ગિરનાર

ભારતના ગુજરાતના જુનાગઢમા પર્વત શ્રેણી.

ગિરનાર પર્વત એ ભારત દેશનાં પશ્ચિમ ભાગમાં આવેલ ગુજરાત રાજયનાં જુનાગઢ શહેરથી પાંચ કિલોમીટર ઉતરે આવેલ પર્વતોનો સમુહ છે. જયાં સિધ્ધ ચોરાસીનાં બેસણાં છે. આ પર્વતમાં પાંચ ઉંચા શિખરો આવેલા છે. જેમાં ગોરખ શિખર ૩૬૦૦, અંબાજી ૩૩૦૦, ગૌમુખી શિખર ૩૧૨૦, જૈન મંદિર શિખર ૩૩૦૦ અને માળીપરબ ૧૮૦૦ ફુટની ઉંચાઈઓ ધરાવે છે. જેથી ગિરનાર પર્વત ગુજરાતનો પણ ઉંચામાં ઉંચો પર્વત છે. ગિરનારના પાંચ પર્વતો પર કુલ થઇને ૮૬૬ મંદિરો આવેલા છે. પત્થરોનાં બનાવેલ દાદરા અને રસ્તો એક ટોચ પરથી બીજી ટોચ પર લઇ જાય છે. એવુ કહેવાય છે કે કુલ ૯,૯૯૯ પગથિયા છે, પણ ખરેખર કદાચ ૧૧૦૦૦ પગથિયા છે.

ગિરનાર
ગિરનાર પર્વત
ગિરિનગર
રેવતક પર્વત
ગિરનાર
ભવનાથની તળેટીમાંથી ગિરનાર
શિખર માહિતી
ઉંચાઇ1,031 m (3,383 ft)
અક્ષાંસ-રેખાંશ21°29′41″N 70°30′20″E / 21.49472°N 70.50556°E / 21.49472; 70.50556
ભૂગોળ
ભૂસ્તરશાસ્ત્ર
પર્વત પ્રકારઅગ્નિકૃત

દર વર્ષે ગિરનારની પરિક્રમા થાય છે, જેમાં લાખો લોકો જોડાય છે.[]

હિંદુ ધર્મમાં શ્રદ્ધાળુઓ માને છે કે ઉઘાડા પગે ગિરનારનાં પગથીયા ચઢવાથી સ્વર્ગની પ્રાપ્તિ થાય છે. ગિરનાર ગુજરાતનાં ધાર્મિક સ્થળોમાંનો એક છે. પ્રાચીન અને અર્વાચીન, બન્ને રીતે આ પવિત્ર સ્થળ ગિરનાર છે. જે હિંદુ ધર્મ અને જૈન ધર્મનાં લોકો માટે મહત્વનું યાત્રાધામ છે. અહીં આવેલું મીરા દાતાર મુસ્લિમોનું પવિત્ર સ્થળ છે.

ભૂસ્તરશાસ્ત્ર

ફેરફાર કરો

ગિરનાર પર્વત ડેક્કન ટ્રેપની રચના પછી સંવાદી અંતર્ભેદન દ્વારા રચાયેલ લેકોલીથ પ્રકારના ખડકોનો બનેલ છે. એ ગ્રેબ્રો, લેંપ્રોફાયર, ડાયોરાઈટ, રાહ્યોલાઈટ, લીંબરગાઈટ, સાયનાઈટ પ્રકારના ખડકો ધરાવે છે. અંતર્ભેદન થયા બાદ બેસાલ્ટ પ્રકારના ભૂરસ બહાર આવી ઠરતા ઘનીભવન પામ્યો. ત્યારબાદ ક્રમશ: સ્વભેદન દ્વારા અત્યારના ખડકો રચાયા.[]

સૌરાષ્ટ્રમાં મૌર્ય વંશ, ગ્રીક, ક્ષત્રપ અને ગુપ્ત વંશોનો ઇતિહાસ ઉજળો છે. મગધના નંદવંશનો નાશ કરી, ગણરાજયોને ખતમ કરી, ભારતને એકચક્રી બનાવનાર ચંદ્રગુપ્ત મૌર્યે ઈ.સ. પૂર્વે ૩૨૨ પછી સૌરાષ્ટ્ર જીતી લીધું. આમ તે સમયમાં સૌરાષ્ટ્રના પાટનગર જૂનાગઢ (ગિરિનગર)માં પુષ્યગુપ્ત નામનો પોતાનો સુબો મુક્યો હતો. પુષ્યગુપ્તે સુવર્ણસિકતા નદી પર સુદર્શન નામનું સરોવર બંધાવ્યું હતું. સમ્રાટ અશોકના તુસાચ્ય નામના સૂબાએ તેમાં નહેરો ખોદાવી સિંચાઈનું કાર્ય કર્યું હતું. સ્કંદગુપ્તના પર્ણદત્ત નામના સૂબાએ અતિવૃષ્ટિના કારણે તૂટી ગયેલા સુદર્શન તળાવને ફરી બંધાવ્યું. આ મૌર્ય વંશના રાજાઓ એ કોતરાવેલ શિલાલેખો દ્રારા ગિરનાર પર્વતને જગતમાં પ્રસિધ્ધિ અપાવેલ છે. મૌર્યકાળમાં ગિરનાર પર્વતને ઉજ્જયંત, રૈવત, રૈવતક અને જુનાગઢ શહેરને ગિરિનગર, જીર્ણદુર્ગ નાં નામથી ઓળખાતા હતાં.

આમ સમયનાં વહેણની સાથે જુનાગઢ ઉપર ઘણા રાજાઓએ રાજ કર્યુ. ઈ.સ.૧૧૫૨ની આસપાસ ત્યાનાં રાજા કુમારપાળે ગિરનાર ચડવા માટે વ્યવસ્થિત પગથિયા બનાવ્યા હતાં. ત્યાર બાદ સમયનાં પરિવર્તનની સાથે અત્યારે ખૂબજ સારા પગથિયાનું નિર્માણ થયેલ છે. ગિરનાર પર્વતની સામે જ દશ-અગિયારમી સદીથી અકબંધ ઉભેલો ઉપરકોટનો કિલ્લો પણ ગિરનારનું નજરાણું છે. રાજા રા'ગ્રહરિપુએ બંધાવેલા આ કિલ્લાએ સોરઠનાં સતાપલટા અનેકગણા ખંડન-મંડન નિહાળ્યા છે. એક એવી કથા પણ અહીં પ્રચલિત છે કે જયારે સિદ્ધરાજ જયસિંહએ જૂનાગઢ પર ચડાઇ કરી અને ત્યાંના રાજા રા'ખેંગારને મારી તેની રાણી રાણકદેવીને લઇ જતો હતો, ત્યારે સતી રાણકદેવીએ ગિરનારને કહ્યું કે,

ગોઝારા ગિરનાર, વળામણ વેરીને કિયો ?
મરતા રા'ખેંગાર, ખડેડી ખાંગો ન થિયો ?

અર્થાત: તારો રાજા હણાયો છતાં તું હજી ઉભો છે? આ વખતે ગિરનાર પડવા માંડ્યો અને રાણકદેવીએ તેને પડતો રોકવા કહ્યુ કે 'પડમા પડમા મારા આધાર'. ગિરનાર ત્યારે સ્થિર થઇ ગયો અને તેની ઘણી શિલાઓ પડતા પડતા રોકાઇ ગઇ હોય તેવી દેખાય છે. ઉપરકોટ અને નીચલો કોટ આ શીલાઓ જોવા માટેના સ્થળ છે.

