લૂંટના ભાગરુપે એક હાથી મુઘલો પાસેથી મેળવી પોતાની પાસે રાખ્યો હતો અને તેને માટે જસ્સા વજીરે તેને બહુ રંજાડ કરેલી તે બાબતે તે જામથી છૂપી નારાજી ધરાવતો હતો. આ જ પ્રકારે જૂનાગઢનો દૌલત ખાન પણ જામ વિરુદ્ધ હતો. આ બંને એ અઝીઝ કોકા સાથે ગુપ્ત સંધિ કરી અને મિર્ઝાએ સહાયની ખાતરી આપતાં તેમણે જામ વિરુદ્ધ ફરી યુદ્ધની જાહેરાત કરી.[][][૧૦]

લડાઈની શરુઆતે જૂનાગઢ અને કુંડલાના સૈન્યો કાઠિયાવાડનું સૈન્ય છોડી જતા રહ્યા. જામ સતાજીને આ દ્રોહની જાણકારી મળતાં તેઓ હાથી પરથી ઉતરી પોતાના ઘોડાને લઈ રાજ્ય અને પરિવારને સુરક્ષિત કરવા રવાના થયા. તેમના મંત્રી જસા વજીર અને પુત્ર જસાજીએ સાંજ સુધી લડત ચાલુ રાખી; તેમણે જામના પરિવારનું પણ રક્ષણ કર્યું અને નાવમાં સમુદ્રમાર્ગે ધરપકડથી બચવા નસાડી દીધા અને બાદમાં તમામ નવાનગર પરત ફર્યા.[] લડાઈ લગભગ ત્રણ પ્રહર એટલે કે નવ કલાક સુધી ચાલી. યુદ્ધક્ષેત્રમાં ૨૬,૦૦૦ થી ૩૦,૦૦૦ સૈનિકો હતા.[] બંને પક્ષે મોટી સંખ્યામાં ખુવારી થઈ.[][૧૦]

જામ સતાજીના પુત્ર કુંવર અજાજી ત્રીજા જે પોતાના લગ્નના જમણવાર માટે ગામમાં મોજૂદ હતા, તેઓ જમણવારમાંથી ૫૦૦ રાજપુત યોદ્ધાઓને લઈ નાગ વઝીર સાથે યુદ્ધક્ષેત્ર તરફ ગયા.[][][૧૦]

બીજે દિવસે, મુઘલ સૈન્યની જમણી પાંખનું નેતૃત્વ સૈયદ કાસીમ, નૌરંગ અને ગુજર ખાન દ્વારા અને ડાબી પાંખમાં મુહમ્મદ રફી સહિત સંખ્યાબંધ જમીનદાર અને અમીરોએ કર્યું. કેન્દ્રનું નેતૃત્વ નવાબ અઝીમ હુમાયુ પોતે અને મિર્ઝા અનવરે સંભાળ્યું તે પહેલાં નવાબના પુત્ર મિર્ઝા મરહૂમના હાથમાં હતું. નવાનગરનું સૈન્ય જસા વજીર, કુંવર અજાજી અને મહેરામણજી ડુંગરાણીએ કર્યું. નાગ વઝીર, ડાહ્યો લોદક, ભાલજીદલ વગેરે પણ સૈન્યનું નેતૃત્વ કરી રહ્યા હતા. બંને પક્ષે તોપ દ્વારા ગોલંદાજી વડે લડાઈની શરુઆત થઈ. મુહમ્મદ રફીએ જામ પર હુમલો કર્યો જ્યારે ગુજર ખાન, મિર્ઝા અનવર અને નવાબે કુંવર અજાજી અને જસા વજીર પર હુમલો કર્યો.[][][૧૦]

