ગુજરાતી લોકો

પારંપરિક રીતે ગુજરાતી ભાષા બોલતું એક ભારતીય જૂથ

પશ્ચિમ ભારતમાં આવેલું ગુજરાત રાજ્ય જે વ્યક્તિઓની માતૃભૂમિ છે, તેવા લોકોને ગુજરાતી કહેવામાં આવે છે. અથવા બીજા શબ્દોમાં કહીએ તો જે લોકો ગુજરાતી ભાષા બોલે છે, તેમને ગુજરાતી કહેવામાં આવે છે.

ગુજરાતી
કુલ વસ્તી
c. ૪ થી ૬ કરોડ
નોંધપાત્ર વસ્તી સાથેના વિસ્તારો
 ભારત: ગુજરાત અને મહારાષ્ટ્ર રાજ્ય૬.૦૦ કરોડ[૧]
 પાકિસ્તાનઓછામાં ઓછા ૧૫,૦૦૦-૧,૦૫,૦૦૦[૨]
 United States૬,૦૦,૦૦૦[૩]
 કેનેડા૧,૧૮,૯૫૦[૪]
ભાષાઓ
ગુજરાતી
ધર્મ
હિંદુ, જૈન, પારસી, ઇસ્લામ (જુઓ ગુજરાતી મુસલમાન), ખ્રિસ્તી

ગુજરાતી લોકો પોતાની રહેણી કરણી, ભાષા, ખોરાક, રીત-રિવાજો, વગેરેને કારણે અલગ તરી આવે છે. ગુજરાતીઓ સામાન્ય રીતે મળતાવડા અને પોતાની સંસ્કૃતિને વળગી રહેનારા લોકો છે, અને તેમનો ખોરાક તેઓ ક્યારેય બદલી શકતા ન હોવાથી, પ્રચલિત ઉક્તિ છે કે, જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત. પ્રસિદ્ધ ગુજરાતીઓમાં સરદાર વલ્લભભાઈ પટેલ, મોહનદાસ ગાંધી, શ્યામજી કૃષ્ણ વર્મા, ધીરુભાઈ અંબાણી, સ્વામી દયાનંદ સરસ્વતી, વિક્રમ સારાભાઈ, સુનીતા વિલિયમ્સ તથા ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને ભારતના હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો સમાવેશ થાય છે.

ફેલાવો ફેરફાર કરો

ભારતમાં ગુજરાતીઓ ફેરફાર કરો

ગુજરાતી લોકો ભારતીય ઉપખંડનાં પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યમાં રહે છે. ઘણા ગુજરાતીઓ ભારતનાં અન્ય રાજ્યો જેવાકે રાજસ્થાન, મહારાષ્ટ્ર, અને મધ્યપ્રદેશ તેમજ રાજધાની દિલ્હી ઉપરાન્ત કેન્દ્ર શાસિત દમણ અને દીવ, દાદરા નગર હવેલીમાં પણ વસવાટ કરે છે. વધુમાં ગુજરાતી ભાષા કચ્છી પ્રજા દ્વારા તેમજ પારસી લોકો - જેમણે સમગ્ર ભારતમાં ગુજરાતને પોતાનું વતન બનાવ્યું છે - દ્વારા પણ બોલવામાં આવે છે. અમદાવાદને ગુજરાતનું આર્થિક પાટનગર, જ્યારે વડોદરાને ગુજરાતનું સાંસ્કૃતિક પાટનગર કહેવામાં આવે છે. ગાંધીનગર એ ગુજરાતનું પાટનગર છે. ગુજરાતના લોકો મુખ્યત્વે હિંદુ (હિંદુ, શીખ, જૈન, બુદ્ધ - ૯૪%) ધર્મ પાળે છે. ભારતનાં બીજા શહેરોમાં પણ ઘણા પ્રમાણમાં ગુજરાતીઓ રહે છે.