પુરાણોમાં ઇતિહાસ

ફેરફાર કરો

પુરાણકારોએ લેખકોએ અને કવિઓએ પોતાની કલમ દ્રારા ગિરનારને બિરદાવ્યો છે અને ઉપસાવ્યો છે. ગિરનારનું પરમ સૌંદર્ય વિશિષ્ટ અને વૈવિધ્યસભર વનસ્પતિઓને આભારી છે. યોગીઓ, સંતો, સિધ્ધો અને સાધુઓનું ગિરનાર નિવાસસ્થાન છે. તેની ગેબી ગુફાઓ અને કોતરોમાં અઘોરીઓ વસે છે. ગિરનારને ઇતિહાસ પુરાણ માં રૈવત, રેવંત, રૈવતક, કુમુદ, રૈવતાચળ અને ઉજજ્યંત પર્વત તરીકે ઉલ્લેખ કરવામાં આવે છે. ગિરનારને વસ્ત્રાપથ ક્ષેત્ર પણ કહે છે. કારણકે વસ્ત્રોનો ત્યાગ કરી જયાં સિધ્ધોએ તપ કર્યુ તેથી આ ક્ષેત્રને વસ્ત્રાપથ કહે છે. ગિરનાર ક્ષેત્રની સીમાઓ ઉતરે ભાદર, દક્ષિણે બીલખા, પૂર્વમાં પરબધામ (તા. ભેંસાણ) અને પશ્ચિમે વંથલી સુધીની ગણાય છે. એક વાર્તા મુજબ પહેલા પર્વતોને પાંખો હતી અને તેઓ ઉડતા હતા. ઇન્દ્ર એ બધા પર્વતોની પાંખો વજ્રથી કાપવા માંડી ત્યારે રૈવતક પર્વત છુપાઇ ગયેલો. દ્વારિકા માં જ્યારે કૃષ્ણ રાજ્ય કરતા હતા, અને અર્જુન જ્યારે વનવાસ દરમિયાન તેમને મળવા આવ્યો ત્યારે, આ પર્વત પાસે જ કૃષ્ણએ તેને સુભદ્રા બતાવી હતી અને અહીંથી જ સુભદ્રાનું અપહરણ કરી અર્જુન લઇ ગયો હતો.

ઈસુની સાતમી સદીમાં રચાયેલા સ્કંદ પુરાણના પ્રભાસખંડમાં ગિરનાર નું મહાત્મ્ય આપેલું છે, તે મુજબ ગિરનારનું ક્ષેત્ર દશ-દશ ગાઉના પરિઘમાં ફેલાયેલું હતું. ગિરનારમાં આનંદ, કાલરોધ, સનક, વ્રૂષ, નીલ, ક્રૂષ્ણ અને રૂદ્ર જેવા અનેક પુણ્યસ્થળો અને વિવરો છે. પ્રભાસખંડ ગિરનારનું વર્ણન આપતા વિશેષ કહે છે કે, ગિરનાર શિવ લિંગાકાર છે. તેના ભૈરવ, ગજપદ, રામાનંદ, મહાશૂંગ, અંબિકા અને શ્રીચક્ર વગેરે શિખરો તથા સિંહ, વિજય, કમલ, ત્રિલોચન, કુબેર અને અશ્વત્થામા વગેરે શૂંગો છે. આ શિખરો અને શૂંગો આજે પણ છે. પરંતુ સમય જતાં તેનાં નામોનું પરિવર્તન થઈ ગયું છે.

ગિરનારની પરિક્રમા

ફેરફાર કરો
 
ગિરનાર પરિક્રમા પ્રવેશદ્વાર, રૂપાયતન ખાતે શ્રદ્ધાળુઓ

ગિરનારએ અગ્નિકૃત પર્વત છે. જેના ઉપર સિધ્ધચોરાસી સંતોનાં બેસણા છે. સંતો-શુરાઓ અને સતીઓની આ પાવનકારી ભુમિ છે, કે જેના કણ કણમાં આદિ કવિ નરસિંહ મહેતા,સાહિત્યકારો, કવિઓ અને જગવિખ્યાત ગિરના સાવજની જગપ્રસિધ્ધીની મહેક પ્રસરી રહી છે આવી આ ધરતી માથે ઘણા વર્ષોથી યોજાતી પરિક્રમા દરવર્ષે યોજાય છે. જેને લોકભાષામાં પરકમ્મા અને લીલી પરકમ્મા પણ કહેવાય છે. ગિરનારની ફરતે યોજાતી આ ૩૬ કી.મી. ની ચાર દિવસ પરિક્રમામાં જુદા જુદા સ્થળોએથી ભકતો આવે છે. આ પરિક્રમા કારતક સુદ અગીયારસે ચાલુ થાય છે અને પૂનમને દિવસે એટલે કે દેવ દિવાળીનાં દિવસે પુર્ણ થાય છે. આ પરિક્રમા કેટલા સમયથી શરૂ થઈ તેનો પાકો સમય મળતો નથી પરંતુ અગાઉના સમયમાં ફકત સાધુ-સંતોજ કોઈ પણ જાતનાં સરસામાન લીધા વિના કરતા હતા અને તે દરમિયાન ભજન ભકિત થતી હતી. ત્યાર બાદ સમય બદલાતા, આ પરીક્રમા સંસારી માણસો પણ કરવા લાગ્યા જેમાં ભોજન પ્રસાદ થવા લાગ્યો અને સામાજીક સંસ્થાઓ દ્વારા અન્નક્ષેત્ર પણ ચલાવવામાં આવે છે. ગિરનારની આ પરિક્રમા સ્વયંભુ છે.

આ પરિક્રમાનું મહત્વ ખાસ તો એટલા માટે વધી જાય છે, કારણકે આવા ધાર્મિક સ્થળે એક સાથે અલગ અલગ પ્રાંત, રીતરીવાજ અને પહેરવેશનાં લોકોની સંસ્ક્રુતિને જાણવાનો મોકો મળે છે. શહેરની તમામ સુખ સુવિધાથી દુર પ્રકૃતિનાં ખોળે અને જંગલના ઘટાટોપ વનરાઈની વચ્ચે ખળખળ વહેતા ઝરણાઓની સંગાથે સુમધુર કરતા પક્ષીઓનાં કલરવ સાથે પ્રકૃતિની ગોદમાં જીવનનાં ત્રિવિધ તાપથી રાહત મેળવવા તેમજ તમામ પ્રકારનાં દુ:ખ ભુલીને આવનાર સમયમાં બને તેટલું યથા શક્તિ પુણ્યનું ભાથુ બાંધવા માટે પરમ સત્યને પામવા માટે આ પગપાળા પરિક્રમા યોજાય છે. તે દરમિયાન કેડીઓ, ધુળીયા રસ્તાઓ, ડુંગરો, નાના મોટા ઝરણાઓ, સોળેકળાએ ખીલેલી વનરાઈ અને કુદરતી સૌંદર્ય જે કાશ્મીરની વાદીઓને યાદ કરાવે છે. જે યાત્રિકોને મંત્રમુગ્ધ કરે છે અને આશરે ૩૬ કી.મી.નો પગપાળા રસ્તો કયારે પુર્ણ થઈ જાય છે અને થાક પણ કયાં ગાયબ થઈ જાય છે તે ખબર પડતી નથી.

પરિક્રમાનાં સ્થળ

ફેરફાર કરો
 
ગિરનાર પરિક્રમામાં સાધુ સંતો

જુનાગઢ શહેરથી ૫ કી.મી. દુર ગિરનારની તળેટીમાં કારતક સુદ અગીયારસે સવારથી જ ભવનાથ તળેટીમાં યાત્રિકો ભેગા થઈ જાય છે. તેજ દિવસે મધરાતે રૂપાયતનથી સંતો-મહંતો, જિલ્લા વહીવટી અધિકારીઓ અને અનેક અગ્રણીઓ સાથે અસંખ્ય ભક્તોની હાજરીમાં દિપ પ્રગટાવીને બંધુકનાં ભડાકા સાથે પરિક્રમાનો પ્રારંભ થાય છે.