કુંવર અજાજી ઘોડા પર સવાર હતા જ્યારે અઝીઝ કોકા હાથી પર. અજાજીએ મિર્ઝા પર ભાલા વડે હુમલો કર્યો પણ તેને હાનિ ન પહોંચી. તે દરમિયાન મુઘલ સૈનિકોએ અજાજી પર હુમલો કર્યો અને તેઓ યુદ્ધક્ષેત્રમાં જ મૃત્યુ પામ્યા.[૧૧] જસા વઝીર, મહેરામણજી ડુંગરાણી, ભાણજીદળ, ડાહ્યો લોદક, નાગ વઝીર અને તોગાજી સોઢા પણ યુદ્ધક્ષેત્રમાં મૃત્યુ પામ્યા. આશરે ૨,૦૦૦ કાઠિયાવાડી સૈનિકો મૃત્યુ પામ્યા.[] મુઘલ સૈન્યમાં મુહમ્મદ રફી, સૈયદ સૈફુદ્દીન, સૈયદ કબીર, સૈયદ અલીખાન પણ મૃત્યુ પામ્યા. બંને પક્ષે મોટી ખુવારી થઈ. એવું માનવામાં આવે છે કે બંને પક્ષે આશરે ૧૦,૦૦૦ કરતાં વધુ સૈનિકો મૃત્યુ પામ્યા. હજાર જેટલા સાધુઓ પણ મૃત્યુ પામ્યા. જામ સતાજીએ પોતાના પુત્ર, ભત્રીજો અને જમાઈ સહિત ૬૭ સબંધીઓ ગુમાવ્યા. મહેરામણજીના ચૌદ પુત્રો મૃત્યુ પામ્યા.[][૧૦] નવાનગરના ૭૦૦ ઘોડા ઘાયલ થતાં નકામા બન્યા.[][][]

નવાનગરમાં મળતી નોંધ મુજબ, લડાઈ બુધવાર, શ્રાવણ વદ સાતમના રોજ પૂર્ણ થઈ. તે દિવસ જુલાઈ ૧૫૯૧માં (વિક્રમ સંવત ૧૬૪૮)માં હતો. તે દિવસે શીતળા સાતમનો તહેવાર હતો. ગંભીરસિંહ પરમારના દુહા અનુસાર પણ આ જ તિથી હતી.[][][note ૫]

અકબરનામા અનુસાર લડાઈ ૪થો અમરદાદ અથવા ૬ સવાલ ૯૯૯ હિજરી (૧૪-૧૮ જુલાઈ ૧૫૯૧) વચ્ચે થઈ.[]

જૂનાગઢના દિવાન રણછોડજી દિવાન લિખિત તારીખ-એ-સોરઠ અનુસાર લડાઈ આસો સુદ આઠમ, સંવત ૧૬૪૮ના રોજ થઈ હતી.[][][note ૬]

પછીની ઘટનાઓ

ફેરફાર કરો

મુઘલ સૈન્ય નવાનગર તરફ આગળ વધતાં, જામ સતાજીએ રાણીઓને બંદરથી નાવ દ્વારા શહેર છોડવા જણાવ્યું. સચાણાના ઈશરદારજી બારોટના પુત્ર ગોપાલ બારોટ અજાજીની પાઘડી લઈ અને તેમના તાજા લગ્નના સોઢા પત્ની સુરજકુંવરબા પાસે પહોંચ્યા. સુરજકુંવરબા યુદ્ધક્ષેત્ર તરફ જવા નીકળ્યા અને માર્ગમાં તેમના પર મુઘલ સૈન્યએ હુમલો કર્યો. માર્ગમાં ધ્રોળના ઠાકોર સાહેબ જેમણે જામ સાથેના વ્યક્તિગત ઝઘડાને કારણે યુદ્ધમાં ભાગ નહોતો લીધો તેમણે સુરજકુંવરબાનું રક્ષણ કર્યું અને મુઘલો સાથે મંત્રણા કરી. તેણી યુદ્ધક્ષેત્રમાં પહોંચી અને અજાજીની ચિતા પર સતીપ્રથા નિભાવી.[][૧૦]

