કાઠિયાવાડ
કાઠિયાવાડ એ પશ્ચિમ ભારતમાં આવેલો એક દ્વિપકલ્પ છે જે ગુજરાતના સૌરાષ્ટ્ર ક્ષેત્રનો એક ભાગ છે. તેની પશ્ચિમે કચ્છનો અખાત, દક્ષિણે અરબી સમુદ્ર અને પૂર્વે તથા અગ્નિ દિશાએ ખંભાતનો અખાત આવેલા છે. આ દ્વિપકલ્પને પશ્ચિમ છેડે જીગત પોઈન્ટ અને દક્ષિણ છેડે દીવ હેડ આવેલા છે.
નામ વ્યૂત્પત્તિ અને ઇતિહાસ
ફેરફાર કરોઆ ક્ષેત્રમાં અને ખાસ કરીને મધ્ય સૌરાષ્ટ્રમાં કાઠિ દરબાર જ્ઞાતિના અમુક સદીઓના પ્રભુત્વ અને પ્રભાવને કારણે તેનું નામ કાઠિયાવાડ પડ્યું છે. જોકે આ ક્ષેત્રમાં કાઠી લોકો ૧૬મી સદીમાં આવ્યા હતા, છતાં દસ્તાવેજીત ઇતિહાસ અનુસાર તેમણે આ ક્ષેત્રની રાજનીતિમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. ભારતમાં ગુર્જર પ્રતિહાર વંશના રાજા મિહિર ભોજના સમયમાં ગુર્જર રાજ્ય કાઠિયાવાડથી બંગાળના ઉપસાગર સુધી ફેલાયેલું હતું.[૧] એક હડ્ડોલા શિલા લેખ પરથી જાણવા મળ્યું છે કે મહિપાલ પ્રથમના સમયમાં પણ આ ક્ષેત્ર પર ગુર્જર પ્રતિહારોનું રાજ્ય હતું.[૨] અહીં ઘણાં સ્થળે પ્રાચીન અવશેષો મળી આવ્યાં છે અને તે મહાભારતના કાળથી લઈ તથા સિંધુ સંસ્કૃતિથી લઈ ને સળંગ ઈતિહાસ ધરાવે છે. ૧૬મીથી ૨૦મી સદીના દરમ્યાન આ ક્ષેત્ર પર કાઠિઓનો વિશેષ પ્રભાવ હોવાથી આ ક્ષેત્ર કાઠિયાવાડ તરીકે ઓળખાયો અને સૌરાષ્ટ્ર ક્ષેત્રનો પર્યાયવાચી શબ્દ પણ બની ગયો.
ભૌગોલિક દૃષ્ટીએ કાઠિયાવાડ એ સૌરાષ્ટ્રનો મધ્યવર્તી ભાગ છે. સામંતશાહીના કાળ દરમ્યાન, સૌરાષ્ટ્રના અમુક મુખ્ય વિભાગો અમુક રજવાડાઓમાં પડતાં હતાં જેમકે, કાઠિયાવાડ, સોરઠ, ગોહીલવાડ, હાલાર, પાંચાળ, ઝાલાવાડ, નાઘેર, ઓખામંડળ વગેરે. જોકે કાઠિયાવાડનો મુખ્ય વિસ્તાર હાલના ૧૦ જિલ્લાઓને આવરી લે છે: રાજકોટ જિલ્લો, ભાવનગર, જામનગર, સુરેન્દ્રનગર, પોરબંદર, અમરેલી, જુનાગઢ, બોટાદ, મોરબી અને ગીર-સોમનાથ. અમુક ઇતિહાસકારોના મતે કાઠિયાવાડી લોકો ઈ.સ. પૂર્વે બીજી સદીમાં સૌરાષ્ટ્રમાં સ્થળાતર કારીને વસેલા મૂળે સાઇથિયન (Scythians) લોકો છે (તત્કાલીન ગ્રીકો તેમને સરોસ્ટસ કહેતાં).