બીજા દિવસે આ કામણગારી ધરાને ખુંદતા પ્રકૃતિને નિહાળતા અને આનંદ પ્રમોદ કરતા પગપાળા પંથ કાપતા જાય છે. દિવસ દરમિયાનનો થાક પ્રથમ દિવસે થોડો ઓછો લાગે છે. અને બપોરનાં ભોજન માટે બધા યાત્રિકો પોતપોતાની રીતે જમવાનુ બનાવીને તૂપ્ત થાય છે. આમ બીજા દિવસે રાત્રિ રોકાણ જીણાબાવાની મઢીએ થાય છે. યાત્રિકો માટે આ પ્રથમ વિસામો છે. અહીં શરૂઆતમાં વડલીવાલા માતાજીની જગ્યા આવેલી છે. તે પછી જીણાબાવાની મઢી આવે છે. અહીં નવાબી કાળમાં જીણાબાવા નામનાં સંત ધુણી ધખાવીને રહેતા હતાં. જેના નામ ઉપરથી આ સ્થળનું નામ પડયુ છે. પહેલા તો અહીં એક ઝુંપડી જ હતી. આજે તો અહીં ભગવાન શિવનું મંદિર અને જીણાબાવાનો ધુણો પણ આવેલો છે. આડે દિવસે કોઈ પણ માણસ જોવા ન મળે ત્યાં લાખો માણસો સાથે રાત્રિ રોકાણ કરે છે. આ દરમિયાન ઘણીબધી સામાજીક સંસ્થાઓ દ્વારા અન્નક્ષેત્ર ચાલે છે. આમ તેરસનાં દિવસે ભગવાન સુર્યનારાયણનાં પ્રથમ કિરણો ધરતી ઉપર પડતાની સાથે જ બધા ચાલવાનું શરૂ કરે છે.

ત્રીજા દિવસે સવારથી જ નવી તાજગી સાથે યાત્રિકો જય ગિરનારી, જય ભોલેનાથ, હર હર મહાદેવ, જય ગુરૂદત જેવા નારા લગાવતા લગાવતા આગળ વધે છે. બપોરનો સમય થતા યાત્રિકો સાથે લાવેલો નાસ્તો કરે છે અથવા તો રસોઈ બનાવે છે. અને સાંજ પડતા જ જંગલનાં ગીચ ઝાડી હોવા છતાં ગમે ત્યાં જગ્યા મેળવીને પડાવ નાખે છે. આમ ત્રીજા દિવસનું રાત્રિ રોકાણ માળવેલા થાય છે. આ સ્થળ ગિરનારનાં જંગલનાં મધ્યમાં આવેલુ અતિ રમણીય છે. અહીં ખૂબજ ઉચી વેલો થાય છે. જયાં દિવસનાં સુર્યના કિરણો પણ પહોંચી શકતા નથી અને તેથીજ તેનુ નામ માળવેલા પડયું છે. જયાં પણ રાત્રે ભજનીકો દ્વારા ભજન અને રાસમંડળીની જમાવટ થાય છે. આમ યાત્રિકો પોતાનો થાક ભક્તિમય અને કુદરતી સૌંદર્યથી ભરપુર જગ્યાએ ઉતારે છે. આમ ચૌદશની સવારે બધા ત્યાંથી ચાલવાનું શરૂ કરે છે.

ચોથા દિવસે સવારે યાત્રિકોની વણજાર માળવેલાથી નીકળીને ગિરનારની પુર્વમાં થઈને દક્ષિણ તરફ વળે છે. અને ધીરે ધીરે ચાલતા વિસામો લેતા આગળ વધે છે. આ દિવસે યાત્રા અંતિમ ચરણ હોવાથી શારિરીક રીતે અશક્ત વૂધ્ધ યાત્રિકો વિસામો લેતા લેતા ધીમે ધીમે આગળ વધતા હોય છે. અને સાંજનાં સમયે આવે છે બોરદેવી. આમ પરિક્રમાનું ચોથા દિવસનું અને છેલ્લા દિવસનું રાત્રિ રોકાણ આવે છે. રળીયામણા અને મનોહર એવા આ બોરદેવી માતાજીની જગ્યામાં જયાં ગાઢ જંગલ છે ત્યાં બોરદેવી માતાજીનું શિખરબંધ મંદિર આવેલુ છે. આ મંદિરના મહંત શ્રી રામનારાયણદાસ ગુરૂ શ્રી જનાર્દનદાસજીનાં જણાવ્યા મુજબ સ્કંદપુરાણમાં આ જગ્યાનો ઉલ્લેખ જોવા મળે છે. તે મુજબ શ્રી ક્રુષ્ણનાં બહેન સુભદ્રાના અને અર્જુનના લગ્ન અહીં થયેલ છે. જગદંબા માં અંબિકા માતાજી અહીં બોરડીમાંથી પ્રગટ થયેલ છે તેથી આ સ્થળનું નામ બોરદેવી પડેલ છે તેવી લોકવાયકા છે. જેની એક તરફ પાણી અને બીજી તરફ ગઢ ગિરનારની લીલી વનરાઈઓ જીવનનો તમામ થાક ઉતારી નાખે છે. આમ બોરદેવ માતાજીનાં દર્શન કરીને રાત્રિની મીઠી નિંદર માણી બધા સવારનાં યાત્રાનો પંથ આગળ કાપવાનો ચાલુ કરે છે.

યાત્રાનાં છેલ્લા અને પાંચમા દિવસે એટલેકે કારતક સુદ પૂનમે દેવ દિવાળીએ બધા યાત્રિકો ભવનાથ તરફ વળે છે. આમ આ યાત્રાનાં ઘણા ખરા યાત્રિકો ગિરનાર ચડે છે. અને ત્યાં બિરાજમાન બધા દેવસ્થાનોનાં દર્શન કરે છે. તે સિવાયનાં યાત્રિકો ભવનાથ મહાદેવનાં દર્શન કરીને ત્યાંથી દામોદર કુંડમાં સ્નાન કરીને આ યાત્રા પુર્ણ કરે છે. આમ આ કારતક સુદ અગીયારસથી શરૂ થતી યાત્રા દેવ દિવાળીએ શારિરીક ક્ષમતાની કસોટીરૂપ પરિક્રમા પુરી થાય છે.

પરિક્રમામાં સેવાકીય પ્રવૃત્તિ

ફેરફાર કરો

ગિરનાર ફરતે દર વર્ષે યોજાતી આ પાવનકારી પરિક્રમામાં લાખો લોકો આવતા હોવાથી તેમની વ્યવસ્થા જાળવવા માટે જુનાગઢનાં પોલીસ સ્ટાફ તરફથી સારી વ્યવસ્થા ગોઠવાય છે. પરંતુ આ ઉપરાંત મહત્વની બાબત એવી છેકે પરિક્રમામાં આવનાર યાત્રિકોને જમવાની તથા આરામ માટે સગવળતા મળે, આ કામ ઘણા વર્ષોથી સામાજીક સંસ્થાઓ કરી રહી છે.

ઘણીબધી સંસ્થાઓ દ્વારા આ ધાર્મિક કાર્યમાં યથાશક્તિ કાર્ય કરે છે. તેમજ બીજી ઘણી પ્રવૂતિ જુનાગઢ નગરપાલીકા દ્વારા સુવિધાઓ પુરી પાડવામાં આવે છે. જેવીકે અશકત વૃદ્ધ યાત્રિકોને ટેકા માટે લાકડીનુ વિતરણ કરવું, અલગ અલગ જગ્યાએ પાણીનાં ટેન્કર ગોઠવવા તથા આગ ઓલાવવાનાં સ્ત્રોત, એમ્બ્યુલન્સ તથા દવાખાનાને લગતી સુવિધાઓ પુરી પાડે છે.

ભવનાથનો મેળો

ફેરફાર કરો

ગિરનારની તળેટીમાં ભવનાથ ખાતે શિવરાત્રિ નાં દિવસે ભરાતા ભવનાથનો મેળામાં સમગ્ર ભારતનાં સાધુ સંતો ભેગા થાય છે. જે ભારતમાં કુંભના મેળા પછી બીજા સ્થાને આવે છે.

પુરાણો ઇતિહાસ

ફેરફાર કરો

ગિરનાર ચોર્યાશી સિધ્ધોનું નિવાસ સ્થાન છે. ભવનાથનો સેંકડો વર્ષોથી સાધુ-સંતોનો મેળો ભરાય છે. દેશ વિદેશથી સાધુ-સંતોની વચ્ચે સંત સમાગમ તથા સત્સંગ કરવા ગિરનારની ગોદમાં આ ભવનાથનાં મેળે આવે છે. અમરાત્મા અશ્વત્થામા અને પાંચ પાંડવો આ ભવનાથનાં મેળામાં શિવરાત્રિની મધરાતે મૃગીકુંડમાં સ્નાન કરી અને ભવનાથ મહાદેવનાં દર્શન કરવા આવે છે તેવી પણ એક લોકવાયકા છે. આમ પણ આ મેળાની સાથે જોડાયેલ મહત્વની બે જગ્યાનો પુરાણો ઇતિહાસ છે.