મિર્ઝા અઝીઝ કોકાએ નવાનગર પહોંચી તેને લૂટ્યું. જામ સતાજીએ મુઝફ્ફરને બચાવવા જૂનાગઢ તરફ કૂચ કરી. દૌલત ખાન લડાઈમાં ઘાયલ થતાં જૂનાગઢ તરફ ગયો હતો[] અને પાછળથી મૃત્યુ પામ્યો હતો. મુઘલ સૈન્ય જૂનાગઢ પહોંચ્યું પણા લાંબા અભિયાનના થાકને કારણે અમદાવાદ પરત ફર્યું. ૧૫૯૨માં મિર્ઝા નવા સૈન્ય સાથે ફરી કાઠિયાવાડ પરત ફર્યો. તેણે જૂનાગઢની ઘેરાબંધી કરી અને શહેરે ત્રણ મહિના બાદ શરણાગતિ સ્વીકારી. મુઝફ્ફર તે દરમિયાન ફરી બરડામાં ભાગી ગયો હતો. મુઘલ સૈન્ય અંતે જૂનાગઢમાં સૂબાને નિયુક્ત કરી અને પરત અમદાવાદ ફર્યું. તેમણે પ્રભાસ પાટણ, દ્વારકા અને બેટ દ્વારકા પણ કબ્જે કર્યું.[][][૧૦]

બરડા પ્રદેશને છોડ્યા બાદ તેણે થોડો સમય ઓખા ખાતે વીતાવ્યો. મિર્ઝા અઝીઝ કોકાએ પોતાના પુત્ર સાથે સૈનિકો મોકલી તેને પકડવા પ્રયત્ન કર્યો. મુઝફ્ફરને ત્યાંથી ભાગી નીકળવાની સહાય કરતાં સવા વાઢેરનું મૃત્યુ થયું. મુઝફ્ફર વસ્તા બંદર વાટે કચ્છ પહોંચ્યો અને કચ્છના રાવ ભારમલ પ્રથમને આસરા માટે અપીલ કરી. મુઘલ સૈન્યને મોરબી મોકલાયું અને કચ્છનું રણ પાર કરવા તૈયારી કરવા આદેશ અપાયો. રાવને નવાનગર અને જૂનાગઢના હાલની ખબર હોવાથી તેણે મુઝફ્ફરને મુઘલ સૈન્યને સોંપી દીધો. મુઘલ સૈનિકો તેને છાવણી સુધી લઈ જતા હતા તે દરમિયાન આખી રાત્રિની મુસાફરી બાદ ધ્રોળ નજીક કોઈ બહાનું કાઢી અને ઘોડા પરથી ઉતરી ઝાડ પાછળ ગયો, જ્યાં તેણે છરી વડે પોતાનું ગળું કાપી આત્મહત્યા કરી. આ દિવસ ડિસેમ્બર ૨૪, ૧૫૯૨નો હતો. તેના મૃત્યુ સાથે ગુજરાત સલ્તનતના મુઝફ્ફરી વંશનો અંત આવ્યો.[][][૧૨][૧૩]

રાવ ભારમલજીને તેમની સેવા માટે મોરબીની જાગીર આપવામાં આવી. જામ સતાજી વર્ષ ૧૫૯૩માં નવાનગર પરત ફર્યા. તેઓ મૃત્યુ સુધી નવાનગર ખાતે જ રહ્યા પણ રાજ્યનો વહીવટ મુઘલ સૂબાએ તેમની સલાહ અનુસાર ચલાવ્યો. કેટલોક સમય માટે સતાજીના બીજા પુત્ર જસાજીને દિલ્હી ખાતે રાખવામાં આવ્યો.[][] સતાજીની ગેરહાજરીમાં રાણપુરના રાણા રામદેવજીના પુત્ર કુંવર ભાણજીના રાણી કાળાબાઈએ મેર અને રબારીઓની મદદથી નવાનગરે ગુમાવેલા વિસ્તારો પર કબ્જો કર્યો અને છાંયા ગામ ખાતે પાટનગર બનાવ્યું.[૧૪]