ઈ.સ. ૮૭૫થી ૧૪૭૩ સુધીના ઘણાં લાંબા કાળ સુધી ચુડાસમા રાજપૂતોએ (રા' વંશ) આ ક્ષેત્ર પર શાસન કર્યું, તે સમયે આ ક્ષેત્ર સોરઠ તરીકે જાણીતું હતું. આ ક્ષેત્ર પર વારાફરતી વાળા (કાઠી), જેઠવા, રાયજાદા, ચુડાસમા, ગોહીલ, ઝાલા, જાડેજા, ચાવડા, સોલંકી, પરમાર, પટગીરો કે પ્રાગીરો, સરવૈયા, ઉપાધ્યાય અને સવજી જેવા વંશોએ શાસન કર્યું. ઈ.સ. ૧૮૨૦ સુધીમાં કાઠિયાવાડના દરેક રજવાડાને બ્રિટિશ સંરક્ષણ હેઠળ લાવવામાં આવ્યું હતું. અંગ્રેજો સાથે સંધિ કરનાર જેતપુર પ્રથમ કાઠિયાવાડી રજવાડું હતું. કાઠી રાજા વીરા વાળાએ ૨૬ ઓક્ટોબર ૧૮૦૩માં બ્રિટિશ કર્નલ વોકરને વડોદરા (ત્યારનું બરોડા)માં મળી અંગ્રેજો સાથે સંધિ કરી હતી.
રાજનૈતિક ઇતિહાસ
ફેરફાર કરોઈ.સ. ૧૯૪૭ની ભારતીય સ્વંત્રતા પહેલાં સમગ્ર કાઠિયાવાડ નાના રજવાડાઓમાં વિભાજીત હતું. આ રજવાડાઓ બ્રિટિશ આધિનતા સ્વીકારતા હતા અને તેના બદલામાં સ્થાનીય સાર્વભોમત્વ ભોગવતા હતાં. આ રજવાડાનો સમુહ કાઠિયાવાડ એજન્સી કહેવાતો હતો. આ સિવાયનો દ્વીપકલ્પનો ભાગ જેમાં ખાસ કરીને પૂર્વ તરફના ખંભાતના અખાતના કિનારાના પ્રદેશનો સમાવેશ હતો, તે ભાગ બોમ્બે પ્રેસિડન્સી હેઠળ બ્રિટિશ સરકારના સીધા તાબા હેઠળ હતો.
ઈ.સ. ૧૯૪૭માં ભારતની સ્વતંત્રતા બાદ કાઠિયાવાડને ભારત સાથે જોડી દેવામાં આવ્યું. ઈ.સ. ૧૯૪૭માં જુનાગઢના નવાબ તેમના રાજ્યને પાકિસ્તાન સાથે જોડવા માંગતા હતા પણ બહુમતિ હિંદુ પ્રજાએ બળવો કર્યો. જ્યારે નવાબ પાકિસ્તાન નાસી ગયો ત્યારે અહીં જનમત લેવામાં આવ્યો અને આ રજવાડાનું ભારતમાં વિલિનીકરણ થયું. કાઠિયાવાડનાં જૂનાં રજવાડાઓને મેળવી ને સૌરાષ્ટ્ર પ્રાંત બન્યો. ઈ.સ. ૧૯૫૦માં તેમાંથી સૌરાષ્ટ્ર રાજ્ય બન્યું. ઈ.સ ૧૯૫૬માં સૌરાષ્ટ્રને મુંબઈ રાજ્યમાં ભેળવી દેવાયું અને ૧૯૬૦માં મુંબઇ રાજ્યનું ભાષા આધારિત બે રાજ્યોમાં વિભાજન થયું તે હેઠળ કાઠિયાવાડ ગુજરાતનો ભાગ બન્યું. ઈ.સ ૧૯૬૧ સુધી દીવ પોર્ટુગીઝોના હાથમાં રહ્યું. ભારતીય સેનાએ તેના પર કબ્જો મેળવ્યો અને ૧૯૬૨માં તે ગોવા, દીવ અને દમણ નામના કેન્દ્રશાસિત પ્રદેશનો ભાગ બન્યું.