ભવનાથ મહાદેવ આપણા શાસ્ત્રોમાં કોઈપણ મંદિરનાં પ્રાગટય વિષેની જે વાતો જોવા મળે છે તે મુજબ ભવનાથ મહાદેવની કથા પ્રચલિત છે તે પ્રમાણે જયારે પ્રલય થયો અને બ્રહ્માનાં દિવસનો અંત આવ્યો, ત્યારે સૃષ્ટિ રુદ્રમાં લય પામી. પ્રભાત થયું ત્યારે બ્રહ્મા, વિષ્ણુ તથા રુદ્ર સત્વ, રજસ અને તમસ રૂપે પ્રગટ થયા. પ્રલય વખતે શિવ જળમાં સમાધિસ્થ હતા. બ્રહ્મા, વિષ્ણુ અને રુદ્ર વચ્ચે કોણ મોટું એ અંગે વિવાદ જાગ્યો. તે સમયે શિવ વચ્ચે પડયા અને બ્રહ્માને ઉત્પતિ, વિષ્ણુને પાલન પોષણ અને રુદ્રને સંહારનું કામ સોંપી તકરારનો અંત આણ્યો.

 
ભવનાથ મહાદેવ

જેથી જગતપિતા બ્રહ્માએ શિવજીને સંસારમાં રહીને સંસારીઓના સુખદુ:ખનું સમાપન કરવા વિનંતિ કરી. આથી ભગવાન શિવે પૃથ્વી પર નજર દોડાવી. વનરાજીથી આભુષિત એવા ઉજર્યત પર્વત (ગિરનાર) તેમની નજરે ચડયો. જેથી ગિરનારનાં ખોળે ભગવાન શિવે આસન જમાવ્યું. બીજી તરફ કૈલાશમાં મહાદેવને ન જોતા પાર્વતીએ શોધખોળ આરંભી. શિવને દેવોએ સૃષ્ટિ પર મોકલ્યા છે તે જાણીને પાર્વતી ક્રોધે ભરાયા. પતિની શોધ કરતા કરતા પાર્વતી મહાદેવે જયાં આસન જમાવેલું ત્યાં આવ્યાં. જેની સાથે બીજા દેવતાઓ પણ હતાં. તે દિવસે ભગવાન શિવ ભવનાથરૂપે પ્રગટ થયા તે દિવસ વૈશાખ સુદ પૂનમનો હતો. પાર્વતીએ અંબિકારૂપે ગિરનાર ઉપર તથા વિષ્ણુએ દામોદર તરીકે દામોદર કુંડમાં વાસ કર્યો. અન્ય દેવતાઓ, યક્ષો, ગાંધર્વોએ ગિરનારનાં અલગ અલગ સ્થાનોને પોતાના નિવાસ બનાવ્યા હતા તેમ લોકવાયકા છે.

મૃગીકુંડ ભવનાથ મહાદેવની બાજુમાં આવેલા આ મૃગીકુંડની પણ આવીજ વિસ્મયભરી કથા છે. કાન્યકુબ્જનાં રાજા ભોજને તેના અનુચરે એક દિવસ કહ્યુ કે રેવતાચળનાં જંગલમાં હરણનાં ટોળામાં માનવ શરીરધારી કોઈ સ્ત્રી ફરે છે. હરણની જેમ તે કુદે છે જેનું મોઢું હરણનું છે જયારે તેનું શરીર સ્ત્રીનું છે. જેથી રાજા દિવસોની મહેનત બાદ આ નવતર પ્રાણીને પોતાના મહેલમાં લઈ આવ્યા. ત્યારબાદ પંડીતોને આ ભેદ ઉકેલવા વિનંતિ કરી. વિદ્વાનો કોઈ માર્ગ ન શોધી શકતા રાજા ભોજ કુરૂક્ષેત્રમા તપ કરી રહેલ ઉર્ધ્વરેતા નામના ઋષિ પાસે જાય છે.

ઉર્ધ્વરેતા ઋષિએ મૃગીમુખીને માનવીની વાચા આપી જેથી તેણે પોતાના ગત જન્મની વાત કરી કે, આગલા ભવમાં રાજા ભોજ સિંહ હતો અને મૃગમુખી મૃગલી હતી. સિંહે મૃગલીનો શિકાર કર્યો ત્યારે ભાગવા જતા વાંસની ઝાડીમાં તેનું મસ્તક અટવાઈ ગયું અને બાકીનું શરીર સુવર્ણરેખા નદીના પાણીમાં પડ્યું. નદીના પવિત્ર પાણીમાં શરીર પડવાથી તે માનવજન્મ પામી. પરંતુ મોઢું ઝાડીમાં હોવાથી મુખ હરણીનું રહ્યું. જેથી ઉર્ધ્વરેતા ઋષિનાં આદેશ પ્રમાણે રાજા ભોજે તપાસ કરાવી તો ઝાડીમાંથી હરણીની ખોપરી મળી આવી. તે સુવર્ણરેખાનાં જળમાં પધરાવવામાં આવી. તેથી મૃગમુખીનું સમગ્ર શરીર માનવીનું બન્યું. અને રાજા ભોજે વિદ્વાનોનાં આશીર્વાદ લઈને તેની સાથે લગ્ન કર્યા. ત્યાર બાદ પત્નીનું સુચન માનીને રાજાએ રેવતાચળ (ગિરનાર)ની તળેટીમાં એક કુંડ બનાવડાવ્યો. તે કુંડ એટલે આ મૃગીકુંડ. આ કથા લોકાધારિત છે. અને આજ કુંડમાં શિવરાત્રિએ સાધુઓ નાહવા પડે છે.

મહત્વ અને વર્ણન

ફેરફાર કરો

ભવનાથનો મેળો ગિરનારનાં પ્રથમ પગથિયાની આસપાસ આવેલી ભવનાથ તળેટીમાં દરવર્ષે મહા વદ નોમ થી મહા વદ ચૌદશ એટલેકે શિવરાત્રિ સુધી ભરાય છે. આ મેળો સ્વંયમભુ છે તેમજ આ મેળાના કેન્દ્રસ્થાને સંસારીઓ નહીં પરંતુ સાધુઓ છે. આ મેળાનો પ્રારંભ નોમને દિવસે ભવનાથ મહાદેવનાં મંદિરે ધજા ચડાવીને કરવામાં આવે છે. તે સમયે દેશ-વિદેશમાંથી વિવિધ સંપ્રદાયોના સાધુ-સંતો-મહંતો એકઠા થાય છે. આ મેળામાં સાધુઓને રહેવા માટેના અખાડાની વ્યવસ્થા જુનાગઢનાં અધિકારીઓ દ્વારા કરવામાં આવે છે. એક બાજુએ સાધુ-સંતોના ઉતારા તો બીજી બાજુએ આ મેળામાં સેવાકીય પ્રવ્રૂતિ કરતી સામાજીક સંસ્થાઓ, ધાર્મિક જગ્યાઓની રાવટીઓ ગોઠવવામાં આવે છે.

આ મેળામાં અત્યારે તો સમયનાં પરિવર્તનની સાથે ઘણોબધો ફેરફાર થઈ ગયો છે. જેમ કુંભ મેળો યોજાય ત્યારે તેમાં સાધુ-સંતોને રહેવા માટેની સારી એવી વ્યવસ્થા ગોઠવવામાં આવે છે, કારણકે એક સાથે વધુ સંખ્યામાં સાધુ તથા સંસારીઓ ગંગા નદીમાં શાહી સ્નાન કરવા માટે એકત્રિત થતા હોય છે. આમ અહીં ગરવા ગિરનારની ગોદમાં શિવરાત્રિએ યોજતા ભવનાથનાં મેળામાં પણ સાધુ-સંતોને રહેવા માટે વ્યવસ્થા કરવામાં આવે છે, કારણકે અહીં ઘણા બધા સાધુ-સંતો મૃગીકુંડમાં સ્નાન કરે છે. આ મેળામાં ભારતભરમાંથી દશમનાં દિવસથી જ સાધુ-સંતો તથા સંસારી લોકો આવવા લાગે છે.