અન્યત્ર વસેલા ગુજરાતીઓ ફેરફાર કરો

હિજરતી ગુજરાતી પ્રજા નોંધપાત્ર રીતે સમગ્ર વિશ્વમાં વસે છે. યુ.કે.માં "અંગ્રેજી પૂર્વ આફ્રિકી એશિયાઈ" કોમ એ દેશનિકાલ થયેલ સૌથી મોટી ગુજરાતી વસ્તી છે. અન્ય ગુજરાતીઓની મોટી વસ્તી દક્ષિણ અને પૂર્વ આફ્રિકામાં રહે છે (ખાસ કરીને કેન્યા, ટાન્ઝાનિયા, યુગાન્ડા, દક્ષિણ આફ્રિકા, મડાગાસ્કર, મોઝામ્બીક- આ ભૂતપૂર્વ પોર્ટુગીઝ શાષિત કોલોનીની આઝાદી પછી ગુજરાતીઓ નોંધપાત્ર સંખ્યામાં પોર્ટુગલ સ્થાયી થયાં) અને અગ્નિ એશિયા (મ્યાનમાર, મલેશિયા). ઘણા ગુજરાતીઓ યુનાઇટેડ સ્ટેટ્સ અને કેનેડામાં પણ રહે છે.

યુ.એસ. સેન્સસ બ્યૂરોના જણાવ્યા પ્રમાણે [૫] યુ.એસ.માં ૨૦૦૬માં ૧૪,૧૭,૦૦૦ ઘરોમાં ગુજરાતી, હિન્દી અથવા અન્ય ભારતીય ભાષાઓ (દા.ત. પંજાબી, તમિળ, તેલુગુ) બોલાતી હતી. આમાંથી ગુજરાતી બોલતા લોકોની સંખ્યા ૨,૯૯,૦૦૦ છે, જે સૂચવે છે આશરે ૨૦ ટકા ભારતીય અમેરિકનો ગુજરાતી છે. (આ આંકડામાં કુલ ૩,૨૫,૦૦૦ ઉર્દુ બોલનારા લોકો કે જેઓ સામાન્ય ધારણાં પ્રમાણે મુખ્યત્વે પાકિસ્તાની મૂળના હોઈ શકે છે તેમનો સમાવેશ થતો નથી.) નોંધપાત્ર છે કે આ અંદાજ બીજી કે મોટી ગુજરાતી પેઢી કે જેઓએ એમ ઉલ્લેખ કર્યો છે કે તેઓ મુખ્યત્વે ઘરે અંગ્રેજીમાં વાત કરે છે તેનો સમાવેશ થતો નથી. એક અહેવાલ મુજબ અંદાજે ૪૦% [ભારતીય અમેરિકનો] ગુજરાતી છે, પરંતુ આ સંખ્યા માટે કોઈ પ્રમાણભુત સ્રોત સૂચવાયેલ નથી. મોટા ભાગના પૂર્વ-આફ્રિકન એશિયન લોકો ગુજરાતી છે. ૨૦૧૦ની સાલના પ્રારંભિક આંકડાઓ દર્શાવે છે કે અંદાજે ૧,૦૪,૦૦૦ લોકો કેનેડામાં ગુજરાતી બોલે છે. તેમાંના મોટા ભાગના લોકો ગ્રેટર ટૉરન્ટો વિસ્તારમાં રહે છે, જે ટોરોન્ટોને ઉત્તર અમેરિકામાં આવેલું સૌથી વધુ ગુજરાતી વસ્તીવાળુ શહેર બનાવે છે.[૬]

યુ.કે.માં લંડન અને લિસેસ્ટરમાં બહોળા પ્રમાણમાં ગુજરાતીઓ વસે છે.

ખોરાક ફેરફાર કરો

ખાસ કરીને બહુમતી ધરાવતા હિંદુ અને જૈન ગુજરાતીઓ શાકાહારી છે. ગુજરાતીઓ પણ પારંપરીક ભારતીય ભોજન-શૈલીને અનુસરે છે. તેમાં ભાત, દાળ, રોટલી, શાક, છાસ અને મિઠાઇનો સમાવેશ થાય છે. ગુજરાતીઓ દ્વારા રોટલી વિવિધ પ્રકારથી બનાવવામાં આવે છે. જેમ કે રોટલી, ચપાતી, ભાખરી, પુરી, થેપલા, ઢેબરા, માલપુડા, પુરણ-પોળી (વેડમી), ઘારી, ખાખરા, વગેરે. પણ ગુજરાતી ભોજનમાં ફરસાણનું પણ ખૂબજ મહત્વ છે. જેમાં ખમણ, ઢોકળાં, પાણીપુરી, ઢોકળી, દાળ-ઢોકળી, ઊંધીયુ, ફાફડા, ચેવડો, સમોસા, પાપડી, મુઠીયા, ગાંઠીયા, ભજીયા, બટાકાવડા, પાતરા, ભુસું, સેવ-મમરા વગેરેનો સમાવેશ થાય છે.