ઘણી લોકકથાઓ, ગીતો, ઐતિહાસિક કલ્પવાર્તાઓ અને વાર્તાઓ આ ઘટનામાં ઉદ્ભવ ધરાવે છે.[] હાલાર વિસ્તારમાં મોટી સંખ્યામાં જાનહાનિ થવાને કારણે ભુચર મોરી શબ્દ હત્યાકાંડનો પર્યાયવાચી શબ્દ બન્યો.[][૧૫]

ભુચર મોરીના ઉચ્ચપ્રદેશ પર સ્મારક આવેલું છે. એક મંદિરમાં અજાજીનો પાળિયો આવેલો છે. તેની દક્ષિણે તેમના પત્ની સુરજકુંવરબાનો પાળિયો છે. મંદિરની ઉત્તર દિવાલ પર ૧૬મી સદીની પરંપરાગત ચિત્રકળા પર આધારિત ઘોડેસવાર અજાજી હાથી પર બેઠેલા કોકા પર હુમલો કરતા હોય તેવું ચિત્ર છે. મંદિર પ્રાંગણમાં ૨૩ વધુ પાળિયા આવેલા છે. મંદિરની બહાર આઠ વધુ સ્મારક આવેલ છે જેમાં એક રાખેહાર ઢોલીનું છે જે થોડા અંતરે સ્થિત છે. કુલ ૩૨ સ્મારકો આવેલાં છે. સ્મારકની દક્ષિણ પશ્ચિમે આઠ કબરો આવેલી છે જે મુઘલ સૈન્યના સૈનિકોની છે. સ્થળ પર એક કુવો અને મસ્જિદ પણ સ્થિત છે.[][૧૦]

વર્ષ ૨૦૦૭માં ગુજરાત સરકાર દ્વારા નવા સ્મારકના બાંધકામની મંજૂરી આપવામાં આવી જેનું બાંધકામ સપ્ટેમ્બર ૨૦૧૫માં પૂર્ણ થયું.[૧૬][૧૭] ઓગષ્ટ ૨૦૧૬માં શહીદ વન નામનું સ્મારક વન લોકો માટે ખૂલ્લું મુકવામાં આવ્યું.[૧૮] ૧૯૯૨થી શીતળા સાતમની પ્રાર્થના માટે ક્ષત્રિય લોકો આ સ્થળની મુલાકાત લે છે. શ્રાવણ વદ અમાસના દિવસે વાર્ષિક મેળો ભરવામાં આવે છે જેમાં હજારો લોકો ભાગ લે છે.[][૧૦][૧૯]

શીતળા સાતમ એટલે કે શ્રાવણ વદ સાતમને દિવસે કુંવર અજાજીનું મૃત્યુ થવાને કારણે નવાનગર અને હાલાર પંથકના લોકોએ આ તહેવારની ઉજવણી વર્ષો સુધી બંધ રાખી શોક પાળ્યો હતો. પણ આશરે ૨૫૦ વર્ષ બાદ જામ રણમલજીના પુત્ર બાપુભાનો જન્મ આ દિવસે થતાં ફરી આ તહેવારની ઉજવણી શરુ કરવામાં આવી.[][૧૦][૧૯]

સાહિત્યમાં

ફેરફાર કરો

અકબરના દરબારના કવિ દુરસાજી આધાએ પ્રેમ અને શૌર્યના મિશ્રણ ધરાવતી 'કુમાર શ્રી અજાજીની ગજગાથ' નામે કવિતા લખી.[૧૦][૨૦] નવાનગરના કવિઓએ ઘટનાને કવિતામાં વર્ણવી છે જેમાં વજમલજી મહેડુનું 'વિભાવિલાસ' (૧૮૯૩) અને માવદાનજી રત્નુનું 'યદુવંશ પ્રકાશ' (૧૯૩૪) છે.[] ગુજરાતી લેખક ઝવેરચંદ મેઘાણીએ આ લડાઈ આધારિત નવલકથા 'સમરાંગણ' (૧૯૩૮) લખી છે.[][] હરિલાલ ઉપાધ્યાયે આ લડાઈની પશ્ચાદભૂ અને તેની શરુઆતનાં કારણો પર આધારિત નવલકથા 'રણમેદાન' (૧૯૯૩)ની રચના કરી.[૨૧]