ગિરનારની ભવનાથ તળેટીમાં ભવનાથ મંદિરની જમણી બાજુએ ફકત સાધુઓને રહેવા માટે, તેમના ધુણા માટે અલગ અલગ સાઈઝની રાવટી બનાવવામાં આવે છે. જે સામે સામે બે લાઈનમાં ગોઠવવામાં આવે છે, કારણકે જાહેર જનતાને આ સાધુ મહાત્માઓના દર્શનનો લાભ મળી શકે છે. જયારે આ સાધુઓ આવે છે ત્યારે પોતપોતાના સેવકોને પણ સાથે લાવે છે. જેથી મેળામા રોકાણ દરમિયાન જે તે સાધુને જોઈતી તમામ વસ્તુઓ તેના સેવકો જ પુરી પાડે છે. જેવીકે ચા-પાણી, દુધ, ધુણા માટેનાં લાકડા વગેરે... જયારે નોમને દિવસે સવારે ભવનાથ મહાદેવનાં મંદિરે ધજા ચડે ત્યારે બધા સાધુ ત્યાં એકઠા થાય છે. ત્યાર બાદ તેને ફાળવવામાં આવેલ જગ્યાએ પોતાના ધુણા ધખાવે છે.

નાગાબાવાઓનું સરઘસ

ફેરફાર કરો

ભવનાથનાં મેળાનું મુખ્ય આકર્ષણ શિવરાત્રિનાં રોજ રાત્રે ૯ વાગ્યેથી નાગાબાવાઓનું સરઘસ છે.

આ સરઘસ શિવરાત્રિની રાત્રે ૯ વાગ્યાનાં અરસામાં ભવનાથ મંદિરની પાછળ આવેલા જુના દશનામી પંથ-અખાડા ખાતેથી સાધુઓનું સરઘસ નીકળે છે. નાગાબાવાઓનું આ સરઘસ છ દિવસનાં ભવનાથનાં મેળાની ચરમસીમા છે. સરઘસમાં પ્રથમ પંચદશનામી અખાડાની પાલખી ભગવાન દત્તાત્રેયની હોય છે. તે ઉપરાંત અભાવ અખાડાના ગાદીપતિની પાલખી અને અગ્નિ અખાડાના ગાયત્રીજીની પાલખી સાથે આખા વિસ્તારમાં ફરે છે. આ સરઘસમાં અલગ અલગ જગ્યાએથી આવેલા સાધુ-સંતો પોતપોતાના રસાલા, ધર્મધજા અને ધર્મદંડ સાથે પોતાના શિષ્યો સાથે નીકળે છે. જેમાં નાગાબાવાઓના ભાલા, તલવાર તથા પટાબાજીનાં ખેલ અને લાઠી(લાકડી)નાં હેરતભર્યા પ્રયોગો જોવા લોકો ઉમટી પડે છે.

આ સરઘસ જે જે જગ્યાએથી નીકળવાનું હોય છે તે સ્થળે લોકો શિવરાત્રિની સવારથી તડકો, ગરમીની પરવા કર્યા વિના ભુખ્યા તરસ્યા બેસી રહે છે. આજુબાજુમાં આવેલા ધર્મશાળાની દિવાલો ઉપર ચડીને તથા જયાં જગ્યા મળે ત્યાં લોકો બેસી જાય છે. આ દિવસે સવારથીજ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાય જાય છે. આ સરઘસમાં કેટલાક નાગાબાવાઓ પોતાની ઈન્દ્રીય વડે વાહનોને ખેંચીને લોકોને મંત્રમુગ્ધ કરી મુકે છે. લોકમાન્યતા મુજબ અમરાત્મા અશ્વત્થામા, પાંચ પાંડવો, રાજા ગોપીચંદ અને ભરથરી પણ સાધુવેશે આ સરઘસમાં હોય છે. આમ આ સરઘસ ફરતુ ફરતુ છેલ્લે ભવનાથ મંદિરનાં બીજે દરવાજેથી બાજુમાં આવેલ મૃગીકુંડ પાસે આવે છે. ત્યાર બાદ નાગાબાવાઓ અન્ય સાધુ-સંતો અને મહંતો વારા ફરતી આ મૃગીકુંડમાં સ્નાન કરવા પડે છે. જેમ કુંભના મેળામાં શાહી સ્નાનનું મહત્વ છે તેમ આ ભવનાથનાં મેળામાં મૃગીકુંડમાં સ્નાનનું મહત્વ ખૂબજ છે. કહેવાય છેકે આ કુંડમાં નહાવા પડેલ અમુક સાધુઓ બહાર આવતા નથી અને ત્યાથી જ અદ્રશ્ય થઈ જાય છે. અહીથી સ્નાન કર્યાબાદ ભવનાથ મહાદેવની આરતી તથા મહાપુજા કરે છે.

શિવરાત્રિનાં સવાર સુધીમાં આ મેળો પુરો થઈ જાય છે. બીજે દિવસે સવારે નાગાબાવાઓ, સાધુ-સંતો અને અલગ અલગ જગ્યાએથી પધારેલા મહંતો પોત પોતાના સ્થાનોએ જવા રવાના થઈ જાય છે. આમ જુનાગઢ શહેરમાં આવેલ ગરવા ગિરનારમાં યોજાતા ભવનાથનાં આ ભાતિગળ અને ભક્તિના પ્રતિક સમા મેળામાં સૌલોકો છ દિવસનાં અંતે પુણ્યનું ભાથુ બાંધીને પોતપોતાના કામમાં લાગી જાય છે. તેમજ સાધુ-સંતો અને મહંતો પણ ભગવાનનાં ધ્યાનમાં લીન થાય છે.

રાવટી અને ઉતારા

ફેરફાર કરો

સૌરાષ્ટ્રની ધાર્મિક જગ્યાઓ, સામાજીક સંસ્થાઓ અને તેને સહકાર આપતા દાતાશ્રીઓ પોતાનો કાફલો લઈને ભવનાથનાં શિવરાત્રિના આ મેળામાં લગભગ પાંચમથી જ આવી જાય છે. જે સંસ્થાઓ આ મેળામાં સેવા કરવા આવે છે તેની પહેલેથી કોઈ ચોકકસ જગ્યા નક્કી હોય છે તે લોકો દર વર્ષે ત્યાંજ પોતાનો મુકામ રાખે છે જેને બધા રાવટી અથવા ઉતારો બોલે છે. આ ઉપરાંત અલગ અલગ જ્ઞાતિ તથા ગામની જગ્યા તથા ઉતારા આવેલા હોય છે. આમ આ રાવટી તથા ઉતારા દ્વારા લોકોને જમવાનુ તથા રહેવાની સગવળ કરવામાં આવે છે.

ઘણાં વર્ષોથી યોજાતો શિવરાત્રિનો ભવનાથનો મેળો દેશ વિદેશમાં પણ ખ્યાતિ મેળવે છે. આ મેળામાં જેરામબાપાનો ગિરનારી ઉતારો, તોરણીયાનો ઉતારો, પરબનો ઉતારો, ભુરાભગતની રાવટી, લક્ષ્મણ બારોટનો ઉતારો, ખોડીયાર રાસ મંડળની રાવટી, માખાવડનો ચીનુબાપુનો ઉતારો, તેમજ અલગ અલગ જ્ઞાતિની જગ્યાઓ દ્વારા સવાર, બપોર અને સાંજે નાં ત્રણેય ટાઈમનાં ભોજનની વ્યવસ્થા કરવામાં આવે છે. તેમજ રાત્રે સુવામાટેની વ્યવસ્થા કરવામા આવે છે. આ ઉપરાંત જયાં ભોજન હોય ત્યાં ભજન કેમ ભુલાય. જેમાં ગિરનારી ઉતારો, તોરણીયાનો ઉતારો, લક્ષ્મણ બારોટનો ઉતારો, પરબનો ઉતારો, ભારતી આશ્રમ જેવા સ્થળોએ ભોજનની સાથે રાત્રે ભજન એટલેકે સૌરાષ્ટ્રનાં નામાંકિત કલાકારો દ્વારા સંતવાણી રાખવામાં આવે છે. જે જે રાવટી તથા ઉતારાનાં પડાવ હોય છે તેને જરૂરી તમામ વસ્તુઓ પોતાની રીતે સાથે લાવે છે. તેમજ જે જગ્યાઓ તે વાપરતા હોઈએ તેનુ ભાડુ પણ તેજ ચુકવે છે. આમ ભવનાથનાં આ મેળામાં આવતા તમામ સાધુ-સંતો અને લોકેને ભોજન અને અલખને આરાધવા માટેનું જે માધ્યમ ભજન છે તેની વ્યવસ્થા આ સંસ્થાઓ જ કરે છે.