ખીચડી - કે જે ચોખા અને મગની દાળનાં મિશ્રણ નું પકવાન છે, તેને થોડા મસાલા અને ધી સાથે પ્રેશર-કુકરમાં રાંધવામાં આવે છે, જે ગુજરાતી થાળીની પ્રસિધ્ધ વાનગી છે અને સામાન્ય રીતે દરેક ગુજરાતી ઘરોમાં બને છે. ખીચડી દાળ, કઢી, દહી, અથાણું, વિવિધ શાક, પાપડ અને દાણાંદાર દેશી ઘી, વગેરે સાથે ખાઈ શકાય છે. તે ઉપરાંત કાઠીયાવાડની જાડી કઢી અને મોળા દાળભાત પણ ઘણા પ્રખ્યાત છે. કેટલીક વાનગીઓતો ગુજરાતની ખાસીયત છે, જેમંકે વાટી દાળના ખમણ, પાટુડી, ખીચું, ઘારી, લોચો, ઉંધીયું, ઉંબાળીયું, વગેરે. આસો માસની પુનમે દુધ-પૌઆ ખાંડ ઉમેરીને ખાય તો ફાગણની પૂનમે ખજૂર-ધાણી-ચણા ખાય. જમ્યા પછી ગુજરાતીઓ મુખવાસ અથવા પાન ખાય છે. આ ઉપરાંત લાપસી: કે જે ઘઉં ના ફાડાં ની ગોળ અને ઘી મિશ્રિત એકદમ સરળ અને ખુબજ સ્વાદિષ્ટ વાનગી પણ એટલી જ મહત્વની છે. કાઠિયાવાડ માં ઘરે કોઈ મહત્ત્વ ની વ્યક્તિ આવે કે કોઈ શુભ પ્રસંગે "લાપસી ના આંધણ" મુકવાનું પણ કહેવામાં આવે છે.

કેટલીક માંસાહારી વાનગીઓ જોઇએ તો તેમાં ઘાંચીઓ દ્વારા બનાવાતું તપેલું અથવા દાલગોશ્ત જે બકરાનાં મટનમાંથી બનાંવાય છે, તે ઉપરાંત પારસીઓ દ્વારા બનાવાતું ઇંડાનું કાચું, સફેદ માછલી અને ડબ્બા ગોસ ગુજરાતમાં અને બહાર પણ ઘણા પ્રસિદ્ધ છે.

ઘીનો ઉપયોગ રસોઇમાં છુટથી થાય છે. ઉદાહરણ તરીકે ભાતમાં, ખીચડીમાં તથા રોટલી પર. ભોજન ચટાકેદાર ફરસાણ વગર અધુરૂં માનવામાં આવે છે. તરલા દલાલ લિખીત ગુજરાતી વાનગીઓનું પુસ્તક તો વિશ્વભરમાં પ્રસિદ્ધ છે જ. ગુજરાતીઓ ખાસ કરીને રસોઇમાં સીંગતેલ નો ઉપયોગ કરે છે. જોકે, જે ગુજરાતીઓ વિદેશમાં વસવાટ કરે છે તેઓ ભોજન બનાવવામાં ત્યાં ઉપલબ્ધ સૂર્યમુખીનાં તેલનો ઉપયોગ કરે છે. પરંપરાગત રીતે મસાલા બનાવવા(ખાંડવા) માટે પત્થર કે લોઢાના બનેલ ખલ-દસ્તાનો ઉપયોગ થાય છે. જોકે આજકાલ, લોકો બ્લેન્ડર અથવા ગ્રાઇન્ડરનો ઉપયોગ કરી મસાલા બનાવે છે. દરેક વ્યક્તિ મસાલા અલગ રીતે બનાવે છે, તેથી સ્વાદ પણ દરેક ઘરમાં અલગ હોય છે. ઉત્તર ગુજરાતના લોકો રસોઇમાં ખાંડેલું સૂકું લાલ મરચું વાપરે છે, જ્યારે દક્ષિણ ગુજરાતના લોકો તેમની રસોઈમાં લીલાં મરચાં અને કોથમીર વધારે પસંદ કરે છે. ગુજરાતી જૈનો (અને ઘણા હિન્દુઓ) તેમની રસોઈમાં લસણ અને ડુંગળીનો ઉપયોગ કરતાં નથી. પરંપરાગત રીતે ગુજરાતી ભોજનની અંતે મુખવાસ અથવા પાન ખવાય છે. ગુજરાતનાં ઘણા ભાગોમાં, બપોરના ભોજનમાં છાસ લેવામાં આવે છે. રાત્રી ભોજન પછી દૂધ અથવા સોડા પીવાનુ ચલણ પણ હવે વધતું જાય છે. ગુજરાતી પરિવારો શરદ પુર્ણિમાની રાત ચંદ્ર પ્રકાશમાં દુધ-પૌંવા આરોગીને ઉજવે છે.