મુખ્ય શહેરો
ફેરફાર કરોકાઠિયાવાડનું મુખ્ય શહેર રાજકોટ દ્વિપકલ્પની મધ્યમાં આવેલું છે. આ સિવાય ઉત્તરે જામનગર કચ્છના અખાતને કિનારે, ભાવનગર પૂર્વે ખંભાતના અખાતને કિનારે, મધ્યમાં સુરેન્દ્રનગર અને ઐતિહાસિક વઢવાણ અને પશ્ચિમ કિનારે પોરબંદર આવેલાં છે. કેન્દ્રશાસિત ટાપુ દીવ કાઠિયાવાડની દક્ષિણે આવેલું છે. પ્રખ્યાત સોમનાથ શહેર નૈઋત્ય ખૂણે આવેલું છે.
કાઠિયાવાડા ક્ષેત્રના જિલ્લાઓ
ફેરફાર કરોભૂગોળ અને પર્યાવરણ
ફેરફાર કરોઆ દ્વિપકલ્પ મુખ્યત્વે શુષ્ક ક્ષુપ પ્રકારના વનો ધરાવે છે જ્યારે વાયવ્ય તરફ કાંટાળા ક્ષુપ ધરાવતા વનોનું પર્યાવરણતંત્ર છે. આ દ્વિપકલ્પના દક્ષિણ-મધ્ય ભાગમાં ગીરના ડુંગરો તરીકે ઓળખાતી નીચી પહાડી આવેલી છે, તેનું સૌથી ઊંચુ શિખર ગીરનાર છે. આ ડુંગરો પર વિષુવવૃત્તીય પહોળા પાન ધરાવતા જંગલો આવેલાં છે જે કાઠિયાવાડ-ગીર પાનખરના જંગલોનો જ એક ભાગ છે. ગીરના ડુંગરોના જંગલ અને તેની આસપાસનો વિસ્તાર મેળવી ને ગીર રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્યની રચના કરવામાં આવી છે જે પૃથ્વી પર બચેલું એશિયાઇ સિંહનું છેલ્લું કુદરતી નિવાસસ્થાન છે. આ સિવાય ખંભાતના અખાત પાસે વેળાવદર કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન અને કચ્છના અખાતમાં આવેલું દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્ય એ આ ક્ષેત્રના અન્ય સંરક્ષિત વનવિસ્તારો છે.
ઐતિહાસિક, પુરાતત્ત્વિય, પ્રાકૃતિક અને ધાર્મિક સ્થળો
ફેરફાર કરોનોંધપાત્ર પાત્રો અને વ્યક્તિઓ
ફેરફાર કરોકાઠિયાવાડ-સૌરાષ્ટ્રના નોંધપાત્ર વ્યક્તિઓની યાદી તો બહુ મોટી બને પણ અમુક ઐતિહાસિક અને નોંધનીય પાત્રો અહીં આપ્યા છે:
ધાર્મિક, પ્રાગૈતિહાસિક અને આધ્યાત્મિક
ફેરફાર કરો- સુદામા - કૃષ્ણનો મિત્ર મહાભારતનું એક પાત્ર
- બાબા બાળક નાથ – નાથ સંપ્રદાયના પ્રખ્યાત ચોર્યાશી સિદ્ધોમાંના એક
- નેમિનાથ – ૨૨મા જૈન તીર્થંકર અને એક સિદ્ધ
- નરસિંહ મહેતા – સંત અને ગુજરાતી ભાષાના આદ્ય કવિ
- દયાનંદ સરસ્વતી – વિદ્વાન, સુધારક અને આર્ય સમાજના સ્થાપક
- જલારામ બાપા – એક સંત જે આજે ભગવાનની જેમ પૂજાય છે
- શ્રીમદ્ રાજચંદ્ર – પ્રસિદ્ધ જૈન તત્વજ્ઞાની, ગાંધીજીના ગુરુ
- મોરારી બાપુ – રામાયણ કથાકાર, ઉપદેશક, શિક્ષક, વિચારક
- રમેશભાઈ ઓઝા - કથાકાર અને વેદાંત તત્ત્વજ્ઞાનના ઉપદેશક
- સ્વામિનારાયણ ધાર્મિક ઉપદેશક ને સુધારક સંત - સ્વામી નારાયણ તરીકે પણ ઓળખાય છે.