આ સિવાય આ મેળામાં ખાવા-પીવાનાં સ્ટોલ તેમજ ભક્તિની સાથે મનોરંજન મળે તે હેતુથી થોડા સમયથી અલગ અલગ જારનાં ફજર, ચકરડીઓ તેમજ રોશની ગોઠવવામાં આવે છે. આ આયોજન જુનાગઢ શહેરની નગરપાલિકા તરફથી તથા પોલીસ ડિવીઝન દ્વારા ગોઠવાય છે. આમ તો જ્યારે મેળો ચાલુ થાય ત્યારથી જ બહારથી પધારેલા સાધુ-સંતો અને મહંતોને પાસ ફાળવવામાં આવે છે જેથી તેની ગાડીઓ રોકવામાં આવતી નથી બાકીનાં તમામ વાહનોને અમુક હદ સુધી જ જવા દેવાય છે. જેથી વધારે ગિરદી ન થાય અને વ્યવસ્થા જળવાય રહે. આ ઉપરાંત જુદા જુદા ક્ષેત્રોમાંથી આવતા લોકોને આવવા તથા જવા માટે વધારાની ટ્રેન અને બસની વ્યવસ્થા સરકાર તરફથી કરવામાં આવે છે.

નેમીનાથ દેરાસર

ફેરફાર કરો

ગિરનારની મહત્તા ધાર્મિક દ્રષ્ટિએ પણ ઘણી મોટી આંકવામાં આવી છે. જૈન ધર્મના જે પાંચ યાત્રાધામ આવેલા છે તેમાનું એક યાત્રાધામ એટલે ગિરનાર પર્વત પરનાં નેમીનાથજીનાં દેરાસર. ગિરનાર સાથે નેમિનાથ અને રાજમતીનું નામ જોડાઈ ગયુ છે. પોતાના લગ્ન સમારંભ વખતે વધ કરવામાં આવનારા પશુઓનાં ભાંભરડા સાંભળીને રાજકુમાર નેમીનાથનું હદય હચમચી ઊઠયું. જેથી રાજપુત કુંવરે ત્યાગની દિશા લીધી, રાજમતીએ પણ સ્વેચ્છાએ ત્યાગની વાટ પકડી. ગિરનાર એમની તપસ્યા ભુમિ બન્યો. નેમીનાથજી અને રાજમતીની અપૂર્વ ત્યાગભાવનાથી ગિરનાર જૈનોનું તીર્થધામ બન્યો છે. આ જૈન દેરાસરનું જમીનથી લગભગ શિખર ૩૩૦૦ ફુટ ઉંચે છે.

ગિરનાર ઉપર દેવકોટ દરવાજામાંથી અંદર જતા જૈન દેરાસરો દ્રષ્ટિગોચર થાય છે. ગિરનારનાં તિર્થનાયક નેમીનાથજી છે. એટલે વિશાળ મુખ્ય દહેંરૂ તેમનું છે. મંદિર ફરતો બહારનો રંગ મંડપ, ચોક અને નિજમંદિર કલાના મનોહરી નમુના છે. તેમાં નેમીનાથજીની શ્યામ મુર્તિ બિરાજમાન છે. આ દેરાસર વિક્રમ સંવત ૬૦૯ માં કાશ્મિરવાસી રતનશા નામના શ્રાવકે બંધાવ્યું હોવાનું કહેવાય છે. ત્યાર બાદ સમય જતાં દેરાસરનો જીર્ણોધાર વિક્રમ સંવત ૧૨૮૫ માં થયેલ છે. નેમીનાથજીના દેરાસર પાસે ઋષભ દેવની આસનસ્થ વિશાળ પ્રતિમા છે. જૈનો તેને અદબદજી દાદા તરીકે ઓળખે છે. નેમીનાથજીના આ દેરાસરમાં ચાર શિલાલેખો છે. તેમાં રા'માંડલિકએ આ દેરાસરને સોનાનાં પતરાથી મઢાવ્યું હતું અને મેવાડા જ્ઞાતિના સૂત્રધાર ગાંગના પુત્ર હરિપાલને મંદિરોના લેખો કોતરવાનો હક વંશપરંપરાએ આપ્યાનો ઉલ્લેખ છે. નેમીનાથજીના મંદિરની પાછળ જગમાલ ગોરધનનું દહેરૂં છે. જગમાલ જૈન મંદિરોના મુનીમ હતાં. તેમના નામ ઉપરથી જુનાગઢ શહેરમાં જગમાલ ચોક પણ છે.

આ સિવાય સગરામ સોની અને માનસંગ ભોજરાજે બંધાવેલા દેરાસરો, સુર્યકુંડ, રા'ના સમયના અવશેષો, કુમારપાળે બંધાવેલું દેરાસર, સંપ્રતિ રાજાનું મંદિર, હાથીકુંડ, રાજુલની ગુફા વગેરે યાત્રિકો પ્રવાસીઓને આકર્ષે છે. ગિરનાર પર સૌથી કલાત્મક અને શ્રેષ્ઠ કારીગરીવાળા દેરાસરો તો વસ્તુપાલ અને તેજપાલે બંધાવ્યા છે. ઈ.સ.૧૨૩૨ થી ૧૨૪૨ વચ્ચે બંધાયેલા પાર્શ્વનાથના આ દેરાસરો સ્થાપત્યકલાના ઉતમ નમુના છે. મંદિરમાં સાતેક અભિલેખો છે. જૈન શ્વેતાંબર મુર્તિપુજક સંધના વહીવટ નીચે ગિરનારના દેરાસરો આવે છે. દિગંબરી સંધના પણ કેટલાક દેરાસરો છે.

સહ્સાવાન્ નમીનાથજીનાં દેરાસર

ફેરફાર કરો

ભગવાન નેમિનાથની કલ્યાણક ભૂમી, અર્વાચીન મંદિર.

અંબાજીનું મંદિર

ફેરફાર કરો

ગિરનારનાં દર્શને આવનાર દરેક યાત્રાળુઓ ઘણી વખત બધાજ શિખરો ઉપર ચડી શકતા નથી પરંતુ જમીનથી લગભગ ૩૩૦૦ ફુટની ઉંચાઈએ આવેલ શ્રી અંબાજી મંદિરે પહોંચીને ધન્યતા અનુભવે છે. ગિરનાર ચડતી વખતે પ્રથમ પગથિયાની આસપાસનાં સ્થળને ભવનાથ તળેટી કહે છે. ત્યાંથી ચડવાની શરૂઆત કરીએ એટલે પાંડવ ડેરી, હનુમાન વાલુની આંબલી, ધોળી ડેરી, કાળી ડેરી અને ભરથરીની ગુફા જેવાં સ્થાનો આવે છે. આ ભરથરીની ગુફા પાસે ગિરનારમાં બરોબર અર્ધચઢાણે માળી પરબની જગ્યા આવે છે. અહીં ૧૩મી સદીમાં બંધાયેલ કુંડ છે. તેની પાસે ખાંગો પાણો છે. ત્યાંથી ઉપરકોટ ટુક થઈને નેમીનાથજીનાં દેરાસર આવે છે. દેરાસર પછી હિંદુઓનાં દેવસ્થાનો શરૂ થાય છે, જેમાં પ્રથમ ભીમકુંડ આવે છે ત્યાંથી અંબાજી મંદિરે જતા એક રસ્તો સાતપુડાની ગુફાઓ તરફ જાય છે. જ્યાં જટાશંકરી ધર્મશાળા, નિર્મળ જળનો કુંડ, ગૌમુખી ગંગા આવે છે. ત્યાંથી થોડે દુર રામાનુજ સંપ્રદાયની પથ્થરચટ્ટી નામની જગ્યા આવે છે, બરોબર તેની સામે જ ભૈરવજપનો પથ્થર આવેલો છે ત્યાંની એક પ્રચલિત માન્યતા છેકે આ પથ્થર પરથી પડતુ મુકીને આપઘાત કરવાથી રાજપદ મળે છે. પણ અત્યારનાં સમયમાં આવુ બનતુ નથી. ભૈરવજપ પાસે ઈ.સ.૧૮૨૪ માં ગિરનારમાં આવીને વસેલા યોગી સેવાદાસજીની જગ્યા છે. અહીંથી નીચે ઉતરતા શેષાવન, ભરતવન, હનુમાન ધારાના સ્થાનકો આવે છે. ગિરનાર ઉપર ચડવાનો આ જુનો મારગ છે.