ગુજરાતી ભોજનમાં ઘણી બધી વાનગીઓ આરોગવાનો લ્હાવો લેવા જેવો છે. ગુજરાતીઓ ખાવાના શોખીન માનવામાં આવે છે, ખાસ કરીને અમદાવાદ અને સુરતના લોકો.

પહેરવેશ ફેરફાર કરો

ભારતીય ઘરેણા જેવા કે મંગળસુત્ર, હાર, નથ, કાનનાં ઝુમ્મર, બંગડીઓ તથા વિંટી, વિંટલા, કંદોરો જેવા તમામ ધરેણાઓ ગુજરાતીઓ પહેરે છે. ખાસ કરીને ઘરેણાં ૨૨ કેરેટ સોનાં ના બનેલા હોય છે. લગ્ન દરમ્યાન એક ગુજરાતી દુલ્હન ઘણાં બધા ઘરેણાં પહેરતી હોય છે, જે હિંદુ લગ્નમાં સામાન્ય વાત છે. પુરૂષો ખાસ કરીનેં ચેન અનેં વિંટી પહેરતા હોય છે.

વર્ષો પહેલા પરણિત ગુજરાતી સ્ત્રી માથે લાલ કંકુ નો ચાંદલો કરતી પણ આધુનિક સમયમાં તે ફેશનમાં ન હોવાથી તેનો પ્રસંગો સિવાય કયારેક ઉપયોગ થતો નથી, આજે સ્ટીકર બિંદીનો ઉપયોગ થાય છે જે અલગ અલગ આકાર અને રંગો માં મળે છે. પ્રસંગો અનુસાર પુરૂષો અને સ્ત્રીઓનાં પહેરવેશમાં ઘણી વિવિધતા જોવા મળે છે. સામાન્ય રીતે પુરૂષો પેન્ટ અને શર્ટ, જીન્સ અને ટી-શર્ટ પહેરે છે. જ્યારે સ્ત્રીઓ સાડી, સ્કર્ટ, જીન્સ, ટી-શર્ટ, કુર્તા, સલવાર કમીઝ વગેરે પહેરે છે. આમ જોવા જઇએ તો પારંપરીક પહેરવેશમાં પુરૂષો ધોતી અને ઉપર કુર્તા પહેરતા હોય છે. સ્ત્રીઓ પ્રસંગો અનુસાર વિવિધ પેટર્ન અનેં કિંમતની સાડી પહેરે છે. ગુજરાતનું એક પ્રસિધ્ધ પહેરવેશ ધોતી ગાંધીજી દ્વારા પ્રસિધ્ધ થયેલું છે.

લિપિ ફેરફાર કરો

અ આ ઇ ઈ ઉ ઊ એ ઐ ઓ ઔ અં અઃ

્ ા િ ી ુ ૂ ૃ ે ૈ ૉ ૌ ં ઃ

ક ખ ગ ઘ ઙ ચ છ જ ઝ ઞ ટ ઠ ડ ઢ ણ ત થ દ ધ ન પ ફ બ ભ મ ય ર લ વ સ શ ષ હ ળ ક્ષ જ્ઞ

૦ ૧ ૨ ૩ ૪ ૫ ૬ ૭ ૮ ૯

ઇતિહાસમાં ઉલ્લેખ ફેરફાર કરો

લ્યુડોવિકો દી વર્થેમા (Ludovico di Varthema) (૧૫મી સદી) જેવા પ્રારંભિક યુરોપીયન પ્રવાસીએ ગુજરાત પ્રવાસ કરી ગુજરાત લોકો વિશે લખ્યું હતું. તેણે નોંધ્યું છે કે જૈન ધર્મની ગુજરાતમાં મજબૂત હાજરી હતી.

...અમુક લોકો જેમાં લોહી હોય તેવું કશું જ ખાતા નથી, ક્યારેય કોઇ જીવિત વસ્તુને મારતા નથી...and these people are neither moors nor heathens… if they were baptized, they would all be saved by the virtue of their works, for they never do to others what they would not do unto them.