  1. He is also known as Jam Satrasal.
  2. Various sources suggest the strength of troops from 8900 to 9000. Akbarnama stated less than 10000 warriors.
  3. Numbers of Kathiawar force does note correspond to other sources. 17000 of Nawanagar, 10000 of Kherdi, 15000 of Junagadh, 5000 of Kutch and 1500 Atit Sadhus are stated in some sources but seems exaggerated. Other old sources place the Kathiawar forces ranging from 17000-21000 warriors. Akbarnama stated that it was more than 30000 but it seems that the forces reduced as Junagadh and Kundla forces left.
  4. It is stated in Akbarnama that Muzaffar left battlefield without fighting but no other source mention that he participated in the battle.
  5. ગુજરાતીમાં દોહો: સંવત સોળ અડતાલીસે, સાવણ માસ ઉદાર, જામ અજો સૂરપૂર ગયો, વદ સાતમ બુધવાર
  6. These dates are probably not true as the festival of Shitla Satam is marked as a day of death of Ajaji not corresponding to Vikram Samvat date. Hijri year 1001 correspond to 1593 which does not match.
  1. ૧.૦ ૧.૧ ૧.૨ ૧.૩ ૧.૪ ૧.૫ ૧.૬ ૧.૭ Jadav, Joravarsinh (૨૯ એપ્રિલ ૨૦૧૨). "આશરા ધર્મને ઉજાગર કરતી સૌરાષ્ટ્રની સૌથી મોટી ભૂચર મોરીની લડાઇ - લોકજીવનનાં મોતી". ગુજરાત સમાચાર. મૂળ માંથી ૧૦ મે ૨૦૧૬ પર સંગ્રહિત. મેળવેલ ૧૦ મે ૨૦૧૬.
  2. Georg Pfeffer; Deepak Kumar Behera (૧૯૮૭). Contemporary Society: Concept of tribal society. Concept Publishing Company. પૃષ્ઠ ૧૯૮. ISBN 978-81-7022-983-4.
  3. ૩.૦૦ ૩.૦૧ ૩.૦૨ ૩.૦૩ ૩.૦૪ ૩.૦૫ ૩.૦૬ ૩.૦૭ ૩.૦૮ ૩.૦૯ Edalji Dosábhai (1894). A History of Gujarát: From the Earliest Period to the Present Time. United Print. and General Agency. પૃષ્ઠ 133–147.
  4. ૪.૦ ૪.૧ ૪.૨ ૪.૩ ૪.૪ ૪.૫ ૪.૬ "ગૌરવ ગાથા: ક્ષાત્રધર્મના પાલન માટે ખેલાયું ભૂચર મોરીનું યુધ્ધ". 3 September 2015. મેળવેલ 10 May 2016.
  5. ૫.૦૦ ૫.૦૧ ૫.૦૨ ૫.૦૩ ૫.૦૪ ૫.૦૫ ૫.૦૬ ૫.૦૭ ૫.૦૮ ૫.૦૯ ૫.૧૦ રણછોડજી દિવાન (1882). Târikh-i-Soraṭh: A History of the Provinces of Soraṭh and Hâlâr in Kâthiâwâd (en (translated from fa)માં). Education Society Press, & Thacker. પૃષ્ઠ 247–252.CS1 maint: unrecognized language (link)
  6. ૬.૦ ૬.૧ ૬.૨ ૬.૩ DeshGujarat (3 September 2015). "A memorial dedicated to the battle of Bhuchar Mori ready to open". DeshGujarat. મેળવેલ 10 May 2016.
  7. Asiatic Society of Bombay (1969). Journal. પૃષ્ઠ 153.