આમ ભીમકુંડથી અંબાજી મંદિરે જતા રસ્તામાં આવતા અન્ય સ્થળોએ દર્શન કરીને ફરીથી યાત્રાળુઓ મુળ રસ્તે આવીને અંબાજી મંદિરે પહોંચે છે. અંબાજીનું મંદિર પશ્ચિમાભિમુખ આવેલું છે, જે ગુર્જર ઢબનું છે. ભગવાન શિવ ભવનાથ રૂપે અને પાર્વતી અંબાભવાની રૂપે પવિત્ર ગિરનારમાં વસે છે તેવી લોકોમાં એક પ્રકારની શ્રધ્ધા છે. જેમ ભારતમાં અન્ય જગ્યાએ ડુંગર ઉપર અંબાજી માતાજીનાં બેસણા છે તેમ ગિરનાર જેવા પવિત્ર ડુંગર ઉપર પણ છે.

ગોરખનાથનો ધુણો

ફેરફાર કરો
 
ગોરખનાથની ટુક

આમ અંબાજી માતાજીનાં દર્શન કર્યા બાદ ગુજરાત રાજયનાં સૌથી ઉંચા સ્થળમાં જેમની ગણના થાય છે. તે ગિરનાર પર્વતની સૌથી ઉંચી ટુંક એટલે કે ગોરખટુંક. જે ૩૬૦૦ ફુટની ઉંચાઈ વાળુ ગોરખ શિખર આવે છે. અહીં નાથ સંપ્રદાયનાં નવનાથ માનાં ગોરખનાથજીનો ધુણો અને તેમની ચરણ પાદુકા આવેલી છે. આ જગ્યાએ પહોચતાની સાથે જ કોઈ પણ માણસનાં ઉરમાં આનંદ ઉભરાવા માંડે છે. અહીંથી પુર્વબાજુ ઓઘડનાથની ટુંક આવેલી છે.

અહીંથી પગથિયાં નીચે ઊતરીને કમંડળ કુંડ તરફ જવાય છે. કુંડ પાસે ગુફા, દત્તાત્રેય ભગવાનનું સુંદર મંદિર આવેલુ છે જેમા દત્તાત્રેયનો ધુણો છે. અહીં સાધુઓનું અન્નક્ષેત્ર નિયમિત ચાલે છે. આવનાર તમામ યાત્રિકોને પ્રેમથી દાળ, ભાત, શાક અને રોટલીનો પ્રસાદ જમાડે છે. બાજુમાંજ નંદીશ્ર્વર મહાદેવનુ મંદિર આવેલુ છે. થોડે દુર અનસુયાની ટુંક આવેલી છે. આમ આગળ જતા રસ્તો ખૂબજ થકાવનારો હોય છે. આમ ગિરનારની ઉંચામાં ઉંચી ટુંક ગોરખનાથ ટુંકથી આગળ વધાય છે.

દતાત્રેયનો ધુણો

ફેરફાર કરો
 
દતાત્રેય ટુક (આગળ), કાલકા ટુક (પાછળ)

ગોરખનાથ ટુંકથી દત્તાત્રેય ટુંક સુધી પહોંચવા માટેનો રસ્તો ખૂબજ કઠીન ગણાય છે. અહીં ચડવા માટે પગથિયા તો છે, પરંતુ સમગ્ર આરોહણનો થાક ભેગો થાય છે. આમ ધીરે ધીરે થાક ખાતા યાત્રિકો પહોચી શકે તેવી આખરી દત્તાત્રેયટુંક આવે છે. અહીં ભગવાન દત્તાત્રેય નું મંદિર ત્રેતાયુગના સમયનું એટલે કે ભગવાન રામના જન્મ પહેલાનું છે. કહેવાય છે કે બ્રહ્મા, વિષ્ણુ અને શિવના સ્વરૂપે અનસૂયાની કોખે પ્રગટેલા દત્તાત્રય ભગવાને અહીં ૧૨૦૦૦ વર્ષ તપ કર્યું હતું. તેમનાં પગલાં અહીં સ્વયંભૂ પ્રગટ્યા છે. અનેક સિદ્ધ લોકો અને દિવ્ય ચેતનાઓ આ સ્થળની મુલાકાત લે છે. ષટકોણ આકાર મંદિરમાં ભગવાન દત્તનાં પગલાં બિરાજે છે. તેમનું સુંદર સ્વરૂપ અને પાદુકાઓ રાખવામાં આવેલી છે. આ સ્થળે એક ઘંટ પણ આવેલ છે. જે ત્રણ વખત વગાડવાની માન્યતા છે.

આ શિખરથી આગળ 'કાલકા ટુંક' આવેલી છે. ત્યાં જવા માટે પગથિયાં નથી, પુર્વ બાજુની આ ટુંક ઉપર કાલિકામાતાનાં બેસણા છે. જેના દર્શન અહીંથી કરવા પડે છે. આ દત્તાત્રેય ટુંકથી સંપુર્ણ વિહંગ દ્રશ્ય થાય છે. દુર તળેટી માળવેલો, બોરદેવી, ગબ્બરનો ડુંગર જોઈ શકાય છે. આમ ગિરનારનાં એક છેડે ગુરૂદત્તનાં બેસણા છે, તો નૈઋત્યમાં જમિયલશા દાતારનું આસન છે. અહીંથી ઉતરવા માટે પરત ફરવાનું હોય છે. ઉતરતી વખતે લગભગ બપોર પછીનો સમય થઈ ગયો હોય છે જેથી તડકાનો તાપ પણ વધારે લાગે છે. જેથી થાક ખાતા ખાતા નીચે ઉતરાણ થાય છે. જે દરમિયાન ઘણા સ્થળો જોવાના બાકી રહી ગયા હોય તો જોતા જવાય છે.

મીરા દાતાર

ફેરફાર કરો

ગિરનારનાં એક છેડે ગુરૂદતના બેસણાં છે, તો નૈઋત્યમાં પ્રુથ્વીની સપાટીએથી ૨૭૫૦ ફુટની ઉંચાઈએ મીરા દાતારની જગ્યા આવેલી છે. ત્યાં જમિયલશા દાતારનું આશન છે. કહેવાય છે કે જમિયલશા ઈરાનથી સિંધ થઈને ઈ.સ.૧૪૭૦ માં અહીં આવીને વસ્યા હતા. આ દાતારની જગ્યાની પાછળ નવનાથનો ધુણો આવેલો છે. મીરા દાતારની જગ્યાએ હિંદુ, મુસલમાન અને દરેક કોમનાં શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવે છે. જયાં આજથી ૫૦ વર્ષ પહેલા ત્યાંના મહંત પટેલ બાપુએ શરૂ કરેલ અન્નક્ષેત્ર હજુ પણ ચાલુ છે. જયાં કોઈ પણ જાતનાં ભેદભાવ વગર પ્રસાદ આપવામાં આવે છે. તેમજ આ જગ્યા તરફથી ગિરનારમાં દર વર્ષે યોજાતી પરિક્રમામાં ભક્તોને જમવાની વિનામુલ્યે વ્યવસ્થા કરવામાં આવે છે. આ તમામ વ્યવસ્થા હાલનાં મહંત શ્રી તરફથી કરવામાં આવે છે. એક ભજનમાં પણ દાતારનો મહીમા ગાવામાં આવ્યો છે કે, ઉંચો છે ગરવો દાતાર, નીચે છે જમિયલશા દાતાર.