સાહિત્ય ફેરફાર કરો

ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ ઇ.સ. ૧૦૦૦માં જોવા મળે છે. ત્યાર થી અત્યાર સુધી ગુજરાથી સાહિત્યમાં અનેક ઘણો વિકાસ થયો છે. હેમચંદ્રાચાર્ય, નરસિંહ મહેતા, મીરાંબાઈ, અખો, પ્રેમાનંદ ભટ્ટ, શામળ ભટ્ટ, દયારામ, દલપતરામ, નર્મદ, ગોવર્ધનરામ ત્રિપાઠી, ગાંધીજી, કનૈયાલાલ મુનશી, ઉમાશંકર જોષી, સુરેશ જોષી, પન્નાલાલ પટેલ, મનુભાઈ પંચોળી 'દર્શક' અને રાજેન્દ્ર શાહ ગુજરાતી સાહિત્યના જાણીતા સાહિત્યકારો છે.

કવિ કાન્ત અને કલાપી ગુજરાત ના વિખ્યાત કવિઓ છે.

ગુજરાત વિદ્યા સભા, ગુજરાત સાહિત્ય સભા, અને ગુજરાતી સાહિત્ય પરિષદઅમદાવાદ સ્થિત સાહિત્ય સંસ્થાઓ છે કે જે ગુજરાતી સાહિત્યનો પ્રચાર-પ્રસાર કરે છે સરસ્વતીચંદ્રગોવર્ધનરામ ત્રિપાઠી લિખિત સીમાચિહ્નરૂપ નવલિકા છે. લેખકો જેવા કે સુરેશ દલાલ, જ્યોતીન્દ્ર દવે, તારક મહેતા, હરકિશન મહેતા, ચંદ્રકાંત બક્ષી, રઘુવીર ચૌધરી, ભોળાભાઈ પટેલ, વિનોદ ભટ્ટ, કાન્તિ ભટ્ટ, મકરંદ દવે, અને વર્ષા અડાલજાએ ગુજરાતી વિચારકો પર પ્રભાવ પાડ્યો હતો.

ગુજરાતી થિયેટર ભવાઇનું ઘણો ઋણી છે. ભવાઇ એ સંગીતમય નાટકનો એક પ્રકાર છે. કેતન મહેતા અને સંજય લીલા ભણસાલીએ ભવાઇનો કલાત્મક ઉપયોગ ફિલ્મો જેવી કે ભવની ભવાઇ, ઓહ ડાર્લિંગ! યે હૈ ઇન્ડિયા અને હમ દિલ દે ચુકે સનમમાં કરવાની શોધ કરી. ડાયરો (મહેફિલ) એ ગાયન અને માનવ સ્વભાવ પર અસર કરે તેવી વાતચીત કે ચર્ચાને સાંકળે છે.

કલા અને મનોરંજન ફેરફાર કરો

ગુજરાતી સિનેમા ઉદ્યોગમાં અરવિંદ ત્રિવેદી, ઉપેન્દ્ર ત્રિવેદી, રમેશ મહેતા, સ્નેહલતા, રાગીણી, મહેશ કનોડિયા, નરેશ કનોડિયા, અરૂણા ઇરાની અને અસરાની તથા હાલમાં હિતેન કુમાર, આનંદી, હિતુ કનોડિયા, શૈલેન્દ્ર ઠાકોર વગેરે જાણીતા કલાકારો છે.

સંદર્ભ ફેરફાર કરો

  1. Languages of India, Ethnologue.com (retrieved 30 October 2007)
  2. http://www.ethnologue.com/show_language.asp?code=guj
  3. ક્ષત્રિય કારડીયા રાજપુત રક્ત શુદ્ધ રાજપૂત તરીકે પણ જાણીતા છે,
  4. https://www12.statcan.gc.ca/nhs-enm/2011/dp-pd/prof/details/page.cfm?Lang=E&Geo1=PR&Code1=01&Data=Count&SearchText=canada&SearchType=Begins&SearchPR=01&A1=Non-official%20language&B1=All&Custom=&TABID=1
  5. http://www.census.gov/compendia/statab/tables/09s0052.pdf
  6. ક્ષત્રિય કારડીયા રાજપુત રક્ત શુદ્ધ રાજપૂત તરીકે પણ જાણીતા છે,

વધુ માહિતી ફેરફાર કરો

  • ઝવેરી, કૃષ્ણલાલ મોહનલાલ (સંપા.) (૨૦૦૩), The Gujaratis: The People, Their History, and Culture, નવી દિલ્હી: કોસ્મો પબ્લિકેશન્સ .