  8. ૮.૦૦ ૮.૦૧ ૮.૦૨ ૮.૦૩ ૮.૦૪ ૮.૦૫ ૮.૦૬ ૮.૦૭ ૮.૦૮ ૮.૦૯ ૮.૧૦ Fazl, Abu. "Victory Of The K. Azim M. Koka And The Disgrace Of Mozaffar Gujrati in The Akbarnama". Packard Humanities Institute. પૃષ્ઠ 902–911. મૂળ માંથી ૧૪ જુલાઈ ૨૦૧૮ પર સંગ્રહિત. મેળવેલ ૧૪ મે ૨૦૧૬. Check date values in: |archive-date= (મદદ)
  9. ૯.૦ ૯.૧ ૯.૨ ૯.૩ India. Superintendent of Census Operations, Gujarat (1964). District Census Handbook. Director, Government Print. and Stationery, Gujarat State. પૃષ્ઠ 41, 45, 195.
  10. ૧૦.૦૦ ૧૦.૦૧ ૧૦.૦૨ ૧૦.૦૩ ૧૦.૦૪ ૧૦.૦૫ ૧૦.૦૬ ૧૦.૦૭ ૧૦.૦૮ ૧૦.૦૯ ૧૦.૧૦ જાદવ, જોરાવરસિંહ (6 જૂન 2012). "જામનગરની પ્રજાએ કુંવર અજાજીના મૃત્યુનો શોક અઢીસો વર્ષ પાળીને રાજભક્તિ દર્શાવી - લોકજીવનનાં મોતી". ગુજરાત સમાચાર. મૂળ માંથી 10 મે 2016 પર સંગ્રહિત. મેળવેલ 10 મે 2016.
  11. Virbhadra Singhji (1 January 1994). The Rajputs of Saurashtra. Popular Prakashan. પૃષ્ઠ 259. ISBN 978-81-7154-546-9.
  12. Ashirbadi Lal Srivastava (1962). Political history, 1542-1605 A.D. Shiva Lal Agarwala. પૃષ્ઠ 323.
  13. Numismatic Society of India (1980). The Journal of the Numismatic Society of India. પૃષ્ઠ 133.
  14. John Whaley Watson (1879). Statistical Account of Porbandar: Being the Porbandar Contribution to the Káthiáwár Portion of the Bombay Gazetteer. Printed at the Education Society's Press. પૃષ્ઠ 26.
  15. Shahpurshah Hormasji Hodivala (1979). Studies in Indo-Muslim History: A Critical Commentary on Elliot and Dowson's History of India as Told by Its Own Historians, with a Foreword by Sir Richard Burn : Supplement. Islamic Book Service. પૃષ્ઠ 557.
  16. DeshGujarat (4 September 2015). "Memorial to martyrs of Bhuchar Mori battle unveiled". DeshGujarat. મેળવેલ 10 May 2016.
  17. "Guj CM Dedicates Bhuchar Mori Shaheed Memorial at Dhrol, Jamnagar". Official Website of Gujarat Chief Minister Anandiben Patel. 4 September 2015. મૂળ માંથી 1 જૂન 2016 પર સંગ્રહિત. મેળવેલ 10 May 2016.
  18. "મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ 'ભૂચર મોરી'માં ખુલ્લુ મુકાયું 'શહીદ વન'". સંદેશ. 14 August 2016. મૂળ માંથી 2016-08-25 પર સંગ્રહિત. મેળવેલ 30 June 2017.
  19. ૧૯.૦ ૧૯.૧ Office of the Registrar General India (1965). Census of India, 1961: Gujarat. Manager of Publications. પૃષ્ઠ 378.
  20. Amaresh Datta (1987). Encyclopaedia of Indian Literature: A-Devo. Sahitya Akademi. પૃષ્ઠ 74–. ISBN 978-81-260-1803-1.
  21. Upadhyay, Jiten. "Ranmedan". Historical Novel in Gujarati By Harilal Upadhyay. મૂળ માંથી 6 માર્ચ 2016 પર સંગ્રહિત. મેળવેલ 10 May 2016.