અન્ય સ્થળો

ફેરફાર કરો

અશોકનો શિલાલેખ

ફેરફાર કરો

અશોકનો શિલાલેખ જુનાગઢથી ગિરનારનાં દર્શને જતા રસ્તામાં જમણી બાજુએ એકાદ કિલોમીટરે આવતુ પ્રથમ ઐતિહાસીક સ્થળ છે. આ શિલાલેખ મૌર્ય વંશમાં થયેલ અશોકના નામથી પ્રચલિત છે. આ ૭૫ ફુટનાં ઘેરાવામાં આશરે ૨૨૦૦ વર્ષથી પડેલા ઇતિહાસના અમુલ્ય વારસા સમ્રાટ અશોકનાં શિલાલેખમાં ૧૪ આજ્ઞાઓ કોતરેલી છે. તેમાં યજ્ઞ કે શિકાર માટે પશુવધ ન કરવાનો, માણસો અને જનાવરો માટે ઔષધિઓનું વાવેતર કરવાનો, લોકોને ધર્મ બરાબર પાળવાનો, મિત્રો, બ્રાહ્મણો અને શ્રમણોનો સત્કાર કરવાનો, દરેક ધર્મ અને સંપ્રદાય પ્રત્યે સહિષ્ણુતા કેળવવાનો એમ વિવિધ ઉપદેશ અપાયા છે. ૨૨૦૦ વર્ષથી સચવાયેલ આ શિલાલેખને અત્યારે ભારત સરકારનાં પુરાતન વિભાગ દ્વારા સાચવવામાં આવ્યો છે. અને તેની દેખરેખ નીચે છે.

દામોદર કુંડ

ફેરફાર કરો
 
દામોદર કુંડ

જુનાગઢ શહેરથી ત્રણેક કિલોમીટર ગિરનાર તરફ જતા માર્ગે પુરાણપ્રસિદ્ધ પ્રાચીન તીર્થ દામોદર કુંડ આવેલ છે, જેનું પૌરાણિક નામ બ્રહ્મકુંડ હતું. ત્યાં બ્રહ્માએ યજ્ઞ કર્યો હોવાથી આ તીર્થને પ્રાચીનકાળમાં બ્રહ્મકુંડ તરીકે ઓળખવામાં આવતું. દામોદરકુંડની ઉત્તરમાં કુમૂદ પર્વત આવેલો છે જેનું બીજું નામ ‘અશ્વત્થામા પર્વત’ કહેવાય છે. સાત ચિરંજીવમાનાં એક અશ્વત્થામા પ્રતિદિન પ્રાત:કાળે બ્રહ્મમુહૂર્તમાં સંધ્યાવંદન કરવા આ તીર્થમાં આવે છે તેવી મુમુક્ષુઓની અનુભૂતિ છે. આદિ ભક્ત કવિ તેમજ સંતશિરોમણી શ્રી નરસિંહ મહેતા ગામમાંથી ચાલી પ્રતિદિન પ્રાત:કાળે દામોદર તીર્થમાં બારેમાસ સ્નાન કરવા આવતા તેમજ અહીં દામોદર મંદિરમાં બેસી અખંડ ભજન અને ભક્તિ કરતા. તેમજ આ કુંડની બરોબર સામે જ શ્રી રાધા દામોદરજીનું ખૂબજ પૌરાણિક અને જુના સમયનું ઐતિહાસીક મંદિર આવેલું છે.

આ દામોદર કુંડ સાથે શ્રી દામોદરરાયે નરસિંહ મહેતાનું રૂપ ધારણ કરીને ભાદરવા વદ-૫ ને શનિવારે (શ્રાદ્ધ પક્ષ)ના દિને નરસિંહ મહેતાના પિતાનું શ્રાદ્ધ સરાવી તર્પણ કરેલું હતું. કાલયવન રાક્ષસના નાશ માટે શ્રી કૃષ્ણ રણ છોડીને ભાગ્યા એટલે રણછોડ કહેવાયા અને ત્યારબાદ તેઓ સદેહે આ પાવન તીર્થ પર પધાર્યા હતા. એક લોકવાયકા અનુસાર ભગવાન શ્રી કૃષ્ણનાં અસ્થીનું વિસર્જન પણ તેમનાં પૌત્ર અનિરુદ્ધજીના હસ્તે આ કુંડમાં કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત ગુજરાતનાં ઘણાખરા પ્રદેશમાંથી લોકો પોતાના સ્વજનનાં અસ્થી પધરાવવા હરદ્વારમાં ગંગાનદીમાં પધરાવવા ન જઈ શકે તે લોકો દામોદર કુંડમાં અસ્થી પધરાવે છે. આસપાસનો આખો પ્રદેશ ખૂબ હરિયાળો શાંત અને પવિત્ર છે. જુદા જુદા ધર્મનાં સંતોએ પણ આ દામોદર કુંડમાં સ્નાન કરીને ધન્યતા અનુભવેલ છે. જેમાં કવિશ્રી નરસિંહ મહેતા, સ્વામિનારાયણ સંપ્રદાય નાં આદ્ય સ્થાપક શ્રી સ્વામિનારાયણ ભગવાન (સહજાનંદ સ્વામી/શ્રીજી મહારાજ) કે જેઓએ પોતાના સ્વમુખેથી ભગવાન શ્રી દામોદરજીને શ્રીમદ્ ભાગવત સપ્તાહ સંભળાવેલ હતી. વીરપુરનાં સંતશ્રી જલારામ બાપા, સતાધારનાં સંતશ્રી આપાગીગા તેમજ શ્રી વેલનાથજી વગેરે સંતોએ આ કુંડમાં સ્નાન કરેલ છે. એટલે કે આ તીર્થમાં ૯ નાથ, ૮૪ સિધ્ધ, ૬૪ જોગણી, ૫૨ વીર અને ૬૮ તીરથ નો વાસ રહેલો છે. જેથી અહીં સ્નાન કરીને બધા પવિત્રતા અનુભવે છે.

ઉડનખટોલા

ફેરફાર કરો

૨૫ ઓક્ટોબર ૨૦૨૦ ના દિવસથી ગિરનાર પર્વત પર ઉડનખટોલા/રોપ-વેનું સંચાલન શરુ થયું છે. રોપ-વેમાં ભવનાથ તળેટીથી શરુ કરીને અંબાજી ટૂંક સુધી પ્રવાસ કરતા આઠ મિનિટનો સમય લાગે છે. તેનો ટીકીટના દર ૭૦૦ રૂ. રીટર્ન ટીકીટના અને ૪૦૦ રૂ એક તરફી પ્રવાસના રાખવામાં આવ્યા છે.[]

પૂરક વાચન

ફેરફાર કરો
  • સંજય ચૌધરી (૨૦૦૯). ગિરનાર. રંગદ્વાર પ્રકાશન. ISBN 9380125003.
  1. "પરિક્રમા પહેલા લાખો યાત્રાળુઓ ભવનાથમાં:લીલી પરિક્રમા વિધિવત રીતે શરૂ થાય તે પહેલાં જ એક લાખથી વધુ યાત્રાળુઓ ભવનાથ ખાતે આવતા પરિક્રમાનો ગેટ ખોલાયો". ૩ નવેમ્બર ૨૦૨૨. મૂળ માંથી ૪ નવેમ્બર ૨૦૨૨ પર સંગ્રહિત.
  2. પંડ્યા, જી. બી. (1994). ઠાકર, ધીરુભાઈ (સંપાદક). ગુજરાતી વિશ્વકોશ. VI. અમદાવાદ: ગુજરાતી વિશ્વકોશ ટ્રસ્ટ, અમદાવાદ. પૃષ્ઠ 278.
  3. "ગિરનાર પર્વત પર રોપ-વે". નવગુજરાત સમય. ૨૬ ઓક્ટોબર ૨૦૨૦. પૃષ્ઠ ૫.

બાહ્ય કડીઓ

ફેરફાર કરો