- ગંગાસતી, પાનબાઈ અને કહાડસિંહજી ગોહીલ - સમઢિયાળા નજીક થઈ ગયેલા સંતો
- કાનજી સ્વામી જૈન વિદ્વાન અને સોનગઢના સંત, તેઓ કાઠિયાવાડના કોહીનૂર તરીકે જાણીતા છે.
સામાજિક, વિચારકો, રાજનૈતિક, નેતા
ફેરફાર કરો- મોહનદાસ કરમચંદ ગાંધી – ભારતના રાજનૈતિક અને વૈચારિક નેતા, રાષ્ટ્રપિતા.
- મહમ્મ્દ અલી ઝીણા – વકીલ, રાજનૈતિક, મુત્સદી અને પાકિસ્તાનના સ્થાપક, પાકિસ્તાનના રાષ્ટ્રપિતા.
- યુ.એન. ઢેબર – સ્વાતંત્ર્ય સૈનિક (ભારતીય સ્વાતંત્ર્ય), અને ભારતીય રાષ્ટ્રીય મહાસભા (કોંગ્રેસ)ના પ્રમુખ.
- વીરચંદ ગાંધી – મહુવાના પ્રથમ ભારતીય દેશભક્ત જેઓ સત્તાવાર રીતે સંયુક્ત રાજ્ય અમેરિકાની મુલાકાતે ગયા અને ૧૮૯૩માં પ્રથમ વિશ્વ ધર્મ પરિષદમાં ભાગ લીધો. (ભારતીય રાષ્ટ્રીય મહાસભા (કોંગ્રેસ)ના મુખ્ય વ્યક્તિ).
- ફાતિમા ઝીણા – પાકિસ્તાન રાષ્ટ્રમાતા ('માદરે-એ-મિલ્લત'), મહમ્મ્દ અલી ઝીણાની બહેન.
કારભાર, આદર્શવાદી, સુધારક, રાજનીતિ
ફેરફાર કરો- ભાવનગરના મહારાજા તખતસિંહજી ગોહીલ – સુધારક અને વિકાસપ્રિય રાજા, તેમણે સૌરાષ્ટ્રને આવરી લેતી ભાવનગર સ્ટેટ રેલ્વે બંધાવી હતી.
- ગોંડલના મહારાજા ભાગવત સિંહજી – વિકાસવાદી અને વિદ્વાન રાજા, તેમણે ગુજરાતી શબ્દકોષ અને વિશ્વકોષ – ભગવદ્ગોમંડલ આપ્યો.
- ભાવનગરના મહારાજા કૃષ્ણકુમાર સિંહજી ગોહીલ – સુધારક, વિકાસવાદી અને આદર્શ રાજા.
- બળવંતરાય મહેતા – સ્વાતંત્ર્ય સૈનિક, સમાજ સેવક અને પંચાયત રાજના પ્રણેતા.
- જીવરાજ મહેતા – રાજનૈતિક, ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી.
કળા, સાહિત્ય, કાવ્ય, પત્રકારત્વ, સમાજવાદ
ફેરફાર કરો- ઝવેરચંદ મેઘાણી – સાહિત્ય, સામાજ સુધારક અને સ્વાતંત્ર્ય સૈનિક.
- કલાગુરુ રવિશંકર રાવળ- ચિત્રકાર, કળા શિક્ષક, કળા સમીક્ષક, પત્રકાર અને નિબંધ લેખક.
- દલપતરામ – ગુજરાતી કવિ.
- ન્હાનાલાલ દલપતરામ કવિ – લેખક અને કવિ.
- સુરસિંહજી તખ્તસિંહજી ગોહીલ – કલાપિ તરીકે જાણીતા – કવિ, ગુજરાતના રજવાડાના રાજ પરિવારના વ્યક્તિ.
- દુલાભાયા કાગ – કવિ, સમાજ સુધારક અને સ્વાતંત્ર સૈનિક.
- અમૃત ઘાયલ – કવિ અને ગુજરાતી શાયર.
- કવિ કાંત – કવિ.
- હરિલાલ ઉપાધ્યાય[૩] – લેખક.
- ચુનીલાલ મડિયા – લેખક, નાટક લેખક, કવિ, પત્રકાર, તંત્રી.
- ગુલામ મહમ્મ્દ શેખ – ચિત્રકાર, લેખક, કળા સમીક્ષક.
- રાજેન્દ્ર શુક્લ – કવિ.
- રમેશ પારેખ – કવિ.
- હેમુ ગઢવી - સાહિત્યકાર.
- ભીખુદાન ગઢવી - સાહિત્યકાર.
- દાદુદાન ગઢવી - લોક સાહિત્યકાર અને લેખક.
- રાજભા ગઢવી - લોક સાહિત્યકાર
- માયાભાઈ આહિર - લોક સાહિત્યકાર
- જીતુ દાદ ગઢવી - લોક સાહિત્યકાર
ખેલકૂદ, સાહસ
ફેરફાર કરો- કે. એસ. રણજીતસિંહ – નવનગરના મહારાજા, ક્રિકેટ ખેલાડી જેમના નામથી રણજી ટ્રોફી રમાય છે.
- કુમાર શ્રી દુલીપસિંહજી – ભારતીય ક્રિકેટ ખેલાડી, રજવાડાના રાજકુમાર.
- વિનુ માંકડ – ભારતીય ક્રિકેટ ખેલાડી
- અશોક માંકડ – ભારતીય ક્રિકેટ ખેલાડી
- દીલિપ દોશી – ભારતીય ક્રિકેટ ખેલાડી
- કરશન ગઢવી – ભારતીય ક્રિકેટ ખેલાડી
- અશોક પટેલ – ભારતીય ક્રિકેટ ખેલાડી
- ધીરજ પરસાણા – ભારતીય ક્રિકેટ ખેલાડી
- અજય જાડેજા – ભારતીય ક્રિકેટ ખેલાડી
- પાર્થિવ પટેલ – ભારતીય ક્રિકેટ ખેલાડી
- રવીન્દ્ર જાડેજા – ભારતીય ક્રિકેટ ખેલાડી
- સિદ્ધાર્થ ત્રિવેદી – ભારતીય ક્રિકેટ ખેલાડી
- ચેતેશ્વર પુજારા – ભારતીય ક્રિકેટ ખેલાડી
- હનીફ મહમ્મ્દ – પાકિસ્તાની ક્રિકેટ ખેલાડી
- સાદીક મહમ્મદ – પાકિસ્તાની ક્રિકેટ ખેલાડી
- મુસ્તાક મહમ્મદ – પાકિસ્તાની ક્રિકેટ ખેલાડી, કેપ્ટન
- વઝીર મહમ્મદ – પાકિસ્તાની ક્રિકેટ ખેલાડી
ચલચિત્ર, મનોરંજન, સંગીત, લોકગાયકો
ફેરફાર કરો- મહમ્મદ છેલ – જાદુગર અને ફકીર (રહસ્યવાદી).
- વિજય ભટ્ટ – જાણીતા નિર્માતા, નિર્દેશક અને પટકથા લેખક.
- નાનાભાઈ ભટ્ટ – ફીલ્મ નિર્દેશક, નિર્માતા - મહેશ ભટ્ટ અને મુકેશ ભટ્ટના પિતા.
- દીના પાઠક – વયસ્ક અભિનેત્રી, ગુજરાતી રંગભૂમિના નિર્દેશક, સ્ત્રી ચળવળકર્તા.
- આશા પારેખ – અભિનેત્રી, નિર્દેશક, અને નિર્માતા.
- શાહબુદ્દીન રાઠોડ – હાસ્ય કલાકાર, લેખક, શિક્ષક.
- પરવીન બાબી – બોલીવુડ અભિનેત્રી.
- ડિમ્પલ કાપડિયા – બોલીવુડ અભિનેત્રી.
- મનહર ઉધાસ – ગઝલ ગાયક.
- પંકજ ઉધાસ – ગાયક , ગઝલ ગાયક
- મેહુલ કુમાર – નિર્દેશક, નિર્માતા.
- કે.લાલ – ભારતીય જાદૂગર.
- અલકા યાજ્ઞિક – ગાયક.
- બેન કિંગસ્લી – અભિનેતા (વારસાગત મૂળ સૌરાષ્ટ્રમાં).
- હેમંત ચૌહાણ – ભજન ગાયક.
- નીરજ વોરા – ફીલ્મ નિર્દેશક, સંવાદ લેખક, અભિનેતા.
- હિમેશ રેશમિયા – ગાયક, સંગીતકાર અને અભિનેતા.
- દિલીપ જોશી – સિનેમા અને ટેલિવીઝન અભિનેતા (તારક મેહતા કા ઉલ્ટા ચશ્માના મુખ્ય નાયક જેઠાલાલની ભૂમિકામાં).
વ્યાપાર, ઉદ્યોગ, શોધખોળ, દાનવીરો
ફેરફાર કરો- નાનજી કાલિદાસ મહેતા – ઉદ્યોજક અને દાનવીર.
- મુળજીભાઈ માધવાણી–વ્યાપારી, સાહસિક, ઉદ્યોજક અને દાનવીર.
- નૌતમલાલ ભગવાનજી મેહતા – સ્વાતંત્ર્ય સેનાની, વ્યાપારી.
- ધીરુભાઈ અંબાણી – ભારતીય ઉદ્યોગ સાહસિક, રિલાયન્સ ઈમ્ડસ્ત્રીઝના સ્થાપક.
- સામ પિત્રોડા – વૈજ્ઞાનિક, ઉદ્યોગસાહસિક અને નીતિ બનાવનાર.
- તુલસી તંતી – સુઝલોન એનર્જીના પ્રમુખ અને નિર્દેશક.
- અબ્દુલ સત્તાર એધી - પાકિસ્તાનના ફાધર ટેરેસા, એધી ફાઉન્ડેશન-ત્યાંના ગરીબ લોકોને વૈધકીય સહાયતા આપે છે.
ઇતિહાસ, સંસ્કૃતિ, બહાદુરી, ઘટનાઓ
ફેરફાર કરો- રાજકુમાર વિજય – શિહોરનો હદપાર રાજકુમાર, શ્રીલંકામાં વસનાર.
- રા' નવઘણ – સોલંકી વંશના કાળ દરમ્યાન થઈ ગયેલો એક વીર રાજા.
- કાદુ મકરાણી – બહારવટિયો.
- બંદા બહાદુર - શીખ ધર્મના પમ્જ પ્યારેમાંનો એક, તેમનો જન્મ દ્વારકામાં થયો હતો, વીર યોદ્ધા.
- રામ વાળા - ગાયકવાડી સરકાર સામે પોતાના ગરાસ માટે બહારવટે નિકળેલા મહાન કાઠી બહારવટિયા.
સંદર્ભ
ફેરફાર કરો- ↑ Baij Nath Puri (૧૯૮૬). The history of the Gurjara-Pratihāras. Munshiram Manoharlal Publishers. પૃષ્ઠ xvii.
- ↑ Narendra Singh (૨૦૦૧). Encyclopaedia of Jainism. Anmol Publications PVT. LTD.
- ↑ "A Few Words about Shri Harilal Upadhyay"
બાહ્ય કડીઓ
ફેરફાર કરોL. E. L ની કવિતામાં. સંબંધિત સાહિત્ય ઉપલબ્ધ છે.